ગુજરાતી ફિલ્મોદ્યોગને સબસીડીઃ કેટલો ફાયદો કેટલું નુકસાન ?


ગુજરાતી ફિલ્મોદ્યોગને લઈને હાલમાં જ રાજ્ય સરકારે નવી સુધારેલી પોલિસી જાહેર કરી છે. જેનાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણી આશા-અપેક્ષાઓ છે. અત્યાર સુધી માત્ર સબસીડી માટે ફિલ્મો બનાવીને રૂપિયા ઘરભેગાં કરી દેવાની વૃત્તિ ધરાવતો એક આખો કહેવાતો ફિલ્મકારોનો વર્ગ ગાંધીનગરમાં અડિંગો જમાવીને બેસી ગયો હતો. નવી પોલિસીમાં એમનાં માટેનાં મહત્તમ છીંડાઓ પુરવા પ્રયાસ કરાયો છે. વર્ષ ૧૯૩૨માં પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ રિલીઝ થઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગુજરાતી ફિલ્મોદ્યોગે અનેક ઉતાર-ચઢાવ જોયાં છે. ત્યારે નવી સબસીડી પોલિસી આપણી ફિલ્મોને કેટલી અને કેવી અસર કરશે તેની વાત કરીએ.




ગુજરાતી ફિલ્મોદ્યોગ હાલ નવેસરથી બેઠો થઈ રહ્યો છે. ખાસ કરીને અર્બન ગુજરાતી ફિલ્મોનાં ટૅગ સાથે રજૂ થઈ રહેલી કેટલીક ફિલ્મોની સફળતાએ નવી આશા બંધાવી છે. અત્યાર સુધી ગુજરાતી ફિલ્મોથી દૂર થઈ ગયેલાં યુવાવર્ગમાં પણ આ ફિલ્મો લોકપ્રિય થઈ રહી છે તે સારો સંકેત છે. તેનાથી નવી પેઢીનાં નિર્માતા, નિર્દેશકોનો જુસ્સો ટકી રહેશે. હાલમાં જ રજૂ થયેલી કેટલીક ફિલ્મોએ સારી એવી કમાણી કરીને સાબિત કરી દીધું છે કે ગુજરાતી ફિલ્મનો પ્રેક્ષક ક્યાંય ગયો નહોતો, પણ તે જેવા મનોરંજનની અપેક્ષા રાખી રહ્યો હતો તેવું મળતું નહોતું. આ ફિલ્મોએ આપ્યું, માટે તે સફળ થઈ. એ રીતે ધીમી પણ મક્કમ ગતિએ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જ્યારે બેઠી થઈ રહી છે ત્યારે રાજ્ય સરકારે પણ તેનાં ટેકામાં આવી છે.


હાલમાં જ સારા સમાચાર એ આવ્યાં છે કે રાજ્ય સરકારે ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ફિલ્મનાં નિર્માતાને મળતી સબસીડીમાં રૂ. ૨૫ લાખ સુધીનો વધારો જાહેર કર્યો છે. અગાઉ ફેબ્રુઆરી ૨૦૧૬માં રાજ્યનાં માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૬’ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેનાં અમલીકરણ દરમિયાન વિવિધ પક્ષકારો તરફથી કેટલીક જોગવાઈઓ સુધારવા રજૂઆતો થયેલી હતી. જેને ધ્યાનમાં લઈને મેક્રો લેવલ સમિતિએ તેમાં આવશ્યક સુધારાઓ કરીને ‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯’ બહાર પાડી છે. જે ગુજરાતી ફિલ્મોને કેવી અને કેટલી અસર કરશે તે જાણવા પ્રયત્ન કરીએ. પણ તે પહેલાં સમગ્ર પોલિસીની સાદી સમજણ મેળવી લઈએ.

ગુજરાતી ફિલ્મોદ્યોગને સબસીડીનું ઈન્જેક્શન

રાજ્ય સરકાર દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૬માં ગુજરાતી ફિલ્મોને લઈને એક સબસીડી પોલિસી જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત નિર્માતાઓને ફિલ્મો પર સબસીડી પેટે રૂ. ૫૦ લાખ સુધીની સહાય કરવાનું નક્કી કરાયું હતું. પણ મોટાભાગની ફિલ્મો નિયત કરેલાં ધારાધોરણોમાં બંધબેસતી ન હોઈ સબસીડીની રકમ ફિલ્મનાં બજેટ કરતાં પણ અનેકગણી ઓછી રહી જતી હતી. તો ઘણીવાર સારી ફિલ્મ પણ કોઈ કારણોસર થિયેટરમાં ધાર્યું પ્રદર્શન ન કરી શકતાં નિર્માતાએ સબસીડીમાં વેઠવાનું આવતું હતું. આ તમામ સમસ્યાઓને ધ્યાને લઈને સરકારે પોલિસીમાં સુધારાં કરી નવાં નિયમો બનાવ્યાં છે. જેમાં સબસીડી રૂ. ૫૦ લાખથી વધારીને રૂ. ૭૫ લાખ કરી આપી છે. જૂની પોલિસી અંતર્ગત ફિલ્મે વિવિધ કેટેગરીનાં મળીને ૧૦૦માંથી ૪૧ માર્ક્સ મેળવવાં પડતાં હતાં, ત્યારે તેને લઘુતમ ૫ લાખની સબસીડી મળતી. જેની સામે નવી નીતિમાં ઓછામાં ઓછાં ૨૧ ગુણ મેળવનાર ફિલ્મને પણ ૫ લાખની સહાય મળી શકશે. આ ઉપરાંત સરકાર તરફથી જે પણ ગુજરાતી ફિલ્મ ‘શ્રેષ્ઠ ફિલ્મ’ જાહેર થાય તેનાં નિર્માતાને ૨.૫ લાખનો પુરસ્કાર પણ આપવામાં આવશે.
'તમે કેવા?' : આ ફિલ્મને તેનાં કન્ટેન્ટને કારણે રિલીઝ થવામાં પણ અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
'મેઘધનુષ્ય' ફિલ્મ ગે યુવક પર આધારિત હોવાથી તેને સબસીડી મેળવવા સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવી પડેલી.


