માતૃભાષા બચાવોનાં દેકારાં વચ્ચે પણ અંગ્રેજી અડીખમ કેમ છે?
સમયાંતરે સ્પર્ધાત્મક પરીક્ષાઓથી લઈને વિવિધ મોરચે અંગ્રેજી ભાષાનો વિરોધ થવો ભારતમાં નવી વાત નથી. કેટલાય વર્ષોથી માતૃભાષા બચાવોવાળા સિવિલ સર્વિસ સહિતની પરીક્ષાઓ ઉપરાંત શિક્ષણમાં અંગ્રેજીને સ્થાને સ્થાનિક ભાષાઓને મહત્વ આપવાની રાડો પાડતાં આવ્યાં છે. પણ હકીકત એ છે કે નવી પેઢીએ અંગ્રેજીની અનિવાર્યતા સમજીને ક્યારની તેને અપનાવી લીધી છે.
21 ફેબ્રુઆરીને
વિશ્વ માતૃભાષા દિવસે જ એક રસપ્રદ સર્વે હાથ લાગ્યો છે. એ મુજબ સિવિલ
સર્વિસ પરીક્ષામાં છેલ્લાં કેટલાક વર્ષોથી લોકલ ભાષાઓનાં વિદ્યાર્થીઓની સંખ્યામાં
ઝડપથી ઘટાડો નોંધાયો છે. જ્યારે અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઓની ટકાવારીમાં સતત વધારો
થઈ રહ્યો છે. 2013માં હિંદી મીડિયમમાં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરનારાં
વિદ્યાર્થીઓની સંખ્યા 17 ટકા હતી. જ્યારે 2014માં આ સંખ્યા ઘટીને 2.11 ટકા અને
2015માં 4.28 ટકા થઈ ગઈ હતી. એ પછીનાં વર્ષે એટલે કે 2016માં તે સંખ્યા 3.45 ટકા
થઈ ગઈ હતી અને 2017માં 4.06 ટકા રહી હતી. ગત વર્ષે 2018માં પસંદગી પામેલાં
ઉમેદવારોમાં આ ટકાવારી 2.16 ટકા માંડ હતી. આ આંકડાઓમાં હિંદી સહિત અન્ય પ્રાદેશિક
ભાષાઓ હાંસિયામાં ધકેલાતી નજરે પડે છે. જ્યારે અંગ્રેજીનું પ્રભુત્વ સતત વધતું જોવા
મળે છે.
પહેલી નજરે એવું
લાગે કે ક્યાંક આ પ્રાદેશિક ભાષાઓ પ્રત્યેનાં પૂર્વગ્રહનું પરિણામ તો નથી ને, જો
એવું છે તો આ પ્રદેશવાદ અને ભાષાવાદની સમસ્યાનાં ઉભી થવાનો સંકેત છે, જે ભારે
ખતરનાક છે. બીજો સવાલ એ થાય કે શું હિંદી સહિતની લોકલ ભાષાઓની શિક્ષણ પદ્ધતિ એટલી
ખાડે ગઈ છે કે તેનાં વિદ્યાર્થી પરીક્ષામાં પાસ પણ નથી થઈ રહ્યાં? આ સવાલોનાં જવાબો તો સમય આવ્યે મળશે પણ હાલ તો
એવું લાગી રહ્યું છે કે અંગ્રેજી માધ્યમનાં બાળકો બહુ સ્પષ્ટ હોય છે. તેઓ
પરીક્ષામાં ગુણ પર વધુ ધ્યાન આપે છે, તેમને ઉચ્ચ શિક્ષણમાં અને બહારની દુનિયામાં
તુલનાત્મકરૂપે પોતાની પ્રતિભા સાબિત કરવાની ઘણી બધી અને વધારે સારી તકો મળે છે. આ
બાબતમાં આંકડાઓ પણ અંગ્રેજીની તરફેણમાં જાય છે. જેમ કે વર્ષ 2016માં સિવિલ
સર્વિસની પરીક્ષામાં 377માંથી 280, 2017માં 369માંથી 287 અને 2018માં 370માંથી 280
વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમ એવાં એન્જિનિયરિંગ, ટેકનોલોજી, મેડિસિન, ફાર્મસી અને
સાયન્સ માધ્યમમાંથી હતાં. જ્યારે બાકીનાં 55 સમાજશાસ્ત્ર અને સાયકોલોજીમાંથી અને
35 કોમર્સમાંથી હતાં. સ્વાભાવિક રીતે જ મેડીકલ અને ટેકનિકલ પ્રવાહનાં વિદ્યાર્થીઓની
ભાષા અંગ્રેજી હતી અને બાકીનાં વિષયો જે તે પ્રાદેશિક ભાષામાં.
