સોશિયલ મીડિયાનાં આ જગતમાં માનસિક શાંતિને કોઈ સ્થાન નથી



સમાજશાસ્ત્રીઓનાં મતે સોશિયલ મીડિયા થકી સતત સંપર્કમાં રહેવાની સુવિધાએ લોકોને એક પ્રકારનાં આવેગપૂર્ણ જીવનમાં ધકેલી દીધાં છે, જ્યાં માનસિક શાંતિને કોઈ સ્થાન નથી. સોશિયલ મીડિયાનાં સ્વરૂપમાં એક નોટિફીકેશનનું ટપકું સતત આપણી સાથે હરતુંફરતું રહે છે, જેણે ધીરજ અને તેનાથી મળતાં આનંદને ખતમ કરી નાખ્યો છે. 


આ લેખ તરફ આગળ વધતાં પહેલાં હું ઈચ્છુ છું કે, આપ ગત વિજયા દશમીએ થયેલ અમૃતસર રેલવે દુર્ઘટનાનો વીડિયો ફરીફરીને જોઈ જાઓ. જેમાં એક ટ્રેન રાવણ દહન જોઈ રહેલાં સેંકડો લોકોને ઝપટમાં લઈ લે છે. આખો વીડિયો ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે કેટલાક લોકો ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેક પર ઉભાં હતાં. દુર્ઘટના ઘટ્યાં બાદ સ્થાનિક પત્રકાર રવિંદર સિંહે જણાવ્યું હતું કે, ટ્રેનની ઝપટે ચડી જનારાં મોટાભાગનાં લોકો મોબાઈલ પર રાવણ દહનનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં વ્યસ્ત હતાં જેનાં કારણે ટ્રેનની વ્હીસલને પણ તેમણે ગણકારી નહોતી. જ્યારે રાવણનાં પૂતળાંને સળગાવવામાં આવ્યું ત્યારે મંચ પરથી લોકોને પાછળ હટવાની અપીલ કરવામાં આવી હતી પણ બધાં વીડિયોઉતાર પ્રવૃત્તિમાં એટલાં મગ્ન હતાં કે સૂચનાઓની તેમને પરવા નહોતી. પરિણામે તેઓ પાછળ જોયાં વિનાં છેક રેલવે ટ્રેક પર આવી ગયાં હતાં અને એ જ વખતે ટ્રેન આવી પહોંચેલી...

મોબાઈલ ફોનનાં આમ તો અનેક નકારાત્મક પાસા છે પણ સૌથી મોટું અનિષ્ટ કદાચ આ છે. સ્માર્ટફોને દુનિયાને એ દહે આત્મકેન્દ્રી બનાવી દીધી છે કે લોકો હવે એ પણ નથી જોઈ શકતાં કે જ્યાં તેઓ હાજર છે ત્યાં આજુબાજુ શું થઈ રહ્યું છે. અમૃતસરની દુર્ઘટનામાં 60 લોકો કચડાઈ મર્યા અને 72થી વધુ ઘાયલ થયેલાં તે તંત્રની ઘોર બેદરકારી તો સૂચવે જ છે, સાથે જ એ પણ સાબિત કરે છે કે, સ્માર્ટફોને લોકોને આસપાસનાં માહોલથી જીવલેણની હદ સુધી બેધ્યાન બનાવી દીધાં છે. થોડાં વર્ષો પહેલાં સ્પેનમાં એક ભયાનક ટ્રેન અકસ્માત એટલાં માટે થયેલો કે તેનો ડ્રાઈવર ટ્રેનની સ્પીડનો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં વ્યસ્ત હતો અને સામેનાં તીવ્ર વળાંક પર ધ્યાન ન આપી શક્યો. જેનાં કારણે પૂરપાટ ગતિથી ચાલતી ટ્રેન પાટાં પરથી ઉતરીને બાજુની ઈમારત સાથે અથડાઈ ગઈ. એદુર્ઘટનામાં 80 લોકો મોતને ભેટ્યાં હતાં. આપણાં દેશમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે થયેલી આવી દુર્ઘટનાઓનું લીસ્ટ ખાસ્સુ લાંબુ છે. 

