આખરે બાળકો કોની પર વિશ્વાસ કરે ?

છેલ્લાં કેટલાક સમયથી બાળકોનાં શોષણનાં કિસ્સાઓ વધતાં જ જઈ રહ્યાં છે. મોટાભાગનાં બનાવોમાં તેમનો શિકાર કરનારાં તેમનાં પરિવારનાં સભ્યો, પડોશી અને સગાસંબંધીઓ હોય છે. એ સ્થિતિમાં બાળકો કોનાં પર વિશ્વાસ કરે તે સવાલ છે.



હજુ ગયા મહિને જ બાળદિવસ ગયો. દર વર્ષની જેમ દેશભરમાં બાળઅધિકારોને લઈને સભાઓ, રેલીઓ, ચર્ચાઓ, ભાષણો, પરિસંવાદો યોજાયા. પણ વર્તમાનમાં તેમની સામેનાં સૌથી મોટાં જોખમ વિશે ભાગ્યે જ કોઈએ મોં ખોલ્યું. એ જોખમ એટલે બાળકોમાં વધી રહેલાં જાતીય સતામણીનાં કેસો. દેશમાં સતત મોટી સંખ્યામાં બાળકોનું ગુમ થવું ચિંતાનો વિષય છે. આ ચિંતા માત્ર તેનાં માતાપિતાની જ નહીં પરંતુ સમાજ અને દેશની પણ છે, કેમ કે બાળકોની તસ્કરી પણ થઈ રહી છે. બાળકોને ગુનાની કાળી દુનિયામાં ધકેલવામાં આવી રહ્યાં છે. તેમની પાસે ભીખ મંગાવાય છે, દેહવ્યાપારમાં જોડી દેવાય છે. અમુક કિસ્સાંમાં તેમનાં અંગો કાઢીને વેચી દેવામાં આવે છે તો ક્યાંક આતંકવાદ ફેલાવવામાં પણ તેમનો ઉપયોગ કરાતો હોવાનું કહેવાય છે.
આ મામલે નોબેલ પુરસ્કાર વિજેતા અને બચપન બચાવો આંદોલનનાં પ્રણેતા કૈલાસ સત્યાર્થીનું કહેવું છે કે, જે બાળકો ગુમ થઈ રહ્યાં છે તેમને ખોવાયેલાં માની લેવા યોગ્ય નથી. તે ગુમ નથી થતાં પણ તેમની ચોરી કરવામાં આવે છે. માનવ તસ્કરી દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોટો ગેરકાયદેસર ધંધો છે. વર્ષ 2013માં કૈલાસ સત્યાર્થીની સંસ્થાનાં એક કેસમાં સુપ્રીમ કોર્ટે રાજ્યોને આદેશ આપ્યો હતો કે બાળકનાં ગુમ થવા પર એફઆઈઆર નોંધવી ફરજિયાત છે. પણ વાસ્તવમાં એવું થતું નથી. માતાપિતા જ્યારે બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે તેમને કહી દેવામાં આવે છે કે એક-બે દિવસ રાહ જુઓ, જો ન મળે તો આવજો. અગાઉ વર્ષ 2012માં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ કમિશને એક મહત્વની સલાહ આપી હતી કે ગુમ થયેલાં બાળકની 24 કલાકમાં એફઆઈઆર દાખલ કરવી જોઈએ. કારણ કે જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ બાળક દૂર થતું જાય છે. આ મામલે દરેક પોલીસ સ્ટેશનમાં એક અલગ સેલની રચના કરી ગુમ થયેલ બાળકને શોધવા યુદ્ધનાં ધોરણે કાર્યવાહી થવી જોઈએ. કેમ કે મોડું થવાથી તેનાં મળી આવવાની શક્યતાઓ ક્ષીણ થતી જશે. એક બાળકને શોધવાનો અર્થ છે તેને સુરક્ષિત કરવું, તેનાં પરિવારની ખુશીઓ પાછી લાવવી, સમાજને બળ પુરું પાડવું અને દેશને અનેક મુસીબતોથી બચાવી લેવો. અફસોસની વાત એ છે કે છેલ્લાં કેટલાક સમયથી દેશમાં બાળકોનાં શોષણનાં કિસ્સાઓની સંખ્યા વધતી જ જાય છે. તેમનું માનસિક-શારીરિક જ નહીં જાતીય શોષણ પણ થઈ રહ્યું છે અને તેમાં છોકરાં-છોકરીઓ બંને સામેલ છે. કેટલાક કિસ્સાઓમાં તો જાતીય શોષણ તેમની હત્યા સુધી પહોંચી જાય છે. મોટાભાગનાં બનાવોમાં તેમનો શિકાર કરનારાં પરિવારનાં સભ્યો, પડોશી અને સગાસંબંધીઓ જ હોય છે. એ સ્થિતિમાં બાળકો કોનાં પર વિશ્વાસ કરે તે સવાલ છે.
