બેરોજગારીઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ..


2014માં વડાપ્રધાને આપેલાં ઢગલો વચનો પૈકી એક વચન બે કરોડ રોજગારી પેદા કરવાનું પણ હતું. પણ વાસ્તવિકતાં એ છે કે હાલ દેશમાં બેરોજગારી તેની સર્વોચ્ચ સપાટીએ છે. ચિત્ર એટલું સ્પષ્ટ છે કે તેનાં માટે અર્થશાસ્ત્રનાં થોથાં ઉથલાવવાની પણ જરૂર નથી, બસ આંખ-કાન ખુલ્લાં રાખીને આસપાસ નજર નાખશો તો પણ ખ્યાલ આવી જશે...


આ લખી રહ્યો છું ત્યારે મારા મનમાં બે દિવસ પહેલાં જ રાજ્યભરમાં લોકરક્ષક દળની ભરતીનું પેપર ફૂટ્યાં બાદ ફરીથી સાડા છ લાખ બેરોજગાર યુવાનો પેપર આપ્યાંની ઘટના તાજી થવા લાગી છે. બીજી તરફ આજનાં છાપાનું મથાળું કેન્દ્ર સરકારે સવર્ણો માટે 10 ટકા આર્થિક અનામત જાહેર કર્યાંની વાત કરે છે. જેને કેટલાક લોકો લોલીપોપ ગણાવે છે, તો કેટલાક ચૂંટણીલક્ષી જુમલો. જો કે મને પહેલો મુદ્દો વધારે મહત્વનો લાગે છે કેમ કે તે સીધો દેશનાં યુવાનો સાથે જોડાયેલો છે.


હાલ આપણે ત્યાં બેરોજગારીની સમસ્યા કેટલી ગંભીર છે તે સમજવા માટે કોઈ અર્થશાસ્ત્રનાં થોથાં ઉથલાવવાની જરૂર નથી. માત્ર આંખ-કાન ખુલ્લાં રાખીને આસપાસ નજર નાખશો તો પણ ખ્યાલ આવી જશે. એ માટે પણ બહુ દૂર જવાની ક્યાં જરૂર છે ? હાલ જેની જોરશોરથી ચર્ચા થઈ રહી છે તે લોકરક્ષક દળની પરીક્ષાનું જ ઉદાહરણ લઈ લો. ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડે 9713 લોકરક્ષકની ભરતી કરવાનું આયોજન કર્યું હતું, જેની સામે 8 લાખ 76 હજાર ઉમેદવારો પરીક્ષા આપવા ઉમટી પડ્યાં હતાં. મતલબ, એક લોકરક્ષકની જગ્યા માટે સરેરાશ 90 ઉમેદવારો મેદાનમાં. આવું જ ગત અઠવાડીયે અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડની 1400 જગ્યાઓ માટે બન્યું હતું. જેમાં પહેલા દિવસે જ 14 હજાર જેટલાં ફોર્મ વેચાયા હતાં. ભારતમાં બેરોજગારીની સમસ્યા ક્યાં આવીને ઉભી છે તેનો વધુ મોટો અને બોલકો પુરાવો ગત 23 નવેમ્બરનાં રોજ રાજસ્થાનનાં અલવર જિલ્લાનાં અરાવલી વિહારમાંથી મળે છે. જ્યાં પૂરપાટ ઝડપે ચાલી આવતી ટ્રેન આગળ મનોજ, સત્યનારાયણ, ઋતુરાજ અને અભિષેક નામનાં ચાર યુવાનો કૂદી પડ્યાં હતાં. જે પૈકી પ્રથમ ત્રણનાં ટ્રેનમાં કપાઈ જવાથી મોત થયેલાં જ્યારે અભિષેક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માતની પોલીસ તપાસમાં સામે આવ્યું કે ચારેય મિત્રો જિંદગીથી કંટાળી ચૂક્યાં હતાં કેમ કે તેમને નોકરી નહોતી મળતી. આથી જ તેમણે ટ્રેન સામે પડતું મૂકીને જિંદગી ટુંકાવવાનું નક્કી કર્યું હતું.


