હાજી કાસમની વીજળીઃ વાયકાઓ અને વાસ્તવિકતા
૧૩૦ વર્ષ પહેલાં ઈ.સ. ૧૮૮૮ની ૮મી નવેમ્બરે મોડીરાત્રે સૌરાષ્ટ્રનાં માંગરોળ બંદરેથી પચીસેક કિ.મી. દૂર દરિયામાં વેરણ થયેલી ‘વીજળી’ નામની આગબોટ વિશે આપણે વર્ષોથી રોમાંચક વાતો, દંતકથાઓ, લોકગીતો વગેરે સાંભળતાં આવ્યાં છીએ. સમસ્યા એ છે કે આ બધામાં વાસ્તવિકતા કરતાં કલ્પનાતત્વ વધુ હોવાથી દુર્ઘટનાને લઈને અનેક અફવાઓ, લોકવાયકાઓ જનમાનસમાં ઘર કરી ગઈ છે. આ પરિસ્થિતિમાં અહીં આધારભૂત દસ્તાવેજાનાં અભ્યાસ, નિષ્ણાતોનાં મત અને વૈજ્ઞાનિક તથ્યોને આધારે ‘વીજળી’ની વાસ્તવિકતા સામે લાવવા પ્રયત્ન કરાયો છે...
કામસ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ ?
હાજી કાસમ તારી, તારી વીજળી રે, ભરદરિયે વેરણ થઈ ?
ભૂજ-અંજારથી જાતિયું જાનું, જાય મુંબઈ શહેર કાસમ
દસ વાગે તો ટિકટું લીધી, અગિયારે વેતી થઈ કાસમ,
તેર જાનું તો સામટી જાતી, ચડ્યાં કેસરીઆ ગોર કાસમ,
સાત વિસું માંય શેઠિયા બેઠાં, જાનીઓનો નહીં પાર કાસમ,
મધદરિયે તો મામલો મચ્યો, દરિયે ડોલ્યાં વાણ કાસમ,
લેલી સાહેબની ચીઠીયું મલ્યું, વીજળી પાછી વાળ કાસમ,
પાછી વાળું તો માવડી લાજે, અલ્લા માથે ઈતબાર કાસમ
કાચને કુંપે કાગળો લખિયા, તેય તણાયા જાય કાસમ,
ભૂજમાં હાકેમ હાથ પછાડે, પીર ઉતારે પાર કાસમ,
હિંદુ, મુસલમાન માનતા માને, કોઈએ ન કરી વાર કાસમ,
મુંબઈ તે શેરમાં માંડવા રોપ્યા, ખોબલે વેંચી ખાંડ કાસમ,
ઢોલ, સરણાયું ઢમકે વાગે, જુએ જાનુની વાટ કાસમ,
દેશ પરદેશ તાર વછુટ્યાં, વીજળી વેરણ થાય કાસમ,
મામો ભાણેજા ડુસકે રુએ, રોયે ઘરની નાર કાસમ,
સગા રોવે ને સગવા રોવે, બેની રોવે બાર માસ કાસમ,
પીઠી ચોળેલી લાડકી રોવે, માંડવે ઉઠી આગ કાસમ,
ફટ – રે ભૂંડી વીજળી તુને, તેરસો માણસ જાય કાસમ,
વીજળી કે, મારો વાંક નહીં બાવા, લખ્યાં છઠ્ઠીનાં લેખ કાસમ.
આજની તારીખે પણ કચ્છ-સૌરાષ્ટ્રનાં લોકડાયરાઓમાં જ્યારે આ લોકગીત ગવાય છે ત્યારે ગાનાર અને સાંભળનાર બંનેની આંખો ભીંજાયા વિના રહેતી નથી. અહીંનાં દ્વારકા, વેરાવળ, પોરબંદર અને માંગરોળકાંઠાની ખારવણ કન્યાઓ ટાઢીબોળ રાતે દેશી ઢોલ અને શરણાઈનાં તાલે જ્યારે તેમનાં અસલ કાઠીયાવાડી લહેકામાં આ લોકગીત પર રાસડા લે છે ત્યારે વીજળી વેરણ થયાનું તેર દાયકા જૂનું દર્દ ઉથલો મારીને બહાર આવી જાય છે. ‘ફટ – રે ભૂંડી વીજળી તુને, તેરસો માણસ જાય..’ પર દરિયાછોરુંઓનાં હૈયામાં દર્દનાં મહાકાય મોજાં ઉછળવા માંડે છે. વીજળી ડૂબ્યાંને આજકાલ કરતાં ૧૩૦ વર્ષ થવા આવ્યાં છતાં તેનો વિયોગ યથાવત છે. લોકવાયકા પ્રમાણે તેમાં મુસાફરો ઉપરાંત વરરાજા, જાનૈયા અને એ વખતે મુંબઈમાં લેવાતી મેટ્રીકની પરીક્ષાનાં વિદ્યાર્થીઓ સામેલ હતાં જે તમામ દરિયાદેવને વ્હાલાં થઈ ગયેલાં. એ પછી માણસ તો ઠીક, આગબોટ વીજળીનાં પણ કોઈ અવશેષો હાથ લાગ્યાં નહોતાં. મોટાં પાયે થયેલી એ જાનહાનિએ વીજળીને ગુજરાતનાં માનસપટ પર હંમેશ માટે અંકિત કરી દીધી છે. પણ સમય વીતતા ઐતિહાસિક હકીકતોને બદલે લોકવાયકાઓ પ્રચલિત બની. કાળક્રમે તેમાં જાતભાતની વાતો ઉમેરાવા માંડી. લાંબા ગાળે આ બધાંનું પરિણામ એ આવ્યું કે વીજળીની ઘટનાને લઈને જનમાનસમાં તથ્યવસ્તુને બદલે અતિશ્યોÂક્ત અને આવેગોએ પકડ જમાવી લીધી. એનું એક કારણ તો એ હતું કે ‘વીજળી’ને ડૂબતાં કોઈએ જાઈ નહોતી. વળી મૃત્યુઆંક ઘણો મોટો હોવાં છતાં ન તો એકેય મૃતદેહ હાથ લાગ્યો હતો ન તો કશો કાટમાળ મળ્યો હતો. અફવાનાં ફેલાવા માટે આવા સંદિગ્ધ કારણો પુરતાં હતાં.