ઉપરાંત નેશનલ કે ઈન્ટરનેશનલ એવોર્ડ જેવી નોંધપાત્ર સિદ્ધિ મેળવનારી ગુજરાતી ફિલ્મો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જે ગુજરાતી ફિલ્મ ભારત સરકાર દ્વારા દેશભરની તમામ ભાષાની ફિલ્મોની સ્પર્ધામાં બેસ્ટ ફિલ્મની કક્ષામાં સ્વર્ણ કમલ પુરસ્કાર જીતશે તેનાં નિર્માતાને રૂ. ૨ કરોડની આર્થિક સહાય મળશે. તો જે ગુજરાતી ફિલ્મ‘બેસ્ટ ફીચર ફિલ્મ ઈન ઈચ ઓફ ધ લૅન્ગવેજ સ્પેસિફાઈડ ઈન શિડ્યુલ ૮ ઓફ ધ કોન્સ્ટિટ્યૂટશન ઓફ ઈન્ડિયા’ની કેટેગરીમાં રજત કમળ પુરસ્કાર મેળવે તેને રૂ. ૧ કરોડની આર્થિક સહાય મળશે. આ સિવાય ઓસ્કાર ઍવોર્ડ, કાન્સ, બર્લિન જેવાં વિવિધ ૧૧ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઍવોર્ડ મેળવનારી ફિલ્મને રૂ. ૫ કરોડથી લઈને ૨ કરોડ સુધીની આર્થિક સહાય કરવામાં આવશે.

આ તો થઈ એવોર્ડ વિજેતા ફિલ્મોને અપાતી સહાયની વાત. આ સિવાય બાળકો માટે, મહિલા સશક્તિકરણ સંબંધિત કે ગુજરાતી સાહિત્ય કૃતિ પરથી બનાવવામાં આવેલી ગુજરાતી ફિલ્મને ગ્રેડ આધારે મળવાપાત્ર આર્થિક સહાયની રકમ ઉપરાંત ૨૫ ટકા વધારાની આર્થિક સહાય મળી શકશે. ટુંકમાં નવી પાલિસીમાં દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અગાઉ ૨૧ ફિલ્મો જે સબસીડીનો લાભ મેળવવાથી કોઈને કોઈ કારણોસર વંચિત રહી જવા પામી રહી તેને સરકારશ્રી દ્વારા ઉચ્ચક રૂ. ૫ લાખની સહાય કરવામાં આવી હતી.

સબસીડીમાં ગુજરાતી ફિલ્મોનું ગુણાંકન

નવી સબસીડી પોલિસીમાં વિવિધ ૧૪ કેટેગરીમાં ૧૦૦ માર્ક્સને વહેંચી દેવામાં આવ્યાં છે. જેમાં કથા-પટકથા- સંવાદનાં ૧૦ ગુણ, દિગ્દર્શન અને અભિનયનાં ૧૦-૧૦ ગુણ નક્કી કરાયાં છે. એ પછી ગીત-સંગીત, સાઉન્ડ, એડીટીંગ, સિનેમેટોગ્રાફી અને વીએફએક્સ, કોરિયોગ્રાફી, આર્ટ ડિરેક્શન, ધ્વનિ મુદ્રણ, એક્શન દ્રશ્યો, લોકેશન, કોસ્ચ્યુમ અને મેકઅપ જેવાં વિભાગોને ૫ માંથી ગુણ આપવાનાં થાય છે. છેલ્લે સૌથી વધુ ૨૦ માર્ક્સ ફિલ્મને થિયેટરમાં પ્રેક્ષકોનાં મળેલાં આવકાર અર્થાત ટિકિટોનાં વેચાણ માટે ફાળવવામાં આવ્યાં છે. આમ બધું મળીને ૧૦૦ ગુણમાંથી ફિલ્મ કેટલાં ગુણ મેળવે છે તેનાં આધારે તેની સબસીડીની રકમ નક્કી થશે. ફિલ્મનાં વિવિધ વિભાગો માટેનાં કુલ ૮૦ ગુણમાંથી ફિલ્મને કેટલાં ગુણ મળી શકે તેમ છે તે નક્કી કરવા માટે ફિલ્મ સ્ક્રીનિંગ કમિટીની રચના કરાઈ છે. જેમાં સરકારી અધિકારીઓ અને ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલાં નિષ્ણાતો સામેલ છે. તેઓ નિયમ સમયે ફિલ્મ જાઈને ઉપર જણાવ્યાં તે વિભાગોમાં ફિલ્મનાં પ્રદર્શનને આધારે માર્ક્સ આપશે. આ માટે એ પ્લસથી લઈને એફ સુધીનું ગ્રેડેશન નક્કી કરાયેલું છે. (૧) જો ફિલ્મ ૦ થી ૨૦ની વચ્ચે માર્ક્સ મેળવે તો કોઈ સહાય મળતી નથી. (૨) એફ ગ્રેડ અર્થાત ૨૧ થી ૩૦ ગુણ મેળવે તો રૂ. ૫ લાખ સહાય અથવા ફિલ્મ નિર્માણનાં ડાયરેક્ટ ખર્ચની ૭૫ ટકા રકમ એ બે પૈકી જે ઓછી હોય તે રકમ મળે છે.(આ નિયમ દરેક ગ્રેડમાં લાગુ પડે છે) (૩) ૩૧ થી ૪૦ ગુણ મેળવનાર ફિલ્મને ઈ ગ્રેડ મળે છે જેને રૂ. ૧૦ લાખની સહાય મળે છે (૪) ૪૧ થી ૫૦ની વચ્ચે ગુણ મેળવનાર ફિલ્મને ડી ગ્રેડ હેઠળ રૂ. ૨૦ લાખની સહાય મળવાપાત્ર હોય છે. (૫) સી ગ્રેડ, એટલે કે ૫૧ થી ૬૦ની વચ્ચે ગુણ મેળવનાર ફિલ્મને ૩૦ લાખ સહાય મળે છે. (૬) ઉપરની તરફ આગળ વધીએ તો ૬૧ થી ૭૦ ગુણ મેળવતી ફિલ્મ બી ગ્રેડમાં સામેલ થઈને રૂ. ૪૦ લાખની સબસીડી મેળવે છે. એ પછી (૭) ૭૧ થી ૮૦ માર્ક્સ મેળવનારી ફિલ્મને એ ગ્રેડ હેઠળ રૂ. ૫૦ લાખની સબસીડી મળી શકે છે. અને તેનાથી આગળ એ પ્લસ ગ્રેડ અર્થાત ૮૦ થી ૧૦૦ ગુણ મેળવતી ફિલ્મને પુરેપુરી ૭૫ લાખ સબસીડી અથવા ફિલ્મ નિર્માણનાં પ્રત્યક્ષ ખર્ચની ૭૫ ટકા રકમ પૈકી જે ઓછી હોય તે રકમ મળશે.
ડો. કે. આર. દેવમણી માને છે કે, ઓન પેપર નવી પોલિસી ગમે તેટલી સારી દેખાતી હોય તો પણ તેનો અમલ કેવી રીતે થાય છે તેનાં પર જ સઘળો મદાર રહેલો છે.

