નોટાઃ એક નેતાવિહીન રાજકીય આંદોલન
થોડાં મહિનાં પહેલાં થયેલી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં અંદાજે 12 લાખ મતદારોએ બધાં ઉમેદવારોને નકારીને નોટાનાં વિકલ્પને પસંદ કર્યો હતો. એ પછી હરિયાણા ચૂંટણી પંચ કરેલાં ઐતિહાસિક નિર્ણય બાદ તો નોટા ખરા અર્થમાં એક નેતાવિહીન આંદોલન બની ગયું છે..
આઝાદી પછીનાં
સમયમાં ભારતમાં લોકશાહીની સ્થાપના કરતી વખતે સામાન્ય માણસને લોકતંત્રનું એક
મહત્વનું અંગ માનવામાં આવેલો. ત્યારથી લઈને અત્યાર સુધી એ આમ આદમી દર પાંચ વર્ષે એ
વિશ્વાસ સાથે મતદાન કરતો આવ્યો છે કે તેનાં મતોથી ચૂંટાતી સરકાર તેનાં
દુઃખ-દર્દોને સમજશે અને તેની સુખાકારી માટે શક્ય તમામ પગલાં લેશે. જો કે તેનો એ વિશ્વાસ
દર વખતે તૂટતો રહ્યો અને આજની તારીખે પણ એ સ્થિતિમાં ફરક પડ્યો જણાતો નથી. જેને પગલે
મતદારોમાં રોષ ફેલાતો રહ્યો, કેમ કે ચૂંટણી ટાણે તેમની સામે કોઈ વિકલ્પ નહોતો. પણ
અમુક વર્ષ પહેલાં તેને ‘નોટા’નાં રૂપમાં એક એવો વિકલ્પ મળ્યો જેનાં થકી તે
ચૂંટણીમાં પોતાનાં અણગમતાં ઉમેદવારોને નકારી શકે છે. થોડાં મહિનાં પહેલાં થયેલી 5
રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જે રીતે અંદાજે 12 લાખ મતદારોએ બધાં ઉમેદવારોને
નકારીને નોટા પર પસંદગી ઉતારી, તેનાં કારણે તે વધુ એકવાર ચર્ચામાં આવ્યો હતો. આજે જ્યારે
લોકસભાની ચૂંટણી આડે ગણતરીનાં મહિનાઓ બાકી રહ્યાં છે ત્યારે લોકશાહીમાં નોટાની
સાર્થકતા પર ચર્ચા કરવી જરૂરી લાગે છે.
ચૂંટણીમાં જ્યાં
એક-એક મત કિંમતી હોય છે ત્યારે આ 12 લાખ નોટા મતોનું કેટલું મહત્વ રહ્યું હશે ! આંકડાઓ પર નજર નાખીએ તો સૌથી વધુ છત્તીસગઢમાં
2.1 ટકા મતો નોટાનાં ખાતામાં ગયા હતાં. મધ્યપ્રદેશમાં આ આંકડો 1.5 ટકા, જ્યારે
રાજસ્થાનમાં 1.3 ટકા મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું. તેલંગાણામાં નોટાનાં
ખાતામાં 1.1 ટકા અને મિઝોરમમાં 0.5 ટકા મતદારોએ નોટાને સ્વીકાર્યો હતો. અગાઉ
2017માં ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં
નોટા દરેક રાજ્યમાં અનેક ઉમેદવારોની હાર-જીતમાં એક મોટાં પરિબળ તરીકે ઉભરી આવ્યો
હતો. આ વિધાનસભા ચૂંટણીઓમાં તેને બધાં મળીને 9, 36, 503 મતો મળ્યાં હતાં. મતોની આ
સંખ્યાને કોઈ કાળે અવગણી શકાય તેમ નથી.
નોટા જેનો અર્થ ‘નન ઓફ ધ અબોવ’ એટલે કે ‘આમાંથી કોઈ નહીં’. વર્ષ 2009માં
ચૂંટણી પંચે મતદાતાઓ માટે આ વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરેલી. બાદમાં
પીયુસીએલ સંસ્થાએ તેનાં સમર્થનમાં એક જાહેરહીતની અરજી દાખલ કરી હતી. છેવટે સુપ્રીમ
કોર્ટે 27 ડિસેમ્બર 2013નાં રોજ ઐતિહાસિક નિર્ણય કરીને ચૂંટણીપંચને ઈવીએમમાં ‘નોટા’ બટન ઉપલબ્ધ
કરાવવાનો આદેશ આપતાં કહ્યું હતું કે, નોટાનું
બટન આપવાથી રાજકીય પક્ષો પર સારાં ઉમેદવારો ઉભા રાખવાનું દબાણ રહેશે. સુપ્રીમનાં
આદેશ બાદ ચૂંટણીપંચે સૌ પ્રથમ ડિસેમ્બર 2013માં છત્તીસગઢ, મિઝોરમ, રાજસ્થાન,
મધ્યપ્રદેશ અને દિલ્હી વિધાનસભા ચૂંટણીઓમાં ઈવીએમમાં નોટાનો વિકલ્પ ઉપલબ્ધ
કરાવવાનો આદેશ આપેલો. જેથી મતદારો પોતાની પસંદગીનો કોઈ ઉમેદવાર ન હોવા પર તેનો
ઉપયોગ કરી શકે. એ ચૂંટણીઓમાં પહેલીવાર કુલ 15 લાખ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો.