આમ પણ ઈ.સ. ૧૮૮૮ની ૮મી નવેમ્બરે મધરાતે પોરબંદર છોડ્યાં પછી વીજળી જાણે અદ્રશ્ય થઈ ગઈ હતી. દરિયાઈ વાવાઝોડાની પ્રચંડ તાકાતે ઠંડીગાર રાતમાં પવનની ઝપટમાં જેમ મીણબત્તી બુઝાય તેમ અનેકનાં જીવનદીપ બુઝાવી નાખેલાં. માંડવી, મુંબઈ, દ્વારકામાં તો ઘેરઘેર રોકકળ થયેલી. જેને ધ્યાનમાં રાખીને પછી ઉપર મૂક્યું તે કાવ્ય રચાયેલું. જા કે આજની તારીખે તે કોણે અને ક્યારે લખ્યું તેનાં વિશે કોઈ માહીતિ મળતી નથી. પણ તેમાં માતમ તાજું ભાસતું હોઈ વીજળીનાં હોનારત પછી તુરંતમાં લખાયું હોવાની શક્યતા છે. એમાં કોઈ શંકા નથી કે વીજળીની હોનારતને ઘેરઘેર સુધી પહોંચાડવામાં આ ગીતનો ફાળો મોટો છે. પણ તેમાં હકીકત કરતાં અતિશ્યોક્તિ અને લોકવાયકાઓ વધુ છે. જેનો આધાર લઈને પછી તો બીજીયે અનેક વાતો વીજળીને ખાતે ચડી ગઈ. આજે સ્થિતિ એ છે કે વીજળીની હકીકતો કરતાં લોકવાયકાઓ વધુ પ્રચલિત બની ચૂકી છે. આ સ્ટોરીનો ઉદ્દેશ્ય એ ધારણાઓ, અતિશ્યોક્તિ અને લોકવાયકાઓ સામે વીજળીની વાસ્તવિકતા રજૂ કરવાનો છે.
વીજળી, વાયકા અને વાસ્તવિકતા
વીજળીને લઈને જે કેટલીક ખોટી માન્યતાઓ પ્રવર્તે છે તેમાં સૌથી પહેલી એ કે તે એકદમ નવી અને વિશાળ આગબોટ હતી. તેનાં પર ઈલેક્ટ્રીક લાઈટો ફીટ કરેલી હોઈ લોકો તેને વીજળી કહેતાં હતાં. તેનો કેપ્ટન એક અંગ્રેજ હતો અને માલિકી શેઠ હાજી કાસમની હતી જે મુંબઈમાં રહેતાં હતાં અને ધી બોમ્બે સ્ટીમ નેવિગેશન કંપનીનાં ડિરેક્ટર પણ હતાં. – આ માન્યતાઓ સામે વિદ્વાન સંશોધક શ્રી યુનુસભાઈ એમ. ચીતલવાલાએ પોતાનાં સંશોધન પુસ્તક ‘વીજળી હાજી કામસની’માં જણાવ્યું છે કે વીજળી એક સામાન્ય કહી શકાય તેવી મધ્યમ કદની સ્ટીમર હતી. તે નવી નક્કોર નહીં પણ ત્રણ વર્ષ જૂની હતી અને દુર્ઘટનાનાં ચાર વર્ષ અગાઉ ઈ.સ. ૧૮૮૫માં તૈયાર થઈ હતી. એ વખતે માત્ર વીજળી નહીં ઘણી સ્ટીમરો પર ઈલેક્ટ્રીક લાઈટો ફીટ થયેલી હતી અને લોકો એ લાઈટોને કારણે તેને વીજળી કહેતા હતાં. અસલમાં તેનું નામ ‘વૈતરણા’ હતું જે મુંબઈ નજીક આવેલ એક નદીનાં નામ પરથી રખાયેલું. ૧૭૦ ફૂટ લાંબી, ૨૬ ફૂટ પહોળી અને ૯ ફૂટ ઊંડી વીજળીની માલિકી બોમ્બે સ્ટીમ નેવિગેશન નહીં પણ લંડનમાં રજિસ્ટર્ડ છતાં દરિયાઈ વેપારનાં મહત્વને ધ્યાનમાં રાખીને મુંબઈમાં હેડ ઓફિસ ધરાવતી શેફર્ડ એન્ડ કંપનીની હતી જેનાં ડિરેક્ટર એ.