વેલેન્ટાઈનની વસંતમાં આંતરજ્ઞાતીય લગ્નોની વ્યથા-કથા
ભારતમાં જાતિય વ્યવસ્થા અને તેની સાથે જાડાયેલી ખામીઓ કાયમ ચર્ચાનો વિષય રહી છે. એમાં પણ આંતરજ્ઞાતીય લગ્નો આજની તારીખે પણ લોકોમાં કૂતુહલ પેદા કરે છે. ખાસ કરીને યુવક જો કહેવાતી નીચી જાતિનો અને યુવતી ઊંચી જાતિની હોય, અથવા તેનાથી વિપરીત પરિસ્થિતિ હોય ત્યારે વાત વણસી જતી હોય છે. વેલેન્ટાઈન ડેનાં લાલ ગુલાબ હજુ સુકાયા નથી ત્યારે અહીં કપરી એ પરિસ્થિતિમાંથી પસાર થયેલાં કેટલાક યુગલોનાં જાતઅનુભવોને આધારે સમગ્ર મામલાની ભીતરમાં જવા પ્રયત્ન કરાયો છે...
આ સ્ટોરી જ્યારે તમારા સુધી પહોંચશે ત્યારે વેલેન્ટાઈન ડે પર સંસ્કૃતિનાં કહેવાતા ઠેકેદારોએ અમદાવાદ રિવરફ્રન્ટ પર કરેલી બબાલો ટીવી-છાપાંઓ થકી તમારા સુધી પહોંચી ચૂકી હશે. ક્યાંક પ્રેમીયુગલને જાહેરમાં હડધૂત કરાયાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હશે. દર વર્ષે વેલેન્ટાઈન ડે પર ગુંડા તત્વો કહેવાતા ધાર્મિક સંગઠનોનાં અંચળા હેઠળ સંસ્કૃતિ બચાવોનો દેકારો મચાવી નિર્દોષ યુગલોને હેરાન કરે તે બાબત આપણને કોઠે પડી ગઈ છે. રાજકારણીઓની ઓથ ધરાવતાં આ તત્વોને પોલીસ છાવરીને ઉલટાનું નિર્દોષ યુગલોને ફસાવી દેવાનાં પેંતરા રચતી રહે છે. પરિણામે લુખ્ખા તત્વોને મોકળું મેદાન મળી જાય છે અને તેની તેની અસર છેવટે સમાજ પર પડે છે. ખાસ કરીને આંતરજ્ઞાતિય લગ્ન કરવા ઈચ્છુક યુગલ જો આવા લોકોની ઝપટે ચડી જાય તો બલીનો બકરો બન્યાં વિના રહેતું નથી.
આપણે ત્યાં છોકરી યુવાન થતા જ સૌથી પહેલાં તેનાં પિતાનાં કપાળે ચિંતાની રેખાઓ ઉપસવા માંડતી હોય છે. લગ્ન માટે રૂપિયા ક્યાંથી આવશે, તેનાથી મોટી ચિંતા એ હોય છે કે પોતાની જ જ્ઞાતિમાં સારો છોકરો કેવી રીતે મળશે? તેનાથી વિરૂદ્ધ જ્યારે બે અલગ અલગ જાતિનાં છોકરાં-છોકરીઓ વચ્ચે પ્રેમ થાય છે ત્યારે તેઓ વિચારતાં હોય છે કે, ‘આપણાં લગ્ન થઈ શકશે કે નહીં? મમ્મી-પપ્પા માનશે કે નહીં? કાકા-કાકી, મામા-માસી, દાદા-દાદી તો સૌથી વધુ વાંધો ઉઠાવશે, ત્યારે શું કરીશું? પોલીસ કેસ કરીને એકબીજાંનાં પરિવારને ફસાવી દેશે તો? ક્યાંક કોઈ પરિવારજન પર હુમલો કરાવશે અથવા ઘેર આવીને મારામારી કરશે તો?’
અહીં જો તમે એમ વિચારી રહ્યાં હો કે વેલેન્ટાઈન ડે જેવાં દિવસે આંતરજ્ઞાતિય લગ્નનો મુદ્દો ઉઠાવવાની એવી શું જરૂરિયાત ઉભી થઈ? તો જાણી લો કે આજે પણ દેશમાં નાનાં-મોટાં શહેરોમાં અને ગામડાંઓમાં આંતરજ્ઞાતિય લગ્નોનાં કારણે ખૂન થઈ જવા સામાન્ય છે. લોકો જાહેરમાં ભલે ગમે તેટલાં મોકળાં મનનાં હોવાનો દાવો કરે, પણ આંતરજ્ઞાતિય લગ્નો સ્વીકારતાં હજુયે ખચકાય છે. આખી બાબતને સમજવા પહેલાં ભારતમાં આંતરજ્ઞાતિય લગ્નોની પરિસ્થિતિ વિશે કેટલીક સામાન્ય જાણકારી મેળવી લઈએ, જે અમેરિકાની પ્રિંસિન્ટન યુનિવર્સિટીએ ભારતનાં જુદાજુદા રાજ્યોનાં ૪૩, ૧૦૨ પરિણીત યુગલો પર હાથ ધરેલાં અભ્યાસ પર આધારિત છે.
