સુપરફૂડ ‘સરગવો’ નાથશે કુપોષણનાં દાનવને
નવાઈની વાત છે કે આયુર્વેદમાં સરગવાને ખૂબ જ ઉપયોગી વૃક્ષ ગણાવાયું હોવા છતાં આપણે ત્યાં તેનો ઉપયોગ મર્યાદિત છે. પણ હવે લાગે છે તેમાં સુધારો થશે. કેમ કે હાલમાં જ એક સંશોધનમાં સરગવો કુપોષિત બાળકો માટે રામબાણ ઈલાજ સાબિત થયો છે અને સરકારે પણ તેનાં ઉપયોગને લીલી ઝંડી આપી દીધી છે. હાલ ભૂખમરાં મામલે ભારત વિશ્વનાં ગંભીરતમ ૧૧૯ દેશોમાં ૧૦૦મો ક્રમ ધરાવે છે ત્યારે સરગવા વિશે જાણવું જરૂરી બની જાય છે...
કુપોષણની સમસ્યા આમ તો સમગ્ર દેશને લાગુ પડે છે છતાં શરૂઆત મધ્યપ્રદેશનાં ખંડવા જિલ્લાનાં એક મહત્વનાં કિસ્સાથી કરીએ. અહીં ગત જૂન માસમાં છ મહિનાથી ૬ વર્ષ સુધીનાં ૧ લાખ ૨૦ હજાર બાળકોનું વજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦ હજારથી વધુ બાળકોનું વજન સામાન્ય કરતાં ઓછું જ્યારે ૧૦ હજાર બાળકોનું વજન અતિશય ઓછું નીકળ્યું. સ્વાભાવિક રીતે જ આ તમામ બાળકો એવા પરિવારોમાંથી આવતા હતાં જ્યાં બે ટંકનું ભોજન મળવાનાં પણ સાંસા હતાં. આંકડાઓને લઈને હોબાળો થતાં સમગ્ર મામલો મહિલા અને બાળ વિકાસ વિભાગ સુધી પહોંચ્યો અને તંત્ર હરકતમાં આવ્યું. બાળવિકાસ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓએ સરકારે નિયત કરેલાં કેટલાક પ્રયોગો કરી જાયાં. પણ તેનાથી બાળકોનાં સ્વાસ્થ્યમાં કોઈ દેખીતો કોઈ ફરક ન આવતાં આખરે મામલો પોષણ નિષ્ણાતો પાસે પહોંચ્યો. જ્યાં તેમણે અધિકારીઓને કુપોષિત બાળકોને સરગવાનાં ફળ, ફૂલ અને પાનનું સેવન કરાવવાની ભલામણ કરી. સાથે જ કેવી રીતે આફ્રિકા ખંડના ગરીબ દેશોએ તેનાં થકી કુપોષણને માત આપી છે તેના ઉદાહરણો પણ આપ્યાં. પોષણ નિષ્ણાતોની વાત અધિકારીઓને ગળે ઉતરી અને તેમણે બાળકોને કુપોષણથી બચાવવા સરગવાને હથિયાર બનાવવાની તૈયારી કરી. સૌ પ્રથમ તો જે ઘરોમાં કુપોષિત બાળકો હતાં ત્યાં તેનાં વૃક્ષો વાવવામાં આવ્યાં. આંગણવાડી કેન્દ્રોનાં પરિસરમાં પણ સરગવાનાં ઝાડ વાવ્યાં. પ્રથમ તબક્કામાં ૧૫૦૦થી વધુ રોપાં રોપવામાં આવ્યાં, જે માત્ર ૬ મહિનામાં વૃક્ષ બનીને ફળ અને ફૂલ આપવા લાગ્યાં. એ તમામનો ઉપયોગ કુપોષિત બાળકોનાં ખોરાકમાં કરવાનું શરૂ કરાયું. શરૂઆતમાં અહીંની એક આંગણવાડીનાં બે કુપોષિત બાળકોને સરગવાનાં પાનનો પાવડર અને તેની શીંગોનું શાક નિયમિત રીતે ખવડાવવામાં આવ્યું. જેનું પરિણામ એ આવ્યું કે માત્ર એક જ મહિનામાં બંને બાળકો કુપોષિતમાંથી સામાન્ય કક્ષામાં આવી ગયા. અઢી વર્ષની સૃષ્ટિનું વજન માંડ ૮ કિલોગ્રામ હતું અને જિલ્લાની હોસ્પિટલમાં તેની સારવાર ચાલતી હતી છતાં તેનાં શરીરમાં કોઈ ફરક પડતો નહોતો. તેને આંગણવાડી કાર્યકર્તા કવિતા તિરોલે ચપટી જેટલો સરગવાનાં પાનનો પાઉડર ખોરાકમાં મિક્સ કરીને આપવાનું શરૂ કર્યું હતું. આ પ્રયોગ ભાવેશ નામનાં અન્ય એક કુપોષિત બાળક પર પણ શરૂ કરાયેલો. સૌનાં આશ્ચર્ય વચ્ચે જાતજાતામાં બંનેનું વજન અઢી કીલો વધી ગયું. સફળ આ પ્રયોગ બાદ હવે સરગવાનો પાવડર અહીંની દરેક આંગણવાડીમાં નોંધાયેલાં બાળકો અને મહિલાઓને ફરજિયાત આપવામાં આવે છે. આંગણવાડીની બહેનો દ્વારા સરગવાનો પાવડર જાતે જ તૈયાર કરવામાં આવે છે, જે કુપોષિત બાળકોની સાથે ગર્ભવતી, ધાત્રી મહિલાઓ સુધી પહોંચાડવામાં આવે છે.