જે. શેફર્ડ હતાં. વીજળીનાં કેપ્ટન કોઈ અંગ્રેજ નહીં પણ કાસમ ઈબ્રાહીમ નામનાં એક હિન્દુસ્તાની હતાં અને લોકગીતોમાં જેમને સ્થાન મળ્યું છે તે ‘હાજી કાસમ નૂરમોહમ્મદ’ તો કંપનીનાં પોરબંદર સ્થિત એક બુકીંગ એજન્ટ હતાં અને આખી દુર્ઘટનામાં ક્યાંય ચિત્રમાં જ નહોતાં. હકીકતમાં વીજળી સાથે જે ‘કાસમ’નું નામ જાડાયેલું છે તે અન્ય કોઈ નહીં પણ કેપ્ટન કાસમ ઈબ્રાહીમ હતાં. સામાન્ય રીતે મુસ્લિમોમાં આધેડ વયની વ્યક્તિનાં નામ આગળ ‘હાજી’ જાડવાનું એક સામાન્ય ચલણ છે, ભલે પછી તેણે હજ ન પઢ્યું હોય. આમ વીજળીનાં કપ્તાન ‘કાસમ ઈબ્રાહીમ’ આગળ ‘હાજી’ શબ્દ લાગવો સહજ છે. એટલે હાજી કાસમ ઈબ્રાહીમ વીજળીનાં કેપ્ટન હતાં જ્યારે હાજી કાસમ નૂરમોહમ્મદ મેમણ તેનાં પોરબંદરનાં બુકીંગ એજન્ટ હતાં.
બીજી માન્યતા એવી છે કે વીજળી કરાંચીથી માંડવી અને ત્યાંથી દ્વારકા, પોરબંદર, માંગરોળ, ઘોઘા થઈને મુંબઈનાં ફેરાં કરતી હતી. તે મુંબઈથી પ્રથમવાર ઉપડી હતી અને એ રૂટની તેની પ્રથમ મુસાફરી હતી - આ વાત પણ હકીકતથી વેગળી છે. અસલમાં છેક ૧૮૮૫થી વીજળી મુંબઈ-માંડવી માર્ગ પર જ ચાલતી હતી, નહીં કે મુંબઈ-કરાંચી માર્ગે. એટલે જળસમાધિનાં ચાર દિવસ પહેલાં ૫ નવેમ્બર ૧૮૮૮નાં રોજ જ્યારે તે માંડવી માટે મુંબઈથી રવાના થઈ ત્યારે એ તેની પ્રથમ મુસાફરી હતી. તે માંડવીથી દ્વારકા, પોરબંદર અને માંગરોળ થઈ મુંબઈ જતી. જ્યારે વેરાવળ, જાફરાબાદ, દીવ અને ઘોઘા જવા માટે બીજી સ્ટીમરો ચાલતી.
એક વાત એવી પણ ચાલે છે કે, વીજળી માંગરોળ નજીકનાં દરિયામાં નહીં પણ તેનાથી પણ ક્યાંય આગળ ડૂબેલી. આયખાનાં ૬૫ વર્ષ દરિયો ખેડનાર માંડવીનાં ૮૨ વર્ષીય શીવજી ભુદા ફોફીંડી કહે છે કે, જે જગ્યાએ વીજળી ડૂબ્યાંની લોકો વાતો કરે છે ત્યાં એ સમયે દરિયો એટલો ઉંડો હતો જ નહીં. ત્યાં કેટલીક જગ્યા તો એવી છે કે જ્યાં વહાણથી કાંઠો એટલો નજીક છે કે વસ્તુ ફેંકો તો પણ જમીન પર પડે. માંગરોળમાં આવો જ સાગરકાંઠો હતો. એટલે વીજળી ત્યાં ડૂબાય એવી શક્યતા ઓછી છે. જા કે શ્રી ચીત્તલવાલાએ સંશોધનમાં નોંધ્યાં મુજબ વીજળીનાં માંગરોળનાં એજન્ટ બાલકૃષ્ણ બાવાજીએ તેને તારીખ ૯-૧૧-૧૮૮૮ને શુક્રવારનાં વહેલી સવારે ૧ વાગ્યે માંગરોળ પાસેથી પસાર થતાં જાઈ હતી. માંગરોળ પસાર કર્યા બાદ ઉત્તર બાજુથી આવતા ઝંઝાવાતી પવનને ખાળવા તે મુંબઈ તરફ વળી હશે ત્યારે જ ચક્રવાતી તોફાનમાં સપડાઈને દરિયામાં ગરકાવ થઈ હશે. આખી દુર્ઘટના વહેલી સવારનાં ૪-૫ વાગ્યા વચ્ચે બની હોવાની શક્યતા વધુ છે. કેમ કે તે પછી વાવાઝોડું સૌરાષ્ટ્ર પાર કરીને નબળું પડ્યું હતું અને ૧૦-૧૧-૧૮૮૮ના રોજ વિખેરાઈ ગયું હતું. એટલે તે માંગરોળથી ૨૫-૩૦ કિલોમીટર દૂર જ ડૂબાઈ હોવાનું વધારે સાચું લાગે છે.
