રંગભૂમિ પર રંગોની અદાકારી



રંગનું આપણાં જીવનમાં ઘણું મહત્વ છે. રંગોને કારણે જ આપણને આસપાસ વેરાયેલી કુદરતી વૈવિધ્યતા નજરે પડે છે. મેઘધનુષનાં જાનીવાલીપીનારા સિવાય રંગો વિશેનું આપણું જ્ઞાન બહુ મર્યાદિત રહ્યું છે. એટલે જ રંગોના તહેવાર હોળી અને જીવતરનાં રંગો જે મંચ પર રજૂ થાય છે તે રંગભૂમિને સાંકળીને અહીં બીંબાઢાળ ચિંતનશૈલી હટીને કશુંક નવતર રજૂ કરવા પ્રયાસ કરાયો છે. એનાં માટે વિશ્વરંગભૂમિ દિવસ અને રંગોનાં તહેવાર હોળીનું કુદરતી કોમ્બિનેશન આપણને મળ્યું છે. ત્યારે ચાલો જાણીએ ગુજરાતી રંગભૂમિનાં વિવિધ પાસાઓમાં અને જિંદગીમાં, રંગો કેવું અને કેટલું મહત્વ ધરાવે છે...




રંગો વિનાની જિંદગીની કલ્પના પણ કરી શકીએ નહીં એ હદે તે આપણા જીવનમાં વણાઈ ચૂક્યાં છે. રંગો વિનાં આપણું જીવન બિલકુલ એવું છે જેવું પ્રાણ વિનાનું શરીર. આપણી આસપાસ વિખરાયેલી પ્રકૃતિની સુંદરતા અવર્ણનીય છે અને તેની એ સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે આ રંગો. સૂર્યની રતાશ હોય કે ખેતરની હરિયાળી. નીલું આકાશ હોય કે કાળી અંધારી રાત. વરસાદ પછી ક્ષિતિજે વિખરાતી મેઘધનુષની અનોખી છટા હોય કે બરફની સફેદ ચાદર, કે પછી વસંત ઋતુમાં આકર્ષતો કેસરિયો કેસૂડો હોય. દરેક દ્રશ્યમાં જે તે રંગનો આગવો ઠાઠ હોય છે. આ બધાં જ રંગો માનવજીવનની વિવિધ પરિસ્થિતિઓ સાથે પણ જોડાયેલાં છે. માટે જ અહીં જીવતરનાં વિવિધ રંગો જે મંચ પરથી રજૂ થાય છે તે રંગભૂમિનાં દિવસ અને રંગોનાં તહેવાર હોળીને સાંકળીને કંઈક નવીન વાત રજૂ કરવા પ્રયત્ન કરાયો છે. જેમાં અભિનયથી લઈને દિગ્દર્શન, સંગીત, લેખન, મંચ સજ્જા અને પાત્રવરણી સુધીનાં રંગભૂમિનાં વિવિધ પાસાઓને આવરી લેવાયા છે. 

અભિનય, રંગભૂમિ અને રંગ

દ્રશ્યશ્રાવ્ય માધ્યમ પછી તે થિયેટર હોય કે ફિલ્મ, કે પછી ટેલિવિઝન, દરેક સ્ટોરી ટેલીંગમાં રંગ એક અગત્યનો ભાગ હોય છે. ખાસ કરીને કેરેક્ટરની આંતરિક બાજુ અથવા તેનાં બદલાતા મૂડની વાત કરવાની હોય ત્યારે રંગ બહુ અગત્યનું માધ્યમ બની જતો હોય છે. દરેક વખતે એટલો સમય નથી હોતો કે અભિનેતા સંવાદ થકી પોતાની વાત પ્રેક્ષકો સમક્ષ મૂકી શકે. એ પરિસ્થિતિમાં રંગો તેની વ્હારે આવે છે કેમ કે દરેક લાગણી, હાવભાવ કોઈને કોઈ રંગ જાડાયેલી હોય છે.
પ્રતીક ગાંધીનાં મતે પાત્રની લાગણીઓ વ્યક્ત કરવામાં રંગો બહુ મદદ કરતાં હોય છે.


