જાંબુરના સીદી યુવાનોની ખેલકૂદમાં 'ધમાલ' !



માત્ર ગુજરાત જ નહીં, દુનિયા આખી ગીરમાં વસતા સીદી બાદશાહોને કેવળ ધમાલ નૃત્યને કારણે ઓળખે છે. ‘સીદી એટલે ધમાલ નૃત્ય’- બસ, એનાથી વિશેષ જાણે તેમની કોઈ ઓળખ જ નથી. પણ હવે આ માન્યતા ધરમૂળથી બદલાય એ દિવસો બહુ દૂર નથી. કેમ કે તેમનાં વતન જાંબુરમાં સીદીઓની નવી પેઢી સ્વની સાથે સમાજની પણ ઓળખ નવેસરથી સ્થાપિત કરવા પરસેવો પાડી રહી છે. મુખ્યધારાની સમાજવ્યવસ્થાથી દૂર, જંગલ વચ્ચે વસતાં સીદી યુવાનો કેવી રીતે પોતાની છબિ બદલવા મથી રહી છે તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ અહીં પ્રસ્તુત છે...




“સાયબ, અમાર ન્યાં સોકરીયું ન ચ્યાંય બાઈરય નો જાવા દેતા ઈ જમાનામાં મેં એથલેટિસમાં ભાગ લીધેલો”
“શું વાત કરો છો, ખરેખર !”
“તોઅઅ, આ તો મારા બાપા નો માન્યા એટલે બાકી મારી પાંહે ગોલ્ડ મેડલ હોત”
“ઓહ”
“અરે સાયબ, પી.ટી. ઉષા અને મેં એક જ દોડમાં ભાગ લીધેલો. પણ મારા બાપાએ પાસી બોલાઈ લીધી એટલે મારી ઈસા તો મનમાં જ રઈ જીયેલી. પણ અમારી બીજી સોકરિયું હારે આવુ નો થાય એટલ હું ઈમને આગળ લાવવા દોડા કરું સુ”
“પણ તમારા પપ્પાએ એવું કેમ કર્યું?”
“જાવા દો ને સાયબ, બઉ લાંબી વાત સે..”
“કંઈ વાંધો નહીં, આપણી પાસે સારો એવો સમય છે, બોલો”
“પસી હું, ઈમણે મનઅ ગાંધીનગરથી પાસી બોલાઈ લીધી અન પઈણાઈ દીધી. ઈ વાત તો મનઅ આજય મનમાં ખટક સ. પણ પસી મેં નકી કઈરું ક,મારી હારે જે થિયું એવુ અમારી બીજી સોડી-સોકરાં હારે નો થાવુ જાવ ! એટલ જ આજ હું ઈમન સ્પોટમાં આગળ લાવવા મથુ સુ. દેશનું નામ રોસન કરવા અન મેડલ લાવવા આજ અમારા જાંબુરમાં અમારા સીદીનાં ચેટલાય સોકરા-સોકરીયુ ધૂળિયા મેદાનમાં આખો દિ પેકટીસ(પ્રેક્ટિસ) કર સ.”
“બહુ સરસ”
“અર સાયબ, આ સોકરા કાંય જેવા તેવા નથી ! ઈ તો તમે ઈમન દોડતા, કુસતી કરતા અન ઝુડો રમતા નજરે જા સો તાણ ખબઈર પડસે ! તમી લખી રાખો સાઈબ, ભવિસમાં અમારો સીદીનો જ કોય સોકરો ક સોડી ગુઝરાતને ગોલ્ડ અપાવસે !”
“આપણે ત્યાં જ જઈ રહ્યાં છીએ. લો, આ આવ્યું તમારૂ જાંબુર !”

અમે જૂનાગઢથી જાંબુર જવા નીકળ્યાં હતાં ત્યાં રસ્તામાં તાલાળા આવ્યું. ત્યાંથી આ બહેન અમારી સાથે આવ્યાં હતાં. વાટમાં તેમની સાથે ઉપર મુજબનો સંવાદ ચાલતો હતો ત્યાં જાંબુર આવી ગયું. ગુજરાત અને ગુજરાતીઓથી અલિપ્ત એક અસાધારણ ઘટના અહીંના ધૂળિયા મેદાનોમાં આકાર પામી રહી હતી. જેની ખરાઈ કરવા અમે છેક અમદાવાદથી અહીં સુધી લાંબા થયાં હતાં. જેમાં અમારી મદદ માટે તેઓ ખરા તડકે બધું કામકાજ પડતું મૂકીને અમારી સાથે આવવા તૈયાર થયાં હતાં.

નામ એમનું હનિફાબહેન મકવાણા. ઉંમર ૪૫ આસપાસ હશે, પણ જુસ્સો જુવાનડીઓને પણ શરમાવે એવો. તેમની પોતાની કહાની પણ ભારે રસપ્રદ છે. નેવુંના દાયકામાં તેમનાં વતન જાંબુરમાં તેઓ દોડવામાં ખરાં અર્થમાં બાદશાહ ગણાતાં હતાં. તેમની એ આવડત સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની નજરમાં આવી એટલે તેમને વધુ પ્રેક્ટિસ માટે ગાંધીનગર મોકલવામાં આવેલાં. ત્યાં તેમને પી.ટી. ઉષા સાથે દોડવાનો મોકો મળેલો. પણ ગાંધીનગરમાં જ રહેતી તેમની એક બહેનપણીએ એક બિનસીદી યુવક સાથે પ્રેમ થઈ જતાં આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં. જેનાં જાંબુરનાં સીદી સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં. હનિફાબહેનનાં પિતાનાં મનમાં પણ શંકા જાગી કે ક્યાંક મારી દીકરી પણ આવું કરશે તો ? બસ, એ પછી કશું પણ વિચાર્યા વિનાં તેમણે તેમને ગાંધીનગરથી પરત બોલાવીને પરણાવી દીધાં. એ સાથે જ ૮૦૦ મીટર દોડમાં દેશ માટે મૅડલ જીતવાનું હનિફાબહેનનું સપનું પણ રોળાઈ ગયું.

