‘સામુહિક આત્મહત્યા’ પાછળનું પ્રેરકબળ ક્યું છે ?

એક સમય હતો જ્યારે કુટુંબને માનસિક તાણ દૂર કરવા અને ભાવનાત્મક જોડાણ ટકાવી રાખવાનું માધ્યમ માનવામાં આવતું હતું. પણ હવે તેનાથી વિપરિત સમગ્ર કુટુંબનાં સામુહિક આત્મહત્યાનાં બનાવો બની રહ્યાં છે.




તમને દિલ્હીનો બુરાડી કાંડ તો યાદ હશે જેમાં એક જ પરિવારનાં 11 લોકોએ એકસાથે આત્મહત્યા કરી લીધી હતી. આ જ તર્જ પર થોડાં દિવસ પહેલાં હરિયાણાનાં ફરીદાબાદમાં એક જ પરિવારનાં ચાર સભ્યોએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી જેમની ઉંમર માંડ 24 થી 30 વર્ષની વચ્ચે હતી. આ ઘટનાનું વિશ્લેષણ કરતાં એક જાણીતા મનોચિકિત્સકે કહ્યું કે, એશોઆરામની જિંદગી જીવતાં લોકો સામે અચાનક આર્થિક સંકટ આવી પડે તો તેઓ તણાવનો શિકાર બની જાય છે અને આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરી લે છે. આ બંને ઘટનાઓ એક રીતે તો સભ્ય સમાજનાં મોં પર તમાચો છે. જ્યાં એક વ્યક્તિનાં જીવવાનાં અધિકારને સુરક્ષિત રાખવામાં પણ રાજ્ય અને સમાજ અસમર્થ થતાં જાય છે. હાલ તો આત્મહત્યાની વધતી ઘટનાઓ માટે કોણ જવાબદાર છે, રાજ્ય, સમાજ કે વ્યક્તિ સ્વયં ? આ મુદ્દે ગંભીર ચિંતનની જરૂર છે. માત્ર હેલ્પલાઈન શરૂ કરી દેવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે તેમ નથી. કેમ કે હેલ્પલાઈન સુધી તો તે વ્યક્તિ ત્યારે જ પહોંચશે જ્યારે તે સાચાં-ખોટાં વચ્ચેનો ફરક સમજવાની સ્થિતિમાં હશે.
ચાર્લ્સ ડાર્વિનનાં સર્વાઈવલ ઓફ ફિટેસ્ટનાં સિદ્ધાંત મુજબ માત્ર શક્તિશાળી પ્રાણી જ આ જગતમાં ટકી કે સફળ થઈ શકે છે. બાકીનાં મરી જાય છે અથવા નિષ્ફળ નીવડે છે. આ કથન આજે પણ એટલું જ પ્રાસંગિક છે જેટલું પહેલાં હતું. આજનાં પરિપ્રેક્ષ્યમાં એવો તર્ક આપી શકાય કે, એ જ વ્યક્તિ ટકી શકે છે જે જિંદગીનાં પડકારોનો હિંમતથી સામનો કરે છે. એ વાત સાચી છે કે, જીવનનાં સંઘર્ષોનો સામનો એકલાંને બદલે સમુહમાં સરળતાથી કરી શકાય છે. છતાં આજનાં સમયમાં આવું કેમ નથી થતું ? કેમ લોકો સમસ્યાઓનો સામનો કરવાને બદલે તેનાથી ભાગવા લાગ્યાં છે ? વ્યક્તિગત આત્મહત્યાઓનો ગ્રાફ તો ઝડપથી ઊંચો જઈ જ રહ્યો છે, આખેઆખા પરિવારની સામુહિક આત્મહત્યાનાં આંકડાઓમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. વર્ષોથી પરિવારને તણાવ દૂર કરનાર, ભાવનાત્મક આધાર પુરો પાડવાનાર અને દરેક પ્રકારની સુરક્ષા પ્રદાન કરનાર માધ્યમ માનવામાં આવતું હતું. ત્યારે આજે આ કેવા પરિવારો સામે આવી રહ્યાં છે જે હકીકતનો સામનો કરવાને બદલે મોતને વહાલું કરવાનું વધારે સરળ સમજે છે ? એવું કેવી રીતે શક્ય છે કે પરિવારનાં તમામ સભ્યોની વિચારસરણી નકારાત્મક થવા માંડી છે ? આ એક મહત્વનો સવાલ છે કે પરિવારનો દરેક સભ્ય, પછી તે કોઈપણ ઉંમરનો કેમ નથી, એક જ જેવો નિર્ણય લેવા લાગ્યાં છે ?  અગાઉ જ્યારે પરિવારમાં કોઈ સભ્ય નિરાશ થઈ જતો ત્યારે બાકીનાં સભ્યો તેને હિંમત આપતાં કે દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. સમસ્યાને પડકાર તરીકે લેવો જોઈએ અને સતત લાગ્યા રહીને તેનો મુકાબલો કરવો જોઈએ. જ્યારે આજે સામુહિક આત્મહત્યા જાણે ટ્રેન્ડમાં છે. આવી પડેલી પરિસ્થિતિનો સામનો કરવાનું તો જાણે જીવનમાંથી ગાયબ જ થઈ ગયું છે.