જો કે અહીં આર્થિક સહાયની પાત્રતા માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. જેમ કે (૧) ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા U અથવા U/A પ્રમાણપત્ર મળેલું હોવું જાઈએ. આવી ફિલ્મનાં નિર્માતા જ આ પોલિસી હેઠળ આર્થિક સહાય મેવવાને પાત્ર થશે. (૨) ફિલ્મ 2K અથવા તેનાથી વધારે રિઝોલ્યુશન ધરાવતા ડિજિટલ ફોર્મેટમાં ૩૫ એમએમ કે તેથી વધારે પહોળાં ફોર્મેટેમાં બનાવેલી હોવી જાઈએ અને ગુજરાત રાજ્યમાં લાયસન્સ ધરાવતાં સિનેમાગૃહોમાં રિલીઝ કરવામાં આવેલી હોવી જાઈએ. (૩) ફિલ્મનું સાઉન્ડ રેકોર્ડિંગ ૫.૧ ડિજિટલ સરાઉન્ડ સાઉન્ડ અથવા તેનાં અપગ્રેડેડ ફોર્મેટમાં થયેલું હોવું જાઈએ. (૪) ફિલ્મનો રનીંગ ટાઈમ ઓછામાં ઓછો ૧૦૦ મિનિટ હોવો જાઈએ. (૫) ટિકિટ માટેનાં ૨૦ ગુણની ગણતરી માટે ફિલ્મની રિલીઝની તારીખથી લઈને ૩૬૫ દિવસની મુદત દરમિયાન વેચાયેલી ટિકિટોની સંખ્યાને ધ્યાને લેવામાં આવશે. આ માટે નિર્માતાએ સ્વખર્ચે ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર પાસેથી શો દીઠ વેચાયેલી ટિકિટોની સંખ્યા દર્શાવતું પત્રક મેળવીને રજૂ કરવાનું હોય છે. (૬) ફિલ્મમાં દર્શાવવામાં આવતાં ડાયરેક્ટર, પ્રોડ્યુસર, સંગીતકાર, એક્ટરો, ટેકનિશિયનો વગેરેની ક્રેડીટ ટાઈટલ ગુજરાતીમાં હોવા જ જાઈએ. છતાં નિર્માતા-દિગ્દર્શક ઈચ્છે તો ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી કે અન્ય કોઈ ભાષાનો ઉપયોગ કરી શકશે, પરંતુ તમામ ક્રેડીટ ટાઈટલમાં ગુજરાતી ભાષા ફરજિયાત હોવી જાઈએ. એટલું જ નહીં અક્ષરોની સાઈઝ સિનેમાહોલની છેલ્લામાં છેલ્લી હરોળમાં બેઠેલી વ્યક્તિ પણ વાંચી શકે તેટલી હોવી જાઈએ. (૭) ફિલ્મનાં નિર્માણમાં થયેલ કુલ ખર્ચની ૩૦ ટકા રકમ ગુજરાતમાં જ વપરાયેલી હોવી જાઈએ. જેમાં જાહેરાતનાં ખર્ચને સમાવી શકાશે નહીં. આ માટેનાં પુરાવા પ્રોડ્યુસરે રજૂ કરવાનાં રહેશે.

કેવી ફિલ્મને સબસીડી ન મળી શકે ?