ગુજરાતી રંગભૂમિ પર ‘મોહનનો મસાલો’, ‘હું ચંદ્રકાંત બક્ષી’ જેવા સુપરહીટ નાટકોથી પોતાની આગવી છાપ ઉભી કરનાર પ્રતીક ગાંધીને અમે પુંછ્યું કે એકંદરે કોઈ પાત્રની લાગણીઓ વ્યક્ત કરવામાં રંગો ઉપયોગી થાય ખરાં ? જેનો તેમણે સરસ જવાબ આપ્યો. પ્રતીક ગાંધીએ કહ્યું, “બિલકુલ થાય. મારી સાથે ઘણીવાર એવું થયું છે કે ડિરેક્ટર પાત્રવર્ણન કરે કે તરત મારાં મનમાં અમુક દ્રશ્ય ખડું થઈ જાય. જેમાં આવી જગ્યા હશે, આવું વાતાવરણ હશે, આવો માણસ હશે, તેણે આવા રંગનાં કપડાં પહેર્યાં હશે, તેની જિંદગીમાં આવું કશુંક થયું હશે વગેરે દેખાવા માંડે. આ બધું મળીને જે લાગણી પેદા થાય તેમાં ઢળવા હું પ્રયત્ન કરતો હોઉં છું. આ આખી પ્રક્રિયામાં રંગો ખૂબ મહત્વનાં બની રહેતાં હોય છે કેમ કે આંખો બંધ કરીને હું પાત્ર વિશે જે કંઈપણ કલ્પના કરું તેમાં રંગો પણ ભળતાં હોય છે. એ રંગો પછી હું સ્ટેજ પર તે પાત્ર ભજવતો હોઉં ત્યારે પણ અનુભવાતાં હોય છે. આમ તો મને ગમતો રંગ કાળો અને વાદળી છે. પણ એક્ટર તરીકે મને ગ્રે પાત્રો વધુ આકર્ષે છે. કેમ કે દરેકમાં ક્યાંકને ક્યાંક એ તત્વો પડેલાં હોય છે. નાનાંમોટાં જુઠ્ઠાણાં, ચોરી, છેતરપિંડી બધાં કરતાં જ હોય છે. ફિલ્મ ‘રોન્ગ સાઈડ રાજુ’માં ભજવેલું રાજુનું પાત્ર મને આ જ કારણથી બહુ ગમે છે કેમ કે તે વાસ્તવિક જીવનની બહુ નજીક છે. થિયેટરમાં મને ‘હું ચંદ્રકાંત બક્ષી’ અને ‘મોહનનો મસાલો’ બંને એકસરખાં આકર્ષે છે કેમ કે બંને પાત્રોમાં એકથી વધુ રંગો છે. જેમ જીવનમાં દરેક પ્રકારનાં રંગો હોય છે પણ છેવટે તો બધું આપણાં ગમા-અણગમા પર જ આવીને અટકતું હોય છે, એવું જ થિયેટરનું છે. અહીં પણ દરેક રંગનાં પાત્રો હોય છે, કૃતિ હોય છે પણ છેલ્લે તો તમારી અભિનેતા તરીકેની પસંદગી પર જ બધું નિર્ભર હોય છે.”

કલ્પના ગાગડેકરનાં મતે એક સ્ત્રી જીવનમાં બાળકી, કિશોરી, યુવતી, પત્ની, મા, દાદી સહિતનાં પાત્રો નિભાવતી હોય છે અને એ દરેક તબક્કે રંગો તેની સાથે સતત જોડાયેલો રહે છે.


‘અકૂપાર’ અને  ‘કસ્તુરબા’ જેવાં સુપરહીટ નાટકોમાં સશક્ત અભિનય કરનાર ‘ગુજરાતી રંગભૂમિનાં કસ્તુરબા’ કલ્પના ગાગડેકર એક અભિનેત્રી માટે રંગોનું મહત્વ સમજાવતાં કહે છે, “એક કલાકાર તરીકે  સ્ત્રી પાત્રમાં રંગોનું મહત્વ પુરૂષ પાત્ર કરતાં વધારે મહત્વનું હોય છે. કેમ કે અભિનેત્રી હોવાની સાથે એક સ્ત્રી તરીકેની તેની જિંદગીમાં આખી સૃષ્ટિ એક રંગભૂમિ જેવી હોય છે. જિંદગીમાં બાળકી, કિશોરી, યુવતી, પત્ની, મા, દાદી સહિતનાં પાત્રો તે નિભાવતી હોય છે ત્યારે દરેક તબક્કે રંગો તેની સાથે સતત જોડાયેલો રહે છે. આપણે ત્યાં તો સ્ત્રીની રંગોની પસંદગી પરથી તેનું ચરિત્ર પણ નક્કી થાય છે. પુરૂષનાં જીવનમાં રંગનું આટલું મહત્વ નથી હોતું. નાટકની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે તે પાત્રનાં રંગમાં તમારે ઢળી જ જવું પડે. જો એ રંગ હું આત્મસાત ન કરું તો પાત્રની લાગણી કદી મારા અભિનયમાં નહીં આવે. જેમ કે, ‘કસ્તુરબા’નાં મારા પાત્રમાં મારી આસપાસ સફેદ રંગ છે. સેટથી લઈને ઘરનાં પડદા, સાડી ઉપરાંત મારાં વાળ સુદ્ધાં સફેદ કરવામાં આવે છે. આ બધું હું મારી જાતમાં ઉતારું છું. ખુદને ૭૫ વર્ષનાં કસ્તુરબા તરીકે અનુભવું છું. ત્યારે એ પાત્રને ન્યાય આપી શકું છું. આ જ વસ્તુ સુહાગણ, વિધવા કે ગૃહીણીનાં રોલમાં પણ હોય છે. તમે ધ્યાનથી જોશો તો સમજાશે કે એ દરેક પાત્ર સાથે ચોક્કસ રંગ જાડાયેલો છે.”


