આંબાપાડા, દગડપાડાની ઘટનામાં સાચું શું ?
તાજેતરમાં ડાંગ જિલ્લાનાં આંબાપાડા અને દગડપાડા ગામની પ્રાથમિક શાળામાં ભણતાં કેટલાક બાળકો શાળામાં વિચિત્ર હરકત કરતાં હોવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી હતી. જેને લઈને સરકારી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. જો કે કોઈએ પણ ઘટનાનાં મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કર્યો નહોતો. જે અમે કરી જોયો અને તેમાંથી તથ્ય વાત સામે આવી છે.
સવારનાં લગભગ સાડા દસ થયા હશે. અમારી કાર વઘઈથી સાપુતારા તરફનાં શાંત રસ્તે આગળ વધી રહી હતી. રસ્તાની બંને તરફ સાગ, સાદડ, વાંસ, ખાખરો સહિત ઘણાં મસમોટાં વૃક્ષો માણસજાતની તુચ્છતાની હાંસી ઉડાવતા હોય તેમ લહેરાતાં હતાં. ક્યાંક તેનાં પરથી વાંદરાઓનું ટોળું થેકડાં મારતું અમારી કારનો રસ્તો ચાતરી જતું. વઘઈ બોટાનિકલ ગાર્ડનની રોનક અહીં ચારેતરફ પથરાયેલી જાઈ શકાતી હતી. હાઈવે પર પાંચેક કિલોમીટર દૂર માંડ ગયા હોઈશું ત્યાં ડ્રાઈવરે જમણી તરફ પડતાં સાવ કાચાં, પથરાળ, ઉબડખાબડિયા રસ્તે કાર વાળી. આ રસ્તે સમખાવા પુરતો પણ ડામર, કપચી ક્યારે મળ્યાં હશે તે કળવું અઘરું હતું. બે વાહનો માંડ માંડ નીકળી શકે તેવા એ સાંકડા રસ્તે એકલદોકલ મોટરસાઈકલ સામે મળી જતાં અમને નવાઈ લાગતી હતી. કેમ કે આખો જંગલ હતો, ત્યારે અહીં કોણ લોકો રહેતાં હશે તે બાબતે અમારાં મનમાં કૂતુહલ પેદા થયું. જેમ જેમ કાર આગળ વધતી ગઈ તેમ અમારાં આશ્ચર્ય વચ્ચે આરસીસી રસ્તો શરૂ થતો ગયો. વધુ પાંચેક કિલોમીટર અંદર ગયા ત્યાં વાદળી રંગનાં બોર્ડ પર સફેદ અક્ષરે લખેલું બોર્ડ આવ્યું, ‘આંબાપાડા’.
![]() |
| વઘઈનાં જંગલ વિસ્તાર વચ્ચે આવેલું શાંત અને કુદરતી સૌંદર્યથી ભરપુર આંબાપાડા ગામ |
જો કે હરતાં-ફરતાં માણસનાં દર્શન હજુ થયાં નહોતાં. વધુ એકાદ કિલોમીટર આગળ ગયા ત્યાં તદ્દન દેશી ઘરો દેખાવા શરુ થયાં. માથે ટોપી પહેરીને ફરતાં આધેડો, સ્કૂલે જતાં બાળકો અને આંગણામાં બેઠેલો મહિલાવર્ગ પણ દેખાયો. દરમિયાન ડ્રાઈવરે કાર ઉભી રાખીને એક સ્થાનિકો સાથે વાતચીત કરતાં ખ્યાલ આવ્યો કે અહીં લોકો આજેપણ સ્થાનિક ડાંગી ભાષા જ બોલે છે જે એટલી સ્પષ્ટતાથી સમજાતી નથી. સદ્દભાગ્યે અમારી સાથે સ્થાનિક ડ્રાઈવર હતાં જેમણે અમારું કામ સરળ કરી નાખ્યું. તે ડાંગી ભાષામાં વાતચીત કરીને અમને