ફિલ્મને આર્થિક સહાય કેવાં સંજાગોમાં મળી શકે તેની વાત કર્યા બાદ કેવા સંજાગોમાં ફિલ્મને સબસીડી ન મળી શકે તેની વાત કરીએ. આ માટે પણ ચોક્કસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલી છે. દા.ત. જે ગુજરાતી ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફીકેટ(સીબીએફસી) દ્વારા ‘A’ સર્ટિફિકેટ મળેલ હોય તેને આર્થિક સહાય મળી શકતી નથી. ફિલ્મ સ્ક્રીનીંગ કમિટીની પેનલ ઉપર હોય તેવાં કોઈ નિષ્ણાતો જો કોઈ ફિલ્મ સાથે કોઈપણ રીતે સંકળાયેલાં હશે તો તેઓ ફિલ્મનાં સ્ક્રીનીંગમાં હાજર રહી શકશે નહીં. ફિલ્મનું શુટીંગ મૌલિક રીતે થયેલું હોવું જોઈએ. કલાકારોનાં સંવાદ અન્ય એક્ટરનાં અવાજથી ડબ કરવામાં આવ્યાં હોય, કોપી કરાઈ હોય અથવા જુદી જુદી ક્લિપોનું મિક્સીંગ કરીને કે અન્ય પ્રોડ્યુસરની ફિલ્મમાંથી ટુકડાં જોડીને બનાવેલી ફિલ્મ સહાયપાત્ર બનશે નહીં. ઉપરાંત કુરિવાજા, અંધશ્રદ્ધા, સામાજિક દુષણો, રાષ્ટ્રીય એકતા વિરુદ્ધની બાબતો અને વિવાદીત મુદ્દાઓને લઈને લોકોને ગેરમાર્ગે દોરતી ફિલ્મોને પણ આર્થિક સહાયથી બાકાત રાખવામાં આવેલ છે. કોપીરાઈટ એક્ટ ૧૯૫૭ની જોગવાઈઓનો ભંગ કરતી ફિલ્મને પણ સબસીડી નહીં મળી શકે. સૌથી મહત્વની વાત એ છે કે જે નિર્માતા સ્ક્રીનીંગ કમિટીનાં કોઈ સભ્યને કે આર્થિક સહાય મામલે નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગ ભજવતાં કોઈ અધિકારી કે કર્મચારીને પત્ર, ઈમેઈલ, ફોન કે વ્યક્તિગત સંપર્ક કરીને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતો ધ્યાનમાં આવશે તેની અરજી રદ કરી દેવામાં આવશે.
‘બૅટરહાફ’ અને ‘મિશન મમ્મી’ જેવી સફળ ફિલ્મોનાં નિર્દેશક આશિષ કક્કડને જો કે એડલ્ટ ફિલ્મને સહાયમાંથી બાકાત રાખવાની વાત યોગ્ય લાગતી નથી. તેમનાં મતે “કોઈ ફિલ્મને ઘણીવાર એકાદ સીનનાં કારણે પણ એડલ્ટ સર્ટિફીકેટ મળી જતું હોય છે. અહીં એડલ્ટનો મતલબ માત્ર સેક્સ કે હિંસક દ્રશ્યો ન હોઈ શકે. એવું પણ બની શકે કે ફિલ્મમાં આ પ્રકારનો એકપણ સીન ન હોય છતાં તે એડલ્ટ હોય. એટલે આ મામલો થોડો પેચિદો છે. બાકી નવી પાલિસીમાં મોટાભાગની જોગવાઈઓ સરસ છે અને જો તેનો યોગ્ય રીતે અમલ થશે તો ગુજરાતી ફિલ્મોદ્યોગને તેનો ભરપુર ફાયદો થશે.”
આશિષ કક્કડનાં મતે, નવી પોલિસીમાં મોટાભાગની જોગવાઈઓ સરસ છે અને જો તેનો યોગ્ય રીતે અમલ થશે તો ગુજરાતી ફિલ્મોદ્યોગને ભરપુર ફાયદો થશે.

મેઘધનુષ’ અને ‘તમે કેવા?’ જેવી હટકે વિષયો પર આધારિત ફિલ્મોનાં નિર્માતા-નિર્દેશક ડો. કે. આર. દેવમણી પણ એડલ્ટ ફિલ્મોને સબસીડીમાંથી બાકાત રાખવા બાબતે સહમત નથી. ડોક્ટરી છોડી ફિલ્મમેકર બનેલાં કે. આર. દેવમણી કહે છે કે, “એ ગ્રેડની ફિલ્મને સબસીડી ન આપવી તેવો નિયમ ભારતનાં અન્ય કોઈ રાજ્યમાં નથી. અગાઉ મારી ફિલ્મ ‘મેઘધનુષ’નાં વિષયને લઈને સબસીડી અટકાવાઈ હતી. જેથી મારે સુપ્રીમ કોર્ટ સુધી જવાની ફરજ પડી હતી. ફિલ્મ રિલીઝ થઈ ગઈ એ પછીનાં વર્ષોમાં રાજ્ય સરકાર એડલ્ટ ફિલ્મોને કોઈપણ સરકારી સહાય ન મળે તેવો નિયમ લાવી હતી. મારી ફિલ્મ આ નિયમ આવ્યો તે પહેલાં રિલીઝ થઈ ગઈ હોવા છતાં તેને સહાય ન મળી. આખરે સુપ્રીમ સુધી ગયો અને ત્યાં મારી તરફેણમાં ચૂકાદો આપતાં કોર્ટે કહ્યું કે નવાં નિયમો લાગુ પડતાં પહેલાં ફિલ્મ રિલીઝ થઈ ગઈ હોવાથી આ ફિલ્મને તે લાગુ પાડી શકાય નહીં. મને એ નથી સમજાતું કે, અગાઉ ‘ગેન્ગ્સ ઓફ વાસેપુર’ અને ‘ધ ડર્ટી પિક્ચર’ જેવી ફિલ્મોને રાષ્ટ્રીય કક્ષાનાં એવોર્ડ મળી ચૂક્યાં છે ત્યારે ગુજરાતી ફિલ્મો મામલે બેવડાં ધોરણો કેમ? આ મામલે ફેરવિચારણાં થવી જાઈએ.”
'મિશન મમ્મી' ફિલ્મને સરકારે ચિલ્ડ્રન ફિલ્મ તરીકે સ્વીકારી પણ સબસીડી આપવામાં અન્યાય કર્યો.