કલ્પનાબહેનને જો કે થિયેટર કરતાં પણ શેરીનાટકોની દુનિયા વધારે પડકારજનક લાગે છે. કેમ કે ત્યાં કોસ્ચ્યુમ, સેટ, પ્રોપર્ટી, મેકઅપ કશું હોતું નથી અને તેમ છતાં તમારે લોકો સુધી ચોક્કસ સંદેશ પહોંચાડવાનો હોય છે. બીજી રીતે કહીએ તો એકેય રંગનાં ઉપયોગ વિના તમારે પ્રતિભા સાબિત કરવાની હોય છે. સ્ટેજ પર તો કોઈ પાત્રનાં એકંદર દેખાવ પરથી પ્રેક્ષક અંદાજ પણ લગાવી શકે છે પણ અહીં તમારી પાસે માત્ર અભિનયની તાકાત હોય છે.


છેલ્લાં કેટલાક વર્ષોમાં ગુજરાતી રંગભૂમિમાં જે કેટલાક પ્રતિભાશાળી કલાકારો ઉભરી આવ્યાં તેમાં આગળ પડતું નામ મયુર ચૌહાણનું છે. ‘અકૂપાર’, ‘બુધન બોલતા હૈ’ અને ‘જાને વો કૈસે લોગ થે’ જેવાં અનેક સફળ નાટકોમાં પડકારજનક ભૂમિકાઓ ભજવનાર મયુરની અભિનય ક્ષમતા ગુજરાતીઓએ ‘શું થયું?’, ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ અને ‘છેલ્લો દિવસ’ જેવી ગુજરાતી ફિલ્મો થકી પણ જોઈ છે. પણ તે મૂળે તો થિયેટરનો માણસ, એટલે જ રંગભૂમિ પર રંગોનાં મહત્વ વિશે વાત કરતી વખતે તેનાં અવાજમાં રણકતો ઉત્સાહ સ્પષ્ટ વર્તાઈ આવે છે. રંગભૂમિમાં રંગોનું મહત્વ સમજાવતાં મયુર ચૌહાણ કહે છે, “બંને બહુ બધી રીતે જોડાયેલાં છે. સ્થૂળ સ્તરની વાત કરીએ તો પ્રોપર્ટી, સ્ટેજ, પડદાં, કોસ્ચ્યુમ, લાઈટ બધામાં રંગ બહુ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે સુક્ષ્મ સ્તરે જેટલાં રંગ છે એટલાં રંગની વાર્તાઓ છે, લાગણીઓ છે. આ બધું જ્યારે એક થઈને સ્ટેજ પર આવે છે ત્યારે રંગમંચ બની જાય છે. હું માનું છું એક એક્ટર તરીકે તમારામાં દરેક રંગ પડેલાં હોય છે, જે પાત્રની સાથે બહાર આવતાં હોય છે. અહીં રંગ એક રૂપક માત્ર છે. જેમ કે કોઈ પાત્ર સફેદ છે તો એનો અર્થ એવો નથી કે તે સફેદ કપડાં પહેરે છે, તેનાં ઘરની દિવાલો સફેદ છે. પણ તેનાં વાણી, વર્તન અને સમાજ જીવનમાં તેનું એકંદર વ્યક્તિત્વ કેવું છે તેની વાત હોય છે. અંગત રીતે મને પાઈરૅટ્‌સ ઓફ કૅરેબિયનનાં જૅક સ્પૅરો અથવા રોબર્ટ ડાઉની જુનિયરે ભજવેલું આર્યનમેન જેવું પાત્ર ભજવવાની ઈચ્છા થાય, કેમ કે તેમાં અનેક રંગો છે.”
મયુર ચૌહાણનાં મતે એક કલાકારની અંદર બધાં જ રંગો પડેલાં હોય છે, જે પાત્રની સાથે બહાર આવતાં હોય છે.