અહીં રજૂ કર્યું તે ફક્ત એક ઉદાહરણ થયું, બાકી સરગવામાં એવાં અનેક ગુણો છે જે કુપોષણની સાથે બીજાં પણ અનેક રોગોમાં લાભદાયી છે. એની વાત પછી, પહેલાં વાત કુપોષણની વર્તમાન પરિસ્થિતિની..
![]() |
| સરગવાનાં વિવિધ ઉપયોગોની જાણકારી મળી રહે તે હેતુ નેશનલ હેલ્થ મિશન દ્વારા આંગણવાડીઓમાં કાર્યક્રમો યોજાય છે. |
ભારતમાં ૨૧ ટકા બાળકો કુપોષિત
કુપોષણનું સીધું કનેક્શન ભૂખમરાં સાથે રહેલું છે એટલે તેને આધાર બનાવીને ચાલીશું તો પરિસ્થિતિ શું છે તેનો ખ્યાલ આવશે. હાલ ભારત વિકસિત દેશ બનવા માટે મથી રહ્યો છે ત્યારે વૈશ્વિક ભૂખ ક્રમાંક અર્થાત ગ્લોબલ હંગર ઈન્ડેક્સ(જીએચઆઈ)નો ૨૦૧૭નો રિપોર્ટ આપણને આંચકો આપે તેવો છે. રિપોર્ટ મુજબ ભારતમાં સૌથી વધુ લોકો ભૂખમરાંનો શિકાર બને છે. ભૂખ મામલે વિશ્વના ૧૧૯ દેશોમાં ભારતને ૧૦૦મો ક્રમ આપવામાં આવ્યો છે, જે ગત વર્ષે ૯૭મો હતો. આ લિસ્ટમાં આપણાં પડોશી દેશો ચીન(૨૯), નેપાળ(૭૨), મ્યાનમાર(૭૭) શ્રીલંકા(૮૪) અને બાંગ્લાદેશ (૮૮) આપણાંથી ક્યાંય આગળ છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ વર્ષ ૨૦૦૬થી પ્રકાશિત થઈ રહ્યો છે અને ત્યારથી ભારત નીચલાં સ્થાને જ છે. ૧૧૯ દેશોનાં લિસ્ટમાં આપણું નામ આફ્રિકન મહાદ્વીપનાં જિબૂતી અને યુદ્ધગ્રસ્ત રવાન્ડા સાથે સંયુક્ત રીતે ૧૦૦મું છે. રિપોર્ટમાં વધુમાં કહેવાયું છે કે, ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઊંમરનાં ૨૧ ટકા બાળકો કુપોષિત છે. એ રીતે ભારત એ દેશોની સૂચિમાં સામેલ છે જેમણે છેલ્લા ૨૦ વર્ષમાં આ સમસ્યામાં જરાય સુધારો નથી કર્યો. નેશનલ ફેમીલિ હેલ્થ સર્વેનો આધાર લઈને રિપોર્ટમાં કહેવાયું છે કે, ૧૯૯૮-૨૦૦૨ વચ્ચે જ્યાં ૧૭ ટકા બાળકો કુપોષિત હતાં તેમની સંખ્યા ૨૦૧૨-૨૦૧૬ની વચ્ચે વધીને ૨૧ ટકા થઈ ચૂકી છે અને તે વૈશ્વિક સરેરાશથી બેગણી છે. ભારત સિવાય માત્ર જિબૂતી, શ્રીલંકા અને દક્ષિણ સુદાનમાં જ કુપોષિત બાળકોની સંખ્યા ૨૦ ટકાથી વધુ છે. સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠનનો ૨૦૧૭નો રિપોર્ટ કહે છે કે, આજે દુનિયાની ૭.૧ અબજ વસ્તીમાં ૮૦ કરોડ લોકો ભૂખમરાંનો શિકાર છે. જે પૈકી ૨૦ કરોડ એકલા ભારતમાં છે અને એ રીતે તે દુનિયામાં સર્વાધિક છે. કુપોષણની આ કહાની આટલેથી ખતમ નથી થતી. દેશમાં પાંચ વર્ષથી ઓછી ઊંમરનાં ૩૮.૪ ટકા બાળકોની ઊંચાઈ તેની ઊંમરના પ્રમાણમાં ઓછી છે તો ૨૧ ટકાનું વજન ખુબ જ ઓછું છે. અપુરતાં ખોરાકને કારણે થતી બિમારીઓને કારણે દેશમાં વર્ષે ૩ હજાર બાળકો દમ તોડી દે છે.
