નર્મદાનાં પાણી-માફીયા અને તેમનાં સાગરિતો કોણ છે?
માન્યામાં ન આવે તેવી ચાલાકીથી સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી, દસાડા, લખતર, ધ્રાંગધ્રા અને લીંબડી આસપાસનાં ગામોમાં અસામાજિક તત્વો નર્મદાની નહેરમાંથી બારોબાર પાણી ચોરીને કરોડોની કાળી કમાણી કરી રહ્યાં છે. ખેડૂતોનાં કહેવા પ્રમાણે સ્થાનિક પોલીસ અને નર્મદા નિગમનાં અધિકારીઓની પણ તેમાં ભાગબટાઈ છે. આ ત્રિપુટીની ધાક એટલી છે કે, કોઈ ખેડૂત એકલપંડે તેમની વિરૂદ્ધ અવાજ ઉઠાવી શકે તેમ નથી. એ પરિસ્થિતિમાં અહીનાં ભોળાં ખેડૂતોએ ‘અભિયાન’નાં માધ્યમથી આખો ભાંડો ફોડ્યો છે..
અમદાવાદ-ધ્રાંગધ્રાં હાઈવે પર માલવણ ચોકડીથી સુરેન્દ્રનગર તરફનાં રસ્તે આવતા ‘ખેરવા’ ગામેથી આપણી વાત શરૂ થાય છે. દુકાળીયા આ વરસમાં અહીંનાં ખેડૂતોનો એકમાત્ર આધાર નર્મદાનાં પાણી પર હતો. એટલે અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રવિ પાક માટે પાણી મળશે તેવી જાહેરાત કરી કે તરત અહીંના ખેડૂતોએ હોંશેહોંશે જીરૂનો પાક લેવાની તૈયારીઓ કરી નાખી. ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલની ડી-૬ માઈનોરમાંથી ખેરવા ઉપરાંત અહીંના પેઢડા, અંકેવાળિયા, સોખડા અને સવલાણા સહિતનાં ગામોને નિયત કરેલાં દિવસોમાં નર્મદાનું પાણી આપવાનું નક્કી થયું હતું. સરકારનાં વચન પર વિશ્વાસ રાખીને વાવણી તો કરી પણ નિયત સમયે કેનાલમાં નર્મદાનાં નીર વહ્યાં નહીં. એટલે ખેડૂતોએ તપાસ આદરી. જેમાં ખ્યાલ આવ્યો કે ગામનાં જ એક માથાભારે શખ્સે કેનાલની વચ્ચેની પડતર જમીનનો ગેરકાયદે ઉપયોગ કરી, નર્મદા કેનાલ સાથે પાઈપો જાડીને પાણીનો વેપાર શરૂ કરી દીધો હતો. ખેડૂતોએ નર્મદા કેનાલનાં સુપરવાઈઝર, નાયબ ઈજનેર, ઈજનેર સહિતનાં અધિકારીઓને આ મામલાની જાણ કરી પણ પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નહીં. આ બાજુ ખેતરોમાં વાવણી કરી દીધી હોવા છતાં પાણી ન મળવાથી જીરૂ અને ઘઉંનો પાક ઉગે એવી કોઈ શક્યતા નહોતી. આખરે ગામનાં પૂર્વ સરપંચે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને અરજી કરી. પણ પરિણામ શૂન્ય રહ્યું. ફરી ૫૦થી વધુ ખેડૂતોએ સહી કરીને કલેક્ટરને અરજી કરી. ફરી એ જ પરિણામ.