“નાટકમાં સ્ક્રીપ્ટ સ્વયં જ તેનાં રંગો બતાવી દેતી હોય છે. કલાકારે બસ તેને પ્રામાણિકતાથી ન્યાય આપવા પ્રયત્ન કરવાનો હોય છે” – આ શબ્દો છે જિજ્ઞા વ્યાસનાં, જેમને “વર્તમાન ગુજરાતી રંગભૂમિનાં શબાના આઝમી”ની ઉપમા મળેલી છે. સામાન્ય રીતે તેઓ મીડિયાથી અલિપ્ત રહીને માત્ર પોતાનાં કામ પર જ ફોકસ કરતાં કલાકાર છે. માટે તેમનો મત જાણવા અમે તેમની માનીતી જગ્યા એવા સ્ટેજ પર પહોંચી ગયાં. હાલ તેઓ સૌમ્ય જોષીનાં ‘યુનાઈટેડ સ્ટેટ ઓફ પાડાની પોળ’ નાટકમાં ૭૫ વર્ષની મોજીલી ડોશીનું પાત્ર ભજવી રહ્યાં છે. રંગોની દ્રષ્ટિએ આ નાટક અનેક રીતે અનોખું છે. કેમ કે કલરફૂલ હોવા છતાં તેમાં કોઈ સ્થૂળ કલર, કોસ્ચ્યુમ્સ, પ્રોપર્ટી, સેટ કે લાઈટીંગ નથી. આખું નાટક માત્ર કલાકારોનાં અભિનયનાં દમ પર ચાલે છે. નાટકનાં વન વુમન શો જેવા જિજ્ઞા વ્યાસ રંગો વિશે વાત કરતાં કહે છે, “રંગો સાથે રમવાની જે મજા થિયેટરમાં છે એવી અન્ય માધ્યમમાં નથી. અહીં ઓડિયન્સ મુખ્ય પાત્રોનાં કોસ્ચ્યુમ્સ, પાત્રલેખન અને અભિનય પરથી મોટાભાગે આકલન કરી લેતી હોય છે. તેમ છતાં ઓવરઓલ નાટકનો મૂડ પ્રસ્થાપિત કરવામાં રંગો તમારી વ્હારે આવતાં હોય છે. મજા એ છે કે તમે માત્ર સજેશન આપો એ પછી બાકીની બાબતો ઓડિયન્સ કલ્પી લેતું હોય છે. એટલે જ દર વખતે બધી બાબતો બતાવવાની જરૂર નથી પડતી. હું માનું છું કે એક કલાકાર તરીકે તમારી અમુક પ્રકારનાં પાત્રો ભજવવામાં માસ્ટરી હોય છે. પણ તેનાથી વિરુદ્ધ પ્રકારનું પાત્ર તમારી સામે આવે તો એમાં પણ તમે રંગ બદલીને ઢળી શકવા જાઈએ. આ રંગ બદલવાની જે કળા છે તે થિયેટરમાં બહુ મહત્વ ધરાવે છે. રંગભૂમિ તમને રંગો મામલે પણ બીંબાઢાળ બનવા દેતી નથી. આવું પાત્ર હોય તો આવો જ રંગ વાપરવો એ ઘરેડ પણ અહીં તોડી શકાય છે. માટે જ રંગો સાથે રમવાની જે મજા થિયેટરમાં છે તે અન્ય દ્રશ્યશ્રાવ્ય માધ્યમમાં નથી.”
જિજ્ઞા વ્યાસનાં મતે થિયેટર તમને બીંબાઢાળ બનતાં બચાવે છે. અહીં રંગોને લઈને બંધાયેલી માન્યતાઓ પણ તોડી શકાય છે.


આપણે ત્યાં થિયેટર અને ફિલ્મોની સરખામણી સતત થતી રહે છે. પણ રંગમંચ અનેક રીતે અનોખું છે. ફિલ્મ કરતાં નાટકમાં ચેલેન્જ એટલા માટે પણ મોટી હોય છે કેમ કે અહીં તમારે બધું જ પ્રેક્ષકોની સામે જીવંત કરવાનું હોય છે. કદાચ એટલે જ ફિલ્મમાં આખું ઘર સળગતું બતાવાય તેનાં કરતાં થિયેટરમાં સામાન્ય લાકડું પણ સળગતું બતાવાય તેની થ્રીલ વધારે હોય છે.


રંગીન રંગભૂમિનાં રંગબેરંગી સૂરો

સંગીતને પણ રંગ હોય છે એવું જો સામાન્ય બુદ્ધિનાં માણસને કહીએ તો તે તરત હસી કાઢશે. પણ આ જ સવાલ રંગમંચ સાથે જોડાયેલી કોઈ વ્યક્તિને કે સંગીતકારને પુંછશો તો તેનો ચહેરો ખીલી ઉઠશે. હોળીનાં રંગો વિશે તો આપણે સૌ જાણીએ છીએ પણ નાટકોમાં પિરસાતા સંગીતનાં રંગ વિશે આપણને બહુ માહિતી નથી. ત્યારે આ બાબતે વધુ સ્પષ્ટતા માટે અમે મેહુલ સુરતીનો સંપર્ક કર્યો. તેઓ છેલ્લાં એકવીસ વર્ષમાં ૧૫૦થી વધુ નાટકોમાં પાર્શ્વસંગીત આપી ચૂક્યાં છે. બહુ સફળ ગણાતાં ‘પ્રિય પપ્પા હવે તો’, ‘સમુદ્રમંથન’, ‘ધાડ’, ‘રતનલાલની અમ્મા’ જેવાં નાટકોમાં તેમણે સંગીત આપ્યું છે. 

સંગીતકાર મેહુલ સુરતીનાં મતે અભિનેતા એક્ટિંગ દ્વારા પાત્રમાં રંગો પુરતાં હોય છે જ્યારે સંગીતકાર સૂરો થકી.