આ ઉદાહરણો અને આંકડાઓ સ્વયં સ્પષ્ટ કરે છે કે ભારતનાં યુવાનો પાસે નોકરી નથી. માર્ચ 2018માં બોમ્બે સ્ટોક એક્ચેન્જ અને સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમી(સીએમઆઈઈ)નાં રિપોર્ટમાં જણાવાયું હતું કે દેશમાં બેરોજગારીનો દર વધીને 6.23 ટકા થઈ ગયો હતો. આ આંકડો ગામડાઓમાં 5.95 અને શહેરોમાં 6.76 ટકા નોંધાયો હતો. સાથે નોટબંધી અને જીએસટી પછી દેશમાં બેરોજગારીમાં અસામાન્ય રીતે વધારો થયો હોવાનું પણ રિપોર્ટ કહે છે. સમસ્યા એ છે કે એક તરફ દર વર્ષે લાખો યુવાનો રોજગારી મેળવવાની લાઈનમાં જોડાતા જાય છે અને બીજી બાજુ રોજગારીની તકો સતત ઘટી રહી છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઈએલઓ)નો રિપોર્ટ કહે છે કે 2018 સુધીમાં ભારતમાં બેરોજગારોની સંખ્યામાં 30 લાખનો વધારો થશે. અગાઉ કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીએ સંસદમાં રોજગારીનાં આંકડાઓ બાબતે પુંછાયેલાં એક સવાલનાં જવાબમાં કહ્યું હતું કે સરકારે 2016થી દેશમાં રોજગારીનાં વાસ્તવિક આંકડા જાણવા માટે કોઈ દેશવ્યાપી સર્વે નથી કર્યો. સરકાર ભલે બેરોજગારીનું વાસ્તવિક ચિત્ર સામે ન આવી જાય તે માટે સર્વેથી બચતી રહે, પણ બોમ્બે સ્ટોક એક્ચેન્જ અને સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમીએ વર્ષ 2017નાં પ્રથમ ચાર મહિનાને લઈને સર્વે કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે જાન્યુઆરી થી એપ્રિલ 2017 વચ્ચે અંદાજે 15 લાખ લોકોએ નોકરી ગુમાવી હતી. લોકસભા ચૂંટણી ટાણે વડાપ્રધાને એક કરોડ રોજગારીનું લક્ષ્યાંક આપેલું, પણ એ પછી સંયુક્ત રાષ્ટ્રોનાં 2015નાં એક રિપોર્ટમાં ભારતમાં માત્ર 1 લાખ 35 હજાર લોકોને જ નોકરી મળી હોવાનું સામે આવેલું. આજે સ્થિતિ તેનાં કરતાં પણ ગંભીર છે અને એક કરોડ નોકરીઓ મળવાનું તો દૂર રહ્યું, ઉલટાનું દરરોજ 550 નોકરીઓ ખતમ થઈ રહી છે.


બેરોજગારી મામલે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન તો ત્યાં સુધી કહે છે કે ભારતની 11 ટકા વસ્તી અર્થાત અંદાજે 12 કરોડ લોકો બેરોજગાર છે. આવું થવા પાછળનું કારણ જણાવતાં રિપોર્ટમાં કહેવાયું છે કે, છેલ્લાં ચાર વર્ષમાં રોજગારી વધારવાનાં નામે વિદેશી મૂડીરોકાણની મર્યાદા વધારવામાં આવી પણ તેનાથી સ્થાનિકોને રોજગારી ન મળી. મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવી યોજનાઓ વાજતે - ગાજતે શરૂ થઈ. તેનાં પ્રચાર-પ્રસાર પાછળ કરોડોનું આંધણ કર્યા બાદ પણ બેરોજગારીની મૂળ સમસ્યા તો ત્યાંની ત્યાં જ રહી.


આખી સમસ્યામાં સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત શિક્ષિત બેરોજગારોનું ઊંચું પ્રમાણ છે. 9માં ધોરણની લધુત્તમ લાયકાત ધરાવતી ભરતીમાં ગ્રેજ્યુએટ અને એમબીએ યુવાનો સ્પર્ધા કરી રહ્યાં છે એ જ સાબિત કરે છે કે દેશમાં તેમની આખી ફૌજ છે. અહીં ખામી આપણી શિક્ષણ પદ્ધતિની પણ છે જે ડિગ્રીધારી અભણો પેદા કરતી જ જાય છે. જો ખરેખર શિક્ષણ વ્યવસ્થા ગુણવત્તાયુક્ત અને ઉપયોગી હોત તો પટાવાળાની ભરતીમાં એમબીએ યુવાન અરજી જ ન કરે. અહીં બીજું એક કારણ ખેતી સહિતનાં પરંપરાગત કામો પ્રત્યેનો યુવાનોનો અણગમો પણ ખરો. શારીરિક શ્રમ આધારિત કામને તે નીમ્નકક્ષાનું ગણે છે. આ માનસિકતાનાં પરિણામે આજે ખેતી સાથે જોડાયેલાં ચાલીસ ટકાથી વધુ લોકો વૈકલ્પિક રોજગારી મળે તો ખેતી છોડવા તૈયાર થઈ જાય છે.


હકીકત તો એ છે કે આજદિન સુધી એવો કોઈ વિષય નથી બન્યો જે ભણી લેવાથી વિદ્યાર્થી સો ટકા રોજગારી મેળવી લે. વર્ષોથી ભણતર મામલે આપણે યુવાનોને રસ હોય તે ક્ષેત્રમાં જવું જોઈએ એમ કહેતાં આવ્યાં છીએ. પણ ખરેખર જ્યારે વિષય પસંદ કરવાનો સમય આવે છે, ત્યારે આપણી એ જ મર્યાદિત વિકલ્પોવાળી શિક્ષણ પદ્ધતિ તેના પર થોપી દેવામાં આવે છે. આનું પરિણામ એ આવ્યું છે કે, પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી નીકળેલાં એન્જિનિયરો નકામા સાબિત થઈ રહ્યાં છે અને સામે કૌશલ્ય વિકાસનાં અભાવે વાયરમેન, પ્લંબર, વેલ્ડર, ઓટો મિકેનીક, દરજી વગેરે કામોનાં જાણકારોની તંગી પેદા થઈ છે. પરિસ્થિતિ આપણી સામે છે, અહીંથી રણ તરફ જવું કે નદી તરફ એ આપણે નક્કી કરવાનું છે.
સમાપ્ત

Comments