આટલી રજૂઆતો અને અરજીઓનું કોઈ સકારાત્મક પરિણામ તો ન આવ્યું, ઉલટાનાં એક ખરાબ સમાચાર આવ્યાં. અરજીમાં સહી કરનારાં ખેડૂતો પૈકી ૨૧ વર્ષનો મીત પટેલ પણ હતો. એક દિવસ તે એકલો તેનાં ખેતરે જઈ રહ્યો હતો ત્યાં પાણીચોરોએ તેને આંતર્યો. એ પછી જે બન્યું તે ઘાતકીપણાંની ચરમસીમા હતી. માથાભારે તત્વોએ નિર્દોષ મીતનાં હાથપગ ભાંગી નાખ્યાં. ઘટનાની જાણ થતાં તેનો પરિવાર દોડી આવ્યો અને તેને દવાખાને લઈ ગયો. જ્યાં ડોક્ટરે તેનો જમણો પગ અને ડાબો હાથ તૂટી ગયાનું નિદાન કર્યું. ‘અભિયાન’નાં પત્રકાર જ્યારે મીતનાં ઘેર પહોંચ્યાં ત્યારે તે હાથેપગે પાટા બાંધેલી સ્થિતિ વચ્ચે પથારીમાં કણસતો પડ્યો હતો. ડોક્ટરે તેનાં ડાબા હાથની આંગળીઓમાં લોહી પહોંચતું નથી તેમ કહ્યું હતું. સાથે જ હાથપગમાં કાયમી ખોટ રહી જાય તેવી ભીતિ પણ વ્યક્ત કરી હોવાથી તેનો પરિવાર ભારે ચિંતામાં હતો. વાતવાતમાં જાણવા મળ્યું કે અત્યાર સુધીમાં તેની સારવાર પાછળ રૂ. ૫ લાખ જેટલો ખર્ચ થઈ ચૂક્યો છે અને હજુયે સારવાર ચાલી રહી છે. આ ઘટના પછી માથાભારે તત્વો સામે તેનાં પરિવારે કેસ કર્યો. પણ પોલીસ સાથેની કાયમી મીલીભગતનો ગુનેગારોને લાભ મળ્યો. પોલીસ સાથે રહીને તેઓ પણ કાયદાને રમાડતાં શીખી ગયાં હતાં. તેમની મોડસ ઓપરેન્ડી એક જ રહેતી, સામે પડનારને સાવ મારી નહીં નાખવાનો, માત્ર ગોઠણથી નીચેનાં પગ લોખંડનાં પાઈપો ફટકારી ભાંગી નાખવાનાં. જેથી મળતિયા પોલીસ અધિકારીઓ કલમ-૩૨૬ (ઈરાદાપૂર્વક કોઈને નુકસાન કરવું) લગાવે, ૩૦૭(હત્યાની કોશીશ) નહીં. અંતે એમ જ થયું. નિર્દોષ મીત પર જીવલેણ હુમલો કરીને હાથપગ ભાંગી નાખ્યાં હોવા છતાં પોલીસે હળવી કલમો લગાવતાં ગણતરીનાં દિવસોમાં જ અપરાધીઓ છુટી ગયાં. જેનો ખેરવાનાં ખેડૂતોમાં એ હદે નકારાત્મક સંદેશ ગયો કે ખેડૂતોએ માથાભારે તત્વો સામે પડવાનું માંડી વાળ્યું.
![]() |
| નર્મદાનાં પાણીની ચોરીનાં પુરાવા દર્શાવતો મીત પટેલ |
![]() |
| પાણીચોરો સામે પડવાની નિર્દોષ મીતને મળેલી સજા |
છગનભાઈ પટેલ(નામ બદલ્યું છે)નામનાં ખેડૂતે તેની પાછળનું કારણ સ્પષ્ટ કરતાં કહ્યું, ‘અમે રહ્યાં ખેડૂ માણહ. આવી બધી માથાકૂટમાં પડવાનું અમારું ગજું નહીં. એ લોકો તો માથાભારે છે. ગેરકાયદે કામો કરીને રૂપિયા રળવા એ જ તેમનો ધંધો છે. નઈ ને કાલ સવારે તેઓ મીતિયાની જેમ મારાં પણ હાથપગ ભાંગી નાખે તો ક્યાં જવું ! મારે બૈરાંછોકરાં છે સાહેબ, આખા ઘરનો આધાર હું છું. જા મને કંઈક થઈ જાય તો પરિવારનું કોણ ? પોલીસ અને નર્મદાનાં અધિકારીઓને એ લોકો હપ્તા આપે છે. એવામાં અમે ફરિયાદ કરીએ તો પણ કોણ સાંભળે? એટલે બીકનો માર્યો એકેય ખેડૂત પાણીચોરો સામે નથી પડતો. સામે ચાલીને દુશ્મની કોણ વ્હોરે ! હાથપગ ભંગાવીને સારવાર પાછળ રૂપિયા ખર્ચવા એનાં કરતાં પાણીનો હપ્તો આપીને સ્વાર્થ સાધી લેવામાં અમને અમારી ભલાઈ દેખાય છે. નર્મદાનાં અધિકારીઓને પાણીની ચોરી થાય તેમાં રસ છે કેમ કે તેમાં તેમને ભાગ મળે છે. તેમની આ કાળી કમાણીની લાલચે જ આસપાસનાં દરેક ગામમાં પાણીમાફિયાઓ પેદા કર્યાં છે. આખું નેટવર્ક એટલું જડબેસલાક ગોઠવાયેલું છે