સાંસ્કૃતિક અને ધાર્મિક ભિન્નતા સંઘર્ષનું મુખ્ય કારણ બની રહી છે


મુખ્યત્વે શાંત દેશ મનાતાં શ્રીલંકામાં જે રીતે ખ્રિસ્તીઓને ટાર્ગેટ કરીને આતંકવાદી હુમલો કરવામાં આવ્યો તેનાથી વાતને સમર્થન મળે છે કે, વર્તમાન સમયમાં સૌથી મોટો પડકાર કટ્ટરતા છે, જે બે સભ્યતાઓને એકબીજાની સામે લોહિયાળ સંઘર્ષ માટે ઉભા કરી દે છે.



શીતયુદ્ધ બાદ અમેરિકન રાજ્યશાસ્ત્રી હટિંગ્ટને કહ્યું હતું કે આગામી સમયમાં દુનિયામાં ઘર્ષણનું કારણ દેશો વચ્ચે વિચારધારાનો મતભેદ નહીં પણ બે મોટી સભ્યતાઓ વચ્ચેની સાંસ્કૃતિક અને ધાર્મિક ભિન્નતા હશે. હટિંગ્ટનનો વિચાર પછીથી સ્ટ્રગલ ઓફ સિવિલાઈઝેશન્સ નામે જાણીતો થયો હતો.  હાલ વિશ્વભરમાં આતંકવાદની સમસ્યા જે રીતે જોર પકડી રહી છે અને દુનિયાનાં મોટાભાગનાં દેશો આતંકવાદથી પિડીત છે જોતાં હટિંગ્ટનનો વિચાર સાચો પડી રહ્યો હોય તેમ લાગે છે. આજે સ્પષ્ટ લાગે છે કે કોઈ દેશ કે વિચારધારાથી અલગ લોકોની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ સંઘર્ષોનું મુખ્ય કારણ બનતી જઈ રહી છે. મુખ્યત્વે શાંત દેશ મનાતાં શ્રીલંકામાં જે રીતે ખ્રિસ્તીઓને ટાર્ગેટ કરીને આતંકવાદી હુમલો કરવામાં આવ્યો તેનાથી વાતને સમર્થન મળે છે કે, વર્તમાન સમયમાં સૌથી મોટો પડકાર કટ્ટરતા છે, જે બે સભ્યતાઓને એકબીજાની સામે લોહિયાળ સંઘર્ષ માટે ઉભા કરી દે છે. કથિત ઈસ્લામિક ઉગ્રવાદીઓએ ખ્રિસ્તીઓનાં તહેવાર ઈસ્ટરને બિલકુલ રીતે નિશાન બનાવ્યો, જે રીતે ગયા મહિને ન્યૂઝિલેન્ડમાં મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં. મુસ્લિમોને જુમ્માની નમાઝનાં દિવસે મસ્જિદમાં નિશાન બનાવવામાં આવ્યો, તો શ્રીલંકામાં ઈસ્ટર સન્ડેનાં દિવસે પ્રાર્થના માટે ચર્ચોમાં મોટી સંખ્યામાં એકઠાં થયેલાં ખ્રિસ્તીઓને ટાર્ગેટ કરવામાં આવેલાં.


ન્યૂઝિલેન્ડ અને શ્રીલંકાની ભૌગૌલિક, આર્થિક, રાજકીય અને સામાજિક પરિસ્થિતિમાં આભજમીનનું અંતર છે. તેમ છતાં આતંકવાદી હુમલાઓનાં મૂળમાં સભ્યતાઓનો સંઘર્ષ નજરે ચડી રહ્યો છે.  બીજા વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘની રચના થઈ અને દુનિયાનાં નકશા પર સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતા દેશો અસ્તિત્વમાં આવવા લાગ્યાં. સાથે વૈશ્વિક સંપને કારણે ધાર્મિક કટ્ટરતા ઓછી થવાનાં સંજોગો પણ સર્જાયા. પણ સમયની સાથે અમેરિકા, રશિયા જેવાં શક્તિશાળી દેશો વચ્ચેની દુશ્મનાવટે રાજકીય, સામાજિક અને આર્થિક કારણોથી માનવ વિકાસમાં અવરોધો ઉભા કર્યાં. જુદાજુદા દેશોમાં લોકશાહી રીતે ચુંટાયેલી સરકારો જ સતત રાજકીય સંકુચિતતાને પ્રોત્સાહન આપી રહી છે. આઈએસ અને અલકાયદા જેવા આતંકી સંગઠનો આ પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવીને વિશ્વને મધ્યયુગીન સંઘર્ષ તરફ ધકેલવામાં સફળ પણ થતાં દેખાઈ રહ્યાં છે. શ્રીલંકામાં આતંકી હુમલા બાદ આઈએસે એનાં મીડિયા પોર્ટલ થકી હુમલાઓની જવાબદારી લીધી હતી. એમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જે હુમલાખોરોએ શ્રીલંકાનાં ખ્રિસ્તીઓને ટાર્ગેટ કર્યાં હતાં તેઓ આઈએસ સાથે જોડાયેલાં હતાં. ન્યૂઝિલેન્ડની ઘટનામાં હત્યારાએ મુસ્લિમો પ્રત્યે જે નફરત બતાવી હતી તેને દુનિયાનાં અનેક દેશોમાં દક્ષિણપંથીઓએ વ્યાજબી ઠેરવવાનાં પ્રયત્નો કર્યાં હતાં. આ બિલકુલ એવું જ હતું, જ્યારે અમેરિકા પર હુમલા વખતે અનેક મુસ્લિમ દેશોમાં ઉજવણી કરવામાં આવી હતી અને ફટાકડાં ફોડવામાં આવ્યાં હતાં.