ગુજરાતીમાં સમજાવતાં રહ્યાં. એ રીતે તેઓ અમને પ્રાથમિક શાળામાં વિચિત્ર હરકત કરતાં ત્રણેય બાળકોનાં ઘર સુધી દોરી ગયો. પહેલાં અમે અજય (નામ બદલ્યું છે)નાં ઘરે પહોંચ્યાં. જ્યાં ત્રણચાર મહિલાઓ આંગણામાં નાગલી ઝૂડતી હતી. તેમની નજીકમાં પાંચ-સાત કિશોરીઓ અને કેટલાક બાળકો ખુલ્લામાં તડકો ખાતા બેઠાં હતાં. નીચા ઘાટનાં તદ્દન દેશી ઘરોની છાણથી લીંપેલી ઓસરી અને દિવાલોએ તરત અમારું ધ્યાન ખેંચ્યું. ઘરનું તમામ રાચરચીલું વાંસ અને સાગમાંથી બનેલું હતું. આંગણામાં એક મરઘો મરઘીનાં ટોળાંને પરેશાન કરતો સતત તેની પાછળ દોડ્યાં કરતો હતો. તો ડાબી તરફ એક ઝાડ નીચે કાંકરેજી ગાય થોડાંક રાડા ખાઈને મોજથી વાગોળતી હતી. આંગણામાં જ એક ખૂણામાં જરુર પુરતાં રીંગણ, મરચાં વગેરે શાકભાજી વાવેલાં હતાં. અમે આ બધું નિરખતાં હતાં ત્યાં જ ડ્રાઈવરે ધ્યાનભંગ કરતાં દિવાલ પર લટકતાં, તૂટેલાં કાચવાળાં એક ફોટાં તરફ ઈશારો કરતાં કહ્યું, ‘સાહેબ, આ એમનાં ડુંગરદેવ’ .
![]() |
| આંબાપાડામાં ડુંગરદેવ ધૂણતાં વિદ્યાર્થીઓ પૈકી એકનું ઘર |
![]() |
| પ્રકૃતિની સૌથી નજીક રહેતાં આદિવાસીઓ સૂર્ય, વાઘ, મોર વગેરેને દેવ માનીને પૂજે છે. |
દિવાલ તરફ જોયું તો કટાઈ ગયેલી લોખંડની ફ્રેમમાં બે દેવીદેવતાઓ સાથે દસ ભૂજાધારી ડુંગરદેવ પણ હતાં. હા, એજ ડુંગરદેવ, જેમની હાજરી અહીંના ત્રણ વિદ્યાર્થીઓમાં વર્તાતી હોવાની વાતે ગુજરાતભરનાં માધ્યમોનું ધ્યાન ખેંચ્યું હતું. અજય, અતુલ અને રમેશ (ત્રણેયનાં નામો બદલ્યાં છે) નામનાં ત્રણ વિદ્યાર્થીઓ છેલ્લાં કેટલાક દિવસોથી શાળામાં ડુંગરદેવ ધૂણવા માંડતા હોવાની જાણ થતાં જ ગુજરાત આખાનું મીડિયા અહીં ઉમટી પડ્યું હતું. સ્થાનિકોનાં કહેવા પ્રમાણે હિંદુઓમાં આસો માસે નવરાત્રીમાં માતાજીની પૂજા થાય છે તેમ આદિવાસીઓમાં ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન ડુંગરદેવની પૂજાઅર્ચના થાય છે અને તેઓ આ બાળકોમાં હાજરાહજૂર છે. આ બાળકો ધૂણતાં ધૂણતાં શાળામાં દેવનો પથ્થર હોવાની વાતો કરતાં હોવાનું સ્થાનિકો માને છે. સાથે ક્યારેક તેઓ અન્ય બાળકોને ‘શિક્ષકોથી ડરવું નહીં’ એવી સલાહ પણ આપતાં જાવા મળે છે. આખી વાત તેનાં માતાપિતા સુધી પહોંચતા કોઈએ સ્થાનિક ભગત ઉર્ફે ડુંગરદેવનાં ભૂવાને બોલાવીને શાળામાં જ તેની વિધિ કરી હોવાનું કહેવાય છે. જો કે શિક્ષકો તેનો ઈનકાર કરે છે.