પ્રચલિત લોકગીતો, કવિતાઓમાં વીજળીનાં ઉતારુઓને લઈને જુદાજુદા આંકડાઓ મળે છે. ‘હાજી કાસમ તારી વીજળી રે..’ ગીતમાં ૧૩૦૦ અને એકમાં ૧૬૦૦ મુસાફરો કહ્યાં છે. અન્ય એક કાવ્યસંગ્રહ ‘વીજળી વિલાપ’માં ૮૦૦ આસપાસ ઉતારુઓ કહ્યાં છે જેમાં માંડવીથી ૪૦૦ જેટલાં મેટ્રિકનાં વિદ્યાર્થીઓ ઉપરાંત કુલ ૧૩ જાનો અને જાનૈયા ગણ્યાં છે. જા કે શ્રી યુનુસ ચીતલવાલાએ વીજળીની વેચાયેલી ટિકિટોનાં આધારે શોધી કાઢ્યું છે કે તેમાં ૪૩ ક્રુ મેમ્બર્સ મળીને કુલ ૭૪૩ પેસેન્જરો હતાં જે પૈકી મોટાભાગનાં માંડવી અને દ્વારકાથી ચડ્યાં હતાં. અહીં ૪૦૦ વિદ્યાર્થીઓનો આંકડો વધુ પડતો છે કેમ કે એ વખતે બહુ ઓછાં લોકો મેટ્રીક સુધી ભણી શકતાં હતાં. વળી બોમ્બે પ્રેસિડેન્સીનું પ્રમુખ શહેર અને વહીવટી પાટનગર મુંબઈ હોઈ એ રીતે પણ આ આંકડો વાસ્તવિક લાગતો નથી. જા કે ૧૩ જાનોવાળી વાતમાં તથ્ય છે, કેમ કે દુર્ઘટનાનાં એક વર્ષ બાદ લખાયેલ ‘વીજળી વિલાપ’ ગીતમાં પણ આ બાબતનો ઉલ્લેખ જાવા મળે છે. આ બાબત પર પ્રકાશ પાડતાં માંડવી નગરપાલિકાનાં પ્રમુખ શ્રી મેહુલભાઈ શાહ કહે છે, “ એ વખતે માંડવી દરિયાઈ સફરનું મોટું કેન્દ્ર હતું. મુંબઈમાં રહેતાં કચ્છીઓ મોટાભાગે અહીંથી જ મુસાફરી કરતાં. રેલવે હજુ આ તરફ પહોંચી નહોતી અને મુંબઈ જવું દરિયાઈમાર્ગે વધુ સરળ હતું. એ રીતે વીજળીની ઘટનામાં જે જાનોનો ઉલ્લેખ છે તે સાચો લાગે છે કારણ કે કચ્છ આખામાંથી મુંબઈ તરફ આ રીતે અનેક જાનો જતી હતી. કચ્છથી મુંબઈ તરફ જવા માંગતા લોકોએ અહીંથી જ મુસાફરી શરૂ કરવાની રહેતી.”
‘અભિયાન’નાં કહેવાથી ભૂજનાં યુવા સંશોધક જય પોકાર આ મામલે વધુ જાણકારી મેળવવા એક અઠવાડિયું ભૂજ, માંડવી અને તેની આસપાસમાં ગામોમાં ગાળ્યું હતું. પણ વીજળીની પેસેન્જર રહેલી એકેય વ્યÂક્તનાં કુટુંબની ભાળ મળી નહોતી. આ મામલે જયનું કહેવું છે કે, લોકગીતમાં જે ઉલ્લેખ છે તે પૈકી એકેય જાન મૂળ માંડવીની હોય તેવાં પુરાવા મળતાં નથી. વળી ઘટના તેર દાયકા જૂની હોઈ વીજળીમાં મૃત્યુ પામેલ વ્યÂક્તનાં પરિવારને શોધવું વધારે મુશ્કેલ છે. છતાં એક વાત ચોક્કસ છે કે એ ૧૩ જાનોનાં મુસાફરો માંડવીથી જ ચડેલાં અને કોઈ બચ્યું નહોતું.
