ખેતપેદાશો, સરકારી ગોદામો અને ગ્લોબર હંગર ઈન્ડેક્સનું ચક્ર
હરિયાળી ક્રાંતિ પછી ભારત દેશ ખાદ્ય સુરક્ષા મામલે આત્મનિર્ભર બની ગયો હતો. તો પણ ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં આપણે ખુદની સ્થિતિ સુધારી શક્યાં નથી. આ મામલે પહેલાની સરખામણીએ ભારત ત્રણ ક્રમ નીચે ધકેલાઈ ગયો છે. એની પાછળ અનાજથી અછત કરતાં પણ તેનાં સંગ્રહમાં રખાતી બેદરકારી વધારે કારણભૂત છે. દેશમાં દર વર્ષે 20 મિલિયન ટન અનાજનો બગાડ થાય છે, જેમાંનું મોટાભાગનું સરકારી ગોદામોમાં યોગ્ય જાળવણીનાં અભાવે બગડે છે.
ખાદ્ય
ઉત્પાદન મામલે ભારત વિશ્વનાં ટોચનાં 5 દેશો પૈકીનો એક છે. આ મામલે આપણે દર વર્ષે
આપણો જ જૂનો રેકોર્ડ તોડી રહ્યાં છીએ એટલું જ નહીં, તે આંકડાઓ જાહેર કરીને આપણાં
કૃષિ વિકાસ દરનો પ્રચાર પણ કરીએ છીએ. જો કે આ દાવાઓ વચ્ચે પણ ખેડૂતો આત્મહત્યા કરી
રહ્યાં છે, દેશનાં જીડીપીમાં ખેતીનો હિસ્સો સતત ઘટતો જઈ રહ્યો છે. વધુમાં દેશનો
ગ્લોબલ હન્ગર ઈન્ડેક્સ અને કૂપોષણનાં આંકડા ભયંકર સ્થિતિની ચાડી ખાતા હોય ત્યારે
સ્વાભાવિક છે કે ખેતીની વર્તમાન પરિસ્થિતિની તપાસ થવી જોઈએ.
હરિયાળી
ક્રાંતિ પછી ભારત ખાદ્ય સુરક્ષા મામલે આત્મનિર્ભર જાહેર થઈ ગયો હતો. શ્રેષ્ઠ
બિયારણોનો ઉપયોગ થવાથી ખેત ઉત્પાદન અચાનક જ વધી ગયું હતું. પણ આશ્ચર્યની વાત એ છે
કે દાયકાઓ પહેલાં ખાદ્ય સુરક્ષા મામલે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી લીધાં પછી પણ આપણે
ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં આપણો ક્રમાંક સુધારી શક્યાં નથી. માત્ર એક જ વર્ષમાં આપણે
પહેલાની સરખામણીએ ત્રણ ક્રમ નીચે ધકેલાઈ ગયાં છીએ. વર્ષ 2017માં ભારત ગ્લોબલ હંગર
ઈન્ડેક્સમાં 100માં ક્રમે હતો અને 2018માં 103માં ક્રમે આવી ગયો છે. પરિસ્થિતિની
ગંભીરતાનો અંદાજ એનાં પરથી પણ લગાવી શકાય કે આપણને અહીં 119 દેશો પૈકી સૌથી પછાત 17
દેશોની કક્ષામાં મૂકવામાં આવ્યાં છે. તમે જ વિચારો, શું રેકોર્ડબ્રેક ખેત ઉત્પાદન
ધરાવતાં એક દેશ માટે આ ગંભીર વિચારવિમર્શનો મુદ્દો છે કે નહીં ?
