પાટનગરનાં ફૂટપાથ પર ‘પ્રભુની પાઠશાળા’ !
![]() |
| 'પ્રભુની પાઠશાળા'ની ટીમ |
એકની પીડાં બીજાં માટે તમાશો બની ચૂકી છે એવાં આજનાં જમાનામાં તદ્દન નિઃસ્વાર્થ ભાવે કોઈ કાર્ય થતું હોય, તેવું માનવા આપણું મન પહેલી નજરે તો તૈયાર ન જ થાય. એમાં પણ વાત જ્યારે મફત શિક્ષણની હોય ત્યારે તો ખાસ. શિક્ષણ આજે જ્યારે ઉઘાડી લૂંટનું સાધન બની ગયું છે ત્યારે ગાંધીનગરમાં એક રિક્ષાચાલક દ્વારા ચાલતી ફૂટપાથ શાળા શિક્ષણમાફિયાઓને ફેરવિચારણવા કરવા મજબુર કરે છે...
કોઈ સારું કામ શરૂ કરવા માટે રૂપિયા કરતાં પણ જરૂરી હોય છે દ્રઢ ઈચ્છાશક્તિ. પૈસા તો પછી આવે, એ પહેલાં તમે જે કામ હાથ પર લો છો, તેને પૂર્ણ કરવા માટે કેટલી મજબૂત ઈચ્છાશક્તિ ધરાવો છો તે મહત્વનું છે. કેમ કે તેનાં પર જ તેની સફળતા કે નિષ્ફળતાનો આધાર રહેલો હોય છે. આ તર્ક આમ તો અનેક વખત કસોટીની એરણે સિદ્ધ થઈ ચૂક્યો છે, છતાં વધુ એક વખત જમીની સ્તરે ફળિભૂત થતો જાવો હોય તો ગાંધીનગરનાં સેક્ટર-૩નાં એક ફૂટપાથ પર ચાલતી શાળાની મુલાકાત લઈ લેવી.
છેલ્લાં ત્રણ વર્ષથી નિયમિત દરરોજ સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી ચાલતી આ ફૂટપાથ શાળા વાલ્મિકી સમાજમાંથી આવતાં પ્રભુભાઈ કબીરા અને તેમનાં પડોશી હસુમતિબહેન તથા સંજયભાઈની સતત મહેનતું પરિણામ છે. પ્રભુભાઈ ઓટોરિક્ષા ચલાવે છે, હસુમતિબહેન સચિવાલયમાં કોન્ટ્રાક્ટ પરનાં કમ્પ્યુટર ઓપરેટર છે, જ્યારે તેમનાં પતિ સંજયભાઈ કૅબ ચલાવે છે. અતિ સામાન્ય પરિવારનાં આ ત્રણેયની ઈચ્છાશક્તિ એટલી મજબૂત છે કે આજે પણ કામેથી આવીને તેઓ આસપાસની ઝુંપડપટ્ટીમાં રહેતાં ગરીબ બાળકોને ખુદની રિક્ષા અને કૅબ લઈને સ્કૂલવાનની જેમ લેવા જાય છે. હસુમતિબહેન ઓફિસેથી છુટીને સીધાં ઘેર જવાને બદલે પહેલાં આ ફૂટપાથ શાળામાં આવતાં ગરીબ બાળકોને ભણાવે છે. ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલી આ શાળામાં આજે ૮૦થી વધુ બાળકો ભણે છે. મજાની વાત એ છે કે ત્રણેય લોકો અતિ સામાન્ય પરિવારમાંથી આવે છે, છતાં એકપણ રૂપિયો બીજાં કોઈ પાસેથી દાનમાં લીધાં વિનાં તેઓ આ સેવાકાર્ય કરી રહ્યાં છે. જે તેમની ખુદ્દારી દર્શાવવા માટે પુરતું છે.