અભિનેત્રી, નિર્માત્રી, લેખિકા, રેડિયો જોકી જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં આરતી પટેલ, જેઓ રાજ્ય સરકારની ગુજરાતી ફિલ્મ સ્ક્રીનિંગ કમિટીનાં સભ્ય પણ છે, તેઓ ઍડલ્ટ ફિલ્મને લઈને જુદો મત ધરાવે છે. તેમનાં મતે, “ઍડલ્ટ ફિલ્મને સબસીડી આપવી કે નહીં એ સરકારશ્રીનો નિર્ણય છે. પણ હું માનું છું કે આજે ‘U/A’ સર્ટિફાઈડ ફિલ્મો પણ અપશબ્દોથી ભરપુર હોય છે. એટલે ‘A’ સર્ટિફિકેટ સેન્સર બોર્ડ તરફથી કોઈ ફિલ્મને ત્યારે જ મળે છે જ્યારે તેમાં અસંખ્ય પ્રકારનાં આવા દ્રશ્યો હોય અથવા તો એવી ભાષા કે ખૂનામરકી હોય. હાલ જ્યારે ગુજરાતી ફિલ્મોમાં આપણે નવું ઓડિયન્સ ખેંચી લાવવા અને ફેમિલી ફિલ્મોનો જમાનો પરત ફરે તે માટે મહેનત કરી રહ્યાં છીએ. એ સ્થિતિમાં જો ઍડલ્ટ ફિલ્મોને પ્રોત્સાહન મળશે તો પરિવાર સાથે ગુજરાતી ફિલ્મ જાવા જવાનાં ટ્રેન્ડ પર બ્રેક લાગશે. આજે ગુજરાતી ફિલ્મો તો ઠીક કોઈ બોલિવુડ ફિલ્મને પણ ‘A’ સર્ટિફિકેટ મળે છે ત્યારે નિર્માતા કકળાટ કરી મૂકતો હોય છે, કારણ કે તેનાથી અડધું ઓડિયન્સ ઓછું થઈ જાય છે. ત્યારે આપણી ઈન્ડસ્ટ્રી તો નવેસરથી તૈયાર થઈ રહી છે. તેને આ પ્રકારનાં કન્ટેન્ટથી દૂર રાખીએ તે હાલ પુરતું તો યોગ્ય લાગે છે. ”
'' જેવી મસ્ત ગુજરાતી ફિલ્મને પણ સબસીડી મામલે ભારે વેઠવાનું આવેલું.

સબસીડીથી ઈન્ડસ્ટ્રીને ફાયદો કે નુકસાન ?

કોઈપણ નવી નીતિનાં અમલીકરણમાં બે બાજુઓ હોય છે. ફાયદો અને નુકસાન. રિપોર્ટિંગ દરમિયાન બંને તરફની પરિસ્થિતિ સામે આવી. લાભની વાત કરીએ તો જૂની પાલિસીમાં મહત્તમ મળવાપાત્ર સહાય ૫૦ લાખ રૂપિયા સુધીની હતી તે હવે વધારીને ૭૫ લાખ સુધીની કરવામાં આવી છે તે સૌથી મોટો ફરક છે. અગાઉ બે લાખ ટિકિટોનાં વેચાણ પર ૨૦ ગુણ મળતાં હતાં તેમાં ઘટાડો કરીને હવે ૪૭, ૫૦૧ થી ૫૦,૦૦૦ સુધીમાં મળી રહેશે તે બહુ ફાયદાકારક વાત છે. આ સિવાય વીએફએક્સ, મેક અપ, કોસ્ચ્યુમ્સ વગેરેનાં માર્ક્સ પણ ઉમેરાયાં છે. ગ્રેડેશન પદ્ધતિ ૨૦૧૬માં લાગુ કરવામાં આવી ત્યારે જ નક્કી હતું કે, એકાદ વર્ષ બાદ તેને રિવ્યૂ કરવી જેથી ખામીઓને સુધારી શકાય. પહેલાં જ વર્ષે ઘણાં બધાં નિર્માતાઓની ફરિયાદ આવી હતી કે ૨ લાખ ટિકિટોનાં વેચાણનાં નિયમમાં ફેરફાર કરવો જોઈએ. જે નવી પાલિસીમાં સુધારાયો છે.
એક નિર્માત્રી તરીકે આરતી પટેલ માને છે કે, નવું કામ કરતાં દરેક નિર્માતા-નિર્દેશક માટે સરકારની નવી પોલિસી એક ભેટ જેવી છે. છતાં તેમને અમુક બાબતોને લઈને હજુ પણ ભય સતાવે છે. આ મામલે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે, “ આપણે આશા રાખીએ કે સારા ફિલ્મમેકરોને નવી નીતિથી ફાયદો થાય. જો કે મને હજુ એ બાબતનો ડર લાગે છે કે ક્યાંક લેભાગુ લોકો પહેલાની જેમ જ માત્ર સબસીડી માટે ફિલ્મો બનાવી, વચેટિયાઓની મદદથી આર્થિક ફાયદો તો નહીં ઉઠાવી જાય ને ? રાજ્ય સરકારની નિયત સાફ હોય તો પણ મને આ બાબતનો ડર સતત લાગ્યાં કરે છે. બીજી તરફ એ બાબતે નિશ્ચિંત છું કે હવે કોઈને સાહિત્યકૃતિ પરથી કે જાણીતી વ્યક્તિનાં જીવનચરિત્ર પરથી ફિલ્મ બનાવવી હશે તો આર્થિક નુકસાનીની પરવા કર્યા વિના તે પોતાનું કામ પ્રામાણિકતાથી કરી શકશે. કેમ કે સરકાર તેને આર્થિક મદદ કરવા પડખે ઉભી છે. આ પડાવ પર હજુ મને લાગે છે ગુજરાતી ફિલ્મેકર્સે ઘણું બધું શીખવાની, ભણવાની જરુર છે. ફિલ્મ નિર્માણનાં તમામ પાસાઓનો નવેસરથી પદ્ધતિસરનો અભ્યાસ કરવાની જરૂર છે.”
આરતી પટેલને હજુ ડર સતાવે છે કે ફરી લેભાગુ લોકો પહેલાની જેમ જ માત્ર સબસીડી માટે ફિલ્મો બનાવી, વચેટિયાઓની મદદથી આર્થિક ફાયદો તો નહીં ઉઠાવી જાય ને ?