પણ હવે તેમને પોતાનું અધુરું રહી ગયેલું સપનું પુરું થતું હોય એવી આશા બંધાઈ છે. અમે તેમની એ શ્રદ્ધામાં કેટલો દમ છે તેની ખરાઈ કરવા જ ખરા તડકે ગીરનાં જંગલ વચ્ચે વસેલાં સીદી બાદશાહોનાં વતન જાંબુરની વાટ પકડી હતી. ગામ આવ્યું ત્યારે બપોરનો દોઢ થવા આવ્યો હતો. અમે હનિફાબહેનનાં ઈશારે કાર ગામથી ત્રણેક કિલોમીટર દૂર ઉબડખાબડ છતાં મેદાન જેવી દેખાતી એક જગ્યા તરફ વાળી. ત્યાં સુધી અમને સમજાતું નહોતું કે ખરા બપોરે, જ્યાં માણસ તો ઠીક જાનવર સુદ્ધાં દેખાતું નથી એવી નિર્જન જગ્યાએ તેઓ શા માટે અમને લઈ જઈ રહ્યાં હશે? પણ જ્યારે મેદાન નજીક આવ્યું ત્યારે રહસ્ય પરથી પડદો ઉચકાયો. અમે જોયું કે પચાસ જેટલાં સીદીઓનું ટોળું કુંડાળું વળીને ઊભું છે અને વચ્ચે બે છોકરાં જુડો રમી રહ્યાં છે. અમે ધીરેક રહીને ટોળાં સુધી પહોંચ્યાં અને ભળી ગયાં. ત્યાં સુધી કોઈએ અમારી હાજરીની નોંધ ન લીધી. અમારા માટે નવાઈની વાત એ હતી કે બંને છોકરાંઓએ સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો ડ્રેસ પહેર્યો હતો. અમે ટોળાં પર નજર ફેરવી તો બીજાં પણ કેટલાય છોકરાં-છોકરીઓ ખેલમહાકુંભ, સ્પોટ્‌ર્સ ઓથોરિટી અને નેશનલ ગેમ્સનાં ટી-શર્ટ તથા ટ્રાઉઝર્સ પહેરીને બેઠાં હતાં. દરમિયાન દરેક રાઉન્ડ પર ટોળું સ્થાનિક બોલીમાં સ્પર્ધકોને પાનો ચડાવતું રહ્યું. આ બધું ત્રણેક કલાક ચાલ્યું. ત્યાં સુધીમાં જુડો ઉપરાંત ૧૦૦-૨૦૦-૪૦૦-૮૦૦ મીટર દોડ, કુસ્તી, લાંબી કૂદ, ઊંચી કૂદ, ટ્રીપલ જમ્પ જેવી અનેક રમતોની પ્રેક્ટિસ ચાલી. છેલ્લે બે છોકરીઓએ લોન્ગ જમ્પ અને દોડ પતાવી ત્યાં સાડા ચાર થઈ ગયાં.
ભરબપોરે જૂડોની પ્રેક્ટિસ કરતાં સીદી બાળકોને પાનો ચઢાવતા તેમનાં માતાપિતા અને વડીલો.


તાલીમ પતી પણ અમારા મોંમાંથી એક શબ્દ ન નીકળી શક્યો. કેમ કે અમારા માટે સીદીઓનું આ સ્વરૂપ ચોંકાવનારું હતું. દરમિયાન હનિફાબહેને બધાંનો પરિચય કરાવ્યો ત્યાં આશ્ચર્ય બેવડાયું. કેમ કે કેમ કે પ્રેક્ટિસમાં ભાગ લેનારાં બધાં છોકરાં-છોકરીઓ ખેલ મહાકુંભ, નેશનલ ગેમ્સ, સ્ટેટ ચેમ્પીયનશીપ સહિતની કોઈને કોઈ સ્પર્ધાનાં ચેમ્પિયનો હતાં અને હવે કોમનવેલ્થ, એશિયન ગેમ્સ તથા ઓલિમ્પિકમાં મૅડલ મેળવવા પરસેવો પાડી રહ્યાં હતાં! વાતવાતમાં જાણવા મળ્યું કે આમાંના અડધાથી વધુ તો રાજ્ય સરકારની સ્પોર્ટ્સ ઍકેડમીઓમાં તાલીમ હેઠળ છે.