ભારતમાં ૧૦ ટકા આંતરજ્ઞાતિય લગ્નો થાય છે
આ અભ્યાસમાં જે સૌથી મોટી વાત સામે આવી છે તે એ કે, ભારતમાં માત્ર ૧૦ ટકા લગ્નો જ આંતરજ્ઞાતિય હોય છે અને માત્ર ૨.૧ ટકા આંતરધર્મીય. ભારતનાં મોટાં શહેરોમાં સૌથી વધુ આંતરજ્ઞાતિય લગ્નો થાય છે, એ પછી બીજા નંબર પર ૩-ટીયર શહેરો આવે છે અને છેલ્લે કસ્બા અને ગામડાં. એવું માનવામાં આવે છે કે આંતરજ્ઞાતિય લગ્નોની શરૂઆત મુંબઈથી થઈ હતી. ૧૯૬૩માં ત્યાં સૌથી વધુ ૧૪૯ આંતરજ્ઞાતિય લગ્નો થયાં હતાં. આંતરજ્ઞાતિય લગ્નનો સીધો અર્થ પ્રેમલગ્ન થાય છે, જે સાચું પણ છે કેમ કે દેશમાં થતાં કુલ આંતરજ્ઞાતિય લગ્નો પૈકી ૯૬.૫ ટકા પ્રેમલગ્ન હોય છે. હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, રાજસ્થાન જેવાં અનેક રાજ્યોમાં ઓનર કિલીંગમાં સૌથી મોટું કારણ આંતરજ્ઞાતિય લગ્ન જ હોય છે, અથવા તો એમ કહી શકાય કે બીજી જાતિમાં લગ્નને કારણે જ આવી ઘટનાઓ બને છે. આંતરજ્ઞાતિય લગ્નોમાં ૫.૫૮ ટકા મહિલાઓ પોતાનાથી નીચી જાતિનાં પુરૂષ સાથે લગ્ન કરે છે, જ્યારે પુરૂષોમાં આ ટકાવારી ૫.૩૮ હતી. સામાન્ય રીતે લોકો એવું માનતાં હોય છે કે શિક્ષિત અને ઉચ્ચ વર્ગમાં લગ્ન વખતે જાતિનું ફેક્ટર બહુ મહત્વ નથી ધરાવતું, પણ એ વાત ખોટી છે. ભારતમાં સામાજિક અને આર્થિક રીતે વિકસિત રાજ્યોમાં દક્ષિણ ભારત ગણાય છે અને ત્યાં માત્ર ૯.૭૧ ટકા આંતરજ્ઞાતિય લગ્નો થાય છે. આ મામલે ગોવા સૌથી આગળ છે, જ્યાં આ ટકાવારી ૨૦.૬૯ છે. સૌથી ઓછાં આંતરજ્ઞાતિય લગ્નો મેઘાલયમાં (૨.૦૪) થાય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ મામલે હિંદુ મહિલાઓ કરતાં મુસ્લિમ મહિલાઓ આગળ છે. એમાં પણ અંદાજિત ૧૪ ટકા મુસ્લિમ મહિલાઓ એવી છે જેમણે નીચી કહેવાતી જાતિનાં પુરૂષ સાથે લગ્ન કર્યાં હતાં. અભ્યાસ મુજબ પંજાબમાં ૧૫ થી ૧૯ વર્ષની ઉંમરમાં સૌથી વધુ ૩૫ ટકા આંતરજ્ઞાતિય લગ્નો થયેલાં. જેમાં ૨૬ ટકા છોકરીઓ પોતાનાથી નીચી જાતિનાં છોકરાંને પરણેલી. એ રીતે પંજાબી કુડીઓ ગમતો છોકરો પસંદ કરવામાં સૌથી અગ્રેસર છે. અહીં મજાની વાત એ હતી કે પુરૂષ જેટલો વધુ ભણેલો હોય, એટલી તેનાં આંતરજ્ઞાતિય લગ્નની શક્યતાઓ ઓછી હોય છે. જેની સામે વધુ ભણેલી મહિલાઓ આંતરજ્ઞાતિય લગ્ન પસંદ કરતી હતી. આંકડાઓ પ્રમાણે વર્કીંગ વુમન, નોન વર્કીંગ વુમનની તુલનામાં આંતરજ્ઞાતિય લગ્ન માટે ૭૮ ટકા વધુ તત્પર હતી.
સ્ત્રી - પુરૂષ બંનેએ ભોગવવા તૈયાર રહેવું પડે છે
આપણે ત્યાં મોટાભાગની સમસ્યાઓની જેમ આંતરજ્ઞાતીય લગ્નમાં પણ સૌથી વધુ ભોગવવાનું સ્ત્રીએ આવે છે. જો કન્યા નીચી જાતિની હોય તો ઘરમાં તેને માનસન્માન મળતું નથી. પરિવારની અન્ય મહિલાઓ તેની સાથે પારકાં જેવો વ્યવહાર કરે છે. ખાસ કરીને ધાર્મિક કે સામાજિક પ્રસંગે તેની સદંતર અવગણનાં કરવામાં આવે છે. આવી વહુઓને પરિવારનાં સભ્યોનાં દિલમાં જગ્યા બનાવવા ઘણો સંઘર્ષ કરવો પડે છે.