ગુજરાતી ફિલ્મોનાં સુપરસ્ટાર હિતેનકુમાર પણ સરકારનાં પગલાંને દિલ ખોલીને આવકારે છે. પણ તેની સાથે જ તેઓ એવી બાબતો, જેમાં હજુયે અસમંજસભરી સ્થિતિ પ્રવર્તે છે, તે તરફ ધ્યાન પણ દોરે છે. હિતેનભાઈ કહે છે, “ બહુ સુંદર પગલું લીધું છે સરકારે. ખાસ કરીને ટિકીટોનાં વેચાણની મર્યાદા ૨ લાખથી ઘટાડીને ૫૦ હજાર કરી છે તેનાથી નિર્માતાઓને ચોક્કસ ફાયદો થશે. આ સિવાય નવી જે કેટેગરી ઉમેરી છે તેનાં કારણે પણ ઈન્ડસ્ટ્રીને લાભ થશે. ઉપરાંત સાહિત્યકૃતિ પરથી ફિલ્મ બનાવવા માટે પણ નિર્માતાઓ લલચાશે. ટુંકમાં, અત્યાર સુધીની નીતિઓમાં આ સર્વોત્તમ છે તેવું હાલનાં તબક્કે મને લાગે છે. જો કે સરકારની આટલી સહાય પછી પણ મલ્ટિપ્લેક્સનું ગણિત હજુયે નિર્માતાની સમજણ બહાર છે. હાલ સ્થિતિ એવી છે કે તમામ ટેક્સનું ભારણ નિર્માતા ભોગવે છે અને મહત્તમ ફાયદો મલ્ટિપ્લેક્સને જાય છે. એવામાં સરકાર ફિલ્મને મદદ કરે તો પણ તેનો પુરેપુરો ફાયદો નિર્માતાને મળશે કે કેમ તે બાબત શંકાના દાયરામાં છે. એક બાબત હું કાયમ કહેતો આવ્યો છું કે, જ્યાં સુધી છેવાડાનાં ગુજરાત સુધી આપણી ફિલ્મો પહોંચશે નહીં ત્યાં સુધી તેનાં ટકી રહેવાની, સફળ થવાની અને મહત્તમ કમાણી કરવાની શક્યતા મર્યાદિત જ રહેશે. નાનાં શહેરોમાં થિયેટરો નથી અને મોટાં શહેરોનાં મલ્ટિપ્લેક્સ સુધી તેઓ પહોંચી શકે તેમ નથી. પરિણામે એક આખો વર્ગ, જે કાયમ ગુજરાતી ફિલ્મ જોવા ટેવાયેલો હતો તે આપણાથી દૂર થઈ ગયો છે. તેને ફરી સાથે લાવવા માટે પીપીપી ધોરણે થિયેટર કલ્ચર વિકસાવવું જરુરી બની ગયું છે. સરકારની નીતિ ગુજરાતી ફિલ્મોદ્યોગને પ્રોત્સાહન આપવાની છે પણ આ સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી ઈન્ડસ્ટ્રી સદ્ધર નહીં બની શકે.”
ગુજરાતી ફિલ્મોનાં સુપરસ્ટાર હિતેનકુમાર માને છે કે, સરકારે બહુ સુંદર પગલું લીધું છે . ખાસ કરીને ટિકીટોનાં વેચાણની મર્યાદા ૨ લાખથી ઘટાડીને ૫૦ હજાર કરી છે તેનાથી નિર્માતાઓને ચોક્કસ ફાયદો થશે.

એક નિર્માતા-નિર્દેશક નામ ન આપવાની શરતે જણાવે છે કે, “ટિકીટ વેચાણની કેટેગરી માટે ૨૦ માર્ક્સ ફાળવી દેવાયા છે તે યોગ્ય નથી. સરકારે તેમાં પડવાની જરૂર જ નહોતી. કોઈ ફિલ્મ રિલીઝ થાય તેટલું જ પુરતું છે અને એ પછી જે રીતે ઍવોર્ડ આપવામાં આવતાં હોય છે તે રીતે ફિલ્મની ગુણવત્તા પર જ સહાય આપવી જોઈએ. ઘણીવાર ગ્રેડેશનમાં ઉત્તમ ફિલ્મને પણ અન્યાય થતો હોય છે. જેમ કે, જૂની પોલિસીમાં આશીષ કક્કડની ફિલ્મ ‘મિશન મમ્મી’ને સરસ હોવા છતાં સી ગ્રેડમાં સમાવવામાં આવી હતી. જેનાં કારણે તેને માંડ રૂ. ૧૦ લાખ સબસીડી મળી શકી. આ ફિલ્મને સ્ક્રીનિંગ કમિટિએ ચિલ્ડ્ર્‌ન ફિલ્મ તરીકે સ્વીકારીને રાજ્યની અનેક પ્રાથમિક શાળાઓમાં બતાવી હતી. ફિલ્મ પાછળ બધું મળીને તેમણે રૂ. ૫૫ લાખનો ખર્ચ કર્યો હતો. જ્યારે સબસીડી પેટે તેમને માંડ રૂ. ૧૨.૫ લાખ મળ્યાં. કહેવાનો મતલબ એ કે ફિલ્મ સારી હતી, ડાયરેક્ટરે પોતાની વાત કહેવામાં ક્યાંય બાંધછોડ નહોતી કરી છતાં ગ્રેડ સિસ્ટમમાં તેને અન્યાય થયો હતો. જો આવું ફરી થતું રહેશે તો તેની નકારાત્મક અસર થશે.”