શું સંગીત દ્વારા રંગોની અભિવ્યક્તિ શક્ય છે ? આ સવાલનાં જવાબમાં તેઓ કહે છે, “રંગભૂમિમાં જે રીતે અભિનેતા જુદાંજુદાં પાત્રનાં રંગો એક્ટિંગ દ્વારા વ્યક્ત કરે છે તેવું જ અમારા સંગીતમાં પણ હોય છે. સુખ, દુઃખ, પ્રેમ, દોસ્તી, દુશ્મની, નફરત જેવાં રંગોને અમે સંગીતમાં વણીએ છીએ. તેમની પાસે અભિનયની બારાખડી હોય છે અમારી પાસે સૂરો છે. અમે સૂરોને શબ્દોમાં ઢાળીને રંગ પુરીએ છીએ. જો કે સંગીતકાર તરીકે મારે મોડ અને મૂડ પર વધુ રમવાનું હોય છે. જે રીતે અભિનય અને સ્ટેજની પરિસ્થિતિ બદલાય તે પ્રમાણે તેનો રંગ અર્થાત સ્વભાવ પણ બદલાતો હોય છે. તેમ અમે રંગોને પારખીને સૂરમાં ઢાળીએ છીએ. એક રીતે સ્થૂળ રંગો વિનાં માત્ર કલ્પનાઓનાં આધારે સંગીત વડે નાટકમાં રંગો પુરવા અઘરું લાગે. પણ જેમ કોઈ મસ્ત જોક્સ પર માણસ હસી પડે, બસ એટલું જ સરળ છે આ બધું. જરૂર હોય છે માત્ર તેને પોતાનામાં સમાવી લેવાની. હું મેવાતી અને કિરાની ઘરાનાની ગાયકી શીખ્યો છું એટલે સ્વાભાવિક રીતે જ જુદીજુદી પરિસ્થિતિમાં આલાપની સાથે રંગોનું મારે મન બહુ મહત્વ છે. સામાન્ય રીતે લોકો માનતાં હોય છે કે શાસ્ત્રીય સંગીત શીખી લેવાથી સંગીત આવડી જાય. પણ એવું નથી હોતું. જો તાલીમ સિવાય તમારું અનુભવજગત વિશાળ નહીં હોય તો અલગ અલગ ભાવમાં પડેલાં રંગો તમે સંગીતમાં ઝીલી નહીં શકો. થિયેટર તમને જુદાંજુદાં ભાવો સાથે જોડાયેલાં રંગોને પારખતા શીખવે છે. દરેક નવાં નાટક વખતે એકાદ એવી પરિસ્થિતિ આવી જ જતી હોય છે કે તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ અને પછી અચાનક તેનો ઉકેલ મળી આવે. ઘણીવાર તમારે કુદરતનો સહારો લેવો પડે. જેમ કે વહેતી હવા, તમરાંનો ગુંજતો અવાજ વગેરે. ટુંકમાં સંગીત થકી રંગોની અભિવ્યક્તિ શક્ય છે જ.”

પાત્રવરણીમાં રંગો પુરવાની મથામણ

તમે ચેક કરજો, જ્યારે પણ કોઈ લેખક, દિગ્દર્શક કોઈ પાત્રનું વર્ણન કરતાં હોય ત્યારે તેનાં રંગ વિશે ચોક્કસ ઉલ્લેખ કરશે. જેમ કે આ પાત્ર રંગીન છે, કોઈ સફેદ(સીધુંસાદું) છે, કોઈ કાળું(નકારાત્મક) છે. કહેવાનો મતલબ એ કે આપણે ત્યાં બોલચાલની ભાષામાં જ લોકોએ વ્યક્તિત્વને રંગો સાથે જોડી દીધેલું છે. ઘણાં પાત્રો સાથે અમુક રંગ સ્ટિરીયો ટાઈપ થઈ પડ્યાં છે. જેમ કે વિધવાનું પાત્ર હોય તો સફેદ રંગ જ દેખાય. કોઈ એમ કહે કે હીરો-હીરોઈનની પાછળ એક માણસ પડ્યો છે, તો તરત તમને પેલાનું ચરિત્ર નકારાત્મક(કાળું) લાગશે. અભિનેત્રીનાં પાત્રમાં પણ બહુ સ્પષ્ટ કહેવામાં આવતું હોય છે કે તે મોર્ડન છે અથવા દેશી છે. મોર્ડન કહીએ એટલે તરત આપણાં દિમાગમાં અમુક ચોક્કસ  ઈંગ્લિશ કલર આવવા લાગે છે. એ જ રીતે દેશી કહીએ એટલે હિરોઈને પંજાબી ડ્રેસ પહેરેલો હોય, ખભે પીળો દુપટ્ટો હોય એવી છબિ મનમાં ઉભી થશે.

અભિષેક શાહનાં મતે ગુજરાતી રંગભૂમિમાં ક્રાંતિનો લાલ રંગ ઓછો જોવા મળ્યો છે કેમ કે આપણે પહેલેથી આ કલાને બિઝનેસની રીતે જોઈ છે.



ગુજરાતી થિયેટરનો બહોળો અનુભવ લઈને ગુજરાતી ફિલ્મ જગતમાં કાસ્ટિંગ ડીરેક્ટર તરીકે એકચક્રી શાસન ધરાવતા અભિષેક શાહને અમે પુંછ્યું કે, થિયેટરનું કોઈ પાત્ર જ્યારે તમારી સામે મૂકવામાં આવે છે ત્યારે તેનો રંગ અને તેમાં ક્યો અભિનેતા તેમાં ફીટ બેસશે તે કેવી રીતે નક્કી કરો છો ? આ મામલે અભિષેક શાહનો જવાબ અભિનય જગત સાથે જોડાયેલાં દરેકે ગાંઠ બાંધી લેવા જેવો છે. તેમણે કહ્યું, “આૅડિશનમાં એ જોવામાં આવે છે કે આૅડિશન આપનાર જે તે પાત્ર જેવો દેખાય છે કે નહીં. ઘણાં લોકો કહેતાં હોય છે કે હું સુંદર નથી દેખાતો એટલે અભિનયમાં ચાલીશ નહીં, એવું બિલકુલ હોતું નથી. કેમ કે સુંદરતા કરતાં પણ પાત્રનાં લુકને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે.”