આશ્ચર્યની વાત એ છે કે, વર્ષ ૧૯૫૦-૫૧માં દેશમાં કુલ અનાજ ઉત્પાદન ૫ કરોડ ટન હતું જે ૨૦૧૫-૧૬માં ૨૫.૨૨ કરોડ ટન થઈ ગયું હતું છતાં, ભૂખ્યાં લોકોની પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નહોતો. છેલ્લા ૧૨ વર્ષમાં ભારતનો જીડીપી સરેરાશ ૮ ટકા રહ્યો છે છતાં ભૂખમરાંની સમસ્યા સતત વધતી રહી છે. એ સમજવું અઘરું નથી કે ભૂખમરાંનો દર જેટલો ઊંચો એટલી કુપોષણની સમસ્યા વિકરાળ.
![]() |
| સરગવો રોટલી, ભાખરી, હાંડવો, ખાંડવી, પુરી, પરોઠા એમ દરેકમાં વાપરી શકાય છે. |
![]() |
| નેશનલ હેલ્થ મિશન ગુજરાત દ્વારા સરગવાની વિવિધ વાનગીઓ મહિલાઓને શીખવવામાં આવે છે. |
![]() |
| અધિકારીઓ દ્વારા આંગણવાડી કેન્દ્રોનાં પ્રાંગણમાં આ રીતે સરગવાનું વાવેતર કરીને તેનાં ઉપયોગને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. |
![]() |
| સરગવા દ્વારા કૂપોષણ નાથવાનો વિચાર અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં આઈવીએફ વિભાગનાં હેડ ડો. વીનિત મિશ્રાને આવેલો. |
આ જ મામલે ગુજરાતની વાત કરવી હોય તો રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કરેલાં આંકડાઓ પર નજર કરવી પડે. જેમાં સરકારે સ્વીકાર કર્યો છે કે રાજ્યમાં ૧ લાખ ૬ હજાર બાળકો કુપોષણથી પિડાય છે. સૌથી વધુ કુપોષિત બાળકો વડોદરા જિલ્લામાં (૭૬૨૫) સામે આવ્યાં છે. ત્યારબાદ દાહોદ, ખેડા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાનો નંબર આવે છે. કુપોષણ સાથે જાડાયેલી અન્ય સમસ્યાઓની વાત કરીએ તો ગુજરાત દેશનાં ૨૯ રાજ્યોમાં બાળમૃત્યુ દર મામલે ૧૭માં ક્રમે છે. જ્યારે ઓછું વજન ધરાવતાં બાળકો મામલે ૨૫ માં ક્રમે છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ રિપોર્ટ ૨૦૧૫-૧૬નાં ઉપલબ્ધ આંકડાઓ અનુસાર ગુજરાતમાં જન્મતા દર એક હજાર બાળકો પૈકી ૩૩ મોતને ભેટે છે. આ આંકડો કેરળમાં ૧૨, તામિલનાડુમાં ૧૯, મહારાષ્ટ્રમાં ૨૧ અને પંજાબમાં ૨૩ બાળકોનો છે. કુપોષણનાં કારણે જ રાજ્યમાં ૩૯ ટકા બાળકો ઓછું વજન ધરાવે છે. આ આંકડો દેશમાં સરેરાશ ૩૫ ટકા છે. એટલે કે ગુજરાતમાં ઓછું વજન ધરાવતા બાળકો દેશની સરેરાશ કરતાં પણ વધારે પ્રમાણમાં છે. આ મામલે વિકસિત ગુજરાત ઝારખંડ-૪૭.૮, બિહાર-૪૩.૯, મધ્યપ્રદેશ-૪૨.૮ અને ઉત્તરપ્રદેશ-૩૯.૫ બાદ પાંચમાં ક્રમે આવે છે.
સરગવોઃ એક ઓલરાઉન્ડર વૃક્ષ
કુપોષણનાં કહેર વચ્ચે ફિલ્મી હીરોની સ્ટાઈલમાં સુપરફૂડ સરગવાની એન્ટ્રી થઈ છે. આપણી ફિલ્મોમાં જેમ ગુંડાઓનો ત્રાસ વધતો જાય, લોકો ત્રાહીમામ પોકારી ઉઠે, ઈશ્વરને પ્રાર્થના કરવા માંડે એ પછી હીરોની એન્ટ્રી થાય, કંઈક એવી જ અદાથી કુપોષણનાં વિલનનો ખાત્મો બોલાવવા સરગવો આવી પહોંચ્યો છે. તેનાં મૂળથી લઈને છાલ, પાન, ફળ, ફૂલ એમ દરેકનો કોઈને કોઈ ઉપયોગ થાય છે. એ રીતે તે આપણાં ફિલ્મી હીરોની જેમ ઓલરાઉન્ડર છે. અહીં કુપોષણમાં તેની મહત્તા સમજતા પહેલાં તેનાં વિશે સામાન્ય જાણકારી મેળવી લઈએ.