૧૬ વર્ષનો અલફેઝ મકવાણા યુસૅન બોલ્ટ જેવું કસાયેલું શરીર ધરાવે છે. માત્ર એક જ વર્ષમાં તેણે લોંગ અને ટ્રીપલ જમ્પમાં રાજ્ય કક્ષાનો સિલ્વર મેડલ મેળવી લીધો છે. તેની ઝડપ અને સ્ફૂર્તિ જોતાં અમારા સાથીદાર કમ કોચ હરેશભાઈ સોલંકી તેને ભવિષ્યનો સુપરસ્ટાર એથલેટ્‌સ માને છે. ૧૩ વરસની મહેરૂખ મકવાણા જુડોમાં ખેલમહાકુંભ અને નેશનલ સ્કૂલ ગેમ્સ બંનેમાં ગોલ્ડ મેડલ ધરાવે છે. આવું જ ૧૫ વર્ષનાં રોહીત મઝગુલનું છે, જે જુડોની દરેક સ્પર્ધામાં ગોલ્ડ જ જીત્યો છે. મૂળ તાલાળાનો પણ પ્રેક્ટિસ માટે છેક જાંબુર જતો ૨૧ વર્ષનો અફરૂદ્દીન ચોવટ અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતકનો અભ્યાસ કરે છે. તે રાત્રે તાલાળા આસપાસની હોટલોમાં યોજાતા ધમાલ નૃત્યનાં કાર્યક્રમોમાં ઢોલ વગાડે છે અને દિવસે કોલેજથી આવ્યા બાદ જુડોની પ્રેક્ટિસ કરે છે. હાલ ખેલમહાકુંભ, નેશનલ ગેમ્સમાં સિનિયર કૅટેગરીમાં ગોલ્ડ મૅડલ મેળવ્યાં બાદ તે આગળની તૈયારીઓ કરી રહ્યો છે. જલાઉદ્દીન મકવાણાની ઉંમર માંડ ૧૬ વર્ષ છે, પણ તે કુસ્તીમાં હુકમનો એક્કો ગણાય છે. અત્યાર સુધી તે જેટલી પણ વાર રીંગમાં ઉતર્યો છે તેટલી વાર હરીફને પછડાટ આપીને ગોલ્ડ મેડલ જ મેળવ્યો છે. જો કે આ બધાં છોકરાંઓ પર ભારે પડે છે ચાંદ, શહેનાઝ અને મુસ્કાન નામની ત્રણ સીદી કન્યાઓ. ૧૭ વર્ષની સાયલી ચાંદ ૨૦૦ અને ૪૦૦ મીટર દોડની ધાસુ ખેલાડી છે. ખેલમહાકુંભમાં ગોલ્ડ, જુનિયર નેશનલ ઍથલેટિક્સ ૨૦૧૮માં સિલ્વર મેળવીને તે આગળ વધી રહી છે. તેની બહેનપણી લોબી શહેનાઝ ગોળાફેંક અને ચક્રફેંકમાં નેશનલ લેવલે ત્રણ મૅડલ લઈ આવી છે અને આ રમતમાં તેને ગુજરાતનાં ભવિષ્ય તરીકે જોવામાં આવે છે. ત્રીજી, ચોટીયાળા મુસ્કાન હાલ દસમાં ધોરણમાં છે અને ૮૦૦ તથા ૧૫૦૦ મીટર દોડની ખેલાડી છે. ખેલ મહાકુંભથી લઈને ખેલો ઈન્ડિયા, જુનિયર નેશનલ એથલેટિક્સ સહિતની સ્પર્ધાઓમાં તે મૅડલ મેળવી ચૂકી છે. આ તમામ ખેલાડીઓનાં વર્તમાન પ્રદર્શનને જોતાં તેમનાં કોચનું માનવું છે કે એ દિવસ દૂર નથી જ્યારે દુનિયા જાંબુરને સીદી બાદશાહોનાં ગામ તરીકે નહીં પણ ચેમ્પિયનોનાં વતન તરીકે ઓળખશે.
અલફેઝ મકવાણા યુસૅન બોલ્ટ જેવું કસાયેલું શરીર ધરાવે છે. માત્ર એક જ વર્ષમાં તેણે લોંગ અને ટ્રીપલ જમ્પમાં રાજ્ય કક્ષાનો સિલ્વર મેડલ મેળવી લીધો છે.


સાયલી ચાંદ અને લોબી શહેનાઝ જાંબુરની સુપરસ્ટાર એથ્લેટ્સ છે જે બધાં પર ભારે પડે છે.
અફરૂદ્દીન રાત્રે જાંબુર આસપાસની હોટલોમાં થતાં ધમાલ નૃત્યનાં કાર્યક્રમોમાં ઢોલ વગાડે છે અને દિવસે જૂડોની પ્રેક્ટિસ કરે છે.
આ સીદી બાળકોનાં ગળામાં લટકતા મેડલ તેમની પ્રતિભાની ચાડી ખાય છે.


સ્પોટ્‌ર્સ આૅથોરિટી ઓફ ગુજરાતની કમાલ !