થિયેટરમાં રંગનાં મહત્વની બીજી એક વાત કરતાં તેઓ કહે છે, “રંગભૂમિને હું હંમેશા લાલ રંગ સાથે જોડીને જ જોઉં છું. ગુજરાતી રંગભૂમિમાં લાલ રંગ ઓછો જોવા મળ્યો છે તેની પાછળનું કારણ એ કે આપણે આ કળાને પહેલેથી જ બિઝનેસની રીતે જોઈ છે. પહેલાં દિવસથી જ તે વેચાવી શરૂ થઈ ગઈ હતી. માટે જ કળાનાં કારણે કોઈ મોટો સામાજિક બદલાવ આવ્યો હોય, આંદોલનો થયાં હોય એવું થયું નથી. એટલું જ નહીં, નજીકનાં ભવિષ્યમાં પણ કોઈ પરિવર્તન આવે તેવી કોઈ શક્યતા મને નથી દેખાતી.”

સ્ટેજ સજાવટમાં રંગોનું મહત્વ

નાટ્યશાસ્ત્રમાં ભરતમુનિએ ઉલ્લેખ કર્યો છે કે દેવો-દાનવો મળીને મહેન્દ્ર વિજય ઉત્સવ ઉજવતાં હતાં. જેમાં તેમણે થોડાં સમય પહેલાં જ થયેલાં દેવ-દાનવ યુદ્ધ પર નાટક બનાવીને રજૂ કરી દીધું હતું. એ યુદ્ધમાં દાનવો હારી ગયાં હોવાથી નાટક જોઈને તેઓ ગુસ્સે ભરાયાં અને આખો મંચ તોડી નાખ્યો. જો કે ફરીથી આવું ન થાય તે માટે ભરતમુનિ વિશ્વકર્માને મળ્યાં અને બંધ થિયેટર તૈયાર કરવા કહ્યું. તેમણે થિયેટરોની વિવિધ નવ જેટલી ડિઝાઈનો તૈયાર કરી આપી. જેમાં ‘રંગમંચ’ શબ્દનો ઉલ્લેખ છે. આપણાં નાટકોમાં તેનાં એકંદર રંગને ધ્યાનમાં રાખીને સ્ટેજ તૈયાર કરવામાં આવતું હોય છે.

સેટ ડિઝાઈનર કબીર ઠાકોરનાં મતે રંગભૂમિમાં પ્રેમ, વિરહ, વ્યથા, સંઘર્ષ, હર્ષ, શોક એમ દરેક લાગણી માટે જુદાંજુદાં રંગો વપરાય છે.
રંગોનું અદ્દભૂત મિશ્રણ ધરાવતાં એક નાટકનું દ્રશ્ય



આ મામલે વધુ વિગતો આપણને ગુજરાતી રંગભૂમિમાં સ્ટેજ ડિઝાઈન ક્ષેત્રે એક હજારા જેવું નામ ગણાતા કબીર ઠાકોર પાસેથી મળે છે. અનેક જાણીતા નાટકો માટે તેમણે સ્ટેજ તૈયાર કરી આપ્યાં છે. તેઓ અમદાવાદનાં પાલડી સ્થિત પોતાનાં ઘરમાં જ ‘સ્ક્રેપયાર્ડ’ નામનું આગવું થિયેટર ધરાવે છે જ્યાં રંગભૂમિનાં નીતનવા પ્રયોગો સતત ચાલતાં રહે છે. વ્યવસાયે તેઓ આર્કિટેક છે પણ રંગભૂમિનો નશો તેમને પિતા તરફથી વારસામાં મળેલો છે. ગુજરાતી રંગભૂમિમાં મંચસજ્જા ક્ષેત્રે જે કેટલુંક ઉત્તમ કામ થયું છે તેમાં કબીર ઠાકોરનો ફાળો અનન્ય છે. સેટ ડિઝાઈનીંગમાં રંગોનાં મહત્વ બાબતે તેઓ કહે છે, “સેટ જે તે નાટકનાં એકંદર પ્રકારને દર્શાવતો હોય છે. એટલે તેમાં નાટકનાં પ્રકાર, પાત્રોનાં શેડ્‌સ, તેની બદલાતી લાગણીઓ, પરિસ્થિતિ વગેરેને ધ્યાનમાં રાખીને ડિઝાઈનીંગ અને રંગનું મિશ્રણ કરવાનું હોય છે. કલરફૂલ નાટક હોય તો એકથી વધુ રંગો વપરાય છે. કોઈ ગંભીર સંદેશ આપતું પાત્ર હોય તો ઘેરાં રંગો વાપરીએ છીએ. એ જ રીતે પ્રેમ, વિરહ, વ્યથા, સંઘર્ષ, હર્ષ, શોક દરેક માટે જુદાંજુદાં રંગોનો સેટ, પ્રોપર્ટી કે લાઈટનો ઉપયોગ થતો હોય છે. લાઈટમાં પણ શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્રુત અને શાંત એમ દરેક રસ પ્રમાણે જુદાંજુદાં રંગો વપરાય છે. લાઈટ સીન પ્રમાણે બદલી શકાય છે પણ સેટમાં વપરાયેલાં રંગો સમગ્ર નાટક દરમિયાન જેમનાં તેમ રહેતાં હોઈ તેનાં પર વધારે ધ્યાન આપવું પડતું હોય છે. એ વખતે સમગ્ર નાટકનાં પોતને ધ્યાનમાં રાખવામાં આવે છે. જેમ કે 'અગ્નિકન્યા' માટે રાતો, પીળો વગેરે રંગ વાપરેલાં કેમ કે તેમાં વેદી વગેરેની વાત હતી. ‘સોક્રેટિસ’ નાટકમાં છેલ્લે ઝેર પીવાનાં સીન વખતે લીલો રંગ વાપરેલો. જો કે, એક સેટ ડિઝાઈનર તરીકે હું માનું છું કે સેટ માત્ર આભાસ ઉભો કરવાં પુરતો જ હોવો જાઈએ. કેમ કે તો જ લાઈટ થકી અલગ અલગ સીન મુજબ મૂડ પેદા કરી શકાય છે.”