અનિતા(નામ બદલ્યું છે) ઉચ્ચ શિક્ષીત છે અને વ્યવસાયે શિક્ષીકા છે. તે સર્વણ જાતિનાં એક યુવક સાથે આંતરજ્ઞાતિય લગ્નનાં પોતાનાં નિર્ણયને દુઃસ્પ્ન માનતાં કહે છે, “મારી જાતિને લઈને પરિવારનાં સભ્યો, સગાસંબંધીઓ સતત અપમાનજનક વ્યવહાર કરે છે. હું કમાતી હોવા છતાં મારાં સાસુ-સસરાં, નણંદ બધાં જાતિસૂચક ટોણાં મારતાં રહે છે.”
પોતાની વાત આગળ વધારતાં અનિતા કહે છે, “છોકરી જ્યારે અપર કાસ્ટમાંથી આવતી હોય છે ત્યારે તે સાસરિયામાં સન્માન મેળવતી હોય છે કારણ કે તે ઉચ્ચ સમાજમાંથી નીમ્ન તરફ જાય છે. સામે દલિત કે આદિવાસી સમાજની દીકરી આ રીતે લગ્ન કરીને ઊંચી જાતિમાં જાય ત્યારે તેનો પતિ કે સાસરિયા અન્યોને તેની જાતિને કારણે ઓળખાણ પણ કરાવતા નથી. બરાબર એવો જ અનુભવ નીચી જાતિનાં યુવકને તેનાં સાસરિયામાં જતી વખતે થતો હોય છે. જમાઈ પુરતું તેઓ સાચવી લેતાં હોય છે, બાકી બે વેવાઈ કે કુટુંબો વચ્ચે જે વ્યવહાર હોવો જાઈએ તેવો ક્યારેય બંધાતો નથી. જમાઈ-દીકરી સિવાય એકેય કુટુંબીજનને સારા કે માઠા પ્રસંગે બોલાવાતા નથી.”
અમદાવાદની સુરભી શર્મા કે જેણે ગૌરવ મહેરિયા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં છે તે પોતાનો અનુભવ શેર કરતાં કહે છે, “છોકરો જા ઊંચી જાતિની કન્યા સાથે પરણવાનો હોય તો બહુ સમસ્યા નડતી નથી પણ જા તેનાથી ઊંધું થાય તો પરિસ્થિતિ વકરે છે. મારી મમ્મી શિક્ષીકા છે અને પિતા સરકારી કર્મચારી છે. જ્યારે ગૌરવની માતા માંડ ૬ ધોરણ ભણ્યાં છે. છતાં વાત જ્યારે આધુનિક વિચારસરણીની વાત આવે ત્યારે મારા સાસુ મને વધારે એડવાન્સ લાગ્યાં છે. તેમણે ક્યારેય મારા પર કોઈ વાત થોપી નથી. મને દરેક પ્રકારની સ્વતંત્રતા આપી છે. જેની સામે મારો પરિવાર આટલું બધું ભણ્યાં પછી પણ આ બાબતમાં સાવ પછાત વિચારસરણી ધરાવતો હતો.”
![]() |
| અમદાવાદની સુરભી શર્મા અને ગૌરવ મહેરિયાએ લગ્ન કરવા માટે 9 વર્ષ સંઘર્ષ કરવો પડ્યો હતો. |
સુરભી અને ગૌરવની લવસ્ટોરી પણ રસપ્રદ છે.ગૌરવ દલિત સમાજમાંથી છે જ્યારે સુરભી દિલ્હીની બ્રાહ્મણ કન્યા. પ્રેમમાં પડ્યાં બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું કે તરત ગૌરવે સંભવિત તમામ જાખમોથી સુરભીને વાકેફ કરી દીધેલી. એ સમય યાદ કરતાં સુરભી કહે છે, “એ વખતે મને જાતિની વાતો સમજાઈ નહોતી કેમ કે મારે કદી તેનો સામનો કરવાનો આવ્યો નહોતો. તેમણે પહેલાં જ મને તેમની જાતિ ઘરબાર, રીતિરિવાજા વિશે સ્પષ્ટતા કરી દીધેલી. પોતાનાં ઘરમાં વહુએ સાડી પહેરવી, ઘરનું કામ કરવું ફરજિયાત હોય છે એ પણ કહ્યું. મને આ વાત સૌથી વધારે સ્પર્શી ગઈ કેમ કે, તેની જગ્યાએ બીજા કોઈ છોકરો હોત તો મને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરત, તેની જગ્યાએ આ માણસ ગંભીર વાતો કરી રહ્યો હતો. બીજી મહત્વની વાત એ હતી કે બીજાં છોકરાંઓની જેમ તેઓ કદી મારી સાથે ફ્લર્ટ નહોતાં કરતાં. તેમની આ પ્રામાણિકતા મને ગમી ગયેલી. હકીકત જાણ્યાં પછી મને ખબર પડી ગઈ કે મારા પપ્પા ક્યારેય અમારા લગ્ન માટે રાજી નહીં