મોટાભાગે સરકારી સંસ્થાઓ વિશે આપણાં અનુભવો ખરાબ હોય છે. પણ આ કિસ્સામાં એનાથી અવળી ગંગા વહે છે, કેમ કે સીદી યુવાનોની પ્રતિભાને પિછાણીને તેમને વિવિધ રમતોમાં આગળ વધવાની પ્રેરણા રાજ્ય સરકારની સ્પોટ્‌ર્સ આૅથોરિટી ઓફ ગુજરાતે પુરી પાડી છે. આ કેવી રીતે શક્ય બન્યું તેની વાત કરતાં સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત(એસએજી)નાં ગીર સોમનાથ જિલ્લાનાં સિનિયર કોચ કાનજીભાઈ ભાલીયા (જેઓ પોતે એથ્લેટિક્સનાં નેશનલ ચેમ્પિયન છે અને ૫૫.૩૩ મિનિટમાં ગીરનાર ચઢઉતરનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. જેમનાં વિશે સૌથી પહેલો વિગતવાર અહેવાલ પણ ‘અભિયાન’માં જ છપાયો હતો.) તેઓ કહે છે, “માત્ર ગુજરાત જ નહીં દુનિયાભરમાં સીદીઓને સૌ કોઈ ધમાલ નૃત્યથી વિશેષ ઓળખતાં નથી. પણ હવે આ માન્યતા તૂટવાની અણીએ છે. કેમ કે અહીંનાં અનેક ખેલાડીઓ ઓલિમ્પિક રમતોમાં સારું પ્રદર્શન કરી રહ્યાં છે. બધાં જ પોતપોતાની રમતમાં નેશનલ અને સ્ટેટ લેવલનાં ચેમ્પિયનો છે અને આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકશે. જાંબુરનાં આ છોકરાંઓ ખેલમહાકુંભ દરમિયાન અમારી નજરે ચડેલાં. અમે જોયું કે તેઓ શારીરિક રીતે રાજ્યનાં અન્ય વિસ્તારનાં છોકરાંઓ કરતાં અનેકગણાં વધુ મજબૂત છે. ત્યારે તેમની આ ક્ષમતાનો જા સ્પોટ્‌ર્સમાં ઉપયોગ કરવામાં આવે તો તેમને અને દેશને બંનેને લાભ થાય. આથી અમે અહીં કૅમ્પ યોજવાનું શરૂ કર્યું અને તેમાંથી આ ખેલાડીઓ અમને મળી આવ્યાં.”
સીદી બાળકોનાં કોચ કાનજીભાઈ ભાલીયા. જેઓ પોતે એથ્લેટિક્સનાં નેશનલ ચેમ્પિયન છે અને ૫૫.૩૩ મિનિટમાં ગીરનાર ચઢઉતરનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે.
15 વર્ષનો રોહીત મઝગુલ તેની બહેન સાથે. રોહીત જૂડોની અત્યાર સુધીની દરેક સ્પર્ધામાં ગોલ્ડ જ જિત્યો છે.
૧૩ વરસની મહેરૂખ મકવાણા જુડોમાં ખેલમહાકુંભ અને નેશનલ સ્કૂલ ગેમ્સ બંનેમાં ગોલ્ડ મેડલ ધરાવે છે
સાદીક ચોટલીયા મારો સૌથી ગમતો ખેલાડી. ઉગીને ઉભા થયાની ઉંમરમાં જ ભાઈ મેડલ લઈ આવ્યાં છે.


આ સીદી છોકરાં-છોકરીઓ અતિ સામાન્ય પરિવારોમાંથી આવે છે. ઘણાંનો પરિવાર જાંબુર-ગીરનું જંગલ છોડીને ભાગ્યે જ બહાર નીકળ્યો છે. અલ્ફેઝ મકવાણાનાં પિતા કાચનો ધંધો કરે છે. ચાર બહેનો, દાદા-દાદી સહિતનાં પરિવારની તમામ જવાબદારી તેમનાં પર છે. સ્પોટ્‌ર્સમાં આવ્યાં પહેલાં અલ્ફેઝ ઘરની પરિસ્થિતિ પ્રત્યે બેદરકાર રહેતો હતો. જંગલોમાં રખડવું તેની મુખ્ય પ્રવૃત્તિ હતી. પણ હવે તેનું તમામ ફોકસ માત્ર ઊંચી કૂદ અને ત્રિપલ જમ્પની રમત પર કેન્દ્રિત છે. હુસૈન કુરેશીનાં પિતા હયાત નથી માટે માતા જ તેની તમામ જવાબદારીઓ અદા કરે છે. તે આ બાબત સારી રીતે સમજે છે. એટલે જ માનાં ખભા પરનો બોજ હળવો કરવા તે સ્પોટ્‌ર્સમાં આકરી મહેનત કરી રહ્યો છે. એક વર્ષ કરતાં પણ ઓછાં સમયગાળામાં તેણે જિલ્લા કક્ષાએ ખેલમહાકુંભમાં ગોલ્ડ મેળવીને રાજ્ય કક્ષાએ પોતાની દાવેદારી નોંધાવી દીધી છે. શાહીન દરજાદાનાં પરિવારની આર્થિક સ્થિતિ ભારે નબળી છે. તેનાં પિતા માર્કેટમાં માલ ભરેલાં કોથળાં ઉચકે છે. તેની મોટી બહેન ફરઝાના ગીરનાર સ્પર્ધાની વિજેતા હોવાની સાથે લાંબા અંતરની દોડની પ્લેયર હતી. પણ પિતાને મદદ કરવા માટે તેણે રમતગમત છોડીને નોકરી સ્વીકારવાની ફરજ પડી હતી. હવે તેની અધુરી ઈચ્છા શાહીન પર નિર્ભર કરે છે. પરિવાર ઈચ્છે છે કે શાહીન દેશ માટે મૅડલ જીતે. અફરુદ્દીનની કહાની થોડી અલગ છે. ગીરનાં જંગલમાં આવેલી હોટલોમાં રાત્રી દરમિયાન યોજાતા ધમાલ નૃત્યનાં કાર્યક્રમોમાં તે ઢોલ વગાડવાનું કામ કરે છે. આ એકમાત્ર તેની આવકનું સાધન છે. કોલેજ દરમિયાન તેની શારીરિક મજબૂતાઈ જોઈને તેનાં કોચ હરેશભાઈએ તેને જૂડોમાં આવવા સમજાવ્યો. આજે તે જૂડોમાં સિનિયર લેવલે અદ્દભૂત પર્ફોમન્સ આપી રહ્યો છે. એટલું જ નહીં તેની પાછળ બીજાં ૭ જેટલાં ખેલાડીઓ તૈયાર થઈ રહ્યાં છે.