ભગવદ્ગોમંડળમાં સરગવાને ઉષ્ણ, દીપક, પાચક, સારક અને મૂત્રલ ગણાવાયો છે. તેનું વૈજ્ઞાનિક નામ મોરિંગા ઓલિફેરા છે. મોરિંગાની તમામ પ્રજાતિઓમાં સૌથી વધુ ખેતી સરગવાની થાય છે. ફીલિપાઈન્સ, મેક્સિકો, શ્રીલંકા, મલેશિયા, ઘાના, ટોગો વગેરે દેશોમાં તેનો મોટાપાયે ઉપયોગ થાય છે. આપણે ત્યાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં વિવિધ વાનગીઓમાં તે છુટથી વપરાય છે. ઉત્તર અને દક્ષિણ ભારતમાં સરગવો થોડો જુદો પડે છે. દક્ષિણમાં તેનાં વૃક્ષ પર આખું વર્ષ શીંગો આવતી રહે છે, જ્યારે ઉત્તર ભારતમાં માત્ર એક વખત સિઝન દરમિયાન શીંગો આવે છે. ઉત્તર ભારતમાં તે સહજન અને મોંગાના નામે વધુ જાણીતો છે. સરગવાના ઝાડની ખાસિયત એ છે કે ઓછાં પાણીમાં પણ તે ઉછરી જાય છે. તેની કાપેલી ડાળી જમીન પર પડી રહીને પણ લાંબો સમય સુધી સુકાતી નથી અને તેમાંથી નવી કુંપળો ફૂટે છે. તેની કડવી અને મીઠી એમ બે જાતો પૈકી એકમાં કાળાં અને બીજામાં સફેદ ફૂલ થાય છે. પાન નાનાં અને આવળની જેમ સામસામે, જ્યારે શીંગ એકથી બે ફૂટ લાંબી, સાત આઠ કોરવાળી અને અંદરથી ત્રિધારા બીવાળી હોય છે. જેમાં પ્રોટીન, ચરબી, શર્કરા અને લોહ સહિતનાં તત્વો હોય છે. નિષ્ણાતોનાં મતે સરગવો ૩૦૦થી વધુ રોગોને દૂર ભગાડતી કુદરતી ઔષધિ છે. અઠવાડિયામાં એક કે બે દિવસ સરગવો ખાવાથી ઘણીબધી બિમારીઓ દૂર ભાગે છે. તેના તાજાં ફૂલોમાંથી આયુર્વેદિક શક્તિવર્ધક પાવડર બને છે, જ્યારે છાલ, પાન, મૂળિયાં વગેરેમાંથી આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવે છે. તેની આ ખાસિયતોને લીધે અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા વર્ષ ૨૦૦૮માં તેને ‘પ્લાન્ટ ઓફ ધ યર’ જાહેર કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોને અત્યાર સુધીમાં સરગવામાં ૯૦ જેટલા મહત્વનાં પોષકતત્વો મળી આવ્યાં છે અને હજુ વધુનો તેમાં ઉમેરો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
![]() |
| નેશનલ હેલ્થ મિશન ગુજરાતનાં ડાયરેક્ટર ડો. ગૌરવ દહીયાનાં મતે સરગવો દક્ષિણ એશિયાનો જાદુઈ છોડ છે. |
![]() |
| રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનનાં સ્ટેટ ન્યૂટ્રિશન કન્સલટન્ટ ડો. આબિદ કુરેશી સરગવાથી થકી કુપોષણ દૂર કરવા પ્રયત્નશીલ છે. |
![]() |
| NHLનાં ન્યૂટ્રિશન નોડલ ઓફિસર ડો. જયેશ સોલંકીનાં મતે સરગવામાં એન્ટિ એજિંગ અને એન્ટિ ઓક્ટિડન્ટ તત્વો સૌથી વધુ છે. |
સરગવા અંગે નિષ્ણાતો શું કહે છે ?
સરગવા અંગે આટલી સામાન્ય જાણકારી મેળવ્યાં પછી સૌથી પહેલો સવાલ તેની સ્વીકૃતિને લઈને થાય. ખાસ તો લોકો તેને તુચ્છ ગણીને નકારી કાઢતા હોય ત્યારે. આવી પરિસ્થિતિમાં ઉપર જણાવેલાં તેનાં ગુણો અંગે નિષ્ણાંતો શું મત ધરાવે છે તે જાણવું જરૂરી બની જાય છે. સરગવાનો કુપોષણ નાથવામાં ઉપયોગ કરવાનો આઈડિયા જેમનાં ફળદ્રુપ ભેજામાં આવ્યો તે ગુજરાત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનનાં ડીરેક્ટર ડા. ગૌરવ દહિયા કહે છે, “સરગવો દક્ષિણ એશિયાનો એક જાદુઈ છોડ છે. ચિકિત્સા પ્રણાલીમાં વર્ષોથી તેનો ઉપયોગ થતો આવે છે. તે એન્ટિઓક્સાઈડથી ભરપુર હોઈ તેને સ્વર્ગનાં વૃક્ષની ઓળખ આપવામાં આવી છે. તેની પાતળી છાલ અને શીંગમાં મોટાં પ્રમાણમાં ખનીજતત્વો અને વિટામીનો રહેલાં હોય છે. સરગવાનો એક નાનો કપ ૧૫૭ ટકા આરડીએ વિટામીન-સી આપે છે. તેનાં એક કપમાંથી દૈનિક જરૂરિયાતનું વીટામીન બી૬, ૯ ટકા વિટામીન એ, ૨ ગ્રામ પ્રોટીન, ૧૨ ટકા વિટામીન સી, ૧૧ ટકા વિટામીન બી ૨ રેડીફ્લેવન અને ૧૧ ટકા આયર્ન આસાનીથી મળી રહે છે. સામાન્ય રીતે વિટામીન એ, ઈ અને