થાય. કેમ કે અમે વશિષ્ઠ બ્રાહ્મણ છીએ. નીચી જાતિનાં કોઈ મિત્ર સાથે મારી મિત્રતા પણ પરિવાર સાંખી ન લે. અગાઉ મારાં ઘરની બાજુમાં એક દલિત શિક્ષીત પરિવારનું ઘર હતું તેની સામે પપ્પાએ દિવાલ ચણાવી લીધી હતી. એ પરિસ્થિતિમાં મેં નક્કી કર્યું કે પહેલાં ગૌરવ સાથે પરિવારની મુલાકાત કરાવી દેવી પછી જાતિ વિશે વાત કરીશું. એટલે મેં ગૌરવ મનેરિયા બ્રાહ્મણ છે તેમ કહીને ઘેર બોલાવ્યાં. તેમની જાબ, આવક, પરિવાર વિશે વાતો થયાં પછી પપ્પાએ જાતિ વિશે સવાલ કર્યો. અમે પહેલેથી નક્કી કર્યં હતું કે પપ્પા પુંછશે પછી બધું જ સાચું કહી દઈશું, જેથી ખોટી ઈમેજ ઉભી ન થાય. તરત ગૌરવે પોતાની હકીકત વર્ણવી દીધી. એ જાણીને મમ્મીને આંચકો લાગ્યો, તે ઉઠીને ઘરમાં જતી રહી. પણ પપ્પાએ જવાબ આપ્યો કે અમને બીજા કોઈ વાંધો નથી, પણ મારી એક જ દીકરી છે અને મારે અમારી જાતિમાં જ તેનાં લગ્ન કરવા છે. એ પછી મારે ત્રણ છોકરાં જાવાનાં થયાં જે દરેકને મેં કોઈને કોઈ બહાનું કાઢીને નકારી કાઢ્યાં એટલે પપ્પાંને ખ્યાલ આવી ગયો કે હું ગૌરવનાં કારણે આવું કરી રહી છું. અમારે બોલાચાલી થઈ અને કોઈપણ સંજાગોમાં ગૌરવ સાથે મારા લગ્ન નહીં થાય તેમ કહી દીધું. એ પછી અમારી વચ્ચે તિરાડ પડી ગઈ. ઘરમાં રહેતી હોવા છતાં કોઈ મારી સાથે વાત ન કરે. જમતી વખતે ટોણાં મારવા શરૂ થયાં એટલે મેં ઘેર જમવાનું પણ બંધ કરી દીધું અને નોકરી શરૂ કરી. આ બધાં ટેન્શનનાં કારણે હું ડિપ્રેશનમાં આવી ગયેલી. ઓફિસમાં પણ હું કશાં જ કારણ વિનાં રડવા માંડતી. શરૂઆતમાં અમે નક્કી કર્યું હતું કે લગ્ન તો કરવા છે પણ ભાગવું નથી. પણ લાંબો સમય વીત્યો છતાં કશો રસ્તો ન નીકળ્યો એટલે એક તબક્કે અમે ભાગી જવાનું નક્કી કર્યું. પણ એ જ દિવસે દિલ્હીમાં મારા દાદી ગુજરી ગયાં એટલે પ્લાન કેન્સલ થયો. પણ આનાથી સારી વાત એ બની કે મારાં કાકાનો દીકરો અમદાવાદ આવ્યો. તેણે પોતે ઈન્ટરકાસ્ટ મેરેજ કર્યાં હતાં તેથી મેં ગૌરવ સાથે તેની મુલાકાત કરાવીને અને આખરે તેણે પપ્પાને કોર્ટે મેરેજ માટે મનાવી લીધાં. અમારાં લગ્નનાં દિવસે કોર્ટનું દ્રશ્ય જારદાર હતું. એક તરફ મારો પરિવાર બીજી તરફ ગૌરવનો, પણ એકેય નજર ન મેળવે.”
સુરભીનાં પતિ ગૌરવ મહેરિયા આંતરજ્ઞાતિય લગ્ન બાબતે કહે છે, “સમાજનો દ્રષ્ટિકોણ હજુ બદલાયો નથી. તેઓ આજે પણ આંતરજ્ઞાતિય લગ્નને ગુના તરીકે જ જુએ છે. લોકો સમજી શકતાં નથી કે બે અલગ જાતિનાં યુવક-યુવતી લગ્ન કરે તો શરૂઆતમાં સાંસ્કૃતિક સમસ્યા તો રહે જ. પણ તે સમય સાથે ઉકેલાઈ જતી હોય છે. આ પરિસ્થિતિમાં સમાજની ફરજ એ હોવી જાઈએ કે આવા યુગલને સહકાર આપે. પણ તેની જગ્યાએ તેઓ સતત તેમની ખોદણી કર્યાં કરતાં હોય છે. અનુભવે મને લાગે છે કે, આંતરજ્ઞાતિય લગ્નોમાં ઊંચી જાતિની છોકરી નીચી જાતિનાં છોકરાં સાથે લગ્ન કરે છે તેને છોકરીનો પરિવાર ગમે તેટલા આધુનિક હોય તો પણ સ્વીકારતો નથી. સમાજમાં એવી છાપ પડી ગઈ છે કે, અમુક જાતિનાં લોકો આવા જ હોય. આ માનસિકતા નજીકનાં ભવિષ્યમાં તો તૂટે એવી કોઈ શક્યતા મને દેખાતી નથી.”