જૂનાગઢનાં વતની અને હાલ સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં રાજકોટ-મોરબી જિલ્લાની સ્કૂલોમાં ટેકનિકલ મેનેજર તરીકે સેવા આપતાં હરેશભાઈ સોલંકી કહે છે, “સામાન્ય રીતે સીદી સમાજ બચતમાં બહુ માનતો નથી. આથી અત્યાર સુધી કાયમી નોકરીની પણ તે પરવા નહોતો કરતો. પણ હવે જમાના સાથે તેઓ પણ પોતાનાં બાળકો સારું જીવન જીવતાં થાય તે માટે ચિંતા કરતાં થયાં છે. જેમાં ખેલકૂદે તેમને બહુ મોટી મદદ કરી છે. હાલ આ સમાજનાં અનેક યુવાનો સ્પોટ્‌ર્સ ક્વોટામાં સરકારી નોકરી કરી રહ્યાં છે. જેમ કે ડો. હાસમ ભાલીયા રાજકોટમાં પ્રોફેસર છે, યુનુસ રાયકા અને રફીક મકવાણા ઓએનજીસીમાં છે. યુનુસ રાયકાએ નેશનલ લેવલે ઓપન કેટેગરીમાં ૧૦૦ મીટરની દોડ ૧૦.૦૬ સેકન્ડમાં પુરી કરેલી. ત્રણ યુવાનો અજીત રાયકા, જાવેદ ચૌહાણ અને અબ્દુલ મકવાણા રેલવેમાં છે. ફારુખ અને રઝાક ચોવટ પોલીસમાં, જ્યારે ઈલિયાસ બામણિયા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયામાં અને જુમ્મા મુસાંગરા પોસ્ટ વિભાગમાં સારી જગ્યા પર છે. આ બધાં નેશનલ મેડલધારકો છે અને સ્પોટ્‌ર્સમાં આગળ હોવાને કારણે જ આટલી સારી નોકરી મેળવી શક્યાં છે. હવે તેમની સફળતા જાઈને બીજાં સીદી છોકરાં-છોકરીઓ, જે પહેલાં પ્રાથમિક શિક્ષણ પણ માંડ લેતા હતાં તે સ્પોટ્‌ર્સમાં આગળ આવ્યાં છે. છેલ્લાં ચારેક વર્ષમાં જિલ્લા અને ઍકેડમી કક્ષાએ ૧૫૦ જેટલાં સીદી ખેલાડીઓને સ્પોટ્‌ર્સ ક્વોટામાં શિક્ષણનો લાભ મળ્યો છે.”
હરેશભાઈ સોલંકી અને તેમનાં પત્ની અસ્મિતાબહેને આ સીદી યુવાનોને આગળ લાવવામાં કોઈ કચાશ નથી રાખી.

કેવું હોય છે સ્પોટ્‌ર્સ આૅથોરિટીનું માળખું ?

સરળ ભાષામાં સમજવું હોય તો કહી શકાય કે સ્પોટ્‌ર્સ ઓથોરિટીએ દરેક સ્પર્ધામાં ઉંમર પ્રમાણે કક્ષાની વહેંચણી કરેલી છે. જેમ કે અંડર ૧૪-૧૭-૧૯ અને ઓપન. જેનાં વિજેતા ખેલાડીઓને ઍકેડમીમાં મોકલાય છે. નડિયાદમાં ગોળાફેંક, ચક્રફેંક, લાંબી કૂદ, ઉંચી કૂદની તાલીમ અપાય છે જ્યારે દેવગઢબારિયામાં ૮૦૦, ૧૫૦૦, ૫ કિ.મી. અને ૧૦ કિ.મી. દોડની પ્રેક્ટિસ થાય છે. આ સિવાય ભાવનગરમાં બાસ્કેટ બોલ, હૅન્ડબોલ અને હિંમતનગરમાં વોલીબાલ તથા ફૂટબાલની તાલીમ અપાય છે. અહીં તાલીમ લીધેલાં ખેલાડીઓ પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરતાં હોય છે. 