સી જા દવા તરીકે કે દવા સ્વરૂપે લેવામાં આવે તો માણસની સરેરાશ આવરદામાં બહુ ફરક પાડી શકતાં નથી, પરંતુ ખોરાકમાં તેનો ઉપયોગ થાય તો ઉત્તમ પરિણામ આપે છે. માનવ શરીરને અંદાજે ૨૦ જેટલા એમિનો એસિડની જરૂર પડે છે અને તે સીધું જ પ્રોટિનનાં નિર્માણ સાથે સંકળાયેલું છે. જેમ વિવિધ અક્ષરો મળીને એક શબ્દ બને છે તેમ એમિનો એસિડોનાં સંયોજનથી પ્રોટિન બને છે. મહત્વની વાત એ છે કે સરગવામાં કુલ ૨૦ પૈકી ૧૮ એમિનો એસિડ રહેલાં છે અને શરીર માટે અત્યંત જરૂરી એવા આઠેય એમિનોનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે. આ બધાં એમિનો એસિડ લાલ માંસ કે ચીઝ વગેરે જેવાં ડેરી ઉત્પાદનોમાંથી મળતાં હોય છે. જેના કારણે શાકાહારી લોકો આમાંના ઘણાં તત્વોથી વંચિત રહી જાય છે. આવી પરિસ્થિતિમાં સરગવો એ ઉણપ પૂર્ણ કરવા સક્ષમ છે. તેમાં આવા લગભગ ૯૦ કરતાં વધુ પોષકદ્રવ્યો રહેલાં છે. જેમાં પાચન માટે અત્યંત જરૂરી એવાં ફાઈબરનો પણ સમાવેશ થઈ જાય છે. તેનાં આ અસામાન્ય ગુણોને કારણે કુપોષણ નાબૂદી માટે અમે રાજ્યની તમામ જિલ્લા પંચાયતોનાં હેલ્થ ઓફિસરોને પરિપત્ર દ્વારા લોકોમાં સરગવાનો ઉપયોગ વધે તે માટે પગલાં લેવા આદેશ કર્યો છે.”
બદલાયેલી ખાણીપીણીની ટેવોને કારણે બાળકોની સાથે સૌથી વધુ મહિલાઓ અને યુવતીઓ કુપોષણનો શિકાર બનતી હોય છે. તેમની શારીરિક ખામીઓની અસર પછી તેમનાં બાળકોમાં પણ જાવા મળતી હોય છે. ત્યારે સ્ત્રી રોગ નિષ્ણાતો પણ આ મામલે સરગવાની તરફેણ કરતાં જાવા મળ્યાં છે. અમદાવાદ સ્થિત એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલનાં સ્ત્રી રોગ વિભાગનાં અધ્યક્ષ અને આઈવીએફ નિષ્ણાત ડો. વીનિત મિશ્રા તેમાં પ્રથમ છે. સરગવાનાં ઔષધિય ગુણો અને તેનાં સેવનથી સ્ત્રીઓને થતાં ફાયદા વર્ણવતાં તેઓ કહે છે, “સરગવો એક એવું સસ્તું શાક છે જે ખાવાથી સ્ત્રીઓની અનેક શારીરિક ફરિયાદો ગણતરીનાં દિવસોમાં જ દૂર થઈ શકે છે. એક સંશોધન પ્રમાણે સરગવાનું નિયમિત સેવન કરવાથી માનવજીવનમાં એક દાયકાનું આયુષ્ય વધી શકે છે. મોટાભાગે મહિલાઓને પેટનાં દર્દો, અનિયમિત માસિક, કબજિયાત, વગેરે સમસ્યાઓ ખાણીપીણીની ખોટી આદતોને કારણે થતી હોય છે. પણ હું તેમને સરગવાનો ઉપયોગ કરવાની સલાહ આપીશ. તેનાં પાનને લસોટી તેમાં લસણ, આદુ, ફુદીનો, ધાણા, જીરૂ, મરચું વગેરે નાખીને જે રીતે લસણની ચટણી બનાવીએ છીએ તે રીતે તૈયાર કરીને દરરોજ ભોજનમાં ઉપયોગ કરવાથી પેટની સમસ્યાઓ દૂર થઈ જશે. બજારમાં મળતી પેટ સાફ રાખવાની દવાઓ કરતાં આ પ્રયોગ વધારે અસરકારક છે. સરગવાનાં પાન અને શીંગો ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, મેનોપોઝ ચાલતો હોય તેવી મહિલાઓ માટે અકસીર ઔષધિ છે. જેમને ગેસ, એસીડીટીની તકલીફ રહેતી હોય તેવી મહિલાઓએ શાક, દાળમાં સરગવાની શીંગો નાખીને ખાવી જાઈએ. ઓછું વજન ધરાવતી મહિલાઓએ સરગવાનાં પાન રોટલી, ભાખરી, થેપલાં, હાંડવો, ઈડલી વગેરે વાનગીઓ બનાવતી વખતે મિક્સ કરીને ખોરાકમાં સમાવવા જાઈએ. અહીં મહત્વની વાત એ છે કે તેની કોઈ આડઅસર નથી. તેથી ગર્ભવતીથી લઈને તમામ ઉંમરની સ્ત્રીઓ, બાળકો, યુવાનો, આધેડો અને વૃદ્ધો સુદ્ધાં તેનો બેધડક ઉપયોગ કરી શકે છે. પ્રકૃતિની રીતે તે નરમ હોઈ તેની માત્રાને લઈને કોઈ ચિંતા રહેતી નથી. સરગવાનાં આવા અઢળક ગુણોથી લોકો વાકેફ થાય તે હેતુથી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગે તેને એક મિશન તરીકે હાથ પર લીધું છે તે આવકાર્ય બાબત છે. આરોગ્ય વિભાગનાં અધિકારીઓએ લોકોમાં સરગવાનાં ગુણો વિશે જાણકારી વધે, તેનો ઉપયોગ વધે તે માટે જનઆંદોલન શરૂ કર્યું છે તે યોગ્ય દિશામાં છે.”