ફિલ્મોને ટક્કર મારતાં રવિન્દ્ર-શિલ્પાનાં આંતરજ્ઞાતિય લગ્ન
ઈન્ટર કાસ્ટ મૅરેજમાં યુગલે કઈ હદે સમાજ સામે સંઘર્ષ કરવો પડતો હોય છે તેનું સૌથી મોટું ઉદાહરણ સુરેન્દ્રનગરનાં રવીન્દ્ર અને મહુવાની શિલ્પાનું છે. તેમનાં લગ્ન કોઈ મસાલા ફિલ્મોને પણ ટક્કર મારે તેવાં છે. બંનેની મુલાકાત ફેસબુક પર એક ઝઘડાથી થયેલી જે આગળ જતાં પ્રેમ અને હવે અનેક પડકારોનો સામનો કર્યા પછી લગ્નમાં પરિણમી છે. શિલ્પા ક્ષત્રિય જ્યારે રવિન્દ્ર દલિતોની ચમાર જ્ઞાતિમાંથી. રવિન્દ્રે કોઈપણ જાતની ઓળખાણ વિના શિલ્પાની બહેન માટે એડમીશનની રકમ મોકલી આપેલી એનાથી તે પ્રભાવિત થયેલી.
એ દિવસો યાદ કરતાં શિલ્પા કહે છે, “મને તો એ વખતે દલિત કોને કહેવાય તે પણ ખબર નહીં. હું નાની હતી ત્યારે ફલાણાનાં છોકરાંને અડાય નહીં, તેની સાથે રમાય નહીં તેવું સમજાવાતું. પણ તે જાતિવાદ કહેવાય એ રવિન્દ્ર સાથે પ્રેમ થયા બાદ સમજાયું. મિત્રતાનાં દોઢ વર્ષ પછી હું તેને મળી. રૂબરૂ મળ્યાંને અંતે હું સ્પષ્ટ થઈ ગઈ કે, આ માણસ ગમે તેવી પરિસ્થિતિમાં પણ મને સાચવી લેશે. પણ મને ચિંતા એ વાતની હતી કે હતી કે અપહરણનાં ખોટાં કેસમાં રવિન્દ્ર ફસાઈ ન જાય. એટલે મેં લગ્ન કરીને તરત રજિસ્ટર્ડ એડીથી ઘેર જાણ કરી દીધેલી. મારા પપ્પાનું નામ બહુ મોટું છે. વળી તેઓ કાયદો જાણતાં હોઈ તેમને ખ્યાલ આવી ગયેલો કે હવે કશું કરવામાં માલ નથી. જો કે કુટુંબનાં બીજાં લોકો હજુ મને ધમકી આપ્યાં કરે છે કે તું મળીશ ત્યારે મારી નાખીશું. અગાઉ કેટલાક ગુંડાઓ મારા ઘર સુધી આવી ગયેલાં પણ મેં રાડો પાડીને આસપાસની મહિલાઓને ભેગી કરી એટલે બધાં ભાગી ગયેલાં. તમે નહીં માનો આંતરજ્ઞાતિય લગ્નને કારણે અત્યાર સુધીમાં અમારે ૨૫ જેટલાં મકાનો બદલવા પડ્યાં છે. જા કે હવે અમે નક્કી કરી લીધું કે છુપાઈને રહેવું નથી. જેને જે કરવું હોય તે કરી લે. કમ સે કમ અમારી સાથે ખોટું થઈ રહ્યું છે તેનો લોકોને ખ્યાલ તો આવશે.”
રવિન્દ્ર કહે છે “આપણે સમાજ કહીએ છીએ તેમાં હજુયે જ્ઞાતિ-જાતિવાદ એટલો કટ્ટર છે કે તેઓ અમારા લગ્નને પચાવી શકતા નથી. પ્રેમ લગ્નનો ટેગ લાગે એટલે ખરાબ જ હોય એ માનસિકતા હજુયે એવીને એવી જ છે. ફિલ્મોમાં બધું સારું લાગે બાકી વાસ્તવિકતા ભારે ગંદી છે. સભ્યતા અને સંસ્કૃતિનાં નામે મોકળાં મનનાં યુવક યુવતીઓની બલિઓ ચડાવાય છે. સમાજનો ઈગો હર્ટ થઈ જાય છે કે, તમે અમારું નક્કી કરેલું કેમ ન તોડી શકો? આજે પણ હું વતનમાં જાઉં ત્યારે વિરોધીઓ જાહેરમાં કહે છે કે, આને મારી નાખો જેટલો ખર્ચ થશે તે હું આપીશ. – આ આપણો સમાજ છે.”
આ સમસ્યા સામે લડવા રવિન્દ્ર અને શિલ્પાએ એક સરસ કેમ્પેઈન શરૂ કર્યું છે. તેઓ માને છે કે દુનિયામાં ક્યાંય પણ જઈએ આપણી ઓળખ તો ભારતીય તરીકેની છે. તો શા માટે આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપવા માટે નામની પાછળ અટકને બદલે ‘ભારતીય’ ન લગાવીએ? આમ વિચારીને તેમણે છેલ્લાં બે વર્ષથી પોતાની અટક ત્યજી દઈને નામ પાછળ ‘ભારતીય’ લખવાનું શરૂ કર્યું છે. એ ટ્રેન્ડને હવે સોશિયલ મીડિયા પર હજારો લોકોએ અપનાવ્યો છે. આ વર્ષે તેમણે વેલેન્ટાઈન ડે પર યુગલોને હેરાન કરતાં લોકોને ગુલાબનું ફૂલ આપીને દિલ જીતવાની ઝુંબેશ શરૂ કરી છે. જેને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.
