‘બંધની સંસ્કૃતિ’ હવે બંધ થવી જોઈએ
ભારત જેવા ગરીબ, નિરક્ષર અને પછાત દેશમાં છાશવારે અપાતા બંધ અને હડતાળનાં
એલાનોને કારણે કરોડોનું નુકસાન થાય છે. ત્યારે સમય પાકી ગયો છે કે તેમને કાયમ માટે
તિલાંજલિ આપી દઈએ.
ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર જેવા કાયમી કે પછી સાવ ફાલતુ મુદ્દે બંધનું એલાન અપાય એ આપણાં દેશમાં નવું નથી. ક્યારેક કોઈ રાજ્ય પુરતું હોય તો ક્યારેક આખા દેશમાં બંધનું એલાન હોય. લોકશાહી દેશમાં દરેકને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર છે પણ સમસ્યા ત્યારે પેદા થાય છે જ્યારે કોઈ દુકાનદાર, વેપારી કે રેંકડીવાળો તેમાં ન જોડાય. અને તેનાં કારણે ઉશ્કેરાયેલું ટોળું તેને ધાકધમકી આપી તોડફોડ કરી બંધમાં જોડાવા મજબૂર કરે. આ બધું આપણને હવે એવું તો કોઠે પડી ગયું છે કે તેમાં આપણને કશું અજુગતું નથી લાગતું. બજારોમાં પથ્થરમારો થાય, લુખ્ખાઓ ધમાલ મચાવે અને બીજે દિવસે બંધનું એલાન આપનારાં મીડિયામાં દાવો કરે કે બંધ સફળ રહ્યો.
કોઈપણ દેશે પ્રગતિ અને વિકાસ માટે કેટલીક પાયાની શરતોનું પાલન કરવું પડે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને બજારની સ્થિરતા તેમાં પહેલાં આવે. પણ છાશવારે અપાતા બંધનાં એલાનોને કારણે અર્થતંત્રની ગાડીને અણધારી બ્રેક લાગે છે. એ બ્રેક દેશને કેટલામાં પડે છે તે સમજીશું નહીં ત્યાં સુધી આ બધું આપણે ચલાવતાં રહીશું. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ(ફિક્કી)નાં એક અનુમાન પ્રમાણે એક દિવસનાં ભારત બંધથી 20 હજાર કરોડનું નુકસાન થાય છે. આ મુદ્દે ફિક્કીએ બીજાં પણ કેટલાક રસપ્રદ આંકડાઓ આપ્યાં છે. જેમ કે, દેશમાં જો એક દિવસ બેંક કર્મચારી કામ બંધ કરી દે તો રૂ. 25 હજાર કરોડનું નુકસાન થાય છે. ભારત બંધનો એક દિવસ રેલવેને રૂ. 2400 કરોડમાં પડે છે. દેશનાં મજૂરો જો એક દિવસ કામ બંધ કરી દે તો રૂ. 26 હજાર કરોડનું નુકસાન થાય છે. એર ઈન્ડિયાનાં પાયલોટની એક દિવસની હડતાળ કે બંધ રૂ. 15 કરોડમાં પડે છે. ટુંકમાં નુકસાનનો પાર નથી રહેતો.
આ મામલે વર્ષ 1997માં કેરળ હાઈકોર્ટે કહ્યું હતું કે, બંધને કારણે નાગરિકોની આઝાદી અને કામકાજ કરવાનાં હકો પર અસર થાય છે. જો સરકાર આ પરિસ્થિતિને ખાળવા માટે કાયદો નથી બનાવતી તો નાગરિકોનાં હકોની સુરક્ષા કરવી અમારી ફરજ છે. આ જ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ધરણાં પ્રદર્શન અને બંધ દરમિયાન જાહેર અને ખાનગી સંપત્તિને થનારા નુકસાન માટે જવાબદારી નક્કી થવી જોઈએ અને અસરગ્રસ્તોને વળતર મળવું જોઈએ. જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાં નેતાઓ અને રાજકીય પક્ષો વિરુદ્ધ કેસ ચાલવો જોઈએ.
