રાજકારણમાં મહિલાઓની સંખ્યા આટલી ઓછી કેમ?
આઝાદીનાં 70 વર્ષ બાદ પણ ભારતમાં મહિલાઓ અનેક પડકારોનો સામનો કરી રહી છે. સંસદમાં માત્ર 12 ટકા અને રાજ્યોની વિધાનસભાઓમાં ફક્ત 9 ટકા જેટલી બેઠકો મહિલાઓ પાસે છે. સંસદ અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓનાં પ્રતિનિધિત્વ મામલે દુનિયાની સૌથી મોટી સંસદીય લોકશાહી ગણાતા ભારતનું સ્થાન 140માંથી 103મું છે. આવું કેમ?
વર્તમાનમાં
ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે જેમાં મહિલાઓની સક્રિય ભાગીદારી ન હોય. દરેક મોરચે
તે સફળતાની સીડીઓ ચઢતી આગળ વધતી રહી છે. પરંતુ એ વાત સ્વીકારવી રહી કે રાજકીય
તખ્તા પર તેની હાજરી નિરાશાજનક છે. હાલમાં જ બહાર આવેલાં આંકડાઓમાં એ વાત સામે આવી
છે કે વિશ્વભરમાં રાજકીય સ્તર પર મહિલાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. રાજકારણમાં
મહિલાઓની સંખ્યા પુરૂષોની તુલનામાં ઘણી ઓછી છે. વિશ્વનાં નેતાઓમાં તેની ટકાવારી
માત્ર 7 છે અને સાંસદોમાં ફક્ત 24 ટકા મહિલાઓ છે. હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર
મહાસભાનાં અધ્યક્ષ મારિયા ફર્નાન્ડા એસ્પિનોસાએ મહિલાઓની સ્થિતિ પર યુનાઈટેડ
નેશન્સનાં પ્રતિનિધિ મંડળ સામે આ વાત રાખતાં જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાક
વર્ષોમાં વિશ્વભરમાં રાજકીય ક્ષેત્રે મહિલાઓની સંખ્યામાં ભારે અછત જોવા મળી છે.
હજુ ગત અઠવાડિયે જ જાહેર થયેલાં આંકડાઓ અનુસાર મહિલાઓની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે
પસંદગી થવાની ટકાવારી 2017માં 7.2 ટકા હતી તે ઘટીને વર્ષ 2018માં 6.6 ટકા સુધી
પહોંચી ગઈ છે. તો મહિલા પ્રમુખોનું પ્રમાણ પણ 5.7 ટકાથી ઘટીને 5.2 ટકા થઈ ગયું છે.
સંસ્થાનું માનવું છે કે અમુક હકારાત્મક આંદોલનો છતાં નેતાગીરીમાં આજેપણ બહુમતિ
પુરૂષોની છે.
ભારતની
વાત કરીએ તો આગામી લોકસભા ચૂંટણીઓમાં
મમતા બેનરજીનાં તૃણમૂલ કોંગ્રેસ સિવાય એકપણ પક્ષને મહિલાઓને વધુ
પ્રતિનિધિત્વ આપવાનું વ્યાજબી લાગતું નથી. લોકસભા 2019ની ચૂંટણી માટે તેમણે જાહેર
કરેલી 42 ઉમેદવારોની યાદીમાં 17 મહિલાઓને તક આપી છે. તેમની પહેલાં ઓરિસ્સાનાં નવીન
પટનાયકે 33 ટકા સીટો મહિલાઓ માટે અનામત રાખવાની જાહેરાત કરી હતી જેને તેમણે પાછળ
છોડી દીધી છે. અગાઉ 2014માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પણ મમતા દીદીએ 34 ટકા
મહિલાઓને મેદાનમાં ઉતારી હતી. જો કે
આવા છુટક અપવાદોને બાદ કરતાં દેશનાં લગભગ તમામ નાનાં મોટાં રાજકીય પક્ષોનું
નેતૃત્વ પુરૂષોનાં હાથમાં છે. થોડાં વર્ષ પહેલાં ધ હિંદુએ દેશનાં પાંચ મોટા રાજકીય
પક્ષોનો સર્વે કર્યો હતો. જેમાં સામે આવ્યું હતું કે દેશની અડધોઅડધ વસ્તી ધરાવતી
મહિલાઓનું રાજકીય નેતૃત્વ સંદર્ભે પ્રમાણ આઘાત પહોંચાડે એ હદે મર્યાદિત છે. તમામ
રાજકીય પક્ષોમાં મહિલાઓ પાસે નજીવી સત્તા હતી. એક સદી જૂની કોંગ્રેસ પાર્ટી પાસે
પણ માંડ 14 ટકા મહિલા નેતૃત્વ છે, જે તમામ પક્ષોમાં
સૌથી વધુ છે.
