વધતું જતું જળસંકટ તંત્રનાં ધ્યાનમાં તો છે ને ?
વિશ્વમાં આજે સૌથી મોટું સંકટ આતંકવાદ અને પર્યાવરણ છે. પરંતુ 2050માં જળસંકટ સૌથી મોટી સમસ્યા હશે એવું નિષ્ણાતોનું માનવું છે. ભૂગર્ભ વૈજ્ઞાનિકોનાં તારણ મુજબ 2025 સુધીમાં દુનિયાની વસ્તી 8 અબજ અને 2050 સુધીમાં 9 અબજનો આંક પાર કરી જશે. એશિયા, આફ્રિકા, યુરોપનાં દેશોની ઘણી વસ્તી પાણીની અછતનો સામનો કરી રહી હશે.
ગુજરાત સહિત દેશનાં અનેક વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પાણીની વધતી જતી અછતને
લઈને હાલમાં જ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઈડ્રોલોજીએ એક રસપ્રદ અભ્યાસ કર્યો છે. એ
મુજબ ભારતમાં વિકાસની ગતિ વધવાની સાથે પાણીની અછત વધશે એટલુ જ નહીં, અનેક
વિસ્તારોમાં પાણી મામલે મારામારી પણ થઈ શકે છે. પાણીની માંગ આ જ કારણે છેલ્લા
30-40 વર્ષમાં ઝડપથી વધી રહી છે. હાલ પાણીની માંગ પ્રતિ વ્યક્તિએ 100 થી 110
લીટરની વચ્ચે છે, જે 2025 સુધીમાં વધીને 125 લીટર અથવા તેનાથી વધુ થઈ શકે છે.
ત્યાં સુધીમાં ભારતની વસ્તી 1 અબજ 48 કરોડ થઈ જશે અને અને પાણીની માંગ 7900 કરોડ
લીટર થઈ જશે. પણ પાણી તેનાથી અડધું જ પાણી ઉપલબ્ધ હશે. નેશનલ વોટર કમિશનનાં આંકડાઓ
મુજબ 1997માં 575 ક્યૂબિક કિ.મી. (1 ક્યૂબિક કિ.મી. એટલે 100 અબજ લીટર) પાણી
ઉપલબ્ધ હતું. જે આજે ઘટીને લગભગ 500 ક્યૂબિક કિ.મી. રહ્યું છે. તેની સામે માંગ
વધીને 800 ક્યૂબિક કિ.મી. આસપાસ છે. આના પરથી જ ખ્યાલ આવે છે કે ઉપલબ્ધ પાણીની
સરખામણીએ માંગ કેટલી વધારે છે. ભૂગર્ભ વિજ્ઞાન
અને કુદરતી સંપત્તિ પર નજર રાખતી સંસ્થાઓ અનુસાર ભારતમાં 15 ટકા ભૂગર્ભ જળ સુકાઈ
ગયું છે. સૌથી વધુ કૂવા, પંપ, ટ્યૂબવેલ ભારતમાં છે. આંકડાઓ મુજબ જમીનમાંથી પાણી
ખેંચતા યંત્રોની સંખ્યા ભારતમાં 20 લાખથી વધુ છે. એ જોતાં વિશ્વ બેંકે કરેલાં
અનુમાન પર કોઈ આશ્ચર્ય ન થાય કે આગામી 20 વર્ષમાં ભૂગર્ભ જળનો 60 ટકા હિસ્સો
ખતરનાક સ્તરે પહોંચી જશે. આપણાં માટે આ સ્થિતિ વધારે ચિંતાજનક એટલાં માટે છે કે
આપણી જરૂરિયાતનું 70 ટકા પાણી ભૂગર્ભમાંથી મળે છે. સ્વાભાવિક છે કે, ત્યારે ન તો
ખેતીમાં સિંચાઈ માટે પાણી હશે, ન ઉદ્યોગધંધા માટે. ખેતીવાડી તો બરબાદ થશે જ, પણ
દેશની મોટાભાગની વસ્તી પાણીનાં એકએક ટીપાં માટે વલખાં મારી શકે છે.