જીન બીચલર નામનાં સંશોધક માને છે કે આત્મહત્યાની વ્યાખ્યા બાહ્યની અપેક્ષાએ વ્યક્તિગત કારકોનાં આધાર પર જ કરી શકાય. તેમણે પોતાનાં સંશોધનમાં ચાર પ્રકારની આત્મહત્યાઓની ચર્ચા કરી છે. પલાયનવાદી આત્મહત્યા (કોઈ અસહ્ય સ્થિતિથી દૂર ભાગીને આત્મહત્યા કરવી), આક્રમક આત્મહત્યા (બીજાને નુકસાન પહોંચાડવા અથવા તેને અપરાધબોધ કરાવવા માટે થતી આત્મહત્યા), બલિદાન(બીજાને લાભ પહોંચાડવા કે તેનું જીવન બચાવવા માટે આત્મહત્યા) રાજીખુશીની આત્મહત્યા(જાણીજોઈને જોખમ વહોરી લેવું જેનું પરિણામ મોત હોઈ શકે). પોતાના સંશોધનમાં તેમને જોવા મળ્યું કે કુલ આત્મહત્યાઓ પૈકી 75 ટકા પલાયનવાદી આત્મહત્યાની કક્ષામાં આવતી હતી. કેમ કે તેમના માટે આત્મહત્યા સમસ્યાનાં સમાધાનની એક રીત હતી.
ફ્રેન્ચ સમાજશાસ્ત્રી એનિલ દુર્ખીમનો મત છે કે આધુનિકતાએ તાર્કિકીકરણ અને વિસંગતતાઓનાં અનેક પક્ષો ઉભાં કર્યાં છે. જેના કારણે વ્યક્તિ સમાજનાં નિયંત્રણ કે નિર્દેશોથી દૂર થઈ જાય છે. છેલ્લે તે ફક્ત આર્થિક લક્ષ્યાંક સાથે સ્વયંના વિકાસમાં ખોવાઈ જાય છે.
સ્પર્ધાત્મક અર્થવ્યવસ્થાએ બે પ્રકારનાં જૂથ ઉભા કર્યાં છે. એક, જે માને છે કે કોઈપણ સ્પર્ધામાં તેનું જીતવું નક્કી છે. કારણ કે તેનાં માટે તે માત્ર કન્ઝ્યુમર પ્રોડક્ટ છે જે ખરીદી શકાય છે. બીજું એ જૂથ છે જે કોઈપણ સ્પર્ધામાં હારશે. કેમ કે કન્ઝ્યુમર પ્રોડક્ટનાં સ્વરૂપમાં જીત તેની ખરીદશક્તિની બહાર છે. આત્મહત્યા આ બંને સમૂહોમાં જોવા મળે છે. એક જે સફળતાની દોડમાં આગળ વધતો જાય છે, પણ અચાનક તેને બ્રેક લાગે છે, કારણ કે વધુ શક્તિશાળી પેલી જીતને ખરીદી લે છે. બીજો નિષ્ફળતાને ભાગ્ય માનવા માટે મજબૂર થઈ જાય છે અને હરિઈચ્છાનાં તર્કને સામે લાવે છે. આમ ધર્મનો તર્ક વ્યક્તિને નિરાશાવાદી નહીં પરંતુ ભાગ્યવાદી બનાવે છે, જેમાં આત્મહત્યા કરવી એ પણ ઈશ્વર ઈચ્છા છે. સામૂહિક આત્મહત્યાને આ દ્રષ્ટિએ જોવાની જરૂર છે.
સામાન્ય રીતે બુરાડી અને એ પ્રકારની બીજી ઘટનાઓમાં અંધશ્રદ્ધા, આર્થિક તંગી, દેવુ, તણાવ, બદનામી, ગંભીર બિમારી અને ઊંચી મહત્વકાંક્ષાઓની અપૂર્તિ જેવા કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. મરતાં પહેલાં લખવામાં આવતી સુસાઈડ નોટ એ સાબિત કરે છે કે તે સભાન પરિસ્થિતિનું પરિણામ છે કેમ કે તેમાં આત્મહત્યાનાં કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે. હવે સવાલ એ થાય કે એ કઈ સ્થિતિ છે જે આત્મહત્યાને ઉત્તેજિત કરે છે ? શું રાજ્ય આત્મહત્યાઓનાં કારણો ગરીબી, બેરોજગારી, ગંભીર બિમારી, આર્થિક તંગી વગેરેને દૂર કરવા સક્ષમ નથી ? તથ્ય એ છે કે આપણાં બધાંનાં જીવનમાં અનેક વાર એવી પરિસ્થિતિ આવી પડતી હોય છે કે આપણને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો સૂઝતો નથી હોતો. ક્યારેક આપણાં પ્રયત્નો નિષ્ફળ નીવડતાં આપણે નિરાશ થઈ જઈએ છીએ. આવી સ્થિતિમાં પરિવારનાં વડીલો સમજાવતાં હોય છે કે જીવનમાં નિરાશ ન થવું, હિંમત ન હારવી. જિંદગીને ઢસડવી નહીં પણ જીવવી જોઈએ. કેમ કે તો જ સમાજને આત્મહત્યા જેવી કટોકટીમાંથી બહાર કાઢી શકાશે.

Comments