યુવાનોમાં કોઈ ઘટના કે સ્થળનો વીડિયો બનાવવાનો કે સેલ્ફી લેવાનો શોખ એટલો બધો જીવલેણ થઈ ચૂક્યો છે કે ભાગ્યે જ કોઈ અઠવાડિયું ખાલી જતું હશે જ્યારે આ પ્રકારની કોઈ દુર્ઘટનાનાં સમાચાર ન આવ્યા હોય. અહીં સવાલ એ છે કે, શું તેને માત્ર દુર્ઘટના જ માની લેવી જોઈએ? હકીકતે આવી તમામ દુર્ઘટનાઓ એક સામાજિક સમસ્યાનો સંકેત આપી રહી છે. એ સમસ્યા એટલે આત્મ પ્રદર્શન. દુનિયામાં જ્યારથી મોબાઈલ ક્રાંતિ થઈ છે, જ્યારથી ફેસબુક, ટ્વીટર, ઈન્ટાગ્રામ સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અસ્તિત્વમાં આવ્યાં છે, ત્યારથી લોકોમાં દેખાડો કરવાની પ્રવૃત્તિ આસમાનને આંબવા લાગી છે. ફ્રંટ કેમેરાથી પોતાનો ફોટો પાડવાની અને વીડિયો બનાવવાની સુવિધા આપતા સ્માર્ટફોન અસ્તિત્વમાં આવ્યાં એ પછી તો જાણે દરેક વ્યક્તિ કોઈ જ વ્યાજબી કારણ વિનાં વીડિયો બનાવી, ફોટાં પાડી અને સોશિયલ મીડિયા પર તેને પોસ્ટ કરીને લાઈક, કમેન્ટ મેળવવાનું જરૂરી માનવા લાગ્યાં છે.

લોકોની દેખાડો કરવાની આ આદત સેલ્ફીની શોધ પછી તો રીતસરનાં ગાંડપણમાં ફેરવાઈ ગઈ છે. અજીબોગરીબ સેલ્ફી લેવાનાં ચક્કરમાં લોકો જાતભાતની તરકબો કરવા માંડ્યાં છે. પોતાનાં જ માથે બંદૂક તાકવી, જીવનાં જોખમે ગગનચૂંબી ઈમારતની ટોચે પહોંચી જવું, પૂરપાટ ઝડપે બાઈક-કાર ચલાવવી કે ફિલ્મોની જેમ ટ્રેનની છત પર દોડીને સેલ્ફી લેવાનો ખતરનાક શોખ શરૂ થઈ ગયો છે. આવી જીવલેણ વસ્તુમાં પણ નીતનવા આવિષ્કારો થતાં રહે છે. કિશોર અને યુવાન છોકરાં-છોકરીઓમાં સ્ટંટ સેલ્ફીની બોલબાલા છે, તો મહિલાઓ સેલ્ફીનાં અતિરેકમાં ફસાયેલી છે. આવું કરતી વખતે ઘણીવાર તેઓ જરૂરી સાવચેતી, સામાન્ય શિષ્ટાચાર કે શાલીનતાનું પણ ધ્યાન નથી રાખી શકતી. તો ઘણીવાર મામલો હિંસા અને અશ્લિલતા સુધી પહોંચી જાય છે.