![]() |
| આદિવાસી સમાજ આ રીતે દર વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન ગામેગામ ડુંગરદેવને વધાવવા નીકળે છે. જેમાં નૃત્ય અને વાજિત્રોનું ભારે મહત્વ હોય છે. |
આ ઘટનાની અસર હજુ ઘટી નહોતી ત્યાં અહીંથી ૧૫ કિલોમીટર દૂર આવેલાં દગડપાડા ગામે ૧૦ વિદ્યાર્થીઓ ડુંગરદેવ ધૂણતાં હોવાની વાત ફેલાતાં કલેક્ટર સહિતનું સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું. બનાવની સત્યતા ચકાસવા ડાંગ જિલ્લા કલેક્ટર બી.કે. કુમાર, ડીડીઓ એચ. કે. વઢવાણિયાનાં માર્ગદર્શન હેઠળ ટીડીઓ અને તેમની ટીમે શાળા, વિદ્યાર્થીઓ અને વાલીઓની મુલાકાત લીધી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડા. મેઘા મહેતા, વઘઈ તાલુકા હેલ્થ ઓફિસર ડા. ડી. સી. ગામીત તથા આહવા સિવિલ હોસ્પિટલનાં મનોચિકિત્સક ડો. અંકિત રાઠોડે સંયુક્ત રીતે આંબાપાડાનાં અસરગ્રસ્ત બાળકોની મનોશારીરિક તપાસ કરી સમગ્ર ઘટનાનો તાગ મેળવવા પ્રયત્ન કર્યો હતો.
આ મામલે આહવા સિવિલ હોસ્પિટલનાં સાયકોલોજિસ્ટ ડો. અંકિત રાઠોડ કહે છે, “ડાંગ જિલ્લામાં ડિસેમ્બરથી જાન્યુઆરી માસ દરમિયાન સ્થાનિક પરંપરા મુજબ ઠેરઠેર ડુંગરદેવની પૂજા થાય છે જેમાં આદિવાસીઓ મોટાં પાયે સામેલ થતાં હોય છે. સ્થાનિકોનાં જણાવ્યા પ્રમાણે આ બાળકો પ્રાર્થના ખંડમાં આવ્યા બાદ કોઈ દૈવીશક્તિનો સંચાર થતો હોય તે રીતે ધૂણવા માંડતા હતા. બાળકોનાં કાઉન્સેલિંગ દરમિયાન પ્રથમ દ્રષ્ટિએ આખો કેસ કલ્ચરલ બાઉન્ડ સિન્ડ્રોમ હોવાનું લાગ્યું છે. અમે ગ્રામજનોની આસ્થાને ઠેસ ન પહોંચે તે રીતે સ્થાનિક દેવદેવતાઓની પૂજા કરતા ભક્તો તથા જાણકારોની સલાહ લઈને બાળકોનું કાઉન્સેલિંગ કર્યું છે. હાલ ત્રણેય બાળકો સામાન્ય છે.”