આંકડાઓ પરથી
ખ્યાલ આવે છે કે સિવિલ સર્વિસની પરીક્ષામાં વિજ્ઞાન અને ટેકનોલોજીનાં વિદ્યાર્થીઓ
વધુ આવી રહ્યાં છે અને સમાજ શાસ્ત્ર, સાહિત્ય જેવા વિષયોનાં વિદ્યાર્થીઓ ઉણાં ઉતરી
રહ્યાં છે. આ વિદ્યાર્થીઓની તરફેણમાં એવું કહેવાય છે કે, સામાજિક વિજ્ઞાનનાં
વિદ્યાર્થીઓમાં ક્યાંકને ક્યાંક ખોટી બાબતની ટીકા કરવાનું તત્વ જીવતું હોય છે,
જ્યારે વિજ્ઞાન-ટેકનોલોજીનાં વિદ્યાર્થીઓમાં આ બાબત ઓછી જોવા મળે છે. તેઓ સમાજ અને
વ્યવસ્થાને પણ એ રીતે નથી સમજી શકતાં જે રીતે સામાજિક વિજ્ઞાનનો વિદ્યાર્થી સમજી
શકે છે. સામે રાજ્યોને પણ એવા જ અમલદારોનો ખપ હોય છે જે સિસ્ટમનો વિરોધ ન કરે અને
તેમનાં દરેક નિર્ણયમાં સાથ આપે. રાષ્ટ્રવાદીઓ તો ત્યાં સુધી કહે છે કે, જે વિદ્યાર્થીઓ
લોકલ ભાષા નથી જાણતાં એ બ્યૂરોક્રેટ્સ બનીને કેવી રીતે સ્થાનિક સમસ્યાઓને સમજી
શકશે? કેમ કે અધિકારી તો જનતા
અને સરકારો વચ્ચે મધ્યસ્થીનાં રોલમાં હોય છે. એમાં પણ ભારત જેવા બહુભાષી દેશમાં,
જ્યાં બહુમતિ નાગરિકો હિંદી કે અન્ય સ્થાનિક ભાષાનો વ્યવહારમાં ઉપયોગ કરતાં હોય
ત્યાં લોકલ ભાષાઓને સમજ્યાં વિના સમસ્યાઓનું સમાધાન કરવું કે વિકાસ કરવો કેવી રીતે
શક્ય બનતો હશે?
આ બધાં તર્ક જો
કે જમીની સ્તર પર વામણાં સાબિત થાય છે. કેમ કે આજની યુવા પેઢી એ સારી રીતે જાણે છે
કે વૈશ્વીકરણનાં આ યુગમાં રોજગારી મેળવવાથી લઈને લગભગ દરેક મોરચે અંગ્રેજી ભાષા આવડવી
અનિવાર્ય છે. એટલે જ તે ભાષા બચાવોની ગગનભેદી ગુલબાંગો વચ્ચે પણ અંગ્રેજીને વળગી
રહી છે. એક બાબતે તેઓ બહુ સ્પષ્ટ છે કે કારકિર્દીથી લઈને વિશ્વનાં પગલે તાલ મિલાવવા
માટે અંગ્રેજી ફરજિયાત છે માટે તેને છોડીશું તો હાંસિયામાં ચોક્કસ ધકેલાઈ જઈશું. કેમ
કે અનેક દેશો વચ્ચે પ્રત્યાયનની તે કોમન અને મહત્વની ભાષા છે. ભારતમાં ભલે દરેક રાજ્યનાં
લોકોની પોતપોતાની ભાષા હોય પણ અંગ્રેજી તે દરેકને જોડતી એક કડી બની ગઈ છે. સંયુક્ત
રાષ્ટ્રોએ પાંચ ભાષાઓને તેની અધિકારીક ભાષાઓ તરીકે માન્યતા આપી છે જેમાં સૌથી
પહેલું સ્થાન અંગ્રેજીનું છે. કેમ કે તે શીખવી અને બોલવી સરળ છે. વ્યવહારિક
દ્રષ્ટિકોણથી પણ તેનું વિશેષ મહત્વ છે. વર્તમાનમાં તે એક એવી ભાષા છે જેનાથી આપણે આખી
દુનિયા સાથે જોડાઈ શકીએ છીએ.