જો કે આખી પ્રક્રિયા બહુ લાંબી છે. અને તેની તબક્કાવાર માહિતી આપતાં ગાંધીનગર સ્થિત સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતનાં સચિવશ્રી ડી. ડી. કાપડિયા કહે છે, “અમારી આખી યોજના પિરામીડ પ્રકારની છે. જેમાં સાવ તળ લેવલેથી ખેલાડીને ટોચ પર પહોંચવા સુધીનું ચોક્કસ માળખું ગોઠવાયેલું છે. અમે દ્રઢપણે માનીએ છીએ કે ખેલકૂદનો પાયો જા મજબૂત કરવો હોય તો ખેલાડીઓમાં તેનાં પ્રત્યે જાગૃતિ લાવવી જરૂરી છે. એ માટે પ્રાથમિક શાળા સ્તરેથી જ ખેલકૂદનું એક માળખું હોવું જાઈએ. આ માટે અમે દરેક તાલુકા અને જિલ્લા લેવલે સ્પોટ્‌ર્સની સ્કૂલો શરૂ કરેલી છે. જે અંતર્ગત દરેક તાલુકામાં એક, નગરપાલિકામાં બે અને મહાનગરપાલિકામાં પાંચ સ્કૂલોને અમે મંજૂરી આપેલી છે. તેમને બે ટ્રેનરો આપ્યાં છે જેઓ બાળકોને રમતગમતનું પાયાનું શિક્ષણ આપે છે. એ જ રીતે જિલ્લા કક્ષાએ જે સારી શાળા હોય તેને ડીસ્ટ્રીક્ટ લેવલ સ્પોટ્‌ર્સ સ્કૂલ તરીકે માન્યતા આપી છે. ત્યાં તાલુકાની સ્કૂલોમાં તૈયાર થયેલાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મોકલવામાં આવે છે. અહીંથી ટ્રેનિંગ લઈને તેઓ ખેલમહાકુંભ સહિતની સ્પર્ધાઓમાં ભાગ લે છે. તેમાં જે ખેલાડીઓ વિજેતા થાય છે તેમની રાજ્ય લેવલે પ્રતિભાશોધ થાય છે. એમાં પસંદગી પામેલાં છોકરાંઓને જિલ્લા લેવલની સ્કૂલોમાં એડમીશન આપીએ છીએ. જ્યાં તેમની શારીરિક અને માનસિક ક્ષમતાને આધારે તેઓ કઈ રમતમાં સારું પ્રદર્શન કરી શકે તેમ છે તે નક્કી કરીને તૈયારી શરુ કરી દેવાય છે. આ માટે અમે વિવિધ ૯ પ્રકારનાં બેટરી ટેસ્ટ નક્કી કર્યાં છે જેનાં આધારે તેની ક્ષમતાનું માપન થાય છે. દા.ત., ઊંચાઈ વધારે હોય તે બાસ્કેટબાલ અને વાલીબાલમાં સારું પ્રદર્શન કરી શકે. મજબૂત શરીર ધરાવતાં હોય તે બોક્સિંગ અને રેસલિંગમાં જઈ શકે છે. જેની ઝડપ સારી હોય તેને એથ્લેટિક્સમાં સારી તક હોય છે. દરેક સ્કૂલોને વધુમાં વધુ ૬ અને ઓછામાં ઓછી ૨ રમતો ફાળવી છે. એમાં પણ જે તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ છીએ. જેમ કે, આદિવાસી વિસ્તાર હોય તો એથ્લેટિક્સ અને આર્ચરી આપીએ છીએ, કેમ કે ત્યાંના ખેલાડીઓમાં તે પ્રતિભા જન્મજાતની કક્ષાએ રહેલી હોય છે. જ્યારે શહેરી વિસ્તાર હોય તો ટેબલ ટેનિસ, ફૂટબોલ, બેડમિન્ટન ફાળવીએ છીએ. હાલ જિલ્લાની સ્કૂલોમાં ૫ હજાર જેટલાં છોકરાં-છોકરીઓ શિક્ષણની સાથે સ્પોટ્‌ર્સની તાલીમ લઈ રહ્યાં છે. તેમાં આ વર્ષે વધુ ૨ હજારનું નામાંકન થશે. આ સ્કૂલોમાં વિદ્યાર્થીનાં ડાયટ, સ્ટેશનરી, કપડાં, હોસ્ટેલ, ફી સહિતની તમામ સગવડો આપવામાં આવે છે જેનો તમામ ખર્ચ સ્પોટ્‌ર્સ આૅથોરિટી ભોગવે છે. અહીં ખેલાડીઓને નેશનલ સ્કૂલ ગેમ્સ, ખેલો ઈન્ડિયા જેવી રમતો માટે તૈયાર કરવામાં આવે છે. જ્યાં તેમનું પ્રદર્શન અમુક લેવલ સુધી પહોંચે પછી તેને સીઓઈ(સેન્ટર ઓફ એક્સલન્સ)માં પસંદ કરવામાં આવે છે. જેમાં બે યોજનાઓ છેઃ એક રેસિડેન્શીયસ અને બીજી નોનરેસિડેન્શીયલ. જે છોકરાંઓને પોતાનાં વિસ્તારમાં રહીને તૈયારી કરવી છે તેમને આપણે નોનરેસિડેન્શીયલ સીઓઈ તરીકે આઈડેન્ટિફાય કરીએ છીએ. તેને આવવા-જવાનાં ભાડાં સહિતનાં ખર્ચ પેટે ૪૬૫૦ રૂ. સ્ટાઈપેન્ટ આપીએ છીએ જેથી તે સ્વતંત્ર રીતે ઘરની નજીકમાં જ રહીને તાલીમ લઈ શકે. બાકીનાં ખેલાડીઓને આપણે નડિયાદ, દેવગઢબારિયા, હિંમતનગર અને ભાવનગર ખાતેની ઍકેડમીમાં રેસિડેન્શીયલ સુવિધા આપીને તૈયાર કરીએ છીએ. જ્યાં નેશનલ લેવલનાં કોચની દેખરેખ હેઠળ તેમને તાલીમ અપાય છે જેથી ભવિષ્યમાં ઓલિમ્પિક સહિતની રમતોનાં ખેલાડીઓ એમાંથી મળી શકે. આ માટે આપણે તેમને નેશનલ લેવલની દરેક રમતોમાં પ્રતિભા સાબિત કરવાની તક આપીએ છીએ. જેથી તેમને અનુભવ મળે, આત્મવિશ્વાસ વધે અને રમતનું પોતાનું સ્તર સુધારી શકે. એમાંથી જ પછી શક્તિદૂત ખેલાડીનું સ્ટેજ આવે છે. એશિયાડ, કોમનવેલ્થ, વર્લ્ડ ચેમ્પિયનશીપ, વર્લ્ડ કપ – જુનિયર, સિનિયરમાં ભાગ લેતાં થઈ જાય છે. આવા પસંદગીનાં ખેલાડીઓને આપણે રૂ. ૨૫ લાખ સુધીની સહાય આપીએ છીએ. જેથી તેને ભારત બહાર પણ કોચિંગ લેવું હોય તો લઈ શકે. રહેવાનું, જમવાનો ખર્ચ, સાધનો, ફિઝિયોથૅરાપિસ્ટ સહિતનો ખર્ચ તેમાં આવી જાય છે. આમ સ્કૂલથી શરુ કરીને શક્તિદૂત ખેલાડીઓનો ઓલિમ્પિક લેવલ સુધીનો આપણો લક્ષ્યાંક છે. હાલ જાંબુરનાં ૧૩ સીદી છોકરાંઓ સીઓઈ(સેન્ટર ઓફ એક્સલન્સ)માં પસંદગી પામીને જુદીજુદી ઍકેડેમીમાં તાલીમ લઈ રહ્યાં છે. આ સિવાય જિલ્લા કક્ષાની રમતગમત શાળાઓમાં ૧૨ જેટલાં છે.”
સીદી ખેલાડીઓનાં માતાપિતા અને પરિવાર પણ પ્રેક્ટિસ દરમિયાન તેમને પ્રોત્સાહન આપવા જોડાય છે.