![]() |
| ડુંગરદેવની પૂજામાં આદિવાસી વાજિંત્ર પાવરી ખૂબ મહત્વનું ધરાવે છે. સ્થાનિકોનાં મતે વિદ્યાર્થીઓએ માત્ર આનું અનુકરણ કરેલું. |
આંબાપાડાની ઘટનાની ભીતરમાં
બાળકોનાં મતે તેમની શાળામાં પથ્થર છે તે ડુંગરદેવ છે. જ્યાં સુધી તેને બહાર કાઢીને પૂજાવિધિ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનાં શરીરમાં દેવ આવ્યાં કરશે. પહેલી નજરે જ આખી વાત બાળકોએ ઉપજાવી કાઢી હોય તેવું સ્પષ્ટ લાગે છે કેમ કે, જા ડુંગરદેવ હોય તો આટલાં વર્ષો સુધી કેમ કોઈને ખ્યાલ ન આવ્યો અને અચાનક આખી બાબત સામે આવી? બીજું, બાળકો ધૂણતી વખતે ક્યારેક અન્ય બાળકોને શિક્ષકોથી ડરવું નહીં એમ જણાવે છે. એનો અર્થ એવો પણ થાય કે કોઈ શિક્ષક તેમને અણગમતો હોય અથવા ભૂતકાળનાં કોઈ બનાવને લઈને તેમના પ્રત્યે બાળકોમાં છૂપો રોષ હોય, જેનો આ રીતે તેઓ બદલો લેવા માંગતા હોય. અમારા આ સવાલોનો જવાબ એક શિક્ષકે નામ ન આપવાની શરતે આપ્યો. તેમણે જણાવ્યું કે, “અહીં ગામડાંઓમાં આ સમયગાળામાં ઠેરઠેર ડુંગરદેવની પૂજા થતી હોય છે. જેમાં લોકો નાચતાં હોય છે, ધૂણતાં હોય છે. કેટલાક છોકરાંઓ ફિલ્મો જાઈને જેમ ડાયલોગ બોલતાં હોય છે એ રીતે ડુંગરદેવ ધૂણતાં હોવાનું અનુકરણ કરતાં હોય છે. આખો મામલો અમને તેનાથી વિશેષ કશો લાગતો નથી. પણ ટીવી મીડિયાએ આખા મામલે રાઈનો પહાડ કરી નાખ્યો છે. આટલું ઓછું હોય તેમ સાયકાલોજિસ્ટો આટલી સામાન્ય બાબતને વળી સિન્ડ્રોમનું નામ આપે છે. જા ખરેખર આ વિદ્યાર્થીઓ કોઈ માનસિક બિમારીનો ભોગ બનેલાં હોત તો ભણવામાં તેની અસર વર્તાતી હોત. પણ ત્રણેય બાળકો ભણવામાં હોંશિયાર છે. હજુ ગયા અઠવાડિયે જ લેવાયેલી વીકલી ટેસ્ટ તેમણે પોણો કલાકમાં ફટાફટ પૂરી કરી નાંખી હતી. અધિકારીઓ સામે પણ તેઓ સામાન્ય વર્તન કરે છે. એટલે અમને તો આખી બાબત ડુંગરદેવની પૂજા વખતે થતાં હાકલાં પડકારાં અનુકરણથી વિશેષ કંઈ લાગતી નથી.”