28 કરોડ
ટન અનાજ પેદા કરતાં દેશમાં જો અંદાજિત 19 કરોડ લોકોને પુરતું ભોજન ન મળતું હોય તો
આ સમસ્યા વિશે જાણવું જરૂરી થઈ પડે છે. આ આંકડાઓ યુએનનાં ફૂડ એન્ડ એગ્રિકલ્ચર
ઓર્ગેનાઈઝેશનનાં ‘ધ સ્ટેટ ઓફ ફૂડ સિક્યોરિટી એન્ડ ન્યૂટ્રિશન ઈન ધ
વર્લ્ડ 2018’ રિપોર્ટમાં આપવામાં આવ્યાં છે. સમસ્યાનાં કદનો
જો અંદાજ લગાવવો હોય તો કહી શકાય કે ભારતમાં જેટલાં લોકોને પુરતું ભોજન નથી મળતું
તેની સંખ્યા ફ્રાંસ, ઈટાલી, જર્મની જેવા દેશોની કુલ વસ્તી કરતાં બેગણી છે. આ
સમસ્યા વધારે જટિલ ત્યારે બની જાય છે જ્યારે આપણે જરૂરિયાત કરતાં વધારે
અનાજ પેદા કરવાનો દાવો કરી રહ્યાં છીએ અને છતાં કરોડો લોકો ભૂખમરાનો સામનો કરી
રહ્યાં છે. આ સમસ્યાનાં ઘણાં કારણો બતાવાઈ રહ્યાં છે. અમુક નિષ્ણાતોનાં મતે આની
પાછળનું એક મોટું કારણ દેશમાં ખેતપેદાશોનો થતો અનિયંત્રિત બગાડ છે. 135 કરોડની
વસ્તી ધરાવતાં દેશમાં ખરેખર કેટલી ખેતપેદાશનો બગાડ થઈ રહ્યો છે તેનો ચોક્કસ અંદાજ
લગાવવો મુશ્કેલ છે. છતાં પણ હંગર ઈન્ડેક્સ અને નાનાં-નાનાં સેમ્પલ સર્વેનાં આધારે એક
મોટો અંદાજ લગાવી શકાય તેમ છે. એ મુજબ બ્રિટનની વસ્તીનું પેટ ભરવા માટે જેટલાં
અનાજની જરૂર પડે છે એટલાં અનાજનો આપણે ત્યાં બગાડ થાય છે. આમ તો ખેતપેદાશોનો બગાડ
અનેક રીતે થાય છે પણ સૌથી વધુ બગાડ આપણાં ગોદામોમાં થાય છે. એમ કહેવાય છે કે આપણાં
ગોદામોમાં અનાજ સાચવવાની વ્યવસ્થા નક્કી માપદંડો કરતાં પણ ખૂબ નીચલી કક્ષાની છે.
ભારતમાં મુખ્ય પાકોની વાત કરીએ તો ઘઉં અને ચોખા મુખ્ય છે. આ સિવાય વિવિધ દાળ,
શેરડી, તેલિબીયા વગેરે પણ મોટો હિસ્સો ધરાવે છે. આ વર્ષે ઘઉંનું ઉત્પાદન 10 કરોડ
ટનથી વધુ થશે. સરકારે કહ્યું છે કે દેશમાં અનાજથી અછત નથી, પણ હવે ચિંતા તેનાં વ્યવસ્થિત
સંગ્રહની છે. આ મુદ્દે કેટલાક આંકડાઓ પર નજર નાખવી જરૂરી છે. આ વર્ષે સરકાર 3 કરોડ
57 લાખ ટન ઘઉં ખરીદવાની યોજના બનાવી રહી છે. એ જ રીતે ચોખાની ખરીદીમાં 3 કરોડ 75
લાખ ટનની ખરીદીનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જેમાંથી 3 કરોડ 50 લાખ ટન ચોખા
સરકારે ઓલરેડી ખરીદી લીધાં છે. આ આંકડાઓ પરથી અંદાજ લગાવી શકાય છે કે, બે મુખ્ય
પાકોનાં કુલ ઉત્પાદનનો કેટલો હિસ્સો સરકાર ખરીદી શકે છે? જ્યારે
આપણને ખ્યાલ છે કે એક તૃતિયાંશ અનાજનો બગાડ થાય છે તો કેટલું અનાજ જરૂરિયાતો
ધરાવતાં લોકો સુધી પહોંચશે અને કેટલું ગોદામોમાં અને હેરફેર દરમિયાન બગડશે?
સીધી વાત છે કે આ સમસ્યા ઓછાં ઉત્પાદનની નહીં પણ યોગ્ય સંગ્રહ
વ્યવસ્થાની ખામીની છે.