આ આંકડો પોતાને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી અને પાર્ટી વિથ ડિફરન્સ તરીકે પ્રોજેક્ટ કરતાં ભાજપમાં માંડ
8 ટકા છે.
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા
(સીપીઆઈ) અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી(સીપીએમ)માં ટકાવારી 6 ટકા છે. જ્યારે શરદ પવારની એનસીપીમાં માત્ર
4 ટકા મહિલા નેતૃત્વ છે.
અહીં આશ્ચર્યની વાત એ છે કે માર્ક્સ અને સામ્યવાદી વિચારધારાને વરેલાં બંને પક્ષોએ પણ મહિલા નેતૃત્વની રીતસરની બાકબાદી કરી નાખી છે.
દેશનાં રાજકીય ફલક પર દર વર્ષે મહિલાઓનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે.
એવા સમયે રાજકીય પક્ષો પણ મહિલાઓને અવગણશે તો લોકશાહી નામ માત્રની રહેશે.
મહિલાઓનાં હાથમાં નેતૃત્વ ન જાય તે માટે આપણાં રાજકીય પક્ષો કેવા ત્રાગા કરતાં હોય છે તેનું સૌથી મોટું ઉદાહરણ મહિલા અનામત બિલ છે.
ભારતીય બંધારણનાં
85માં સંશોધનનાં આ બિલમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે
33 ટકા બેઠકો પર અનામત લાગુ કરવાની જોગવાઈ છે.
આ 33 ટકા બેઠકો પૈકી એક તૃતિયાંશ
બેઠકો અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ માટે અનામત રાખવાની છે.
2010માં આ બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું છે પણ લોકસભામાં લટકી પડ્યું છે.
મહિલા અનામત બિલ સૌ પ્રથમ
1996માં એચ.ડી. દેવગૌડાની સરકારમાં
રજૂ કરવામાં આવ્યું હતું.
પણ
સત્તાધારી પક્ષમાં જ તેને લઈને એકમત સાધી શકાયો નહોતો.
બે
વર્ષ બાદ
1998માં તત્કાલિન કાયદામંત્રી થંબી દુરાઈ જ્યારે આ બિલ રજૂ કરવા ઉભા થયાં ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો.
સાંસદો વચ્ચે ઝપાઝપી થઈ અને આખરે કેટલાકે થંબી દુરાઈનાં હાથમાંથી બિલ પડાવી લઈને લોકસભામાં જ ફાડી નાખ્યું હતું.એ પછી 1999, 2002 અને 2003માં પણ આ બિલ સંસદમાં મુકાયું પણ આજદિન સુધી પાસ થઈ શક્યું નથી. નવાઈની વાત એ છે કે કોગ્રેસ, ભાજપ અને ડાબેરીઓ બિલનાં સમર્થનમાં હોવા છતાં દર વખતે કોઈને કોઈ બહાને બિલ પાછું ઠેલાતું રહ્યું છે.
2010માં સોનિયા ગાંધીનાં
પ્રયાસોથી બિલ રાજ્યસભામાં તો પસાર થઈ ગયું પણ કોંગ્રેસ પાસે બહુમતિ ન હોવાથી લોકસભામાં પસાર ન થઈ શક્યું.