વિશ્વમાં આજે
સૌથી મોટું સંકટ આતંકવાદ અને પર્યાવરણ છે. પરંતુ 2050માં જળસંકટ સૌથી મોટી સમસ્યા
હશે એવું નિષ્ણાતોનું માનવું છે. ભૂગર્ભ વૈજ્ઞાનિકોનાં તારણ મુજબ 2025 સુધીમાં
દુનિયાની વસ્તી 8 અબજ અને 2050 સુધીમાં 9 અબજનો આંક પાર કરી જશે. એશિયા, આફ્રિકા,
યુરોપનાં દેશોની ઘણી વસ્તી પાણીની અછતનો સામનો કરી રહી હશે. આ દેશોમાં કોંગો,
મોઝામ્બિક, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર, ચીન, કોરિયા,
ઘાના, કેન્યા, નામીબિયા, સીરિયા, ઈરાન, ઈરાક, યુએઈ અને અફઘાનિસ્તાન સહિત અનેક દેશો
સામેલ હશે. હાલ આફ્રિકા અને એશિયા ખંડનાં દેશોમાં દર પાંચે એક વ્યક્તિ પાણીની
અછતનો સામનો કરી રહી છે. 2050 સુધીમાં સાડા પાંચ અબજ લોકો પાણીની સમસ્યાથી ગ્રસ્ત
હશે. જે રીતે વિકાસશીલ દેશોમાં ગામડાંઓથી લોકો શહેરો તરફ સ્થળાંતર કરી રહ્યાં છે
તેના પરથી એવું અનુમાન લગાવાયું છે કે 2025 સુધીમાં દુનિયાથી અડધી વસ્તી શહેરોમાં
રહેતી હશે. અને તેનાથી પાણીની સમસ્યા નિયંત્રણ બહાર જતી રહેશે. સંયુક્ત રાષ્ટ્રો
પણ 2025 સુધીમાં જળસંકટને મહાસંકટમાં બદલાતા જોઈ રહ્યું છે. એટલે જ તે દુનિયાભરનાં
દેશોને તેનાથી સાવધાન રહેવાની ચેતવણી આપતું રહ્યું છે. ભારતની વાત કરીએ તો આપણે
ત્યાં દરેક વ્યક્તિને દરરોજ ઓછામાં ઓછું 85 લીટર પાણી મળવું જોઈએ. પણ સમસ્યા એ છે
કે તમામ પ્રયત્નો છતાં 30 ટકા લોકોને જરૂરિયાત પુરતું પાણી નથી મળતું.
આંતરરાષ્ટ્રીય હાઈડ્રોલોજિકલ પ્રોગ્રામની ધારણા પ્રમાણે ગ્લોબલ વોર્મિંગને કારણે
આવનારાં 10 વર્ષમાં બાષ્પીભવનની ઝડપ આજની સરખામણીએ બે ગણી થઈ જશે. જેનાં કારણે
નદીઓ અને અન્ય જળસ્ત્રોતોનું પાણી ઓછું થઈ જશે. ગરમી વધવાથી ધ્રુવોનો બરફ જલદી
ઓગળશે. જેનાથી મીઠું પાણી ખારાં દરિયામાં ભળી જશે અને પીવાલાયક મીઠાં પાણીનાં
સ્ત્રોતો સુકાતાં જશે. બીજી સ્થિતિ જે વિકરાળ સમસ્યા તરીકે સામે આવી શકે છે તે છે,
પાણી માટે ભટકતા રહેવાની. ત્યારે એવા સ્થળોએ લોકોની ભરમાર હોઈ શકે છે જ્યાં પાણી
સરળતાથી ઉપલબ્ધ હોય. જેનાં કારણે સામાજિક આર્થિક સમસ્યાઓ પણ પેદા થશે.
કેન્દ્રીય હવામાન
વિભાગ મુજબ દેશમાં વાર્ષિક 1170 મિલીમીટર વરસાદ પડે છે, અને એ પણ માંડ ત્રણ મહિના.
જો કે આ પાણીનો માત્ર વીસ ટકા ભાગ જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એનો બીજો અર્થ એવો થાય કે 80 ટકા પાણી આપણે ઉપયોગ કર્યા વિના વહી જવા દઈએ છીએ. જેનું પરિણામ આપણે દર વર્ષે પાણીની સતત તંગીનાં સ્વરૂપમાં ભોગવવું પડે છે. જો પાણીનાં સંગ્રહની યોજનાઓ પર ગંભીરતાથી અમલ અમલીકરણ થાય તો ન માત્ર પાણીની તંગીથી છુટકારો મળશે, પણ પાણીને લઈને ખેલાતા કાયમી રાજકારણનો પણ અંત આવશે.
