મફત અને ફરજિયાત શિક્ષણનો હકઃ 2009 થી 2019



રાઈટ ટુ એજ્યુકેશન અને સર્વ શિક્ષા અભિયાન જેવી યોજનાઓ અમલમાં હોવા છતાં દેશમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર દિવસેને દિવસે કથળતું જાય છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં તેનાં પ્રચાર-પ્રસાર પાછળ અંદાજિત દોઢ લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવા છતાં સ્થિતિ એ છે કે હજુ પણ 50 લાખ બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત છે.


સમસ્યા એટલી ગંભીર છે કે વર્ણનો કરવામાં શબ્દો અને જગ્યા બગાડવા પાલવે તેમ નથી. એટલે સીધાં મુદ્દા પર આવી જઈએ.  વાત છે પ્રવર્તમાન પ્રાથમિક શિક્ષણની. દેશમાં રાઈટ ટુ એજ્યુકેશન અને સર્વ શિક્ષા અભિયાન જેવી યોજનાઓ લાગુ થયા પછી પણ પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધર્યું નથી. હાલમાં જ બહાર પડેલાં એક રિપોર્ટમાં એ વાતનો ખુલાસો થયો છે કે દેશભરમાં ધોરણ 8માં 28 ટકા વિદ્યાર્થીઓ એવા છે જે બીજા ધોરણનો પાઠ પણ વાંચી નથી શકતાં. આ મામલે જમ્મુ-કશ્મીરની હાલ સૌથી ખરાબ છે. જ્યારે યુપી અને હરિયાણા અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. રિપોર્ટ મુજબ હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબની શાળાઓમાં સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણીએ સારી છે. રિપોર્ટમાં રાજી થવા જેવી બાબત એ છે કે દેશમાં કન્યાઓનાં ભણતરને લઈને જાગૃતતા વધી છે. ગયા વર્ષે વ્યાપક સર્વેનાં આધારે તૈયાર કરવામાં આવેલો આ રિપોર્ટ કહે છે કે કન્યાઓનાં શાળાએ ન જવાના દરમાં ભારે ઘટાડો નોંધાયો છે. આંકડાઓ પર નજર કરીએ તો વર્ષ 2006માં શાળાએ ન જતી છોકરીઓની સંખ્યા 10 ટકાથી વધુ હતી. જે ઘટીને વર્ષ 2018માં માત્ર 4 ટકા રહી ગઈ છે. જો કે મધ્યપ્રદેશ આમાં બાકાત રહ્યું છે કેમ કે ત્યાં વધારો નોંધાયો છે. જો કે આંકડાઓ જોઈને હરખાઈ જવાની જરૂર નથી કેમ કે આજે પણ લાખો બાળકો મફત શિક્ષણ વ્યવસ્થાથી દૂર છે. ત્યારે સવાલ એ થાય કે આખરે બાળકો શાળાએ કેમ નથી જઈ રહ્યાં? ચાલો જોઈએ.