કે એકેય ખેડૂત હપ્તો આપ્યાં વિનાં પાક ઉગાડી જ ન શકે. જેવું કેનાલોમાં પાણી છોડવામાં આવે કે તરત પાણીચોરો સરકારી તલાવડીઓ અથવા પોતાની માલિકીની ખેત તલાવડીઓમાં તે વાળી દે છે. છેવાડાનાં ગામો સુધી કદીયે પાણી પહોંચતું નથી. એટલે ખેડૂત બિચારો પાક બળતો હોવાથી હપ્તો આપવા મજબૂર બની જાય છે. પાણીમાફિયાઓ તેની પાસેથી દરેક પાણ વખતે વીઘા દીઠ રૂ. ૧ થી ૨ હજાર સુધી વસૂલે છે. તેમની મરજી પ્રમાણે નર્મદાનાં અધિકારીઓ પાણી ચાલુ-બંધ કરે છે. તેમનાં જ કહેવાથી સમય થઈ ગયો હોય તો પણ અઠવાડિયું, પંદર દિવસ સુધી પાણી ન છોડીને કૃત્રિમ તંગી ઉભી કરવામાં આવે છે. જેથી હપ્તાની રકમ ડબલ કરી શકાય. કાળી આ કમાણી નર્મદા નિગમનાં ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વહેંચીને ખાય છે. મફત મળતું પાણી અમારે રૂપિયા દઈને ખરીદવું પડે છે એનાથી મોટી કરુણતા બીજી શું હોઈ શકે ? એક તરફ ખેતીમાં પહેલા જેટલો નફો રહ્યો નથી. ઉપરથી આ પ્રકારની કનડગત અમને પડ્યાં પર પાટું જેવી છે.’
વિચારો, એશિયાનું સૌથી મોટું ઢાંકી પમ્પિંગ સ્ટેશન જ્યાં આવેલું છે ત્યાંથી સાવ નજીક આવેલાં ખેરવા ગામની જો આ સ્થિતિ હોય, તો બીજે કેવી હશે? ઝાલાવાડ સહિત આ વર્ષે ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં વરસાદ સરેરાશ કરતાં પણ ઓછો પડ્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે ખેડૂતનો એકમાત્ર આધાર નર્મદાનાં નીર હોય. પણ પાણીમાફિયાઓ કેનાલોમાં ભંગાણ કરીને, કે સીધી પાઈપો જ કેનાલમાં ઉતારીને પાણી ચોરી લે છે. જેથી છેવાડાનાં ખેડૂત સુધી પાણી પહોંચતું નથી. આ પ્રકારની વ્યાપક ફરિયાદો ઉઠી હોવાં છતાં માથાભારે તત્વોની રંજાડ અને ધાકને કારણે ખેડૂતો સામે આવતાં ડરે છે.
![]() |
| આ રીતે નર્મદા કેનાલોમાં ભંગાણ સર્જીને ગેરકાયદે પાણી સંગ્રહ કરીને પછી વેપલો થાય છે. |
![]() |
| કેનાલોનાં નબળાં બાંધકામને કારણે અનેક ઠેકાણે નર્મદાનું અમૂલ્ય પાણી નાળા-વોંકળાઓમાં વહી જાય છે. |
માલવણનાં ખેડૂત લક્ષ્મણભાઈ પટેલ(નામ બદલ્યું છે) કહે છે, “અમારે ત્યાં નર્મદાનાં પાણીની ચોરીએ હવે ગેરકાયદે ધંધાનું સ્વરુપ ધારણ કરી લીધું છે. કશું કામ કર્યા વિનાં કરોડો રૂપિયા મળતાં હોઈ સામે પડનાર ખેડૂતને સબક શીખવવાનું માથાભારે તત્વો ચૂકતાં નથી. અગાઉ એક વ્યક્તિએ પાણીચોરોનાં નામ સાથે ફરિયાદ કરી, તો તેનાં બંને પગ ભાંગી નાખ્યાં હતાં. એટલું જ નહીં માર માર્યાનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો, જે એટલો ઘાતકી હતો કે ગમે તેવાં કઠણ કાળજાંની વ્યક્તિ પણ તે જોયા બાદ માથું ઉચકવાની હિંમત ન કરે. ગુનેગારો પોલીસની રહેમનજરનાં કારણે બે જ દિવસમાં છુટી ગયાં જ્યારે પેલો માણસ કાયમ માટે પગ ખોઈ બેઠો. તેઓ ફરિયાદીનાં ગોઠણથી નીચેનાં પગ ભાંગી નાખે છે જેથી કલમ-૩૦૭ ને બદલે માત્ર કલમ-૩૨૬ લાગે અને ફટાફટ જામીન પણ મળી જાય. આ ચાલાકી તેમને સ્થાનિક પોલીસે જ શીખવાડી છે. હવે તો પોલીસવાળાં અને પાણીચોરો રોજ સાંજે પોલીસચોકીમાં જ ભેગાં બેસીને ચા-નાસ્તો કરતાં હોય છે. હવે તમે જ કહો સાહેબ, અમે ક્યાં જઈએ?”
