આપણી યુનિવર્સિટીઓમાં થતું સંશોધન સમાજને ક્યારે કામમાં આવશે ?




ભારત જેવાં વિકાસશીલ દેશ માટે આ ગંભીર ચિંતાનો વિષય છે. કેમ કે ઉચ્ચ શિક્ષણની સાર્થકતા ત્યારે જ ગણાય જ્યારે તેમાંથી આવતું પીએચડી કક્ષાનું રિસર્ચ દેશ અને સમાજનાં લાભ અપાવે. પણ કમનસીબે એવું થતું નથી. આપણે ત્યાં શિક્ષક કે યુનિવર્સિટી પોતાનાં જ્ઞાન અને નવાં સંશોધનોનો પ્રચાર-પ્રસાર કરતી નથી માટે તે સમાજોપયોગી બની શકતાં નથી.




ભારતમાં યુનિવર્સિટીઓની સ્થાપનાનો મૂળ હેતુ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં એવાં અભ્યાસ, અધ્યાપન અને સંશોધનને પ્રોત્સાહન આપવાનો હતો જે દેશની પ્રગતિમાં મદદરૂપ થઈ શકે. જો કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનાં તમામ પ્રયત્નો છતાં પણ ઉચ્ચ શિક્ષણની ગુણવત્તામાં કોઈ સુધારો નથી થઈ રહ્યો. ભારતમાં હાલ 47 કેન્દ્રીય અને 748 રાજ્ય સ્તરની યુનિવર્સિટીઓ છે. તેમ છતાં માત્ર 16 ટકા વિદ્યાર્થીઓ જ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે યુનિવર્સિટીઓનાં પગથિયાં ચડી શકે છે. ભારત જેવાં વિકાસશીલ દેશ માટે આ ગંભીર ચિંતાનો વિષય છે. ઉચ્ચ શિક્ષણની સાર્થકતા ત્યારે જ ગણાય જ્યારે તેમાંથી નીકળીને આવતું પીએચડી કક્ષાનું રિસર્ચ દેશ અને સમાજ માટે ફાયદાકારક હોય. આજે સરકાર યુનિવર્સિટી કક્ષાનાં સંશોધનને શિક્ષકોની બઢતી સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. જે રિસર્ચનાં મહત્વને ઘટાડવાની સાથે કોઈને કોઈ રીતે શિક્ષકો પર ગાળીયો કસવાનો પ્રયત્ન પણ છે. જ્યારે પણ આ મામલે વિચારણા હાથ ધરવામાં આવે છે ત્યારે એ સવાલ ચોક્કસ ઉઠે છે કે શું શિક્ષણ સંસ્થાઓનાં પોલીસી મેકર્સમાં દૂરંદેશીનો સંપૂર્ણ અભાવ છે કે પછી આવા લોકો કોઈ ચોક્કસ વર્ગ વિશેષને લાભ પહોંચાડવાનું કામ કરી રહ્યાં છે?


હાલ તો રિસર્ચની વર્તમાન દશામાં સુધારાની બે વાતો સૌ કોઈની સમજણમાં આસાનીથી આવે તેમ છે. પહેલી તો એ કે યુનિવર્સિટીમાં નિમણૂંક પામનારાં શિક્ષકોની લાયકાત કમ સે કમ એટલી તો હોવી જ જોઈએ કે તેઓ પોતાની સંસ્થામાં પીએચડી ગાઈડ તરીકે પાત્રતા ધરાવતાં હોય. આ મામલે રાજસ્થાન યુનિવર્સિટીનો એક કિસ્સો ટાંકવા જેવો છે. અહીં વર્ષ 2014માં 168 શિક્ષકોની ભરતી કરાઈ હતી જે પૈકી 112 શિક્ષકો પીએચડી ગાઈડ તરીકે લાયક નહોતાં. આ મામલે કેગ પણ પોતાનો રિપોર્ટ રજૂ કરી ચૂક્યું છે. રાજસ્થાન યુનિવર્સિટી સિવાય અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, લખનઉ યુનિવર્સિટી અને ગોવા યુનિવર્સિટીમાં પણ ડોક્ટરેટની પદવી વગરનાં શિક્ષકોની નિમણૂંકનાં કિસ્સાઓ સામે આવ્યાં છે. આશ્ચર્ય એ વાતનું છે કે દેશમાં પીએચડીની ડિગ્રી ધરાવતાં શિક્ષકોની અછત નથી છતાં આવાં ઘપલાં થતાં રહે છે. આવી કેટલીયે યુનિવર્સિટીઓ છે જે ચોક્કસ વ્યક્તિ કે વર્ગ વિશેષને લાભ પહોંચાડવા માટે પીએચડી વગરનાં શિક્ષકોની ભરતી કરીને રિસર્ચનાં સ્તરને સતત નબળું પાડી રહી છે. બીજી વાત એવાં વિદ્યાર્થીઓની છે જેઓ પીએચડીમાં પ્રવેશ લઈને સરકારી શિષ્યવૃત્તિનો લાભ ઉઠાવે છે. આ એવાં વિદ્યાર્થીઓ છે જે પીએચડી દરમિયાન મળતી સ્કોલરશીપ અને સમયનો ઉપયોગ નોકરી શોધવામાં કરે છે અને જ્યારે ગમતી નોકરી મળી જાય છે ત્યારે પીએચડી પડતું મૂકીને જતાં રહે છે. આવાં મોટાભાગનાં કિસ્સાઓમાં તો એમની નોકરીનું ફિલ્ડ તેમનાં સંશોધન કાર્યથી તદ્દન વિરૂદ્ધનું હોય છે. પરિણામે તેની પાછળ તેનાં ગાઈડે કરેલી મહેનત પાણીમાં જાય છે.