'લવની ભવાઈ' જેવી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મનાં ડાયરેક્ટર સંદીપ પટેલનાં મતે, હાલ ટિકિટ વેચાણમાં નિર્માતાને પહેલાં અઠવાડિયે ટિકિટ દીઠ ૪૫ ટકા, બીજા વીકમાં ૪૦ ટકા અને એ પછીનાં અઠવાડિયે ગરજ પ્રમાણેની રકમ મળે છે ! 

આ નિર્માતા-નિર્દેશકે તો ફિલ્મ કમિટિનાં સભ્યો અત્યાર સુધી કેવી રીતે ભ્રષ્ટાચાર કરતાં હતાં તેની પણ વાત કરી. તેમનાં કહેવા પ્રમાણે “અગાઉ ફિલ્મ સ્ક્રીનિંગ કમિટિનાં સભ્યો રૂ. ૫ લાખની સબસીડીમાંથી ૧૦ ટકા કમિશન લેતાં હતાં. એટલે કે રૂ. ૫૦ હજાર લાંચ લઈને તેઓ ગમે તે ફિલ્મની સબસીડી પાસ કરી દેતાં હતાં. એટલે જ એ વખતે મોટાભાગની ફિલ્મની ફાઈલ પાસ થઈ જતી હતી. હવે ગ્રેડ સિસ્ટમમાં કરાયેલાં સુધારા બાદ સબસીડીની રકમ પણ વધારવામાં આવી છે ત્યારે ભ્રષ્ટાચારનું કદ પણ વધવાની પુરી શક્યતા છે. જે તે ફિલ્મને આગળનાં ગ્રેડમાં સ્થાન આપવા માટે તેઓ વધુ મોટી લાંચ લેશે. છેલ્લે અગાઉની જેમ માત્ર મળતિયા નિર્માતા-નિર્દેશકોને જ મોટી સબસીડીનો લાભ મળશે. બાકીનાં લોકોએ ધક્કા ખાવા પડશે. આ પરિસ્થિતિ ત્યાં સુધી નથી બદલાવાની જ્યાં સુધી સ્ક્રીનીંગ કમિટિનાં સભ્યોની દાનત નહીં સુધરે. ભ્રષ્ટ આ લોકોને કારણે સરકાર ગમે તેટલી સારી યોજના બનાવે છે તો પણ તેનો લાભ નિર્માતાઓ સુધી પહોંચતો નથી. આ સ્થિતિ હજુ નજીકનાં ભવિષ્યમાં તો દૂર થાય તેવી કોઈ શક્યતા નથી.”

નિર્માતા-નિર્દેશક ડો. કે. આર. દેવમણી ફાઈલ સબમીટ કરવાથી લઈને સબસીડી મળવા સુધીની લાંબી પ્રક્રિયાને સુધારવા પર ભાર મૂકે છે. તેમનાં મતે “ફાઈલ સબમીટ કરવામાં ઘણો સમય લાગતો હોય છે. દસ્તાવેજા તૈયાર હોવા છતાં નાનાંમોટાં વાંધાવચકાઓ નીકળતાં રહે છે. પરિણામે એક ફિલ્મકારે સબસીડી મેળવવા માટે પોતાનું બધું જ કામ પડતું મૂકીને ઓછામાં ઓછાં બે મહિના જેટલો સમય ફાઈલ તૈયાર કરવા પાછળ આપવો પડે છે. ફાઈલ જમા કરાવ્યાં પછી બે-ત્રણ મહિનાની અંદર કમિટિ ફિલ્મનું સ્ક્રીનિંગ રાખતી હોય છે અને પછી ગ્રેડ મુજબ સબસીડી મળતી હોય છે. આ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયેલો હોવાથી મને લાગે છે કે નવી સબસીડી પોલિસી કાગળ પર સરસ દેખાતી હોવા છતાં તે લાગુ કેવી રીતે થાય છે તેનાં પર બધો આધાર રહેલો છે.”

મલ્ટિપ્લેક્સનો મેઈન્ટેનન્સ ચાર્જ

એક તરફ રાજ્ય સરકાર ગુજરાતી ફિલ્મોદ્યોગને બેઠો કરવા પગલાં લઈ રહી છે પણ બીજી તરફ થિયેટરો પોતાનાં નફામાં જરાય ઢીલ મૂકવા તૈયાર નથી. હાલ સ્થિતિ એવી છે કે ક્રિસ્ટોફર નોલાન, કરણ જોહર અને આપણાં ગુજરાતી સંદીપ પટેલ એમ ત્રણેય ફિલ્મ નિર્માતાઓ પાસેથી એકસરખો રૂ. ૨૪ સુધીનો મેઈન્ટેનન્સ ચાર્જ વસૂલવામાં આવે છે. પહેલાં બે નિર્માતાઓને તો આ ચાર્જ પોસાય, પણ ઉગીને ઉભાં થયેલાં ગુજરાતી ફિલ્મમેકરનું શું ? આટલું ઓછું હોય તેમ સરકાર ૧૮ ટકા મનોરંજન કર વસૂલે છે જેનો ભાર છેલ્લે તો કન્યાની કેડ પરની જેમ દર્શકોને માથે જ આવે છે. 

