સફળતા પચાવવી દરેકનાં હાથની વાત નથી
સમય પહેલાં મળી જતી સફળતા પચાવવી દરેકનાં હાથની વાત નથી એ વાત હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલનાં કેસમાં બરાબર લાગુ પડે છે. સમસ્યા એ છે કે આપણે દરેક સફળ ખેલાડી પાસેથી આજીવન રાહુલ દ્રવિડ જેવાં વર્તનની આશા રાખીએ છીએ, અને પછી પસ્તાવું પડે છે...
કરણ જાહરનો સેલિબ્રિટી ચેટ શો વધુ એક વખત ચર્ચામાં છે. જાણીતી હસ્તિઓની વ્યક્તિગત જિંદગીને લઈને આ શોમાં થતાં ખુલાસા કરણની સાથે જે તે સેલિબ્રિટીને પણ ન્યૂઝમાં રાખે છે. પરંતુ આ વખતે શોમાં જે વિવાદ થયો છે તેની ઝાળ બે પ્રતિભાશાળી ક્રિકેટરો હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલની કરિયર સુધી પહોંચી ગઈ છે. કરણનાં શોમાં અંગત જીવન, ખાસ કરીને મહિલાઓને લઈને ડીંગો હાંકવી હાર્દિકને ભારે પડી ગઈ છે. મહિલાઓ માટે તેણે કરેલી અભદ્ર ટિપ્પણીઓને લઈને દેશભરમાં હોબાળો મચી જતાં બીસીસીઆઈએ બંને ક્રિકેટરો પણ પ્રતિબંધ લાદી દીધો હતો. હાર્દિકની સાથે રાહુલ પણ ફસાયો અને તેણે પણ ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસેથી પરત ફરવું પડ્યું. આટલું ઓછું હોય તેમ બંનેનું ન્યૂઝિલેન્ડ પ્રવાસમાંથી પત્તુ કપાઈ ગયું હતું. ત્રીજી વનડેમાં હાર્દિકને તો ચાન્સ મળી ગયો પણ રાહુલનું હજુ કશું ઠેકાણું નથી. હાર્દિકને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ હાથ ધોવા પડ્યાં. છેલ્લાં સમાચાર મુજબ હવે તેમનો આઈપીએલ કોન્ટ્રાક્ટ પણ ખતરામાં છે. હાર્દિકે જો કે બિનશરતી માફી માંગી લીધી છે અને ન્યૂઝિલેન્ડ પ્રવાસે તેને મોકલી પણ દેવાયો છે. આ વિવાદે ફરી એક વખત કરણ જોહરનાં શો અને સેલિબ્રિટીઓનાં વર્તન અંગે ચર્ચા છેડી દીધી હતી.
કરણ જોહરનાં શામાં વિવાદ અને વિવાદિત ટિપ્પણીઓ અગાઉ પણ થઈ છે. પણ એકેય સેલિબ્રિટીને એટલું નુકસાન નથી થયું જેટલું હાર્દિકને થયું છે. ચર્ચા થઈ રહી છે કે કરણ તેનાં શામાં સેલિબ્રિટીઓને અમુક એવા સવાલોનાં જવાબ આપવા માટે ઉશ્કેરે છે જે જાહેરમાં આપવા શક્ય નથી. હાર્દિકે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે તે શોમાં પુંછાયેલા સવાલોથી ખરાંખોટાનું ભાન ભૂલી ગયો હતો અને અણછાજતાં જવાબો આપી બેઠો હતો. તેનો આશય કોઈનું અપમાન કરવાનો કે ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. એક વાત એવી પણ થઈ રહી છે કે કરણનાં સવાલો જ વિવાદ પેદા થાય તેવાં હોય છે.
આપણે ત્યાં એક કહેવત છે કે કમાનમાંથી છૂટેલું તીર અને જીભેથી નીકળેલાં વેણ પાછાં ફરતાં નથી. કમનસીબે તેનું ભાન જે તે વ્યક્તિને બોલી લીધાં પછી જ થાય છે. આ કહેવત હાલ હાર્દિક અને રાહુલથી વધારે સારી કોણ સમજી શકે ! આ બંનેનાં વર્તન પરથી એ પણ સાબિતી મળે છે કે, સમય પહેલાં જા ચિક્કાર સફળતા મળી જાય તો તેને પચાવવી દરેકનાં હાથની વાત નથી હોતી. દરેક ખેલાડી રાહુલ દ્રવિડ કે એડમ ગિલક્રિસ્ટ નથી હોતો જે આજીવન બિનવિવાદિત રહીને માત્ર પોતાની રમતથી જ બધું કહી દેતો હોય. હાર્દિક કે રાહુલની ક્રિકેટ પ્રતિભા પર કોઈ શંકા નથી. પણ ક્રિકેટ થકી અચાનક તેમને જે માનસન્માન મળવા માંડે છે તેને પચાવવાની ન તો તેમને આદત હોય છે, ન અનુભવ. તેઓ સ્ટેડિયમમાં રમતાં હોય છે ત્યાં અનેક છોકરીઓ તેમનું નામ લઈને રાડો પાડતી હોય છે. આવું તેમની રમતનાં કારણે હોય છે પણ આ ખેલાડીઓ તેને પોતાની પર્સનાલિટી કે પુરુષ હોવા સાથે જાડી લે છે. ઘણી છોકરીઓ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જે તે ખેલાડીનાં નામ સાથેનાં બેનર લઈને બેઠી હોય છે જેમાં લગ્નનો પ્રસ્તાવ પણ હોય છે. જેથી આ ખેલાડીઓ એવું માનવા લાગે છે જાણે દુનિયાની દરેક છોકરી તેમનાં ઈશારા પર નાચવા તૈયાર છે. આ પરિસ્થિતિ વચ્ચે ખેલાડીઓને કરણ ટાઈપનાં શોમાં જ્યારે છોકરીઓ કે મહિલાઓ વિશે સવાલ કરવામાં આવે છે ત્યારે તેઓ ભાન ભૂલી જાય છે. તેઓ સમજતાં નથી કે છોકરીઓ તેમને પસંદ જરૂર કરે છે, પણ એનો અર્થ એવો જરાય નથી કે તે તેમની વ્યક્તિગત સંપત્તિ છે. આ જ કારણે હાર્દિક જેવા ખેલાડીઓ મનફાવે તે બોલી દે છે અને વિચારે છે કે તેમનાં સેલિબ્રિટી સ્ટેટને લીધે કોઈ તેમનાં પર આંગળી નહીં ઉઠાવે. એવામાં જરૂરી છે કે, આવા ખેલાડીઓને ન કેવળ સજા અપાય, પરંતુ એકાદ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાય જેથી બીજાં યુવા ખેલાડીઓને પણ તેમાંથી શીખ મળે.



Comments
Post a Comment