નાટ્યલેખન અને દિગ્દર્શકની દ્રષ્ટિએ રંગો

રંગભૂમિ આમ તો એક્ટરનું માધ્યમ ગણાય છે પણ તેમાં લેખક અને દિગ્દર્શકનો ફાળો સમાંતરે લેખાવો જોઈએ. કેમ કે આ લોકો જ જે તે પાત્રને નાનું કે મોટું, સારું કે ખરાબ, લાગણીશીલ કે જડ બનાવતાં હોય છે. સ્ટેજ પર જે કંઈપણ રજૂ થાય છે તેમાં એક્ટર કરતાં પણ પહેલાં લેખક અને ડિરેક્ટરનો દ્રષ્ટિકોણ અગત્યનો હોય છે. આ બંનેનાં મનમાં જે તે પાત્રનો રંગ પહેલાં પુરાય છે માટે રંગો બાબતે સૌથી વધારે જાણકારી તેમની પાસે હોવાની.
સૌમ્ય જોષીનાં મતે રંગભૂમિ પર રંગોનાં વ્યક્તિગત ગમા-અણગમાને કોઈ સ્થાન નથી. જો એવું હોય તો તે ખામી ગણાય.



ગુજરાતી રંગભૂમિ માટે જેમણે બે અલગ ચીલાં ચાતર્યાં છે તેવાં સૌમ્ય જોષી અને ચિરાગ મોદીને અમે આ મામલે પુંછ્યું. સૌમ્ય જોષી વિશે એવું કહેવાય છે કે તેઓ જે પણ નાટ્યપ્રયોગો કરે છે તેની પાછળ ગુજરાતી ઓડિયન્સ દોરાય છે. તેઓ તેમનાં નાટકોની કદી જાહેરાત નથી આપતાં તેમ છતાં શો હાઉસફૂલ જાય છે. આજકાલ તેઓ ગુજરાતી રંગભૂમિને જ નહીં પણ દર્શકોને પણ જાણે નવેસરથી તૈયાર કરી રહ્યાં હોય એવું વાતાવરણ છે.
નાટ્યજગત વિશે ગહન વાચન અને ચિંતન ધરાવતા સૌમ્ય જોષી લેખક-દિગ્દર્શક-અભિનેતા એમ બહુમુખી પ્રતિભા ધરાવતા હોઈ તેમનાં માટે રંગોનું રંગભૂમિમાં આગવું મહત્વ છે. તેમનાં મતે, “રંગ અને રંગભૂમિ ઘણી બધી રીતે એકબીજાથી નજીક છે. જેમ બાહ્ય દ્રશ્યમાન રંગો હોય છે એમ જિંદગીનાં પણ રંગો હોય છે. શેડ્‌સ હોય છે. ઘણીવાર એમાં દેખીતી રીતે સ્પષ્ટ વર્ણવી ન શકાય તેવાં ગૂંચવણભર્યાં રંગો પણ હોય છે. અને એનું નિરૂપણ કરવાનું રંગભૂમિનું કામ છે. એ રીતે જોઈએ તો રંગ અને રંગભૂમિ બહુ ગાઢ સંબંધ ધરાવે છે. આ સિવાય પણ આપણાં જીવનમાં રંગો બહુ મહત્વ ધરાવે છે. અમુક વસ્તુઓ આપણને ચોક્કસ રંગની જ જોઈતી હોય છે. જો કે રંગભૂમિનાં અભિનેતા- લેખક-ડાયરેક્ટર તરીકે જો મને કોઈ ચોક્કસ રંગ ન ગમતો હોય તો એ ખામી ગણાય. કેમ કે વ્યક્તિગત જિંદગીમાં મારી પસંદ નાપસંદ હોઈ શકે પણ એ મારે સ્ટેજ પર લઈને નથી આવવાનું. એનાથી પૂર્વગ્રહોમાં બંધાઈ જવાની પુરી શક્યતા રહે છે. મારે તો પાત્ર કેવું છે અને તેને શું ગમે તે મુજબ જ ચાલવાનું હોય છે. હું દિગ્દર્શક તરીકે સૌથી વધારે એ મતનો છું કે સ્ટેજ પર સૌથી મોટું કર્મ એક્ટરે કરવાનું હોય છે. થિયેટર એક્ટરનું જ માધ્યમ છે. આખરે લેખક-દિગ્દર્શકની વાતને ઓડિયન્સ સુધી એક્ટર જ લઈ જતો હોય છે. એ સ્ટેજ પર સ્પષ્ટ ત્યારે દેખાય જ્યારે મંચની સામાન્ય સફેદ લાઈટ તેનાં પર પડે. એટલે એ મારો ગમતો રંગ છે. છતાં ડિરેક્ટર-એક્ટરે કાચિંડાની જેમ રંગ બદલવાની કલા હસ્તગત કરવી જાઈએ. જેમ કાચિંડાનો મૂળ રંગ ઝાડની છાલ જેવો ભૂખરો હોય છે પણ તે જરૂર પડ્યે લાલઘૂમ પણ થઈ શકે છે, એ જ રીતે રંગભૂમિનાં અભિનેતા- ડિરેક્ટરે પાત્ર અને નાટકની માંગ પ્રમાણે રંગ બદલતા શીખવું પડે.”