સ્પર્ધાત્મક
પરીક્ષાઓનાં સંદર્ભમાં તો તે ઓર મહત્વની છે કેમ કે મોટાભાગનાં સંશોધન ગ્રંથો અને
ઉત્તમ સ્ટડી મટિરિયલ અંગ્રેજીમાં હોય છે. સામે પ્રાદેશિક ભાષાઓમાં તે ઉપલબ્ધ નથી
હોતું એવું અનેકવાર બને છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીએ ફરજિયાત અંગ્રેજી તરફ વળવું
પડે છે. આજે દુનિયાભરમાં વિવિધ રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મુદ્દાઓને
સરળ બનાવવા માટે અંગ્રેજીનો ઉપયોગ થાય છે. કેમ કે તે ફ્રેંચ, ચાઈનીઝ, જર્મન, ગ્રીક
અને સંસ્કૃતથી વધારે સરળ છે. એ જ કારણ છે કે મોટાભાગનાં વૈજ્ઞાનિકોએ પણ પોતાનાં
રિસર્ચ પેપર પોતાની માતૃભાષાની સાથોસાથ અંગ્રેજીમાં પણ તૈયાર કર્યાં હતાં અને તે જ
વધારે લોકભોગ્ય બન્યાં છે. ચીન જેવાં અપવાદરૂપ દેશે અંગ્રેજીમાં રહેલાં મોટાભાગનાં
સાહિત્ય, સંશોધન પત્રો વગેરે તમામ જાણવા જેવી બાબતોનું તેમની ભાષામાં રૂપાંતર
કર્યું છે. જે આપણે ત્યાં હજુ શક્ય બન્યું નથી. એ સ્થિતિમાં માતૃભાષાનાં રક્ષકો
ગમે તેટલી રાડો પાડે તો પણ નવી પેઢી અંગ્રેજીને છોડીને સ્થાનિક ભાષા તરફ વળે તેમાં
માલ નથી. અંગ્રેજી સૌથી મહત્વની વૈશ્વિક ભાષા તરીકે ઉભરી આવી છે તેની પાછળનું કારણ
તેનો બહોળો વ્યવહારિક ઉપયોગ રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ માટે મોટાભાગનાં મહત્વનાં
પુસ્તકો અંગ્રેજીમાં લખાયા છે, ઈન્ટરનેટ પરનું મોટાભાગનું જ્ઞાન અંગ્રેજીમાં છે. આ
બધી શક્યતાઓને ધ્યાનમાં રાખીને જ યુવા પેઢીએ ક્યારની અંગ્રેજીની અનિવાર્યતાને
સ્વીકારી લીધી છે. ત્યારે સમયની માંગ છે કે માતૃભાષા બચાવોનાં ઝંડા લઈને ફરતાં
લોકો, કે જેમનાં ખુદનાં બાળકો પણ અંગ્રેજી માધ્યમમાં ભણતાં હોય છે, તેમણે પણ દંભનો
અંચળો ફગાવી દઈને અંગ્રેજીની અનિવાર્યતા સ્વીકારી લેવી રહી.



Comments
Post a Comment