ત્યારબાદ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ તેનો ઉપયોગ કરાયો અને ત્યારે લગભગ 60 લાખ
લોકોએ નોટાનો વિકલ્પ પસંદ કરેલો. જે 21 પક્ષોને મળેલાં કુલ મતો કરતાં પણ વધુ હતાં.
2015થી નોટાને આખા દેશમાં લાગુ કરી દેવામાં આવ્યો અને 2018માં તેને પ્રથમ વાર
દેશમાં ઉમેદવારોની સમકક્ષ દરજ્જો આપવામાં આવ્યો. જો કે સમસ્યા એ છે કે ચૂંટણીઓમાં
મતદાનની ટકાવારી વધારવા માટે મતદારોને જાગૃત કરવાનાં જેટલાં પ્રયાસો કરવામાં આવે
છે, તેટલાં નોટા વિશે મતદારોને જાણકારી આપવા માટે નથી થતાં. છેલ્લાં પાંચ વર્ષથી
ઈવીએમમાં નોટાનો વિકલ્પ ઉપલબ્ધ હોવા છતાં મતદારોમાં તેનાં ઉપયોગ બાબતે જાગૃતિ આવે
તે તંત્ર પ્રયત્નશીલ નથી. છતાં પણ નોટાનો વિકલ્પ જે રીતે લોકપ્રિય થઈ રહ્યો છે,
તેનાથી લોકશાહીમાં તેની સાર્થકતા સતત વધી રહી છે.
સવાલ એ છે કે,
આખરે દેશમાં ચૂંટણી પ્રક્રિયામાં નોટાની જરૂર કેમ પડી? સ્વાભાવિક રીતે જ આ સવાલનાં જવાબ આપણી ગંદી
રાજનીતિમાં પડેલાં છે. કોઈપણ રાજકીય પક્ષનો એકમાત્ર ઉદ્દેશ્ય એ જ રહેતો હોય છે કે, તે એવી કોઈ વ્યક્તિને જ
પોતાનો ઉમેદવાર બનાવે જે કોઈપણ રીતે ચૂંટણી જીતી શકતો હોય. પછી ભલેને તેનું વર્તન,
ચરિત્ર, લાયકાત વગેરે ઉતરતી કક્ષાનાં હોય. ચૂંટણી લડવા ઈચ્છુક આવા લોકો ધન કે બાહુબળનાં
આધારે કોઈ પક્ષની ટિકિટ મેળવવામાં સફળ થઈ જતાં હોય છે. જેમાં ભ્રષ્ટ, અપ્રામાણિક,
ખૂની અને બળવાખોરોની સંખ્યા બહુ મોટી હોય છે. એવામાં મતદારો પાસે માત્ર બે જ
વિકલ્પો હતાં. પહેલો તો એ જ કે, તે એ તમામ ઉમેદવારોમાંથી એ ઉમેદવારને પોતાનો મત
આપે જે તેની નજરમાં સૌથી ઓછી ખરાબ છબિ ધરાવતો હોય, અને બીજો વિકલ્પ એ કે સારો
ઉમેદવાર ન હોવાને કારણે તે મત આપવા જ ન જાય. લોકશાહી વ્યવસ્થામાં સામાન્ય માણસની
મહત્તમ ભાગીદારી માટે જ એક અન્ય વિકલ્પ પર વિચાર કરાયો, જે આજે ‘નોટા’નાં રૂપમાં આપણી
સામે છે. જેથી મતદાતા એકેય ઉમેદવાર પસંદ ન આવે તો બધાંને નકારી શકે, પરંતુ મતદાન
કરવા જરૂર જાય. જો કે અત્યાર સુધી નોટાનાં ખાતામાં ગયેલાં મતોની મતગણતરી પર કોઈ
અસર નહોતી પડતી. કેમ કે, જો કોઈ મતવિસ્તારમાં નોટાને બધાં ઉમેદવારો કરતાં વધુ મત
મળી પણ જતાં, તો પણ સર્વાધિક મત મેળવનાર ઉમેદવાર જ વિજેતા જાહેર થતો હતો. હકીકતે
નોટા વિજેતા થયો કહેવાય એટલે ચૂંટણી રદ કરવી પડે, પણ એવું થતું નહોતું. આ પ્રથા હરિયાણા
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં બદલાઈ. ત્યાંના ચૂંટણી પંચે ઐતિહાસિક નિર્ણય
લેતાં જાહેર કર્યું કે, જે મતવિસ્તારમાં નોટાને સૌથી વધુ મતો મળશે ત્યાં ચૂંટણી રદ
કરી દેવાશે અને ફેરચૂંટણી થશે. આ ઐતિહાસિક નિર્ણય બાદ નોટાની સાર્થકતા પહેલાંની
સરખામણીએ અનેકગણી વધી ગઈ. એ રીતે નોટા ખરા અર્થમાં એક નેતાવિહીન રાજકીય આંદોલન બની
ગયું છે એમ કહેવામાં અતિશ્યોક્તિ નથી. આમ પણ આજનાં કડવાશ અને ધૃણાભર્યા રાજકારણને સ્વચ્છ
અને પારદર્શક બનાવી રાખવા માટે તાતી જરૂર છે.



Comments
Post a Comment