![]() |
| આંબાપાડાની શાળાનો આ બગીચો પેલાં વિદ્યાર્થીઓએ સૌની સાથે મળીને તૈયાર કર્યો છે. જો તેઓ માનસિક બિમાર હોય તો આવું કામ થાય ખરું ? |
આ શિક્ષકની વાતમાં વધારે દમ એટલાં માટે પણ લાગે છે, કેમ કે ઉહાપોહ થયા બાદ હવે ત્રણેય વિદ્યાર્થીઓ સામાન્ય લાગે છે. હવે તેમની વિચિત્ર હરકતો પણ બંધ થઈ ગઈ છે. ઉલટાનું બગીચામાં ખીલેલાં સુંદર ગુલાબની તેઓ માવજત કરે છે અને ભણવામાં પણ પુરતું ધ્યાન આપે છે. એ જાતાં આખી ઘટનામાં અનુકરણથી ખાસ કશું લાગતું નથી. અમે એ બાળકોનાં પરિવારજનો, ખાસ કરીને મહિલાઓ સાથે વાતચીત કરતાં એટલું સમજાયું હતું કે, તેમને બાળકોની હરકતોમાં ડુંગરદેવ પ્રત્યેની આસ્થાનાં દર્શન થતાં હતાં. અજયની માતા સહિતનો મહિલાવર્ગ તદ્દન અભણ છે. હા, ડુંગરદેવની કર્ણોપકર્ણ સાંભળેલી વાતોમાં તેમને ભારે આસ્થા છે. દરમિયાન અમે એ ત્રણેય બાળકો સાથે ડુંગરદેવ, તેમનાં રીતિરિવાજા વગેરે બાબતે વાત કરવા પ્રયત્ન કરતાં તેઓ કશું બોલી શક્યાં નહોતાં. તેમને એ બાબતે કોઈ વધુ જાણકારી હોય તેવું પણ લાગ્યું નહીં. કેટલાક મીડિયા રિપોટ્ર્સમાં શાળાનાં આચાર્ચ, શિક્ષકો વગેરેએ પૂજાવિધિ કરાવી હોવાનું કહેવાયું છે, જે વાસ્તવમાં વિદ્યાર્થીઓનાં પરિવારજનોએ કરાવી હતી અને તેમાં શિક્ષકોનો કોઈ રોલ નહોતો. જે રીતે તેમનાં પર આરોપો લાગ્યાં તેનાથી શાળાની છબિને ઘણું નુકસાન થયું છે. જે ભરપાઈ થઈ શકે તેમ નથી. ટુંકમાં, વિદ્યાર્થીઓની હરકતોને ભૂલીને આગળ વધી જવાની જરુર છે. તેઓ માનસિક બિમાર પણ નથી એટલે સાયકોલોજિસ્ટ પાસે ઘસડી જવા જેવી ગંભીરતા દાખવવાની પણ જરૂર જણાતી નહોતી. તેમણે જે પણ કંઈ કર્યું તેને બાળબુદ્ધિ ગણીને માફ કરી દેવાની જરુર છે. એમાં જ તેમનું અને સૌ કોઈનું હીત રહેલું છે.
આંબાપાડા બાદ દગડપાડાની જાતતપાસ
આંબાપાડા પ્રાથમિક શાળા, બાળકોનાં પરિવારજનો, સ્થાનિકો અને શિક્ષકો પાસે સારો એવો સમય વિતાવ્યાં બાદ અહીંથી ૧૫ કિલોમીટર દૂર આવેલાં દગડપાડા પહોંચ્યાં. મહારાષ્ટ્રની સરહદ પર આવેલું આ ગામ ટેકરાં પર વસેલું છે અને પ્રાથમિક શાળા તળેટીમાં આવેલી છે. અલગ અલગ ત્રણ જગ્યાઓ પર તે ફેલાયેલી છે જ્યાં ૭૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રભુભાઈ પટેલ, રાજેન્દ્ર પટેલ અને અશોક પટેલ નામનાં શિક્ષકોએ અમારું સ્વાગત કર્યું. જો કે મારી હાજરીને કારણે હાજર ત્રણેય શિક્ષકોનાં ચહેરાં પર એક પ્રકારનો ભય સ્પષ્ટ વર્તાઈ આવતો હતો. ઔપચારિક વાતચીત બાદ અમે શાળામાં ૧૦ વિદ્યાર્થીઓ ધૂણતાં હોવા બાબતે સવાલ કર્યો. જેનો ત્રણેય શિક્ષકોએ સ્પષ્ટ જવાબ આપ્યો કે, તેમની શાળામાં એકપણ વિદ્યાર્થીને આવું કશું થયું નથી. આખી ઘટના એક અફવા માત્ર છે અને મીડિયાએ આંબાપાડાનાં ઘટનાનાં ફૂટેજ દગડપાડાની સાથે જાડીને સ્ટોરી ચલાવી દીધી હતી. સાત જેટલી ન્યૂઝ ચેનલોમાં પત્રકારો અહીં આવી ગયાં છે, પણ કોઈને કશું મળ્યું નહીં એટલે છેલ્લે આંબાપાડાની જ ઘટનાનાં ફૂટેજ કાપીને અમારી શાળાને નામે ચડાવીને અમને બદનામ કરી દીધાં. ડીડીઓ સહિતનાં અધિકારીઓ શાળાની મુલાકાત લઈ ગયાં છે અને તેમને પણ કશું અજુગતું જણાયું નથી. ત્યારે ન્યૂઝ ચેનલોનાં પત્રકારોએ ક્યાં આધારે આટલી મોટી અફવા ફેલાવી દીધી તે અમને સમજાતું નથી. જુદી જુદી ન્યૂઝ ચેનલોએ આવીને અહીં શાળામાં ભણતાં વિદ્યાર્થીઓનું શુટીંગ કર્યું હતું પણ આવી કોઈ ઘટના બન્યાંનાં કોઈ પુરાવા તેમને મળ્યાં નહોતાં. છતાં અમારી શાળા અંધશ્રદ્ધાનાં નામે બદનામ થઈ ગઈ. સરપંચ સહિત સ્થાનિકો સૌ કોઈ આ મામલે નારાજ થયાં છે.
![]() |
| દગડપાડાની શાળામાં એકસાથે 10 વિદ્યાર્થીઓ વિચિત્ર હરકત કરતા હોવાની વાત પોકળ સાબિત થઈ. અહીં એવી કોઈ ઘટના બની જ નહોતી. |
દગડપાડાનાં શિક્ષક પ્રભુભાઈ પટેલ કહે છે, “મીડિયામાં ચાલેલી ખોટી માહીતિને કારણે અમારી શાળાની ભારે બદનામી થઈ છે. આંબાપાડાનાં ફૂટેજને અમારી શાળાનાં હોવાનાં બતાવાયા. એક ન્યૂઝ ચેનલમાં તો આંબાપાડાનાં બાળકોને અમારી શાળાનાં હોવાનું કહેવાયું. આ મામલે અમે કલેક્ટર સહિતનાં જવાબદાર અધિકારીઓને જાણ કરી છે. પ્રચાર માધ્યમોએ જાતતપાસ કર્યાં વિના જ ખોટાં સમાચાર પ્રસિદ્ધ કરી દીધાં હતાં.”
ઉપરની બંને ઘટનાઓને જે રીતે ચગાવવામાં આવી તેણે સમાજની મુખ્યધારાથી દૂર જંગલમાં વસતા આદિવાસીઓને પ્રચાર માધ્યમોનો સારો અનુભવ કરાવ્યો નથી. આદિવાસીઓ પ્રકૃતિ પૂજામાં માને છે એ વાત ખરી, પણ તેઓ એટલાં પણ અંધશ્રદ્ધાળું નથી કે સાચી વાત સમજી ન શકે. એટલે જ બાળકો ધૂણતાં હોવા છતાં તેમણે તેમની વાતોને ફગાવી દઈને પોતાની પરિપક્વતા બતાવી દીધી. સાયકોલોજિસ્ટ પાસે ત્રણેયનું કાઉન્સેલિંગ કરાવીને યોગ્ય પગલાં પણ લીધાં. જા કે મીડિયાનો તેમને કડવો અનુભવ રહ્યો. એ ત્યાં સુધી કે એક શિક્ષકે તો ટોણો મારતાં કહ્યું પણ ખરું કે, “જવાબદારી વિનાનું પત્રકારત્વ લોકોને કેવી દશામાં મૂકી શકે તે આજે અમે જાયું.”
સમાપ્ત
સમાપ્ત
'અભિયાન'માં પ્રકાશિત આંબાપાડા, દગડપાડાની સ્ટોરી













Comments
Post a Comment