‘હાજી કાસમ તારી વીજળી...’ લોકગીતમાં કહેવાયા મુજબ વીજળી માંડવીથી સવારે ૧૧ઃ૦૦ વાગ્યે રવાના થઈ હતી(દસ વાગે તો ટિકટું લીધી, અગિયારે વેતી થઈ કાસમ) અને સાંજે ૫ઃ૩૦ કલાકે પોરબંદર પેસેન્જર લેવા રોકાઈ હતી. પણ તોફાની હવામાનને કારણે એ વખતનાં પોરબંદરનાં એડમિનિસ્ટ્રેટર મિ. લેલીએ કપ્તાનને આગળ ન જવા ફરમાન કર્યું હતું પણ તેણે વાત કાને ધરી નહીં અને વીજળી આગળ હંકારી મૂકી જેથી દુર્ઘટના ઘટી. - આ વાત પણ ખોટી ઠરે છે કેમ કે વીજળી જ્યારે પોરબંદર પહોંચી ત્યારે દરિયો તોફાની હતો અને તે બંદરમાં આવી શકે તેમ જ નહોતી. વળી તોફાન બાબતે કપ્તાનને ન કોઈ એડવાન્સ ચેતવણી આપવામાં આવી હતી, ન પોર્ટ પર કોઈ ભયસૂચક સિગ્નલો ચઢાવાયાં હતાં. આથી બંદરથી દોઢ કિલોમીટર દૂર તે ઉભી રહી હતી કેમ કે દરિયામાં વાવાઝોડાની અસર જમીનની સરખામણીએ ઓછી હતી છતાં બંદરમાં દાખલ થવું જાખમી હતું. વાવાઝોડું સમીસાંજે સક્રિય થઈ ગયું હતું પણ એટલું બધું નહોતું કે તેમાંથી સ્ટીમર પસાર ન થઈ શકે. વીજળી પહેલાં જ તેની સાથી આગબોટ ‘સાવિત્રી’ અને અન્ય એક સ્ટીમર ‘પાચુમ્બા’ તોફાની પવનોમાંથી પસાર થઈ હતી. આથી પોરબંદરમાં લંગર નાખ્યાં વિનાં માત્ર પાંચ- સાત મિનિટમા જ તે ત્યાંથી રવાના થઈ ગયેલી જેનાં કારણે ત્યાંથી ચડનારાં ૧૦૦ પેસેન્જરોએ પરત ફરવું પડ્યું હતું અને એ રીતે તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. આખી ઘટનામાં લેલી સાહેબનો કોઈ રોલ નહોતો.
શ્રી ગુણવંતરાય આચાર્યે ૧૯૫૪માં લખેલી તેમની નવલકથા ‘હાજી કાસમ તારી વીજળી’ની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, બે પેસેન્જરો દ્વારકા ઊતરી જવાથી બચી ગયાં હતાં. જે પૈકી એક ભગવાનજી અજરામર હતાં. તેઓ દ્વારકાનાં રહેવાસી હતાં અને ગોરપદું કરતાં હતાં. તેમની તબિયત બગડતાં તેઓ દ્વારકા ઉતરી જતાં બચી ગયાં હતાં. પણ શ્રી યુનુસ ચીતલવાલાનાં સંશોધનમાં આમાંની મોટાભાગની વિગતો સત્યથી અલગ જણાઈ છે. ખરેખર ભગવાનજીની તબિયત ખરાબ નહોતી થઈ કે ન તો તેઓ ગોરપદું કરતાં હતાં. તેમનું ખરું નામ ભગવાનજી રામજી કપટા હતું અને તેઓ ગાયકવાડ રાજઘરાનાનાં મેતાજી હતાં જે બંદરે યાત્રાર્થે આવ્યાં હતાં. તેમણે દ્વારકાનાં રૂપેણ બંદરે વીજળીને આવતી અને પછી ત્યાંથી વિદાય થતી જાઈ હતી. તેમણે સમુદ્ર કિનારે આવેલી ‘જામપુરાની છેલ્લી અગાશીએ’થી વીજળીને બારામાં જાઈ હતી. બપોર પછી તોફાન વધી જતાં તેમને તે અંગે ચિંતા થઈ અને આગબોટની ભાળ મેળવવા તેઓ ખુદ દ્વારિકાથી ‘હિંદુ’ નામની સ્ટીમરમાં પોરબંદર અને ત્યાંથી વેરાવળ પહોંચ્યાં હતાં. પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. વીજળીનાં ગુમ થવાથી આઘાત પામેલાં ભગવાનજીભાઈએ એ પછી પોતાની વ્યથા જામનગરનાં દુર્લભજી શ્યામજી ધ્રુવને કહી. જેનાં આધારે તેમણે ‘વીજળી વિલાપ’ નામની કાવ્ય પુસ્તિકા રચી. જે વીજળી ડૂબ્યાનાં એકાદ મહિનામાં જ અમદાવાદનાં આર્યોદય પ્રેસે પ્રકાશિત કરેલી. એ ‘વીજળી વિલાપ’નાં કાવ્યોમાં તત્કાલિન પરિસ્થિતિનું કંઈક આ રીતે પ્રતિબિંબ પડતું હતું,
‘બુરી યાદ રહી ગઈ તારી, તે જખમ લગાવ્યો કારી
તારું નામ પડ્યું વૈતરણી, તે ધ્રુજાવી દીધી ધરણી
તારું નામ જ છેક અકારું, કર્યું વીજ છતાં અંધારું