અહીં ઉલ્લેખનીય છે કે સ્પોટ્‌ર્સ આૅથોરિટીનાં સહકારને કારણે આજે આ સીદી ખેલાડીઓ અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યાં છે. શાળા અને ગામમાં તેમને માનપાન મળતાં થયાં છે. બહુ નાની ઉંમરમાં તેની ઓળખ ઉભી થઈ છે. ડો. ડી.ડી. કાપડિયાનાં જણાવ્યાં મુજબ ઓલિમ્પિક, એશિયન, કોમનવેલ્થ ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં મૅડલ મેળવે તો એને સરકારમાં ક્લાસ-૧-૨ વર્ગની નોકરી નક્કી હોય છે અને આ ખેલાડીઓમાં તે ક્ષમતા છે. 

સીદી ખેલાડીઓ માટે સ્વપ્ન જેવી છે ઍકેડમીની સુવિધાઓ

સાયલી ચાંદ, જેણે મીટરમાં ખેલમહાકુંભ, જુનિયર નેશનલ ઍથલેટિક્સ-૨૦૧૮માં ૨૦૦ તથા ૪૦૦ મીટર દોડમાં અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મૅડલ મેળવ્યો છે. તેનાં કોચને લાગે છે કે, તેની ફિટનેસ વિધ્ન દોડ માટે વધુ સારી છે. આથી તે હવે એની તૈયારી કરી રહી છે. આ માટે તેને દેવગઢબારિયા સ્થિત સ્પોટ્‌ર્સ ઍકેડમીમાં એડમીશન આપવામાં આવ્યું છે. અહીં મળતી સુવિધાઓ વિશે વાત કરતાં ચાંદ કહે છે, “અમારી ફિટનેસને ધ્યાનમાં રાખીને અહીં નાસ્તાથી લઈને ડીનર સુધીનું મેનુ નક્કી હોય છે. નાસ્તામાં ફળો, પૌંવાથી લઈને ઈંડાભુરજી, લંચમાં રાજમા-ચાવલ, પનીર, મટન-ચીકન, બીરિયાની અને બીજી હેલ્ધી સબ્જી હોય છે. ડીનરમાં પણ એ જ રીતે ડાયટને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારનાં શાકભાજી, ખીચડી-કઢી વગેરે નક્કી હોય છે. આ સિવાય પ્રેક્ટિસ દરમિયાન સ્પોટ્‌ર્સ ડ્રીંક્સ અને બ્રેકફાસ્ટ તો ખરાં જ. અમારા માટે આ બધું સ્વપ્નની દુનિયા જેવું છે. કેમ કે જાંબુરમાં અમને આવી સુવિધાઓ મળે તેવો વિચાર પણ ન આવે. અહીં હું વધારે સારી રીતે પ્રેક્ટિસ કરી રહી છું.”
(ડાબેથી) મહેરૂખ, ચાંદ અને શહેનાઝ
અસામાન્ય આ ઘટનાનો હું સગી આંખનો સાક્ષી રહ્યો છું તેનો આનંદ આજેય અકબંધ છે.

ફૈઝલ ચોટીયાળા અને અફરૂદ્દીનની પ્રેક્ટિસ મેચની યાદગાર ક્ષણો
વર્ષો પછી આ રીતે ધૂળિયા મેદાનમાં બેઠક જમાવીને કોઈ જગ્યાએ રિપોર્ટિંગ કર્યું.

શહેનાઝ, ચાંદ અને તેનાં પરિવારજનો સાથે મેદાન પર જ બેઠક જમાવી એ વખતે તેમનાં કોચે આ તસવીર ઝડપી લીધેલી.


ચાંદની વાતમાં વાસ્તવિકતાની ઝલક જોવા મળે છે. કેમ કે સીદી સમાજ મોટાભાગે જંગલમાં રહે છે જ્યાં તેમને આજીવિકાની સમસ્યા વર્ષોથી નડી રહી છે. ઘણાં પરિવારો તો રોજનું લાવીને રોજ ખાય છે. એવામાં ફિટનેસ માટે યોગ્ય ડાયટની તો કલ્પના પણ ક્યાંથી થાય ? ખેતમજૂરી જ તેમની આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત હોવાથી ખેતી સિવાયનાં દિવસોમાં બેકાર બેસી રહેવું પડે છે. શિક્ષણનું પ્રમાણ આજેપણ બહુ ઓછું છે. મોટાભાગનાં છોકરાંઓ પ્રાથમિક શિક્ષણથી આગળ વધતાં નથી. બહુબહુ તો બારણા ધોરણ સુધી ભણ્યાં બાદ ખેતમજૂરીમાં લાગી જાય છે. કેટલાક છોકરાં ગીર આસપાસની હોટલોમાં ધમાલ નૃત્યનાં કાર્યક્રમો કરવા જાય છે. જેમાં તેમને ખર્ચ પુરતાં રૂપિયા મળે છે. એક સમયે હોટલોવાળાં રૂપિયા આપીને તેમને કાર્યક્રમ કરવા બોલાવતાં હતાં. પણ હવે તેમને કોઈ ગરજ રહી નથી. પરિણામે સીદી યુવાનો સામેથી હોટલોમાં ફોન કરીને મહેમાન આવ્યાં હોય તો સ્વખર્ચે મનોરંજન કરવા પહોંચી જાય છે. જ્યાં હોટલોવાળા તેમને એક રૂપિયો પણ આપતાં નથી. માત્ર મહેમાનો રાજી થઈને તેમને જે આપે તે લઈ લેવાનાં હોય છે.