અમદાવાદની જાણીતી અપોલો હોસ્પિટલનાં લાઈફસ્ટાઈલ કાઉન્સેલર અને ન્યૂટ્રિશનિસ્ટ ડો. શ્વેતા બેનરજી સરગવાનાં સૌંદર્ય નિખારતાં ગુણોનાં ફેન છે. કેવી રીતે સરગવો સાંદર્ય નિખારમાં ઉપયોગી થઈ શકે તેની વાત કરતાં તેઓ કહે છે, “હું તો મારે ત્યાં આવતી દરેક મહિલાઓ, યુવતિઓને સરગવાનાં ઉપયોગની ભલામણ કરતી હોઉં છું. મને તેનાં એકથી વધુ ગુણો આકર્ષે છે. તેનાંં તેલનો સૌંદર્યવર્ધક તરીકે મોટેભાગે મોઈશ્ચરાઈઝીંગ અને સ્કીન કન્ડિશનર તરીકે અને ચામડીની તકલીફોમાં ઉપયોગ થાય છે. તેનાં ફૂલનાં ઉપયોગથી સોજા, સ્નાયુ અને માંસપેશીઓનાં રોગ દૂર થાય છે. તેનાં પાન શીત અને આંખો માટે ગુણકારી છે. તેમાં વિટામીન એ તથા સી, પ્રોટીન, લોહતત્વ તથા પોટેશિયમ જેવા પોષકતત્વો ભરપૂર પ્રમાણમાં રહેલાં છે. તેનાં નિયમિત સેવનથી સ્કીન પર અસામાન્ય ચમક જોવા મળે છે. ખીલ, લોહીમાં ખામી જેવી સમસ્યાઓમાં તે અક્સીર ઉપચાર સાબિત થાય છે. હું તો ત્યાં સુધી કહીશ કે જીવનમાં લાંબા સમય સુધી સુંદર અને સ્વસ્થ રહેવું હોય તો સરગવાનું નિયમિત સેવન કરવું જાઈએ.”
![]() |
| લાંબા સમય સુધી સુંદર અને સ્વસ્થ રહેવું હોય તો સરગવાનું નિયમિત સેવન કરવું જાઈએઃ ડો. શ્વેતા બેનરજી, લાઈફ સ્ટાઈલ કાઉન્સેલર, અપોલો હોસ્પિટલ, અમદાવાદ |
![]() |
| આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં એડીશનલ ડાયરેક્ટર ડો. પ્રકાશ વાઘેલાનાં મતે સરગવો મંદ પડી ગયેલાં કોષોને ઝડપથી જીવંત કરે છે. |
![]() | |
|
નારાયણા હોસ્પિટલનાં ક્લિનિકલ ડાયટિશ્યન ડો. શ્રૃતિ ભારદ્વાજ તો તેનાથી પણ એક ડગલું આગળ વધીને સરગવાને પોષણનું પાવરહાઉસ ગણાવે છે. ખાસ તો ડાયટ પ્લાનમાં તે એકદમ ફીટ બેસતો હોવાની વાત તેમને સૌથી વધુ ગમે છે. શા માટે તેમને સરગવો પોષણનું પાવરહાઉસ લાગે છે તેની વાત કરતાં તેઓ કહે છે, “તેમાં સંતરાની છાલની સરખામણીએ સાતગણું વિટામીન-સી છે, ગાજર કરતાં ચારગણું વિટામીન-એ (એ પણ લેક્ટોઝ વિના) છે. કેળાને આપણે ત્યાં પોટેશિયમનો શ્રેષ્ઠ સોર્સ ગણવામાં આવે છે પણ સરગવામાં તેની સરખામણીએ ત્રણસો ટકા વધુ પોટેશિયમ છે. દહીં કરતાં તેમાં બમણું પ્રોટિન છે. ઝીંકની ખામીથી જો વાળ ખરતાં હોય તો એ પ્રક્રિયા પણ તે અટકાવી શકે છે. ટુંકમાં, અનેક શારીરિક ખામીઓ, સમસ્યાઓનું સમાધાન સરગવામાં રહેલું છે. એટલે મારા કહેવાથી નહીં પણ તેમાં રહેલાં ગુણોથી તે વગર કહ્યે જ પોષણનું પાવરહાઉસ બની જાય છે.”