એક ક્લાસ વન અધિકારીની પ્રેમ કહાની
અમદાવાદ ઓલ ઈન્ડિયા રેડીયોનાં ક્લાસ વન ઓફિસર ભરત દેવમણીનાં આંતરજ્ઞાતીય લગ્ન છેક ૧૯૯૧માં થયેલાં. જા કે આજે ૨૭ વર્ષ પછી પણ તેમને પરિસ્થિતિ બહુ સુધરી હોય તેમ લાગતું નથી. એ દિવસો યાદ કરતાં ભરત દેવમણી કહે છે, “હું રાજપુર-ગોમતીપુરની ચાલીમાં રહું. જ્યારે મારી પત્ની ભાવના ખાડિયાની ચુસ્ત વૈષ્ણવ. અમે કોલેજ દરમિયાન પ્રેમમાં પડ્યાં અને લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે જ મેં તેને ભયસ્થાનો બતાવતાં કહેલું કે, જેવાં તું મારી સાથે લગ્ન કરીશ કે તરત તારો સમાજ તને તરછોડી દેશે. કેમ કે મારી જાતિ, રીતિરિવાજા, સમાજ વ્યવસ્થા વગેરે તેનાથી તદ્દન સામા છેડાનાં છે. પણ પ્રેમ અકબંધ હતો એટલે કોર્ટ મેરેજ કરી લીધેલાં. જેનાથી પિતાજી ભારે નારાજ થયાં. તેમને ચિંતા એ હતી કે મેં ભાવનાને અમારી જાતિ વિશે નહીં જણાવ્યું હોય. એમનાં મનનું સમાધાન કરવા આખરે હું તેને અમારા ચાલીનાં ઘેર લઈ આવ્યો. જ્યાં પિતાજીએ તેને અસ્પૃશ્યતા, જાતિગત સમસ્યાઓ અને રીતિરિવાજાને લઈને ખૂબ ડરાવી. પણ ભાવનાએ પોતે બધું જાણતી હોવાનું કહ્યું ત્યારે તેમનો જીવ હેઠો બેઠો. અમે બંને અમદાવાદમાં ઉછરેલાં અને પ્રેમ લગ્ન કરેલાં એટલે એવું માનતાં હતાં કે સમાજ ઘણો ઉદાર છે. પણ ગામડાંનાં બે પ્રસંગોએ અમને
આભાર - નિહારીકા રવિયા વાસ્તવિકતાની ધરતી પર લાવી દીધેલાં. બનેલું એવું કે, અમારે લગ્ન પછી ગામડે જવાનું થયેલું. જ્યાં બકરીનાં દૂધની ચા, એ પણ ગોળ નાખીને બનાવે. તે ચા પીતી નહોતી. છતાં મેં તેને સમજાવ્યું કે, ‘જા તું આ ચા નહીં પીએ, તો આ બધાં એવું માની બેસશે કે તું એમનાથી અસ્પૃશ્યતા પાળે છે.’ આથી તેણે જેમ-તેમ કરીને પણ બધાં જ ઘેર જઈને ચા પીધી. ત્યારે જ કુટુંબીજનો તેને સ્વીકારતાં થયાં. એ દરમિયાન એક-બે નાની છોકરીઓ વારંવાર ભાવનાને અડકીને તરત ઘરમાં દોડી જતી હતી. મને નવાઈ લાગી એટલે હું તેમની પાછળ ગયો. ત્યાં જઈને જાયું તો બંને છોકરીઓ તેની માને કહી રહી હતી કે, ‘ભરત કાકાની વહુ તો આપણને અડવા પણ દે છે. એ બીજાં જેવા નથી હો!’- ત્યારે મને સમજાયું કે હજુ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. નાનાં બાળકમાં અસ્પૃશ્યતાની જડ જ્યાં આટલી મજબૂત હોય ત્યાં બીજાંની તો શું વાત કરવી.”
![]() |
| ઓલ ઈન્ડિયા રેડીયોનાં ક્લાસ વન ઓફિસર ભરત દેવમણી અને ભાવનાબેનની લવસ્ટોરી સમાજની વાસ્તવિકતા છતી કરે છે. |
ભરત દેવમણીનાં આંતરજ્ઞાતિય લગ્નને કારણે તેમનાં સાસરિયામાં સસરાની હાજરીમાં કોઈ તેમનાં પત્નીનું નામ પણ લઈ શકતું નહોતું. એક દિવસ અચાનક તેમનાં સસરાનું હાર્ટઍટેકથી મૃત્યુ થઈ ગયું એટલે બંનેને બોલાવાયા. તેમનાં પત્ની પરિવારને દસ વર્ષ પછી મળ્યાં. એ પછી તેમને પણ બોલાવાયા. એ વખતે તેમની નોકરી નોર્થઈસ્ટમાં હતી. તેઓ આવ્યાં, મળ્યાં અને પછી સંબંધો સુધરી ગયાં. કહેવાનો મતલબ એટલો જ કે, અમુક સમાજ, તેનાં લોકો વિશે ધારી લીધેલી માન્યતાઓ તૂટી એટલે બંને પરિવારો નજીક આવી શક્યાં.