જો કે વાત આટલી સરળ નથી. જે વિસ્તારોમાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે અને જ્યાં માત્ર ભૂગર્ભ જળ જ પાણીનો એકમાત્ર સ્ત્રોત છે ત્યાં પાણીની તંગીને કેવી રીતે માત આપી શકાય તેનાં પર ધ્યાન આપવાની તાતી જરૂર છે. દેશનાં બહુ મોટાં વિસ્તારમાં દર વર્ષે વરસાદ સામાન્ય કરતાં પણ ઓછો પડે છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, બુંદેલખંડ અને ગુજરાતનાં કચ્છ જેવાં વિસ્તારમાં લોકોએ દર વર્ષે દુકાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ત્યાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ઘરવપરાશની સાથે પીવાનાં પાણીની સમસ્યા પણ દેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં છે. દેશની રાજધાની દિલ્હીનું પાણી પણ પીવાલાયક નથી રહ્યું. ચંદીગઢની લેબોરેટરીનાં રિપોર્ટ મુજબ દિલ્હીમાં ભૂગર્ભ જળમાં ક્લોરાઈડનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં એક હજાર ગણી વધુ જોવા મળી હતી. એવી જ રીતે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફેટ, કોપર વગેરેની માત્રા પણ સતત વધતી જઈ રહી છે. આવું પાણી પીવાથી હૃદયરોગ, કીડનીની બિમારી, લીવરનું કેન્સર, દાંત અને ચામડીનાં રોગો, ચેતાતંત્ર પર અસર, તાણ, દમ જેવી અનેક બિમારીઓ થાય છે.
જ્યાં પાણીની તંગી છે તેવા વિસ્તારોમાં ભૂગર્ભ જળનાં તળિયા આવી ગયાં છે. છેલ્લાં દસ વર્ષમાં પાણીની તંગી ધરાવતાં આવા વિસ્તારોમાં 2 કરોડથી વધુ કૂવા ખોદવામાં આવ્યાં છે એ તેનો પુરાવો છે. આ કૂવાઓ 200થી લઈને 1 હજાર મીટર સુધી ઊંડા છે. એનાં પરથી ખ્યાલ આવે છે કે ભૂગર્ભ જળનું સ્તર દર વર્ષે 2 થી લઈને 6 ફૂટ સુધી નીચે જઈ રહ્યું છે. એવામાં વરસાદી પાણીનો સંગ્રહ ફરજિયાત થઈ પડ્યો છે. તો જ આ જળસંકટ નિવારી શકાશે. સાથે પાણીનો બેફામ ઉપયોગ કરતાં કે ભૂગર્ભ જળને વ્યાપક નુકસાન પહોંચાડતાં ઉદ્યોગો પર લગામ કસવી પડશે. છેલ્લાં દોઢ દાયકાથી આપણે ત્યાં પાણીની સમસ્યા દિનપ્રતિદિન વધતી રહી છે તેની પાછળ સરકારની બાંધછોડ ધરાવતી પોલિસી પણ જવાબદાર છે. અમદાવાદ જેવા મોટાં શહેરોમાં અનેક વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી લોકોને મળતું નથી ત્યાં ખાનગી કંપનીઓ બાટલાં ભરીને પાણી વેચે છે. આ કંપનીઓ મોટાભાગે વિદેશી હોય છે અથવા સ્થાનિક સ્તરે વગ ધરાવતા કોઈ રાજકારણીની. ઘણાં શહેરોમાં પાણીનાં ટેન્કરો પણ રાજકારણીઓ અને તેમનાં મળતિયાઓ જ ચલાવતાં હોય છે. જીઆઈડીસીઓમાં મોટાપાયે પાણીનાં કારખાનાં ચાલે છે તે સરકારની નજર બહાર હોય તેમ માનવું મૂર્ખામી છે. આવા જળમાફિયાઓ પાણીની ચોરી કરીને બેરોકટોક જળસંકટને વધારી રહ્યાં છે. ટુંકમાં સમસ્યા ગંભીર છે, પણ તંત્ર જાગે ત્યારે ખરું.



Comments
Post a Comment