સેલ્ફી સાથે જોડાયેલાં સંશોધનો પરથી ખ્યાલ આવે છે કે કિશોરીઓ અને યુવતીઓ અઠવાડિયામાં અંદાજે 5 કલાક સેલ્ફી લેવામાં ખર્ચે છે. ગત વર્ષે થયેલાં એક રિસર્ચમાં સામેલ 27 ટકા છોકરીઓએ સ્વીકાર્યું હતું કે, તેમને સેલ્ફી પર ધારી લાઈક નથી મળતી તો તેઓ એ સેલ્ફીને સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દે છે. અમેરિકાની હાર્વર્ડ બિઝનેસ સ્કૂલે કરેલું એક સંશોધન કહે છે કે 70 ટકા અમેરિકનો સવારે ઉઠીને પરિવારજનોની સારસંભાળ લેવાને બદલે પોતાના મોબાઈલ ફોનમાં જુએ છે કે, સોશિયલ મીડિયા પર મૂકેલાં વીડિયો અને ફોટાં પર કેવી અને કેટલી પ્રતિક્રિયાઓ આવી છે. આ જ મામલે ફીલીંગ યુનિક ડોટ કોમ નામની એક વેબસાઈટે કરેલાં એક સર્વેમાં સ્માર્ટફોનનું વળગણ એક માનસિક બિમારી સ્વરૂપે સામે આવ્યું છે. અમેરિકન મનોવૈજ્ઞાનિકોનાં એક સંગઠને તો સતત વીડિયો બનાવવા, ફોટાં કે સેલ્ફી લેવાની પ્રવૃત્તિને મનોરોગની કક્ષામાં મૂકી દીધી છે. તો ભારતીય મનોચિકિત્સકો પણ તેને એક બિમારી ગણીને સેલ્ફી લેતાં રહેતાં લોકોને સચેત કરીને તેમનામાં માનસિક બિમારીનાં લક્ષણોની હાજરીની વાત કરી છે.

સમસ્યા એ પણ છે કે આજે જે સમાજમાં એક વ્યક્તિ પોતાનાં પાડોશીને પણ ઓળખતો નથી, ત્યાં દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર ફોટાં, વીડિયો કે સેલ્ફી અપલોડ કરીને દુનિયા આખીનાં વખાણ મેળવી લેવા ચાહે છે. પણ આ મામલો માત્ર ખોટી પ્રશંસા મેળવવાનો કે ડિજિટલ દેખાડાનો માત્ર નથી, લોકો ઈચ્છે છે કે તેમનાં દ્વારા અપલોડ થયેલાં ફોટાં-વીડિયો વગેરે વધુને વધુ શેર થાય, બીજાં લોકો પણ તેને ફોરવર્ડ કરે અને ખોટાં તો ખોટાં, પણ તેમનાં વખાણ કરે. છોકરીઓ-મહિલાઓ પોતાની સુંદરતાનાં વખાણ કરતાં બે બોલ સાંભળવા માટે સેલ્ફીનો થોડો વધારે પડતો સહારો લે છે. તેમનાં અપલોડ થયેલાં ફોટાં, વીડિયોને તેઓ પોતાની એક મહાન ઉપલબ્ધિ સાબિત કરવા મથતી રહે છે. આવી સ્થિતિમાં એ સમજવું જરૂરી બની ગયું છે કે સ્માર્ટફોનની કરામત આપણને ક્ષણિક સંતોષ ભલે આપે પણ સાથે એક અજાણ્યાં ખતરાં તરફ પણ ધકેલી દે છે, જે ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. સમાજશાસ્ત્રીઓનાં મતે સોશિયલ મીડિયા થકી સતત સંપર્કમાં રહેવાની સુવિધાએ લોકોને એક પ્રકારનાં આવેગપૂર્ણ જીવનમાં ધકેલી દીધાં છે, જ્યાં માનસિક શાંતિને કોઈ સ્થાન નથી. સોશિયલ મીડિયાનાં સ્વરૂપમાં એક નોટિફીકેશનનું ટપકું સતત આપણી સાથે હરતુંફરતું રહે છે, જેણે ધીરજની બાબત અને તેનાથી મળતાં આનંદને ખતમ કરી નાખ્યો છે. આ સ્થિતિમાં આપણે તેનો સકારાત્મક અને સંયમિત ઉપયોગ કેવી રીતે કરવો તે ફરજિયાત વિચારવું રહ્યું.

Comments