![]() |
| પ્રભુભાઈ દરરોજ આ રીતે પોતાની ઓટોરિક્ષા લઈને ગરીબ બાળકોને શાળાએ લાવવા અને મૂકવા માટે જાય છે. |
આ ફૂટપાથ શાળાની મુલાકાત લો એટલે તરત મસમોટો વિરોધભાસ તમારું ધ્યાન ખેંચે. ફૂટપાથ પર ચાલતાં તેમનાં ફ્રી ક્લાસિસની બરાબર સામેની બિલ્ડીંગમાં ઓછામાં ઓછાં ચાર ખાનગી ટ્યુશન ક્લાસિસ ધમધમે છે. જે વિકસીત ગુજરાતમાં શિક્ષણની શું દશા થઈ છે તેની ચાડી ખાય છે. આ વિરોધાભાસને કારણે દરરોજ સાંજ પડ્યે અહીં વિચિત્ર દ્રશ્યો જોવા મળે છે. એક તરફ પ્રભુભાઈ અને સંજયભાઈ પોતાની રિક્ષામાં ગરીબ બાળકોને એમનાં ઘેરથી પિક અપ કરીને અહીં લઈ આવતાં હોય, બીજી તરફ માલેતુજારોનાં બાળકો ખાનગી ટ્યુશન ક્લાસીસનાં એ.સી. રૂમનાં પગથિયાં ચડતાં હોય. એક તરફ ગરીબ બાળકો પાસે પહેરવાં સારાં કપડાં પણ ન હોય, બીજી તરફ પૈસાદાર માબાપો પોતાનાં બાળકોને કાર કે સ્કૂટર પર મૂકવાં આવ્યાં હોય. ફૂટપાથ શાળાનાં બાળકોની ભૂખી હોજરીઓ આસપાસની લારીઓ પર વેચાતા નાસ્તાઓ તરફ તાકી રહી હોય, સામે ખાનગી ટ્યૂશનમાંથી છુટતાં બાળકો ભેળપુરી, પાણીપુરી કે ચટાકેદાર દાબેલી આરોગતાં હોય. આવા તો બીજા પણ અનેક વિરોધાભાસો અહીં જાવા મળે છે.
![]() |
| અહીં એક તરફ બિલ્ડીંગમાં ખાનગી ટ્યુશન ક્લાસો ધમધમે છે, બીજી તરફ પ્રભુભાઈની ટીમ ફૂટપાથ પર ગરીબ બાળકોને સ્ટ્રીટ લાઈટને સહારે ભણાવે છે. |
ગરીબ બાળકો માટે ક્લાસીસ શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તેની વાત કરતાં પ્રભુભાઈ કબીરા કહે છે, “પહેલાં હું વનવિભાગમાં રોજમદાર ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. ઓછું ભણેલો હોઈ વળતર પણ એવું જ મળતું હતું. માંડ ૧૦૦ રૂપિયા મળતાં. એ નોકરી ૨૦૧૫માં છુટી ગઈ એટલે બેકાર બની ગયેલો. હું ઓછું ભણેલો હોવાથી બીજે ક્યાંય મને નોકરી મળી નહીં. એટલે આખરે ગુજરાન ચલાવવા મેં મિત્રો પાસેથી નાણાં ઉછીનાં લઈને આૅટોરિક્ષા ખરીદીને ચલાવવી શરૂ કરી દીધી. રિક્ષામાં આખું ગાંધીનગર ફરવાનું થતું. એ વખતે મેં જોયું કે મારી આસપાસનાં વિસ્તારમાં અનેક ગરીબ બાળકો શિક્ષણથી વંચિત હતાં અથવા તો ગરીબીને કારણે ભણતર અધુરું છોડી દેવું પડતું હતું. આજનાં જમાનાંમાં ભણ્યાં ન હોય તો શું હાલત થાય તે મેં સ્વયં અનુભવ્યું હતું. મને ખ્યાલ હતો કે આજે બધાં બાળકોને શાળા ઉપરાંત ટ્યૂશન ક્લાસિસની પણ જરૂર પડે છે. પણ ગરીબ માબાપ પાસે એટલાં રૂપિયા હોતાં નથી કે તેઓ પોતાનાં બાળકોને ખાનગી ટ્યૂશન અપાવી શકે. આથી અમે એવાં બાળકો માટે શાળા શરૂ કરવાનું વિચાર્યું. હસુમતિબહેન સારું એવું ભણેલાં હોઈ
તેમને વાત કરી. તેમનાં પતિ સંજયભાઈને પણ મારો વિચાર જણાવ્યો. બંને બહુ રાજી થયાં. આમ બીજા જ દિવસે અમે વિચારને અમલમાં મૂક્યો અને મારાં ઘરની બહાર સરકારી વીજળીનાં થાંભલાની નીચે બત્તીનાં અજવાળે જ શાળા શરૂ કરી. ધીમેધીમે બાળકોની સંખ્યા વધતી ગઈ એટલે અમે આૅટોરિક્ષા અને કૅબ લઈને દરરોજ તેમને લેવાં-મૂકવાં જવાનું શરૂ કર્યું. આજે અમારી મહેનત રંગ લાવતી દેખાય છે. કેમ કે ૮૦ જેટલાં ગરીબ બાળકો અહીં ભણવા આવે છે.”