શું ઉલટ ગતિ નિરધારી, તે જખમ લગાવ્યો કારી’
લોકગીત સિવાયનાં સાહિત્યમાંથી ‘વીજળી’ ગાયબ
સામાન્યતઃ મોટી કોઈ દુર્ઘટના બાદ તેનાં વિશે તરહતરહની વાર્તાઓ, ગીતો વગેરે લખાતું હોય છે. ૧૯૧૨માં ટાઈટેનિક ડૂબાઈ જેની વિશ્વ આખાએ નોંધ લીધેલી. બચી ગયેલાં લોકોનાં છાપાઓમાં આવેલાં ઈન્ટરવ્યૂનાં આધારે કેટલાક પુસ્તકો પ્રસિદ્ધ થયેલાં. જેનો આધાર લઈને પછીથી વર્લ્ડક્લાસ ફિલ્મ પણ બની. પરંતુ તેનાં ૨૪ વર્ષ પહેલાં ઘટેલી વીજળીની દુર્ઘટનામાં આવું ન બન્યું. તેની જળસમાધિથી લઈને છેક ૨૦૦૯ સુધીનાં ૧૨૦ વર્ષનાં ગાળામાં માત્ર ‘હાજી કાસમ તારી વીજળી રે..’ લોકગીત, ‘વીજળી વિલાપ’ નામથી કાવ્યોની બે પુÂસ્તકા અને શ્રી ગુણવંતરાય આચાર્યની નવલકથા સિવાય કશું લખાયું નહીં. એય પાછું સાંભળેલી વાતો પર વધારે આધારિત હોઈ ખરેખર શું બન્યું હતું તે જાણી શકાતું નહોતું. આ કમી છેક ૨૦૧૦માં ધોરાજીનાં વિદ્વાન સંશોધક શ્રી યુનુસ ચીતલવાલાએ પુરી કરી આપી. એક દાયકાની મહેનત અને સંશોધન બાદ તેમણે તૈયાર કરેલું પુસ્તક ‘વીજળી - હાજી કાસમની’ આપણને આખી દુર્ઘટના વિશે સત્ય વાત પુરાવા સાથે આપે છે. આ પુસ્તકનું દસ્તાવેજી મૂલ્ય ઘણું ઊંચું છે પણ કમનસીબે આપણે તેમનું સન્માન કરવામાં ઊણાં ઉતર્યાં છીએ. જા આવું પુસ્તક વિદેશની કોઈ યુનિવર્સિટીનાં વિદ્યાર્થી કે સંશોધકે તૈયાર કર્યું હોત તો અત્યાર સુધીમાં તે અનેક સન્માનોનો હકદાર હોય. નજીકનાં ભવિષ્યમાં આ હોનારત પર હાઈટેક ગુજરાતી ફિલ્મ બનવા જઈ રહી છે ત્યારે તેમને યોગ્ય સન્માન મળે તે જરૂરી છે. કેમ કે તેમની મહેનતનાં કારણે જ ૧૨૦ બાદ આપણને વીજળી વિશે ઓથેન્ટિક માહીતિ મળી શકી છે.
છતાં અહીં એક વાત સ્વીકારવી રહી કે વીજળીની દર્દભરી દાસ્તાનને જનજન સુધી પહોંચાડવાનું શ્રેય લોકગીત ‘હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ..’ને જાય છે. તેમાં તબાહીનું ખૂબીપૂર્વકનું ચિત્રાંકન પણ છે અને સેંકડો લોકો માર્યા ગયાનો માતમ પણ. આ ગીત કોણે અને ક્યારે લખ્યું તેના વિશે ચોક્કસ જાણકારી મળતી નથી. પણ શ્રી ચીતલવાલાનો મત છે કે, કોઈ કચ્છીમાડુએ લખ્યું હોવું જાઈએ. કેમ કે તેમાં ભૂજ-અંજારનાં ઉલ્લેખ આવે છે. એ વખતે મુંબઈમાં કચ્છનાં લોહાણા, ભાટિયા, મેમણ, ખોજા લોકોની મોટી વસ્તી હતી અને તેઓ લગ્નપ્રસંગે કચ્છથી મુંબઈ દરિયાઈ મુસાફરી કરતાં રહેતાં હતાં. ‘સાતવિસુ માંય શેઠિયા બેઠાં’ પંક્તિ પણ કચ્છનાં સમૃદ્ધ શેઠોની તરફેણમાં જાય છે. આ લોકગીતમાં સમયાંતરે ઉમેરાં થયાં રહ્યાં અને આગળ જતાં વીજળીનાં કેપ્ટનને બદલે આખી વાત તેનાં એજન્ટ હાજી કાસમ પર આવીને ઉભી રહી ગઈ. જેમ કે,
‘દેશ પરદેશ તાર વછુટ્યાં, વીજળી વેરણ થાય- કાસમ
વાણીયો વાંચે ભાટિયા વાંચે, ઘરોઘર રૂગા થાય કાસમ
મામો-ભાણેજ ડુસકે રૂવે, રોય-ઘરની નાર, કાસમ
સગા રોવે ને સગવા રોવે, બેની રોવે બાર માસ કાસમ’
ઉપરની કડી ધ્યાનથી વાંચો પછી ‘રઢિયાળી રાત’માં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે તે નીચેનું વાંચો.
‘દેશ પરદેશ તાર વછુટ્યાં, વીજળી બૂડી જાય,
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણાં થાય- કાસમ, તારી...
પીઠી ભરી તો લાડડી રૂએ, માંડવે ઉઠી આગ,
સગું રૂવે એનું સાગવી રૂએ, બેની રૂએ બાર માસ – કાસમ, તારી...