હાલ આપણે ત્યાં આરોગ્યની સમસ્યાઓનાં સમાધાન બાબતે કાંખમાં છોકરું અને ગામમાં ઢંઢેરો જેવી સ્થિતિ પ્રવર્તે છે. મોટાભાગનાં લોકો સામાન્ય શારીરિક સમસ્યાઓનું સમાધાન બહાર શોધતાં ફરતાં હોય છે. જ્યારે સુપરફૂડ સરગવામાં એ તમામ ગુણો મોજૂદ છે જે આ સમસ્યાઓનું સમાધાન કરી શકે છે.
સરગવો કુપોષણને કેવી રીતે નાથશે ?
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા દેશભરમાં કુપોષણને નાથવા માટે સરગવાનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. ત્યારે સવાલ એ થાય કે સરગવામાં એવું તે શું છે કે ખુદ સરકાર તેમાં આટલો બધો રસ લઈ રહી છે ?શું ખરેખર સરગવો કુપોષણ નાથવા સક્ષમ છે ? - આ અને આવા બીજા અનેક મૂંઝવતાં સવાલોનાં જવાબ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનનાં ત્રણ ઉચ્ચ અધિકારીઓ ગજબનાં આત્મવિશ્વાસથી આપે છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં એડીશનલ ડાયરેક્ટર ડો. પ્રકાશ વાઘેલા ગુજરાતમાં કુપોષણની સમસ્યા અંગે વાત કરતાં કહે છે, “ગુજરાતનાં આપણાં પરિવારોમાં જ ન્યૂટ્રિશનની જાણકારીની જ ભારે કમી છે. આપણી ખાણીપીણીની આદતો બહુ સારી નથી જેના કારણે એક મધ્યમ વર્ગનાં પરિવારનું બાળક પણ કુપોષિત જાવા મળે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં શ્વેત ક્રાંતિ છતાં જિલ્લાઓની મારી ફિલ્ડ વિઝીટમાં મેં જોયું છે કે, પરિવારનાં બાળકોને જરૂરી માત્રામાં દૂધ મળતું નથી. વળી કન્યાઓ માટે આપણે ત્યાં ખાનપાનનાં જુદા જ નિયમો અસ્તિત્વ ધરાવે છે. તેણે પાતળું દેખાવાનું હોય છે, જેના કારણે ઓછું ખાવાની પણ ટેવ પાડવામાં આવે છે. એમાં માબાપને ખ્યાલ નથી હોતો કે ઓછો ખોરાક તેને કુપોષિત બનાવી શકે છે. આવી કન્યાઓ જા ભણવા જતી હોય તો બહારનું જમતી હોય છે, જે મોટાભાગે જંકફૂડ હોય છે. તેથી તેમનામાં કુપોષણનું પ્રમાણ વધુ હોવાનું. આ ચેઈન આગળ પણ ચાલું રહેતી હોય છે. ખાસ કરીને લગ્ન બાદ તેનું બાળક પણ ઓછું વજન ધરાવતું જન્મતું હોય છે. આ બાબતે પંજાબ અને હરિયાણાનાં ઉદાહરણો સમજવા જેવાં છે. ત્યાં પરિવારનો દરેક સભ્ય દરરોજ ઓછામાં ઓછું ૫૦૦ થી ૭૦૦ મી.લી. દૂધ પીવે છે. તેમની લસ્સીનો ગ્લાસ એટલો મોટો હોય છે કે આપણે જો તે પીએ તો આખો દિવસ જમવાની જરૂર જ ન પડે. જેની સામે આપણે ત્યાં બધું દૂધ ડેરીઓમાં જમા કરાવી દેવાય છે. માત્ર ચાનાં ખપ પુરતું જ દૂધ ઘરમાં રખાય છે. આ પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં ઓછી છે, ત્યાં દૂધ, છાશ, દહીં વગેરે વિપુલ પ્રમાણમાં ખાવાનો રિવાજ છે જેના કારણે ત્યાં કુપોષણનો આંક પણ નીચો છે. વિવિધ પરિસ્થિતિ વચ્ચે આપણે ત્યાં કુપોષણ ત્રણ પ્રકારે જોવા મળે છે. ઉંમરનાં પ્રમાણમાં બાળકનું વજન ઓછું રહે છે જેને અન્ડરવેઈટ કહે છે. કેટલાક બાળકોમાં ઉંમર પ્રમાણે ઊંચાઈ ઓછી હોય છે, તેને સ્ટન્ટિંગ કહેવાય છે. જ્યારે ઊંચાઈના પ્રમાણમાં વજન ઓછું હોય તેને માલન્યૂટ્રિશન કહીએ છીએ. સરગવો આ ત્રણેય પરિસ્થિતિમાં રામબાણ ઈલાજ છે. તેમાં રહેલાં તત્વો નવાં કોષોની ઝડપ એકદમ વધારી દે છે. ખાસ કરીને કુપોષિત બાળકોમાં જ્યારે અપુરતાં ખોરાકને કારણે નવાં કોષોનું ઉત્પાદન મંદ પડી રહ્યું હોય છે ત્યારે સરગવો ખૂબ ઝડપથી નવા કોષો પેદા કરે છે. આ પ્રક્રિયા માત્ર સરગવામાં જ શક્ય છે. એટલે જ જા તે નિયમિત લેવામાં આવે તો શરીરમાં કુપોષણ ઝડપથી ઘટે છે.”