પત્રકારત્વનું શિક્ષક યુગલ આંતરજ્ઞાતિય લગ્નની મિસાલ
આંતરજ્ઞાતિય લગ્નનું આવું જ એક મોટું ઉદાહરણ અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીનાં પત્રકારત્વ વિભાગનાં અધ્યક્ષ ડો. સોનલ પંડ્યા અને ગૂજરાત વિદ્યાપીઠનાં શિક્ષક ડો. અશ્વિન ચૌહાણનું છે. આજે તેમનાં સફળ લગ્નજીવનને જોઈને તેમનાં અડધો ડઝન વિદ્યાર્થીઓ પણ આંતરજ્ઞાતીય લગ્ન કરીને સુખી જીવન જીવી રહ્યાં છે. સામાન્ય રીતે આમ લગ્ન કરવાનું પણ કોઈ વિચારતું નથી ત્યાં આ કેવી રીતે શક્ય બન્યું? તેનો જવાબ આપતાં ડો. સોનલ પંડ્યા કહે છે, “બાળકને પ્રેમ કરવો, તેની સ્વતંત્રતાનો આદર કરવો એ માટે હું મારા માતાપિતાને આદર્શ માનું છું. બાળકને પ્રેમ તો દરેક પૅરેન્ટ્સ કરતાં હોય છે પણ તેની સ્વતંત્રતાનો આદર નથી કરતાં, મારા પેરેન્ટ્સે કર્યો એટલે હું અશ્વિન સાથે લગ્ન કરી શકી. મને લાગે છે માણસ સાથે તમને પ્રેમ હોય તો કોઈ સાંસ્કૃતિક વિરોધાભાસ નડતો નથી. એટલે આપણી લગ્ન સંસ્થાઓએ એ વહેમમાંથી બહાર નીકળવાની જરૂર છે કે, જ્ઞાતિમાં લગ્ન થાય તો કલ્ચરલ ડિફરન્સીસનો સામનો ન કરવો પડે. એનો અર્થ એવો નથી કે મને કલ્ચરલ ડિફરન્સીસ જરાય નથી નડ્યાં. પરંતુ આજે જુદી રીતે વિચારતી દ્રોપદીઓની જરુર છે, જે લાયક હોવા છતાં કર્ણને સૂતપુત્ર કહીને સ્વયંવરમાં બેસાડી ન દે. અહીં માણસ હલકો ભારે હોઈ શકે, જ્ઞાતિ નહીં. સંસ્કારિતા અને સજ્જનતા પર કોઈ જ્ઞાતિનો ઈજારો નથી. સમજણ અને કેટલાક મૂલ્યો સાથે પ્રેમમાં પડ્યાં પછી જીવનમાં ઉભા થવાય એ જ સાચો પ્રેમ. અશ્વિન માટે હું એવું માનું છું કે, અઢળક પ્રેમ સાથે તેણે મને અનહદ સ્વતંત્રતા આપી છે. આ સમજ અને સંવેદનાને જ્ઞાતિગત ચશ્માથી મૂલવવી તે એક સામાજિક પછાતપણું છે. અહીં શિક્ષણ કરતાં પણ તમારી સંવેદના વધારે મહત્વની છે. આજની તારીખે પણ આંતરજ્ઞાતિય લગ્નોને લઈને પરિસ્થિતિ બહુ બદલાઈ નથી તેની પાછળનું કારણ દેશની શિક્ષીત પછાતોની એક મોટી જમાત છે. આ એવા લોકો છે જે ભણ્યાં છે, પણ તેમની સમજણ અને સંવેદનાનું વિશ્વ બહુ નાનું છે. એ પરિસ્થિતિમાં ખુલ્લાં મનથી વિચારી શકે એવી યુવાપેઢી તૈયાર કરવી એ જ સમસ્યાનો ઉકેલ છે.”
![]() |
| ડો. સોનલ પંડ્યા અને ડો. અશ્વિન ચૌહાણની પ્રેમ કહાનીએ તેમનાં અડધો ડઝન વિદ્યાર્થીઓને આંતરજ્ઞાતીય લગ્ન માટે પ્રેરણા પુરી પાડી છે. |
છેલ્લે સમાજશાસ્ત્રી ડો. ગૌરાંગ જાની પાસેથી આ સમસ્યા હજુયે ટકી રહેવા પાછળનાં કારણો અને આંતરજ્ઞાતીય લગ્નોનાં ભવિષ્ય વિશે જાણીને વાત પુરી કરીએ. તેમનાં મતે, “આંતરજ્ઞાતિય લગ્નોની સંખ્યા વધતી નથી તેનું મોટામાં મોટું કારણ હજુ પણ લોકોનું પોતાની જ્ઞાતિમાં લગ્ન કરવાનું વલણ અને મજબૂત વિચારધારા છે. આપણે ત્યાં રજપૂતોને બાદ કરતાં સદીઓથી મોટાભાગની જ્ઞાતિઓનું લગ્નો કરવાનું ભૌગોલિક વર્તુળ નક્કી છે. દરેકનાં લગ્ન કરવાનાં, ક્યાં છોકરી અપાય અને લવાય તેનાં ગામ નક્કી છે. વળી છેલ્લાં થોડાં વર્ષોમાં જીવનસાથી પસંદગી મેળાં, સમૂહ લગ્નો વગેરેને લીધે જ્ઞાતિ પરિબળ વધુ મજબૂત થયું છે. એની સાથે પેટાજ્ઞાતિ પણ સ્થિર થઈ.