![]() |
| 80 જેટલાં ગરીબ બાળકો અહીં ફૂટપાથ પર વેકેશન વિનાં ભણતાં રહે છે. |
આ ફૂટપાથ શાળાનું ટાઈમટેબલ સમજાવતાં હસુમતિબહેન ધમેરિયન કહે છે, “ અમારી શાળામાં આવતાં મોટાભાગનાં બાળકો સેક્ટર-૩ અને ૪ માંથી આવે છે. તેમનાં મા-બાપ છૂટક મજૂરી અથવા તો ઘરઘાટી તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં હોઈ અમારાં પર તેમને ભણાવવાની વિશેષ જવાબદારી છે. ઉપર આભ અને નીચે ધરતી જેવી અમારી શાળા સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી ચાલે છે. અહીં ભણવા આવતાં બાળકો દિવસે સરકારી શાળાઓમાં જાય છે અને સાંજે અહીં આવે છે. મારા પતિ સંજયભાઈ અને સાથીમિત્ર પ્રભુભાઈ પોતાની કૅબ અને આૅટોરિક્ષામાં તેમને લેવા-મૂકવા જાય છે. હવે તો બીજાં રિક્ષાવાળાં પર તેમાં જોડાયાં છે એટલે ફેરાં ઘટ્યાં છે. બાકી અગાઉ ૮૦ બાળકોને લેવા-મૂકવા જવામાં ત્રણેક ફેરાં થઈ જતાં. અમારી શાળામાં કદી વેકેશન પડતું નથી, માત્ર રવિવારની રજા રાખીએ છીએ જેથી બાળકો રિલેક્સ રહે. બધાં ભેગાં બેસીને ભણે છે જેથી એકબીજાંનો પરિચય થાય. અમે તેમને ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન જેવા મહત્વનાં વિષયોની પ્રેક્ટિસ કરાવીએ છીએ. એ ,સિવાય ચિત્રકળા, ગીત, સંગીતને પણ પ્રોત્સાહન આપીએ છીએ જેથી બાળકની પ્રતિભા ખીલે.”
![]() |
| પ્રભુભાઈ કબીરા પોતે દસ ધોરણ સુધી જ ભણી શક્યાં છે પણ 80 જેટલાં બાળકોને ભણાવે છે. |
![]() |
| સંજયભાઈ ધમેરિયન- જેઓ બાળકોને લેવા-મૂકવા જવાનું હોઈ પાંચ વાગ્યાં બાદ પોતાની કેબનું બુકિંગ લેતા નથી. |
![]() |
| હસુમતિબહેન - પોતે વર્કિંગ વુમન અને ગૃહીણી હોવા છતાં ફૂટપાથ શાળાનાં બાળકોને ભણાવવા સમય કાઢે છે. |
હસુમતિબહેનનાં પતિ સંજયભાઈ ધમેરિયન બાકીની પ્રવૃત્તિઓ વિશે વાત કરતાં કહે છે, “અમે માત્ર બાળકોને ભણાવતાં જ નથી, તેમને સમયાંતરે અડાલજની વાવ, કાંકરિયા તળાવ, વૈષ્ણોદેવી જેવી નજીકની જગ્યાઓએ પિકનિકમાં પણ લઈ જઈએ છીએ. ત્યાં જવા-આવવાનો, ખાણીપીણીનો તથા બાળકોને મનપસંદ રાઈડ્સમાં બેસાડવાનો વગેરે તમામ ખર્ચ અમે ભોગવીએ છીએ. ક્યારેક કોઈ બાળક બિમાર જણાય તો તેની સારવાર પણ કરાવીએ છીએ. શાળામાં આવતાં દરેક બાળકને સ્કૂલબેગ, પુસ્તકો, નોટબુક, પેન, પેન્સિલ, રબર, કંપાસ બોક્સ, ચિત્રો દોરવાં માટે કલર, કાગળો વગેરે પણ પુરાં પાડીએ છીએ. આ સિવાય અઠવાડિયામાં એક વખત તેમને ગમતો નાસ્તો આપીએ છીએ. જેમાં પુરી-શાક, પનીર, સમોસા, પૌઆં, ચોકલેટ, સેવ મમરાં, કોલડ્રીંક્સ અને કોઈ બાળકનો જન્મ દિવસ હોય તો કેક પણ કાપીએ છીએ. આ બધું અમે સ્વખર્ચે કરીએ છીએ, કેમ કે દાન લેવામાં હજુ અમને ડર લાગે છે કે, ક્યાંક લોકો એમ નાં કહે કે આ પોતાનાં ફાયદા માટે કર્યું છે.”