આ ઘટનામાં એ સ્પષ્ટ નજર આવે છે કે દુનિયામાં સભ્યતાઓની આંતરિક દુશ્મનાવટ નફરત અને ગાંડપણનાં સ્વરૂપમાં વધતી જઈ રહી છે અને સમાજનો ભણેલો-ગણેલો વર્ગ પણ ધર્માંધતાની જાળમાં ખરાબ રીતે ફસાઈને આતંકી વ્યવહાર તરફ આગળ વધી રહ્યો છે. આધુનિક સમાજમાં લોકશાહીનાં બધાં જ તર્કો પર ધર્માંધતા હાવી થતી દેખાઈ રહી છે અને તેને રોકવા માટે વૈશ્વિક સ્તરે કોઈ પ્રયત્ન નથી થઈ રહ્યો. સભ્યતાઓનાં આ સંઘર્ષને પ્રોત્સાહન આપવામાં ઈન્ટરનેટનો ફાળો મુખ્ય છે. ડિજિટલ દુનિયાનાં આતંકી જોડાણમાંથી નીકળેલાં કટ્ટર ધાર્મિક આતંકીઓ હુમલાને અંજામ આપી રહ્યાં છે. હકીકતે વર્તમાન સમયમાં સુરક્ષાની સૌથી મોટી ચેલેન્જ ડિજિટલ દુનિયામાંથી ઉદ્દવેલો આતંકવાદ છે. જે ઈન્ટરનેટ થકી બેલગામ થઈને જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ધર્મનાં આધારે ભરમાવીને આઈએસ અને અલકાયદા જેવા આતંકી સંગઠનોએ યુવાનોને ખતરનાક લક્ષ્યો તરફ વાળવામાં કુશળતા પ્રાપ્ત કરી લીધી છે. જેમાંથી યુવાનોને બચાવવાની જરૂર છે. અનેક દેશોએ વૈશ્વિક ધર્મગુરૂઓ અને કાયદાનાં નિષ્ણાતોની મદદ લીધી છે. તેઓ હિંસક જેહાદ અને ભોળવાયેલાં જેહાદીઓથી યુવાનોને દૂર રહેવા અપીલ કરે છે. 

હાલ સોશિયલ મીડિયા પર કટ્ટરપંથનો પ્રચાર રોકવો દુનિયા સામે સૌથી મોટી સમસ્યા છે. સોશિયલ મીડિયાનો દુરઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપે છે. જેને લઈને કોઈ વૈશ્વવ્યાપી યોજના પર કામ કરવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સામૂહિક સુરક્ષાનાં ખ્યાલને મહત્વનો માનવામાં આવે છે. જુદાંજુદાં દેશો પોતાની સુરક્ષા માટે બીજા સમાન વિચારોવાળાં દેશો સાથે મળીને કામ કરે છે. સંકટ સમયે કે યુદ્ધ મોરચે એકબીજાંની સાથે હોય છે. યુએન, નાટો, સિઆટો જેવાં સંગઠનો આર્થિક, સામાજિક અને રાજકીય હિતોને લઈને સાથે રહ્યાં છે, પણ આમાંથી કોઈ સંગઠન સાંસ્કૃતિક સમન્વય સ્થાપિત કરવામાં સફળ થયું નથી. આજે તેની જ સૌથી વધુ જરૂર છે. શ્રીલંકાની કુલ વસ્તીમાં મુસ્લીમોની વસ્તી માત્ર 9.7 ટકા છે. હવે ત્યાં સ્ત્રીઓએ બુરખો પહેરવા પર પણ પ્રતિબંધ લાદી દેવાયો છે. હુમલા બાદ એમનું જીવવું દુષ્કર થઈ ગયું છે. હવે તેઓ સ્થાનિક સરકારની નજર હેઠળ અને અન્ય ધર્મનાં લોકોનાં નિશાન પર હશે. એ સ્થિતિમાં લોકોએ સમજવું પડશે કે દુનિયાનું ભવિષ્ય એનાથી નક્કી થશે કે આપણામાં શું સમાનતા છે, નહીં કે આપણામાં શું ભિન્ન છે.

Comments