લોબી શહેનાઝ ગોળાફેંક અને ચક્રફેંકની નેશનલ કક્ષાની ખેલાડી છે. આ રમતમાં જાંબુરમાંથી તે એકમાત્ર ખેલાડી છે જે નેશનલ લેવલે મૅડલ જીતી હોય. પોતે આ રમતમાં કેવી રીતે આવી તેની વાત કરતાં શહેનાઝ કહે છે, “ત્રીસેક વર્ષ પહેલાં જાંબુરમાંથી કેટલીક છોકરીઓએ સ્પોટ્‌ર્સમાં જવા પ્રયત્ન કર્યો હતો પણ સફળ નહોતી થઈ. હાલ ગોળાફેંક-ચક્રફેંકની રમતમાં હું એકમાત્ર નેશનલ કક્ષાએ મૅડલ ધરાવું છું તે બાબત મને અન્યો કરતાં વિશિષ્ટ બનાવે છે. લોકો મને સન્માનની નજરે જુએ છે જે મારા માટે બહુ મોટી વાત છે. બાકી અમારી અનેક પેઢીઓ જંગલમાં જ જીવી અને મૃત્યુ પામી છે.”

ઍથલેટિક્સનાં જૂનાગઢ સ્થિત ફ્રી કોચ અસ્મિતા વડેસા કહે છે,“રાજ્ય સરકાર આ સીદી ખેલાડીને પુરતી સુવિધાઓ આપે છે. જે ખેલાડી સતત સારું પરિણામ આપતો રહે છે તેના માટે ઍકેડમી સુધીની સગવડ પણ છે. સરકાર એક ખેલાડી પાછળ વર્ષે ૨.૫ લાખ રૂપિયા ખર્ચે છે. એટલે જે તે રમતનાં બેસ્ટ ખેલાડીને તેનો લાભ મળતો જ હોય છે.”
સીદી યુવાનોને સ્પોર્ટ્સમાં આગળ વધવા પ્રોત્સાહિત કરનાર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનાં સચિવશ્રી ડી. ડી. કાપડિયા સાહેબ.


આ સીદી ખેલાડીઓ પાસેથી તમને કેવી આશા છે એવો સવાલ જ્યારે અમે સ્પોટ્‌ર્સ આૅથોરિટી ઓફ ગુજરાતનાં સચિવશ્રી ડી. ડી. કાપડિયાને પુંછ્યો ત્યારે તેમનો જવાબ ટિપિકલ સરકારી અધિકારી કરતાં તદ્દન જુદો હતો. તેમનાં અવાજમાં એક ચોક્કસ દિશામાં લેવાઈ રહેલાં નક્કર પગલાંનો રણકો સ્પષ્ટ સાંભળી શકાતો હતો. તેમણે કહ્યું, “આ સીદી ખેલાડીઓ પાસેથી મને બહુ મોટી આશા છે. તેમનામાં રહેલી ક્ષમતા જોતાં ભવિષ્યનો યુસૅન બોલ્ટ કે યોહાન બ્લેક તેમનામાંથી આવશે તો મને નવાઈ નહીં લાગે. હાલ તેઓ જે રીતે મહેનત કરી રહ્યાં છે તેને ધ્યાનમાં રાખીને ટુંક જ સમયમાં અમે તાલાળામાં ઈન સ્કૂલ શરૂ કરવા જઈ રહ્યાં છીએ. અહીં તેમની એક આશ્રમ શાળા છે જેને અમે ઈનસ્કૂલ આપવા માંગીએ છીએ. જેથી નાનપણથી જ એક સાથે ૨૦૦-૨૫૦ છોકરાંઓને તૈયાર કરી શકાય. અહીં જાંબુરનાં જ મૅડલ વિજેતા છોકરાંં-છોકરીઓને આપણે ગ્રેજ્યુએશન બાદ ટ્રેનર તરીકે નોકરી આપીશું. જેથી તેમનો આજીવિકાનો પ્રશ્ન પણ હલ થાય અને તેમને જોઈને અન્ય સીદી બાળકો પણ સ્પોટ્‌ર્સમાં જવા પ્રેરાય. હાલમાં જ ૯-૧૦ માર્ચનાં રોજ તાલાળામાં અમે એક કૅમ્પ યોજ્યો હતો. જેમાં બીજાં પણ અનેક પ્રતિભાશાળી સીદી ખેલાડીઓ અમને મળી આવ્યાં છે. આ ખેલાડીઓ એ બાબત સારી રીતે સમજે છે કે, આ પ્રકારની સુવિધાઓ તેમને બીજે ક્યાંય મળે તેમ નથી. માટે જ તેઓ ગંભીરતાથી મહેનત કરી રહ્યાં છે અને તેનું પરિણામ ટુંક જ સમયમાં દેશને મેડલનાં સ્વરૂપમાં જોવા મળશે.”
'અભિયાન'માં પ્રકાશિત કવર સ્ટોરી








Comments