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ ! શેઠ
કાસમ તારી વીજળી રે સમદરિયે વેરણ થઈ !
અહીં પહેલી કડીઓમાં માત્ર ‘કાસમ’નો ઉલ્લેખ છે. જ્યારે એ પછીની કડીઓમાં ‘હાજી કાસમ’ પ્રાસ આવી જાય છે. આ સ્ટોરીની શરૂઆતમાં જ આપણે ચોખવટ કરી ચૂક્યાં છીએ કે વીજળીનાં કપ્તાનનું નામ ‘કાસમ ઈબ્રાહીમ’ હતું. જ્યારે ‘હાજી કાસમ’ પોરબંદર ખાતેનાં તેના બુકીંગ એજન્ટ હતાં. આ હકીકતને ધ્યાનમાં રાખીને જાઈએ તો પ્રથમ કાસમ એ વીજળીનાં કપ્તાન કામસ ઈબ્રાહીમ જ હોઈ શકે. પણ થયું એવું કે, વીજળીનાં ડૂબી ગયાં પછી તેમનું નામ ભૂલાઈ ગયું અને કાળક્રમે લોકગીતમાં થોડાં ફેરફાર અને ઉમેરાં થયાં રહ્યાં જેમાં કંપનીનાં પોરબંદર ખાતેનાં એજન્ટ હાજી કાસમનું નામ પ્રચલિત થઈ ગયું.
‘વીજળી’ ડૂબ્યાં પછીની વાત
ઈ.સ. ૧૯૧૨માં ટાઈટેનિક ડૂબાયેલી. તેની માલિક વ્હાઈટ સ્ટાર કંપની દ્વારા તેમાં મૃત્યુ પામનારનાં પરિવારજનોને વળતર આપવામાં આવેલું. પણ તમને જાણીને આઘાત લાગશે કે વીજળીમાં મોતને ભેટનાર કોઈને વળતર નહોતું અપાયું કારણ કે તે આકસ્મિક કુદરતી કારણોસર ડૂબી હોવાનું તારણ આગળ ધરવામાં આવ્યું હતું. ટાઈટેનિક સાથે અડધા ઉપરાંત ઉતારૂઓએ જળસમાધિ લીધેલી જેનું મુખ્ય કારણ કંપની દ્વારા પેસેન્જરોના બચાવ માટેની અપુરતી સગવડ અને તૈયારીઓને બતાવાઈ હતી. આ એક જ મુદ્દાએ વ્હાઈટ સ્ટાર કંપનીને કરોડો ડોલર વળતર ચૂકવવા મજબૂર કરી હતી. વળતરની રકમ એટલી તગડી હતી કે બોજા ન ખમાતા આખરે કંપની ફડચામાં ગયેલી. આની સામે વીજળીમાં તદ્દન ઊંધું બન્યું હતું. તેનાં ડૂબ્યાં પછી એક મહિના બાદ બોમ્બે પ્રેસિડેન્સીનાં ગવર્નર લાર્ડ રેએ ચીફ પ્રેસિડેન્સી મેજિસ્ટ્રેટ મિસ્ટર સી.પી. કૂપરનાં અધ્યક્ષ સ્થાને એક મેરિન કોર્ટ ઓફ ઈન્કવાયરી બેસાડેલી. ત્રણ સભ્યોની કોર્ટમાં બીજાં બે હતાં આસિસ્ટન્ટ પોર્ટ ઓફિસર એમ. બીન અને ‘સુરત’ નામની સ્ટીમરનાં કેપ્ટન જે.ડી. હોર્ન. ૭ અને ૧૦ ડિસેમ્બર ૧૮૮૮નાં રોજ તેની બેઠકો મળેલી.
આ મરિન કોર્ટમાં હાજી કાસમ નૂરમોહમ્મદ સહિતનાં અલગ અલગ લોકોએ આપેલી જુબાની પરથી ખ્યાલ આવે છે કે, વીજળી પર માત્ર ચાર લાઈફબોટ હતી જે બધાં મુસાફરોને બચાવી શકે તેમ નહોતી છતાં આ બાબતને મરિન કોર્ટમાં પ્રાધાન્ય નહોતું અપાયું. આ એક જ બાબત કંપની વિરુદ્ધ જતી હોવા છતાં મરિન કોર્ટે તેને નજરઅંદાજ કરી હતી અને સરકાર તરફથી પણ એ અંગે કોઈ દલીલ કરાઈ નહોતી. આ સિવાય તેમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જરો ભર્યાની વાત પણ સામે આવે છે. દરિયાઈ તોફાન વખતે તેમાં ૩૬૫ પેસેન્જરો લઈ જવાની છુટ હતી પણ તેમાં મુસાફરોનો આંકડો ક્રૂ સિવાય ૭૦૧ હતો. જો મરિન કોર્ટમાં એવું પુરવાર થાય કે તોફાનનાં અણસાર છતાં વીજળીમાં વધુ પેસેન્જરો ભર્યાં હતાં તો શેપહર્ડ કંપની મુશ્કેલીમાં મુકાય. આથી આ બાબતોને જાણી જાઈને અવગણવામાં આવી હતી. વળી કોર્ટની કાર્યવાહી પણ એકતરફી હતી, કેમ કે તેમાં જુબાની આપનારાં મોટાભાગનાં કંપનીના જ માણસો હતાં. જેમણે મળીને છેલ્લે આખી બાબતનો વીંટો વાળી દીધેલો અને વીજળીમાં મોતને ભેટનારાઓને વળતરનાં નામે ફદિયુંય મળ્યું નહીં. જો મૃતકનાં પરિવારોને થોડું વળતર અપાયું હોત તો તેમનાં પર થયેલાં વજ્રાઘાત થોડો હળવો જરૂર બનાવી શકાયો હોત.