આપણે
ત્યાં અનાજ સંગ્રહનું કામ સરકારી સંસ્થા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અન્ય કેટલીક
સરકારી એજન્સીઓ સાથે મળીને કરે છે. આ સિસ્ટમ રેશનની દુકાનો એટલે કે જાહેર વિતરણ વ્યવસ્થા
દ્વારા ગરીબો સુધી અનાજ પહોંચાડવા માટે કરવામાં આવે છે. પણ આજ સુધી આપણે આપણી અનાજ
સંગ્રહની સિસ્ટમ એટલી સુધારી નથી શક્યાં કે દેશમાં અનાજનો બગાડ અટકી જાય. આ સિવાય
ઝડપથી બગડી જતાં બીજાં ખાદ્યપદાર્થો જેમ કે ફળો, શાકભાજી વગેરેને યોગ્ય સંગ્રહની
જરૂર અનાજ કરતાં પણ વધુ પડે છે. પરંતુ દેશમાં તેનાં માટે કોલ્ડ સ્ટોરેજોની હાલની
સગવડ ઓછી પડે છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ મિકેનીકલ એન્જિનિયર્સનાં એક રિચર્સ મુજબ હાલ
ભારતમાં અંદાજિત 6300 કોલ્ડ સ્ટોરેજ છે. જેની સંગ્રહ ક્ષમતા 3 કરોડ ટન આસપાસ છે.
જો કે આમાંથી પોણાભાગનાં એટલે કે 75 થી 80 ટકા કોલ્ડ સ્ટોરેજો માત્ર બટેટાંનાં
સંગ્રહને જ અનુકૂળ છે. જ્યારે મુખ્ય પાક ગણાતાં ઘઉં અને ચોખાનાં સંગ્રહની સ્થિતિ
સારી નથી. હાલ ભારતમાં માત્ર 8 કરોડ 83 લાખ ટન અનાજ સંગ્રહની વ્યવસ્થા છે. જેમાંથી
સરકારી ગોદામો 3 કરોડ 62 લાખ ટનની જ ક્ષમતા ધરાવે છે. ઉપરાંત બીજી સરકારી એજન્સીઓ
અને નોનગવર્નમેન્ટ ગોદામો કે જે સરકાર અમુક સમય પુરતાં ભાડે લે છે તેની ક્ષમતા 4.80
લાખ ટન થવા જાય છે. એ રીતે જેમતેમ કરીને બે છેડાં ભેગાં કરવામાં આવે છે. એમાં પણ
સરકારી ગોદામોનાં ખાટલે મોટી ખોડ એ છે કે બંધ અને ધાબાવાળા ગોદામોની ક્ષમતા માત્ર
7 કરોડ ટન છે. બાકીનું દોઢ કરોડ ટન અનાજ ખુલ્લાં આકાશ નીચે સિમેન્ટનાં સ્ટેન્ડ
તૈયાર કરીને કોથળાંઓમાં ભરીને તાડપત્રી વડે ઢાંકી દેવાય છે. આવા ગોદામો મુખ્યત્વે
અવાવરૂ જગ્યાએ આવેલાં હોય છે જ્યાંનાં ઉંદરો પછી તેનાં પર નભે છે. હજારો કોથળાં
ભરીને અનાજ ઉંદરો સહિતનાં જીવજંતુઓ કોરી ખાય છે. આ બધું જોતાં ખેતપેદાશોનાં સંગ્રહને
પ્રાથમિકતા આપીને તેનાં પર વધુ ખર્ચ કરવાની જરૂર છે. ગત વર્ષે 2017-18માં ગોદામો
પર ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા થકી સરકારી ખર્ચ માત્ર 2731 કરોડ રૂપિયા આવ્યો હતો.
પણ ગોદામોની કથળેલી સ્થિતિ જોતાં તેની પાછળ વધુ ખર્ચ કરવાની જરૂર છે. કમ સે કમ
મુખ્ય ખેતપેદાશોનો યોગ્ય સંગ્રહ ન માત્ર ખેડૂતોને રાહત આપશે પરંતુ ગ્લોબલ હંગર
ઈન્ડેક્સમાં આપણી સ્થિતિ સુધારવામાં પણ મદદ કરશે.



Comments
Post a Comment