આ આખાયે મામલાને સમજવા માટે ટિકિટ વેચાણ પરનાં નફાની વહેંચણીને સમજવી પડે. હાલ ગુજરાતી ફિલ્મોમાં ટિકિટનાં વેચાણમાં નિર્માતા અને થિયેટર માલિકો વચ્ચેની વહેંચણીનું ગણિત સમજાવતાં ‘લવની ભવાઈ’નાં ડિરેક્ટર સંદીપ પટેલ કહે છે, “ટિકિટ વેચાણમાં પહેલાં અઠવાડિયે નિર્માતાને ટિકિટ દીઠ ૪૫ ટકા રકમ મળે છે, બીજા વીકમાં ૪૦ ટકા અને એ પછીનાં અઠવાડિયે ગરજ પ્રમાણેની રકમ મળે છે ! ગરજ પ્રમાણેની એટલે કે, નિર્માતા ખમતીધર હોય અને ફિલ્મનું પહેલાં બે વીકનું પ્રદર્શન સારું હોય તો ત્રીજા વીકમાં ૩૫ ટકા મુજબ મળે. એ પણ ચોથા અથવાડિયે તો ૩૦ ટકા થઈ જ જતી હોય છે. એટલે એક ફિલ્મમેકર બે કે ત્રણ વર્ષ રાતદિવસ જાયાં વિના મહેનત કરીને જે ફિલ્મ તૈયાર કરે છે. તેનો તેટલો ફાયદો તેને મળી શકતો નથી.”
'રેવા'ની સફળતા અને નવી સબસીડી નિતીને કારણે  આગામી દિવસોમાં સાહિત્યકૃતિ આધારિત ફિલ્મોનો ટ્રેન્ડ વધશે.


આપણે ત્યાં બહુ ઓછાં લોકોને ખ્યાલ છે કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભૂજ સહિત રાજ્યનાં તમામ મોટાં શહેરોમાં મોટાભાગનાં મલ્ટિપ્લેક્સ અને થિયેટરોનાં માલિકો રાજકારણીઓ છે. ગુજરાતી ફિલ્મોદ્યોગ પર તેઓની મોનોપોલી છે. ક્યાંક તેમનાં સગાઓ થિયેટર માલિકો છે તો ક્યાંક તેમનાં મળતિયા પગદંડો જમાવી ચૂક્યાં છે. ટુંકમાં, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર તેમનું નેટવર્ક એવું જડબેસલાક રીતે ગોઠવાયેલું છે કે એકેય ગુજરાતી ફિલ્મકાર તેમનાં શરણમાં આવ્યાં વિના ફિલ્મ રિલીઝ કરી શકે નહીં. જે ફિલ્મમેકર તેમણે નક્કી કરેલાં નિયમો વિરૂદ્ધ જવા પ્રયત્ન કરે છે, વિરોધ કરે છે, તેની ફિલ્મને તેઓ નિશાન બનાવે છે. એનાં માટે તેમની પાસે અનેક રસ્તા છે. જેમ કે, ફિલ્મને વહેલી સવારનો કે બપોરે અઢી વાગ્યાનો શો ફાળવી દેવો. ક્યારેક રાત્રે અગિયાર વાગ્યાનો શો ફાળવે. પણ એક વ્યક્તિ સપરિવાર ફિલ્મ જોવા માટે જે સમય ફાળવતી હોય (જેમ કે રવિવાર અથવા સાંજનો સમય)તેવો એકેય શો સામે પડનાર ફિલ્મમેકરને મળતો નથી. પરિણામે સારી ગુજરાતી ફિલ્મ પણ ધારી કમાણી કરી શકતી નથી અને તેની સીધી અસર સબસીડીનાં ગ્રેડ પર પડે છે. સરવાળે નિર્માતા દેવામાં ડૂબી જાય છે અને નિર્દેશકની કારકિર્દી દાવ પર લાગી જાય છે. ઈન્ડસ્ટ્રી પર મોનોપોલી ધરાવતાં રાજકારણીઓ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બેઠી કરવાની વાતો કરે છે પણ ખુદની મોનોપોલી ન તૂટે તેનું બરાબર ધ્યાન રાખે છે.


છેલ્લે, આટલી ચર્ચા કર્યાં પછી એટલું તો સમજાય છે કે સરકારની દાનત ખોરી નથી. પણ સચિવાલય અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જે વિભાગો સાથે લેવાદેવા છે ત્યાં વર્ષોથી અડિંગો જમાવીને બેસી ગયેલાં તત્વો ઉત્સાહી ફિલ્મ નિર્માતાને ફાવવા દેતા નથી. આ જ લોકો છે, જેઓ ફિલ્મ નિર્માતા સુધી પહોંચતાં લાભમાંથી મલાઈ તારવે છે. જો રાજ્ય સરકાર ખરેખર ગુજરાતી ફિલ્મોદ્યોગ બેઠો થાય તેમ ઈચ્છતી હોય તો વહેલીતકે આવા નુકસાનકારક તત્વોને ઓળખી કાઢીને કાયમ માટે બહાર કરી દે. તો જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં વિકાસનો માર્ગ મોકળો થશે. બાકી વર્ષોથી જેમ ચાલ્યું આવતું હતું તેમ જ ચાલશે.
'અભિયાન'માં પ્રકાશિત સબસીડી પરની કવર સ્ટોરી







Comments