અમદાવાદનાં શિવરંજની વિસ્તારમાં આવેલાં ‘ઓરોબોરોસ’ થિયેટરનાં ચિરાગ મોદી રંગભૂમિનાં અઠંગ બંધાણી છે. ચોવીસે કલાક ‘ઓરોબોરોસ’માં પડ્યાંપાથર્યાં રહેતાં ચિરાગભાઈ પ્રયોગો કરવામાં અવ્વલ છે. અમદાવાદમાં હાલ સૌથી વધુ પ્રયોગશીલ નાટકો કદાચ અહીં રજૂ થાય છે. સતત નાટ્યપ્રવૃત્તિમાં મગ્ન રહેતાં ચિરાગ મોદી રંગો બાબતે સ્પષ્ટતા કરતાં કહે છે, “એક લેખક – ડિરેક્ટર તરીકે હું પાત્રાલેખન વખતે મોટાભાગે શેડ્‌સને વધારે મહત્વ આપતો હોઉં છું. મને લાગે છે કે આપણાં દરેકમાં એ રંગ પડેલો છે. જે પુરેપુરો સફેદ પણ નથી અને કાળો પણ નથી. એક સમયે આપણી ફિલ્મોમાં એવું હતું કે વિલન એટલે બ્લેક જ હોય, કારણ વિના હસતો જ હોય. અને હીરો એકદમ સારો જ હોય, એનામાં કોઈ ખામી જ ન હોય. પણ હકીકતે એવું હોતું નથી. અને એટલે જ મારાં માટે ગ્રે શેડ્‌સ વધારે અગત્યનાં છે. એ પછી જ્યારે હું દિગ્દર્શકનાં રોલમાં આવું છું ત્યારે તેનાં આધારે સેટ, લાઈટ, પ્રોપર્ટી, કોસ્ચ્યુમ્સ વગેરેમાં રંગો પર ધ્યાન આપું છું. આમ લેખન વખતે પાત્રોનાં રંગ અને પછી મંચન વખતે આગળ કહી તે બાબતોને ધ્યાનમાં રાખીને સંતુલન જાળવવાનો પ્રયત્ન કરતો હોઉં છું. ડિરેક્ટરનું એ જ કામ છે કે અભિનેતાનાં આંતરિક રંગો અને સેટ સહિતની બીજી વસ્તુઓનાં રંગોનું મિશ્રણ કરીને પોતાની વાત રજૂ કરે. સ્ટેજ પર કલાકાર જ એવી ઘટના છે જે લાઈવ છે અને આસપાસની નિર્જીવ વસ્તુઓમાં પ્રાણ ફૂંકે છે.”

ઓરોબોરોસ - ધ આર્ટ હબનાં ચિરાગ મોદી રંગભૂમિ પર ગ્રે શેડ્સને વધુ મહત્વનો ગણે છે.


છેલ્લે એટલું જ કહેવાનું કે, તમારી આજુબાજુ નજર કરશો તો આવા કેટલાંય દ્રશ્યો મળી આવશે જે જાણ્યે-અજાણ્યે માનવ જીવનમાં પડેલી સારી-નરસી બાબતોનું પ્રતિનિધિત્વ કરતાં હોય અને તેનો ચોક્કસ રંગ પણ હોય. અને એ તમે રંગભૂમિ પર ભજવાતો જોયો પણ હોય. સફેદ, કાળો, કેસરી, લીલો, લાલ, પીળો, ગુલાબી આ રંગો શું છે, જે તે પરિસ્થિતિનાં પ્રતિક જ તો છે! જાનીવાલીપીનારાની સતરંગી સૃષ્ટિનો દરેક રંગ આપણાં જીવન પર અસર છોડે છે. કોઈ રંગ આપણને ઉત્તેજિત કરે છે તો કોઈ પ્રેમ કરવા પ્રેરે છે. કોઈ આપણને શાંતિની અનુભૂતિ કરાવે છે તો કોઈ ક્રોધ ચડાવે છે. ટુંકમાં આટલી વિગતો પછી એટલું તો સ્વીકારવું જ રહ્યું કે રંગ અને રંગભૂમિ વચ્ચે બહુ મોટું જોડાણ છે જે આપણાં જીવન સાથે પણ વણાયેલું છે.


'અભિયાન'માં પ્રકાશિત રંગ અને રંગભૂમિ પરની કવર સ્ટોરી










Comments