પરિણામે આપણે બંધારણ પ્રમાણે બિનસંપ્રદાય તરફ જવાનું હતું તેને બદલે જ્ઞાતિ તરફ પ્રવાહ વળ્યો. આમ પણ લગ્ન આપણે ત્યાં એવી બાબત છે જે કદી જ્ઞાતિને તોડતી જ નથી. લગ્ન સિસ્ટમ જ એવી રીતે ગોઠવાયેલી છે કે જ્ઞાતિ તૂટે નહીં. આ બધું તોડવાની જેમનાં માથે જવાબદારીઓ હતી તેવી શિક્ષણ જેવી સેક્યુલર સંસ્થાઓ તેમાં નિષ્ફળ ગઈ. અનેક યુવક-યુવતીઓ ૪-૫ વર્ષ સાથે ભણે છે છતાં લગ્નો તો છેલ્લે જ્ઞાતિમાં જ થાય છે જે તેની નિષ્ફળતા દર્શાવે છે. ધર્મ પણ આમાં મહત્વનો છે. હું માનું છું કે બ્રાહ્મણ અને જૈન, પટેલ અને બ્રાહ્મણ વચ્ચેનાં લગ્ન પ્રેમ લગ્ન છે, આંતરજ્ઞાતીય લગ્ન નથી. પ્રેમ લગ્નો પણ ઉચ્ચવર્ણમાં જ થાય છે. એટલે જ્ઞાતિ ફેક્ટર પ્રેમને પણ નિયંત્રિત કરે છે. આ સમસ્યાનો ઉકેલ મને લાગે છે નવી પેઢી લાવશે. તે ધીમેધીમે અનેક પ્રકારનાં બંધનો ફગાવતી જાય છે. ફેમિલીની અસર તેનાં પરથી ધીમેધીમે ઘટવા માંડી છે. એ રીતે જ્ઞાતિની અસર પણ ઘટશે. જેમજેમ વિભક્ત કુટુંબો વધશે તેમ સિનિયર પેઢીનો કંટ્રોલ તેમનાં પરથી જતો રહેશે. એ રીતે વડીલોનું નિયંત્રણ ઘટશે એટલે જ્ઞાતિનું પણ ઘટશે. આમ હવે જે લોકો માબાપ બનશે એ જ્ઞાતિજાતિની ચુંગાલમાંથી બહાર નીકળશે. અર્થતંત્ર જેમ બદલાશે, સ્થળાંતર થશે, નવાં લોકો સાથે હળવાં-મળવાનું જેમ વધશે તેમ આંતરજ્ઞાતીય લગ્નોની હાલની પરિસ્થિતિમાં સુધારો થશે. એટલે નવી પેઢી પર જ બધો મદાર રહેલો છે.
![]() |
| સમાજશાસ્ત્રી ડો. ગૌરાંગ જાનીનાં મતે જડ ઘાલી ગયેલી જાતિવાદની સમસ્યાનો ઉકેલ આગામી યુવાપેઢી લાવશે. |
પરિણામે આપણે બંધારણ પ્રમાણે બિનસંપ્રદાય તરફ જવાનું હતું તેને બદલે જ્ઞાતિ તરફ પ્રવાહ વળ્યો. આમ પણ લગ્ન આપણે ત્યાં એવી બાબત છે જે કદી જ્ઞાતિને તોડતી જ નથી. લગ્ન સિસ્ટમ જ એવી રીતે ગોઠવાયેલી છે કે જ્ઞાતિ તૂટે નહીં. આ બધું તોડવાની જેમનાં માથે જવાબદારીઓ હતી તેવી શિક્ષણ જેવી સેક્યુલર સંસ્થાઓ તેમાં નિષ્ફળ ગઈ. અનેક યુવક-યુવતીઓ ૪-૫ વર્ષ સાથે ભણે છે છતાં લગ્નો તો છેલ્લે જ્ઞાતિમાં જ થાય છે જે તેની નિષ્ફળતા દર્શાવે છે. ધર્મ પણ આમાં મહત્વનો છે. હું માનું છું કે બ્રાહ્મણ અને જૈન, પટેલ અને બ્રાહ્મણ વચ્ચેનાં લગ્ન પ્રેમ લગ્ન છે, આંતરજ્ઞાતીય લગ્ન નથી. પ્રેમ લગ્નો પણ ઉચ્ચવર્ણમાં જ થાય છે. એટલે જ્ઞાતિ ફેક્ટર પ્રેમને પણ નિયંત્રિત કરે છે. આ સમસ્યાનો ઉકેલ મને લાગે છે નવી પેઢી લાવશે. તે ધીમેધીમે અનેક પ્રકારનાં બંધનો ફગાવતી જાય છે. ફેમિલીની અસર તેનાં પરથી ધીમેધીમે ઘટવા માંડી છે. એ રીતે જ્ઞાતિની અસર પણ ઘટશે. જેમજેમ વિભક્ત કુટુંબો વધશે તેમ સિનિયર પેઢીનો કંટ્રોલ તેમનાં પરથી જતો રહેશે. એ રીતે વડીલોનું નિયંત્રણ ઘટશે એટલે જ્ઞાતિનું પણ ઘટશે. આમ હવે જે લોકો માબાપ બનશે એ જ્ઞાતિજાતિની ચુંગાલમાંથી બહાર નીકળશે. અર્થતંત્ર જેમ બદલાશે, સ્થળાંતર થશે, નવાં લોકો સાથે હળવાં-મળવાનું જેમ વધશે તેમ આંતરજ્ઞાતીય લગ્નોની હાલની પરિસ્થિતિમાં સુધારો થશે. એટલે નવી પેઢી પર જ બધો મદાર રહેલો છે.
















Comments
Post a Comment