વીજળીનું ભૂત અને હકીકત
આ સ્ટોરીનાં રિપો‹ટગ દરમિયાન એકથી વધુ વ્યÂક્તનાં મોંએ સાંભળવા મળ્યું કે, તેમને ક્યારેક વીજળી દરિયામાં દેખા દે છે. ખાસ કરીને શિયાળામાં અડધી રાત્રે ‘વીજળી’ દરિયામાં ફરતી જાઈ હોવાનું જાફરાબાદ, માંડવી, ઓખા, પોરબંદર અને વેરાવળનાં માછીમારોએ કહ્યું. દરિયાખેડુ તરીકે ૩૦ વર્ષથી વધુનો અનુભવ ધરાવતાં માંડવીનાં કૈલાશભાઈ ચુડાસમા અને જાફરાબાદનાં યુવા વાર્તાકાર વિષ્ણુભાઈ ભાલિયા કહે છે કે, તેમણે એકથી વધુ વડીલો પાસેથી ‘વીજળીનું ભૂત’ જાયાની વાતો સાંભળી છે. શિયાળો શરૂ થતા જ (વીજળી નવેમ્બર માસમાં જ ડૂબાયેલી.) આ ઘટનાનું પુનરાવર્તન થયા કરે છે. આવું જા કે અવારનવાર નોંધાયું છે કે કોઈ જહાજ ડૂબ્યાં કે લાપતા થયા પછી તેણે ફરી દેખા દીધી હોય. પણ ગાંધીનગર સ્થિત દરિયાઈ સુરક્ષા વિભાગનાં પોલીસ અધિક્ષક શ્રી કિશોર બલોલિયા સાહેબ આ વાતને સમર્થન નથી આપતાં. તેમના મતે શિયાળાની ઋતુમાં દરિયા પર સતત ધુમ્મસ છવાયેલી રહેતી હોય છે. એ પરિસ્થિતિમાં દિવસ દરમિયાન પણ દૂરથી કોઈ જહાજ આવતું હોય તો ધુંધળું દેખાય. ત્યારે રાત્રિ દરમિયાન ધુમ્મસનું પ્રમાણ વધુ ઘેરું હોય છે એ પરિÂસ્થતિમાં અમુક કિલોમીટરનાં અંતરે કોઈ જહાજ હોય તો પણ ધુમ્મસ વચ્ચે તે કઈ દિશામાં જઈ રહ્યું છે તે કળાય નહીં. વીજળીનાં ભૂત મામલે પણ આવું જ છે. તેમાં તથ્યનો અંશ નથી. દરિયાઈ સુરક્ષા વિભાગ આવી એકેય વાતોને સમર્થન નથી કરતો. બલોલિયા સાહેબની વાત એટલા માટે પણ માનવી પડે કેમ કે તેમણે જાતે આ બાબતની ખરાઈ કરવા માટે એકથી વધુ વખત સૌરાષ્ટ્રનાં દરિયાઈ પટ્ટાનાં અધિકારીઓ સાથે વાતચીત કરી છે. જેમાં છેલ્લે આખી વાત માત્ર એક અફવા સાબિત થઈ છે.
છેલ્લે, વીજળી કેવી પરિસ્થિતિમાં ડૂબાઈ હોઈ શકે તેનો જવાબ ગુજરાતનાં જાણીતા મરીન એન્જિનિયર રાજેશભાઈ દોશી કંઈક આ રીતે આપે છે. તેમનાં મતે, ‘તોફાનમાં વીજળીનાં પેસેન્જરો ડેકમાં ભરાયા હશે અને ઉપરથી હેચ બંધ કર્યાં હશે. વીજળીમાં વેન્ટિલેશન પુરતી સુવિધા હોઈ ગૂંગળાવાની શક્યતા નહોતી. પણ મોજાંની પ્રચંડ થપાટે તેને દરિયાનાં પેટાળમાં ઊંડે સુધી ધકેલી દીધી હશે અને ડૂબાઈ ગઈ હશે. કેટલાક મુસાફરો બહાર નીકળી શક્યાં હોય તો પણ સમુદ્રમાં ક્યાંય તણાઈ ગયાં હશે. અથવા તો દરિયાઈ જીવોનો ભોગ બન્યાં હશે. આમ વીજળીનો બંધ ડેક તેનાં મુસાફરો માટે કોફીન બની ગયો હશે.’
સમાપ્ત










બહુ સરસ અહેવાલ છે. અભિનંદન!
ReplyDeleteThank you sir
ReplyDelete