![]() |
| નારાયણા હોસ્પિટલનાં ક્લિનિકલ ડાયટિશ્યન ડો. શ્રૃતિ ભારદ્વાજ સરગવાને પોષણનું પાવરહાઉસ માને છે |
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનનાં ગુજરાતનાં સ્ટેટ ન્યૂટ્રિશન કન્સલટન્ટ ડા. આબિદ કુરેશી કેવી રીતે સરગવાનો ઉપયોગ રાજ્યમાં કુપોષણ હટાવવા થઈ રહ્યો છે તેની વાત કરતાં કહે છે, “સરગવાનાં પાન, શીંગ, ફૂલ એમ દરેકનો કોઈને કોઈ ઉપયોગ છે. એટલે જ અમે કુપોષિત બાળકોની માતાઓ અને આંગણવાડીની બહેનોને સરગવાનો કેવી રીતે ખોરાકમાં ઉપયોગ કરવો તેની રીતો શીખવીએ છીએ. સરગવાનાં પાનનો ભજિયા, થેપલાં, રોટલી, ભાખરી, ચટણી વગેરેમાં ઉપયોગ કરી શકાય છે. આ સિવાય હાંડવો, ઢોકળાં અને છાશમાં પણ તે મિક્સ કરી શકાય. આ માટે અમે રાજ્યનાં વિસ્તારોમાં મહિલાઓને આ વાનગીઓ શીખવવા માટેનાં કેમ્પ યોજીએ છીએ. આંગણવાડી કેન્દ્રો પર પણ મહિલાઓ સરગવાની વાનગીઓ શીખે છે. હવે તો મહિલાઓ તેમાં અવનવા પ્રયોગો પણ કરતી થઈ છે, જેમ કે સરગવાના પાનને સોજીનાં લોટમાં મિક્સ કરીને તેની ઈડલી બનાવે છે. જે સરગવો મિક્સ કરેલાં સંભાર સાથે કુપોષિત બાળકોને સર્વ થાય છે. આ માટે અમે આંગણવાડીઓમાં સરગવાનાં વૃક્ષનું વાવેતર કરવાનું પણ શરૂ કર્યું છે. વિભાગનાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સરગવાનાં એકથી વધુ વૃક્ષો વવાય છે અને તેનો ઉપયોગ આંગણવાડીની બહેનો કુપોષિત બાળકો માટે કરે છે. અમે ગામડાંઓમાં જે પણ પરિવારમાં કુપોષિત બાળકો હોય તેમને આંગણામાં સરગવો વાવવાની ભલામણ કરીએ છીએ. કેમ કે, તે ઓછાં પાણીમાં અને માત્ર છ મહિનામાં ફળ આપતો થઈ જાય છે. દરેક પ્રકારની જમીન તેને માફક આવતી હોઈ એ બાબતની પણ કોઈ ચિંતા કરવાની રહેતી નથી.”
ડો. જયેશ સોલંકી, જેઓ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનનાં ગુજરાત ખાતેનાં ન્યૂટ્રિશન બાબતોનાં નોડલ ઓફિસર છે તેઓ શા માટે સરગવો સુપરફૂડ છે તેનું રહસ્ય ખોલતાં કહે છે, “સરગવાનાં ફાયદા અનેક છે. પણ માત્ર તેમાંથી જ મળતાં હોય તેવાં પોષકતત્વો પણ અનેક છે. તે જગતનાં અન્ય કોઈપણ સુપરફૂડ કરતાં એન્ટિઓક્સિડન્ટ તત્વોમાં બહેતર છે. હૃદય અને તેની નળીઓને સ્વસ્થ રાખવાની ક્ષમતા માત્ર સરગવામાં છે. દાહ દૂર કરતાં ૩૬ તત્વો તેમાંથી મળે છે જે અન્ય કોઈ સુપરફૂડમાંથી મળતાં નથી. એ જ રીતે એન્ટિ એજિંગ(અકાળે વૃદ્ધત્વ દૂર કરતાં)તત્વો પણ તેમાં સામેલ છે. આપણે ત્યાં જ્વારાનાં બહુ ગુણગાન ગવાય છે પરંતુ તેના રસમાં જેટલાં હરિતદ્રવ્યો હોય છે તેનાં કરતાં ચારસો ટકા વધુ હરિતદ્રવ્યો સરગવામાં છે. ટુંકમાં, સ્વસ્થ અને રોગમુક્ત જીવન જીવવું હોય તો આજથી જ સરગવાનું સેવન કરવાનું ચાલું કરી દેવું જાઈએ.”
સમાપ્ત.
'અભિયાન'માં પ્રકાશિત સરગવા પરની કવર સ્ટોરી























માહિતી સભર લેખ. ખુબ સુંદર
ReplyDelete