આજે સામાજિક વાતાવરણ એટલું બધું દુષિત થતું જઈ રહ્યું છે કે માનસિક વિકારોથી ગ્રસ્ત વ્યક્તિ ગેરકાયદે કે અનૈતિક કામ કરવામાં કશી ચિંતા નથી કરતો. બાળકો ન તો ઘરમાં સુરક્ષિત છે, ન સંબંધીઓ વચ્ચે, ન શાળામાં કે સમાજમાં. સરકારે બાળકો સાથે થઈ રહેલાં ગંભીર અપરાધોને ધ્યાનમાં રાખીને વર્ષ 2012માં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્યુઅલ ઓફેન્સીસ એક્ટ અર્થાત જાતીય સતામણીથી બાળકોનાં સંરક્ષણનો કાયદો ઘડી કાઢ્યો હતો. આ કાયદા હેઠળ સગીર બાળકો સાથે થતી જાતીય સતામણી, છેડતી ઉપરાંત પોર્નોગ્રાફી જેવાં ગંભીર ગુનાઓમાં કાર્યવાહી કરાય છે. તેમ છતાં બાળકોનાં જાતીય શોષણનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સંસદમાં રજૂ થયેલાં આંકડાઓ અનુસાર ઓક્ટોબર 2014 સુધીમાં પોક્સો હેઠળ થયેલાં 6816 કેસોમાંથી ફક્ત 166 ગુનેગારોને જ સજા થઈ હતી. જે 2.4 ટકાથી પણ ઓછી છે. આ સિવાય 389 કેસોમાં આરોપીઓને છોડી મુકવામાં આવ્યાં હતાં જ્યારે બાકીનાં કેસો વર્ષોથી પેન્ડીંગ છે.
પોક્સોનાં કાયદાની કલમ 4 મુજબ બાળક સાથે દુષ્કર્મ કરવા પર 7 વર્ષની સજાથી લઈને આજીવન કેદ તથા દંડની પણ જોગવાઈ છે. તેની કલમ 6,7 અને 8 હેઠળ દુષ્કર્મીને આજીવન કેદ અને દંડ બને થઈ શકે છે. અહીં સવાલ એ છે કે આટલાં કડક કાયદાની હાજરી છતાં બાળકો પર દુષ્કર્મનાં કિસ્સાઓ પર બ્રેક કેમ નથી લાગતી ? નિષ્ણાતોનાં મતે તેની પાછળનાં કારણોમાં એકલવાયો પરિવાર, માતાપિતાનું બાળકોને પુરતો સમય ન આપી શકવું, પડોશનાં લોકો પર વધારે પડતો વિશ્વાસ, બાળકોની એકાંતમાં રહીને થતી શિક્ષણ, સંગીતની તાલીમ પ્રકારની પ્રવૃત્તિઓ, ઈન્ટરનેટનો દુરઉપયોગ, પોર્ન સાઈટોની હાજરી અને સમાજનું પ્રદુષિત થઈ રહેલું વાતાવરણ વગેરે મુખ્ય છે. તેથી હવે માત્ર કડક કાયદાનાં ભરોસે બાળકોને છોડવા જેવાં નથી. આજે પોક્સો કાયદાનાં કડક અમલની જરૂર તો છે જ, સાથે દોષિતોને ઝડપથી કોર્ટ કાર્યવાહી હેઠળ આવરી લઈને કડકમાં કડક સજા પણ અપાવવી પડશે.
ગુજરાતની વાત કરીએ તો અહીં બાળકોની નિર્દોષતા બહુ ઝડપથી ખતમ થઈ રહી છે કેમ કે દરરોજ 10 બાળકો જાતીય સતામણીનો ભોગ બને છે. કેન્દ્ર સરકારનાં એક અહેવાલમાં જણાવાયું છે કે 2014 થી 2016ની વચ્ચે ભારતમાં બાળકો સામેનાં ગુનામાં 19.61 ટકાનો વધારો થયો છે. આ આંકડો સુરક્ષિત ગણાતા ગુજરાતમાં 13 ટકાનો હતો. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટીસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન દ્વારા તૈયાર કરાયેલાં ચિલ્ડ્રન ઈન ઈન્ડિયા 2018’ રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં બાળકો સામે ગુનાનો દર પ્રતિ એક લાખ બાળકે 17.6નો છે. એ રીતે તે દેશભરમાં 11માં ક્રમે છે. 2014માં જ્યાં 3219 કેસો નોંધાયા હતાં તે 2016માં વધીને 3637 સુધી પહોંચી ગયાં હતાં. એટલે કે બે વર્ષમાં 418 કેસોનો વધારો થયો હતો. બાળકોનું અપહરણ કરી જવું અને ભગાડી જવું સૌથી સામાન્ય ગુનાઓ છે. વર્ષ 2016માં બાળકો સામેનાં તમામ કેસો પૈકી અડધાથી વધુનો હિસ્સો આ પ્રકારનાં કેસોનો હતો. રિપોર્ટ કહે છે કે સૌથી વધુ 18 ટકાનો વધારો બળાત્કારનાં કેસોનો થયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો મુજબ 2016માં ગુજરાતમાં મહિલાઓ પર બળાત્કારનાં 986 કેસો નોંધાયા હતાં જેમાં 10 કેસો એવા હતાં જેમાં ભોગ બનનારની ઉંમર 6 વર્ષ કરતાં ઓછી હતી. 23 કેસોમાં ભોગ બનનાર 6 થી 12 વર્ષની વયની વચ્ચેનાં હતાં અને 175 કેસોમાં 12 થી 16 ની વચ્ચેનાં. આટલું જાણ્યાં પછી વિચારો કે ખરેખર તમારું બાળક સુરક્ષિત છે ?

Comments