એપ્રિલ 2010થી લાગુ થયેલ રાઈટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ 6 થી 14 વર્ષનાં બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા છે. બાળકો શાળાએ જઈ શકે તે માટે બાળ મજૂરી અટકાયત અને નિયમન ધારો 1989 લાગુ કરાયો. જેમાં 14 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પાસે મજૂરી કરાવવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ સિવાય મહત્તમ બાળકો શિક્ષિત બને તે માટે સર્વ શિક્ષા અભિયાન ચલાવાઈ રહ્યું છે. જેનાં લાગુ થવાથી અંદાજે 13 લાખ બાળકોને શિક્ષણની મુખ્યધારા સાથે જોડવામાં આવ્યાં છે. છતાં હજુ 50 લાખથી વધુ બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત છે એ જ તેની બદતર સ્થિતિ દર્શાવે છે. ભારતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર કેટલું કથળેલું છે તેનો ખુલાસો યુએનનાં એજ્યુકેશનલ ફોર ઓલ ગ્લોબલ મોનિટરીંગ 2013-14નાં એક રિપોર્ટથી પણ થયો હતો. જેમાં કહેવાયું હતું કે ભારતમાં નિરક્ષર યુવાનોની સંખ્યા 28 કરોડથી વધુ છે. આ આંકડો દુનિયાનાં નિરક્ષર યુવાનોની કુલ સંખ્યાનાં 37 ટકા થવા જાય છે. રિપોર્ટમાં ભારતમાં પ્રાથમિક શિક્ષણની બદતર હાલતનાં અનેક કારણો ગણાવાયા હતાં. જેમાં એક કારણ શિક્ષણ પર થનાર ખર્ચમાં ભારે અસમાનતા પણ હતું. એક તરફ કેરળમાં પ્રતિ વ્યક્તિ શિક્ષણ ખર્ચ લગભગ 42 હજાર રૂપિયા છે, તો બીજી તરફ બિહાર સહિત દેશનાં અન્ય રાજ્યોમાં આ રકમ 6 હજાર કે તેનાથી પણ ઓછી છે. શાળાકીય શિક્ષણને લઈને ગયા વર્ષે થયેલાં સર્વે પરથી ખ્યાલ આવે છે કે દેશનાં સૌથી મોટાં રાજ્ય ઉત્તરપ્રદેશમાં ગરીબીનાં કારણે 70 ટકા અને મધ્યપ્રદેશમાં 85 ટકા ગરીબ બાળકો માંડ 5 ધોરણ સુધી ભણી શકે છે. પ્રાથમિક શિક્ષણનાં નિમ્ન સ્તરનો ઉલ્લેખ કરીને રિપોર્ટમાં એ પણ કહેવાયું છે કે મહારાષ્ટ્રનાં માત્ર 44 ટકા અને તામિલનાડુનાં 53 ટકા બાળકો જ બે આંકડાની બાદબાકીનો દાખલો ગણી શકવા સક્ષમ છે. અર્થાત અડધાથી વધુ બાળકો ગણિતમાં નબળાં છે. ભાષા પર પણ તેમની પકડ ઢીલી જોવા મળી છે. 4 માંથી 1 બાળક એક વાક્ય પણ નથી વાંચી શકતું. અમુક રાજ્યોમાં છોકરાંની સરખામણીએ છોકરીઓનું સ્તર સારૂ જરૂર જોવા મળ્યું પણ તે સંતોષકારક તો નથી જ. એટલા માટે કે શાળાઓમાં કન્યાઓની નોંધણીનો દર અપેક્ષા પ્રમાણેનો નથી. રિપોર્ટમાં સૌથી ચોંકાવનારી વાત એ સામે આવી કે દેશમાં શિક્ષણનાં પ્રચાર-પ્રસારનાં તમામ પ્રયાસો અને દાવાઓ પછી પણ કોઈ ઉલ્લેખનીય સફળતા હાથ લાગી નથી. એ પણ ત્યારે જ્યારે બંધારણમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક મળેલો છે અને છેલ્લાં કેટલાક વર્ષોમાં તેની પાછળ અંદાજે 1.5 લાખ કરોડ રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યાં છે.

કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય દ્વારા આરટીઈનાં ત્રીજા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે શાળાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. પણ આ આંકડાઓ ત્યાં સુધી કાફી નથી જ્યાં સુધી શિક્ષણનાં સ્તરમાં સુધારો નથી થતો. આજે પ્રાથમિક શિક્ષણમાં ધરમૂળથી પરિવર્તનની જરૂર છે. જો કે એ પણ ત્યારે જ શક્ય બની શકે જ્યારે શાળાઓને તમામ સંસાધનો પુરાં પાડવામાં આવે. લાયકાત ધરાવતાં બુદ્ધિશાળી શિક્ષકોની ભરતી કરવામાં આવે જેથી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકાય. આજે પ્રાથમિક શાળાઓ અવ્યવસ્થાની શિકાર બની ચૂકી છે. આરટીઈનો કાયદો લાગુ થયાને આઠ વર્ષ પછી પણ સરકારી શાળાઓમાં પ્રોફેશનલ શિક્ષકોને ભારે ઉણપ છે. આરટીઈનાં કાયદા હેઠળ રાજ્યોને શાળાઓમાં કાર્યદક્ષ શિક્ષકોની ભરતી કરવાનાં મહત્વનાં માપદંડને પૂર્ણ કરવા માટે પહેલાં ત્રણ વર્ષ આપવામાં આવ્યાં હતાં. અને હવે તેને વધુ બે વર્ષ વધારી દેવાયો છે. છતાં અપેક્ષિત પરિણામ મળ્યું નથી. દેશમાં સરકારી, સ્થાનિક સંસ્થાઓ અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની 45 લાખ જગ્યાઓ છે. જો કે સ્થિતિ એ છે કે ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત 8 રાજ્યોમાંજ 5 લાખથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. એકલાં યુપીમાં જ દોઢ લાખ શિક્ષકોની ઘટ છે. વક્રતા તો એ છે કે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ભરતી થયેલાં શિક્ષકોમાં લાખો તાલીમ પામ્યાં વિનાનાં છે અને લધુતમ લાયકાત પણ ધરાવતાં નથી. પરંતુ કોઈપણ રીતે તેમના થકી ગાડું ગબડાવાય છે. જ્યારે આરટીઈનાં કાયદામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને દરેક વિદ્યાર્થીને તાલીમ પામેલાં શિક્ષકો દ્વારા ભણાવવાની જોગવાઈ છે. અગાઉ એક કેસમાં સુપ્રીમ કોર્ટ પણ વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા જ ભણાવવાનો નિર્દેશ આપી ચૂકી છે. 

અહીં ધ્યાન રાખવું જરૂરી છે કે પ્રાથમિક શિક્ષણની દુર્દશા માટે કોઈ એક કારણ જવાબદાર નથી. જરૂરી એ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને શિક્ષણની દુર્દશા માટે જવાબદાર કારણોની ઈમાનદારીથી તપાસ કરી તેને દૂર કરવા પ્રયત્નો આદરે. શિક્ષણ પર થતાં ખર્ચમાં વધારો કરવાની જરૂર છે. યૂનેસ્કોનાં એક રિપોર્ટમાં સલાહ આપવામાં આવી હતી કે 2015 અને ત્યાર પછીની યોજનાઓમાં કુલ સરકારી ખર્ચનો 20 ટકા હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચ થવો જોઈએ. પણ હકીકતે થાય છે માત્ર 4 ટકા. પ્રાથમિક શિક્ષણને સુધારવા માટે શિક્ષક-વિદ્યાર્થીઓનો ગુણોત્તર પણ ઓછો કરવો પડશે. અનેક શાળાઓમાં 50 થી 60 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં તો હાલત વધુ કફોડી છે. મોટાભાગની શાળાઓનાં મકાન અતિશય જર્જરિત છે છતાં બાળકોને તેમાં બેસાડાય છે. તેમનો જીવ જોખમમાં હોય છે. અગાઉ અલાહાબાદ હાઈકોર્ટે મંત્રી, સરકારી અધિકારી અને સરકારી તિજોરીમાંથી પગાર મેળવતી દરેક વ્યક્તિનાં બાળકોને સરકારી શાળાઓમાં ભણાવવા ફરજિયાત કર્યું હતું. આશા એવી હતી કે સરકાર તેને લાગુ કરે. પણ એવું થયું નહીં, ઉલટાનું સુપ્રીમ કોર્ટમાં તેને પડકારવામાં આવ્યો. જો તેનું પાલન થયું હોત તો ચોક્કસપણે સરકારી શાળાઓની છબિ સુધરી જાત. એવામાં એ સવાલ આજે પણ ઉભો જ છે કે પ્રાથમિક શાળાઓની સ્થિતિ કેવી રીતે સુધારી શકાય. છે કોઈ જવાબ?

Comments