![]() |
| ગરીબ આ બાળકોને ફૂટપાથ શાળાામાં એ તમામ સુવિધાઓ અપાય છે જે એક સારી શાળામાં મળતી હોય છે. |
પ્રભુભાઈ, હસુમતિબહેન અને સંજયભાઈ ગાંઠનાં રૂપિયા, સમય અને શક્તિ ખર્ચીને આ શાળા ચલાવી રહ્યાં છે. આ ત્રણેયનું શાળા પ્રત્યેનું સમર્પણ જુઓઃ પ્રભુભાઈ સાંજે પાંચ વાગ્યાં પછી બાળકોને લેવા જવાનું હોવાથી પિક અવરની રિક્ષાની મોટી કમાણી જતી કરી દે છે. એક વર્કિંગ વુમન ઉપરાંત ગૃહિણી તરીકે સમગ્ર પરિવારની જવાબદારી માથે હોવા છતાં હસુમતિબહેન ઘેર જવાને બદલે પહેલાં ફૂટપાથ શાળાએ પહોંચે છે. ત્યાં બાળકો ભણીને ઘેર જાય પછી પોતે ઘર તરફ વળે છે. તેમનાં પતિ સંજયભાઈ બાળકોને લેવા અને મૂકવા જવાનું હોવાથી સાંજે ૬ વાગ્યા પછી કૅબનું બુકીંગ લેતાં નથી. આ સેવાકાર્યમાં હવે તો અન્ય લોકો પણ જોડાયાં છે. હસુમતિબહેનની કોલેજમાં ભણતી દીકરી પોતાની અનુકૂળતા મુજબ બાળકોને અંગ્રેજી શીખવે છે. વિરેન્દ્રભાઈ મોદી, મનુભાઈ મકવાણા અને ભાવનાબહેન નામનાં શિક્ષીકા પણ જાડાયાં છે. એક્ટિવિસ્ટો અરૂણ પટેલ, પાર્થ સોનારા, ઘનશ્યામ કબીરા, મનીષ ભારતીય, ઈશાન તથાગત વગેરે જરૂરી મદદ કરતાં રહે છે. આ બધાંનાં સંકલનને કારણે ગંભીર બિમારીથી પિડાતાં બાળકોને પણ મદદ મળવી શરૂ થઈ છે. કિંજલ નામની એક વિદ્યાર્થિનીનો પગ જન્મથી જ વાંકો હતો તેને આ ટીમે પોલિયો ફાઉન્ડેશનની મદદથી ઓપરેશન કરાવીને સારી રીતે ચાલતી કરી હતી. બાળકોમાં જોવા મળતી નાનીમોટી બિમારીઓને ધ્યાનમાં રાખીને હવે અહીં સમયાંતરે મેડિકલ કૅમ્પ પણ યોજાય છે.
ટુંકમાં એક નાનકડાં વિચારનો દ્રઢ નિશ્ચય સાથે અમલ કરવામાં આવે તો કેટલું સુંદર પરિણામ મળી શકે તેનું ઉત્તમ ઉદાહરણ આ ફૂટપાથ શાળા છે. હાલ જ્યારે ગુજરાતભરમાં સરકારી શિક્ષણ મરવા પડ્યું છે, ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે અને ખાનગી ટ્યૂશન ફરજિયાત થઈ પડ્યું છે ત્યારે, પ્રભુભાઈ, હસુમતિબહેન અને અરૂણભાઈની ટીમ ગરીબ બાળકો માટે સાક્ષાત સરસ્વતીનું રૂપ લઈને આવી છે એમ કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી લાગતી.










Comments
Post a Comment