બંધનાં એલાન છતાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કેવી રીતે કરાય તે મામલે ગાંધીજીનું ઉદાહરણ આપણી સામે છે. આઝાદીકાળમાં તેમણે જરૂર પડ્યે સવિનય કાનૂન ભંગ, સત્યાગ્રહ સહિતના એલાનો આપેલા જ. પણ તેમાં હિંસા કે જબરજસ્તી ક્યાંય નહોતી. લોકો ખરા અર્થમાં સ્વયંભૂ રીતે તેમાં જોડાતાં હતાં. વળી ગાંધીજી પણ એ બાબતે ભારે સજાગ રહેતાં કે ભૂલથી પણ ક્યાંય હિંસા, તોડફોડ કે બળજબરી ન થાય. છતાં જો ટોળું બેકાબૂ બનીને હિંસા આચરી બેસતું તો તેઓ તેની જવાબદારી સ્વીકારી ઉપવાસ દ્વારા પ્રાયશ્ચિત કરવા પ્રયત્ન કરતાં. આજે સ્થિતિ તેનાથી ઉલટી છે. રાજકારણીઓ બંધનું એલાન આપીને છુટી જાય છે અને વેઠવાનું દેશનાં સામાન્ય નાગરિકને ભાગે આવે છે. તેમનાં ચેલકાઓ ટોળાંને ઉશ્કેરી હિંસા આચરવા પ્રેરે છે. પરિસ્થિતિ થાળે પાડવા પોલીસ તેમનાં પર તૂટી પડે તો વળી પાછું પોલીસ દમનનાં બહાને બીજા બંધનું એલાન કરી દેવામાં આવે છે. આમ આખું વિષચક્ર ચાલ્યાં કરે છે.
એવું નથી કે હડતાળો માત્ર આપણે ત્યાં જ પડે છે, વિદેશોમાં પણ પડે છે. પણ ત્યાંનું કલ્ચર જુદું છે. જાપાન જેવા દેશમાં તો કામદારો કંપનીનાં નીતિ-નિયમોથી નારાજ હોય ત્યારે હડતાળ પાડવાને બદલે એકાદ કલાક વધુ કામ કરે છે. અંતે માલિકોએ તેમની વાત માનવી પડે છે. જો કે દેશેદેશે પરિસ્થિતિ જુદી હોય છે માટે આવું દરેક જગ્યાએ બનતું નથી. જો બંધ અને હડતાળથી જ તમામ સમસ્યાઓનું સમાધાન થઈ જતું હોત તો બધાં દેશો એ જ તર્જ પર ચાલત. પણ એવું બનતું નથી.
દેશમાં દરેક નાગરિકને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાનો અધિકાર છે, પણ બંધનાં નામે જાહેર કે ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો હક કોઈને નથી. હાલ જે રીતે છાશવારે બંધનાં એલાન કરી દેવાય છે એ જોતાં તો હવે કોઈને પણ બંધની મંજૂરી ન આપવી જોઈએ. જો આપવી જ પડે અને એ દરમિયાન જો હિંસા કે તોડફોડ થાય તો આંદોલન કરનારાંની ઓળખ કરીને તેમની પાસેથી નુકસાનની ભરપાઈ કરવી જોઈએ. દેશમાં ક્યાંય જો કોઈ સંવેદનશીલ મુદ્દા પર હડતાળ, બંધ કે ધરણાં પ્રદર્શન થનાર હોય તો તરત રાજકીય પક્ષોએ તેનાં નેતાઓ, કાર્યકર્તાઓને આગળ કરીને સમજાવટથી આખો મામલો પાર પાડીને દેશને થતાં નુકસાનથી બચાવવાની જવાબદારી સોંપવી જોઈએ.
વિરોધ પ્રદર્શન સાથે સમસ્યાનાં સમાધાનનો પણ કોઈ રસ્તો રજૂ કરાય તો વ્યાજબી ગણાય. બાકી બંધથી કોને લાભ થયો અને કોને નુકસાન એનો જવાબ લોકો જાણતાં જ હોય છે. બંધ અને હડતાળ માત્ર સામાન્ય માણસ માટે જ સમસ્યા ઉભી નથી કરતાં, દેશનાં વિકાસમાં પણ રોડાં નાખે છે. આ વાત જાણવા છતાં રાજકીય પક્ષો અને વિભિન્ન સંગઠનો સરકાર પર દબાણ લાવવા બંધનો હથિયાર તરીકે ઉપયોગ કરતાં રહે છે. વિપક્ષો એમ સમજે છે કે લોકહિતમા અવાજ ઉઠાવવો તેમની ફરજ છે. પણ હકીકત એ છે કે તેમની ચિંતામાં આમ આદમીની તકલીફ ક્યાંય નથી હોતી. આજ સુધી બંધ કે હડતાળથી કોઈ સમસ્યાનો ઉકેલ આવ્યો છે ખરો ? ના. છતાં આ બધું ચાલતું રહે છે. છેલ્લે બંધ કે હડતાળથી થયેલાં નુકસાનની ભરપાઈ જનતા જનાર્દન પાસેથી જ વસૂલવામાં આવે છે. માટે અંતે એટલું જ કહેવાનું કે, લોકો હવે બંધની આ સંસ્કૃતિથી હદ બહાર કંટાળી ચૂક્યાં છે. એટલે જ જરૂરી છે કે બંધ અને હડતાળને કાયમ માટે ખતમ કરવા માટે સામુહિક સહમતી બને.



Comments
Post a Comment