સમસ્યા એ છે કે યુજીસીએ ગાઈડ તરીકે ફરજ બજાવતાં શિક્ષકોને એવો કોઈ ઉપાય નથી બતાવ્યો કે અધવચ્ચે રિસર્ચ કાર્ય છોડીને જતાં રહેતાં વિદ્યાર્થી સાથે કેવી રીતે કામ લેવું? આ મામલે જ્યારે પણ વિદ્યાર્થીઓ સાથે વાત કરવામાં આવે છે ત્યારે તેમનું એક જ રટણ હોય છે કે સરકાર પીએચડી સ્ટુડન્ટને નોકરીની ખાતરી આપે તો જ સમસ્યાનું સમાધાન થઈ શકે છે. જે નજીકનાં ભવિષ્યમાં તો શક્ય જણાતું નથી. એવું એકથી વધુ વખત જોવામાં આવ્યું છે કે ઉચ્ચ શિક્ષણ મેળવેલ વિદ્યાર્થી પોતાની લાયકાત કરતાં નીચલાં સ્તરની નોકરી કરતી વખતે ડિપ્રેશનનો શિકાર થવા લાગે છે. એટલે જ આજનાં પ્રરિપ્રેક્ષ્યમાં વિદ્યાર્થીઓને બેરોજગારીથી બચાવવા માટે રિસર્ચને રોજગારી સાથે જોડવું અતિ આવશ્યક લાગે છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રિસર્ચ કરતાં વિદ્યાર્થીઓને પહેલાં આજીવિકાની ખાતરી મળવી જોઈએ. નિષ્ણાતોનું માનવું છે કે પીએચડીનું રોજગારી સાથે જોડાણ નથી થતું જેનાં કારણે રિસર્ચનું સ્તર સતત કથળી રહ્યું છે. એટલું જ નહીં અધવચ્ચે પીએચડી છોડી દેનારાં વિદ્યાર્થીઓની પુછપરછ થવી જોઈએ. જો તેનાં ખુલાસાથી અસંતોષ રહે તો તેની શિષ્યવૃત્તિ પાછી ખેંચી લેવાની જોગવાઈ પણ હોવી જોઈએ. ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી પીએચડી રિસર્ચ માટે કોઈ સરકારી સંસ્થા પાસેથી ગ્રાન્ટ લીધાં બાદ પોતાનું ફિલ્ડ બદલી નાખે તો તેણે લીધેલી ગ્રાન્ટની સંપૂર્ણ રકમ પરત લેવાવી જોઈએ.

એક સમસ્યા એ પણ છે કે આજે દેશમાં મોટાભાગનાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ દરમિયાન મળતી શિષ્યવૃત્તિમાંથી અભ્યાસની સાથે પરિવારની જરૂરિયાતોની પણ પૂર્તિ કરે છે. પરિણામે તે સંશોધન કાર્ય પર જરૂરી ખર્ચ કરી શકતો નથી અને તેની સીધી અસર તેનાં રિસર્ચ પર પડે છે. ઘણીવાર વિદ્યાર્થી પરિવારની રોજિંદી જરૂરિયાતોને લઈને ચિંતાગ્રસ્ત રહેતો હોવાથી પણ રિસર્ચમાં મન લગાવી શકતો નથી. આ બધાં કારણોસર જ રિસર્ચ કરતાં વિદ્યાર્થીને એટલી રકમ મળવી જ જોઈએ જેનાથી તે પોતાનાં રિસર્ચની સાથે પારિવારીક જીવનનિર્વાહ પણ બરાબર ચલાવી શકે.

છેલ્લે એ વાત તો ઉભી જ છે કે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે થતાં સંશોધનોને સમાજ અને દેશ સમક્ષ લાવવા પ્રયત્નો થવા જોઈએ જેથી લોકોને તેનો લાભ મળે. આપણે ત્યાં શિક્ષક કે યુનિવર્સિટી પોતાનાં જ્ઞાન અને નવાં સંશોધનોનો પ્રચાર-પ્રસાર કરતી નથી જેથી તે સમાજોપયોગી નથી બની શકતાં. એવું ઘણીવાર જોવા મળ્યું છે કે એક જ વિષય પર, એક જ સમયે, જુદીજુદી યુનિવર્સિટીઓમાં સંશોધન કાર્ય ચાલી રહ્યું હોય. જે સંકલન અને કોમ્યુનિકેશનનો અભાવ પણ દર્શાવે છે. પીએચડી રિસર્ચનું સમાજોપયોગી ન બની  શકવું યુનિવર્સિટીઓ માટે બહુ મોટી સમસ્યા છે. યુજીસીએ તેને નાથવાની પહેલ કરી છે, પણ હજુ સુધી કોઈ નક્કર પરિણામ નથી મળ્યું.

Comments