લાલુપ્રસાદ યાદવ,
મુલાયમ સિંહ અને બહુજન સમાજ પક્ષનાં સાંસદો વિરોધમાં ઉતરી આવીને લોકસભામાં જ બિલની કોપીઓ ફાડી હતી.
એ વખતે જો ભાજપે ધાર્યું હોત તો કોંગ્રેસને ટેકો આપીને બિલ પસાર કરાવી શકી હોત.
પણ
વિરોધ પક્ષ તરીકે માત્ર વિરોધ જ કરવામાં માનતા ભાજપે આ મુદ્દે કોંગ્રેસને સહકાર આપ્યો નહોતો.
છેલ્લાં પાંચ વર્ષથી લોકસભામાં ભાજપની નરેન્દ્ર મોદીનાં નેતૃત્વવાળી સ્પષ્ટ બહુમતિ ધરાવતી સરકાર હોવા છતાં મહિલા અનામત બિલ પાસ થઈ શક્યું નથી.
2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે પોતાનાં ચૂંટણી ઢંઢેરામાં મહિલા અનામત બિલ પસાર કરવાનો વાયદો કર્યો હતો.
હાલ તેમની પાસે પૂર્ણ બહુમતિ હતી અને બિલ પસાર કરવાનું સરળ હતું છતાં એ તરફ નજર સુદ્ધાં કરી નહોતી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે વડાપ્રધાનને પત્ર લખીને બિનશરતી સમર્થન આપવાની જાહેરાત કરી હતી પણ સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો નહોતો.
આજે પરિસ્થિતિ એ છે કે છેલ્લાં
23 વર્ષથી મહિલા સંગઠનો આ બિલ પાસ કરાવવા પ્રયત્નો કરી રહ્યાં છે પણ પુરૂષ રાજકારણીઓ તેને ગણકારતા નથી.
હકીકતે રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી એક માનવાધિકાર છે. મહિલાની સમાન નાગરિકતા માટે પણ આ બિલ જરૂરી છે.
આઝાદીનાં 70 વર્ષ બાદ ભારતમાં મહિલાઓ અનેક પડકારોનો
સામનો કરી રહી છે. સંસદમાં માત્ર
12 ટકા અને રાજ્યોની વિધાનસભાઓમાં ફક્ત
9 ટકા જેટલી બેઠકો મહિલાઓ પાસે છે.
સંસદ અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓનાં પ્રતિનિધિત્વ મામલે દુનિયાની સૌથી મોટી સંસદીય લોકશાહી ગણાતા ભારતનું સ્થાન
140માંથી 103મું છે. ભારતીય સંસદમાં મહિલાઓની ટકાવારીની સરેરાશ
11.4 ટકા છે. જ્યારે આ જ મામલે રવાન્ડા જેવા પછાત આફ્રિકી દેશની સંસદમાં મહિલાઓની ટકાવારી
63 છે. પડોશી દેશ નેપાળમાં
આ આંકડો
29.5 ટકા છે.
અફઘાનિસ્તાન જેવા રાજકીય અસ્થિરતા ધરાવતાં દેશ કે જ્યાં ખુદ ભારત લોકશાહી સ્થાપિત કરવામાં મદદ કરી રહ્યું છે ત્યાં મહિલાઓની સંસદમાં ટકાવારી
27.7 ટકા છે.
સામ્યવાદી ચીનની સંસદમાં મહિલા પ્રતિનિધિત્વ
23.6 ટકા છે.
અરે આતંકવાદથી ગ્રસ્ત પાકિસ્તાનની સંસદમાં પણ
20.6 ટકા મહિલા સાંસદો બિરાજે છે.
આ બધાં આંકડાઓ જોતાં તો એવું સ્પષ્ટ લાગે છે કે પુરૂષ રાજકારણીઓ જ મહિલાઓનું નેતૃત્વ વધી ન જાય તે માટે પ્રયત્નશીલ છે અને એ વધારે ચિંતાજનક બાબત છે.



Comments
Post a Comment