માલવણ અને ખેરવાનાં ખેડૂતોની વ્યથા સાંભળીને અમે વધુ જાણકારી માટે લખતર તાલુકાનાં અંતરિયાળ ગામ ‘સવલાણા’ તરફ વળ્યાં. અહીં રસ્તાની બંને બાજુ ફેલાયેલાં ખેતરોમાં ક્યારાં કરીને જીરૂ વાવેલું જાઈ શકાતું હતું, પણ પાણીના અભાવે મોટાભાગનાં ખેતરોમાં અંકુર પણ ફૂટ્યાં નહોતાં. રજકો ઉગ્યો ન હોઈ ઢોરાં રોડની બંને તરફ દેશી બોરડીનાં ઝુંડ નીચે પડેલાં ચણીબોરમાં મોં નાખતાં હતાં. ચિત્ર કેટલું નિરાશાજનક હતું તેનો અંદાજ તમે એનાં પરથી પણ લગાવી શકો કે સાતેક કિલોમીટરનાં એ રસ્તે સમખાવા પુરતો પણ કોઈ ખેડૂત અમને સામે નહોતો મળ્યો. સામાન્ય રીતે શિયાળામાં ખેતરો નાથાલાલ દવેની ‘મૌસમ આવી મહેનતની...’ કવિતાની જેમ લીલાછમ પાકોથી હિલોળાં લેતા હોય. જ્યારે અહીં પરિસ્થતિ તેનાથી વિપરિત જાવા મળતી હતી. ગામ આવ્યું તો પણ એ નિરાશાએ પીછો ન છોડ્યો. પાદર પણ દુકાળિયા વરસની ચાડી ખાતું હોય તેમ ભેંકાર ભાસતું હતું. અમે બસ સ્ટેન્ડે ઉતર્યા ત્યાં જ કેટલાક ખેડૂતો મળી ગયાં. અમે તેમને જેવો પાણીને લઈને સવાલ કર્યો કે તરત નિરાશ વદને તેમણે આપવીતી કહેવા માંડી. જેનો સાર એવો હતો કે, ડી-૫ કેનાલમાંથી તેમને પાણીનું જાડાણ અપાયું તો છે, પણ આગળનાં ગામોમાં થતી પાણીચોરીનાં કારણે તેમનાં સુધી પાણી પહોંચતું જ નથી.
આ મામલે સવલાણાનાં ઉપસરપંચ ઘોઘુભા દરબારે કહ્યું,“જીરૂ અને ઘઉં એવા પાક છે જેને વાવણી પછી તરત એક મહિના સુધી સમયાંતરે પાણી મળતું રહેવું જાઈએ. જા આ સમયગાળામાં પાણીની તંગી સર્જાય તો તે ઉગી ન શકે. તંત્ર દ્વારા અમને એવું કહેવાયું હતું કે, વાવણીનાં બીજાં દિવસથી તમને પાણી મળવું શરૂ થઈ જશે. પણ હજુયે અમે રાહ જાઈ રહ્યાં છીએ. સામાન્ય રીતે રવિપાક એવા જીરૂને બે દિવસનાં અંતરે પાણી આપતાં રહેવું પડે. જા તેમાં ગેપ પડી જાય તો ઉગે નહીં. એટલે વાવણી પછી સતત ૨૦ દિવસ પાણી ચાલુ રાખવું પડે. પણ નર્મદાનાં અધિકારીઓ પાકની તાસીર સમજ્યાં વિના આડેધડ પાણી છોડી દે છે. જેમ કે, સાત દિવસ ડી-૫ કેનાલમાં પાણી આપે, અને તે દરમિયાન બાકીની કેનાલોમાં પાણી બંધ કરી દે. એટલે ફરતો ફરતો અમારો વારો આવે ત્યાં સુધીમાં મહિનો નીકળી ગયો હોય અને પાક સૂકાવા માંડ્યો હોય. માની લો કે અમારાં ગામનો વારો આવી પણ ગયો, તો માથાભારે તત્વો પાણી ચોરી જાય છે. એટલે અમારે મોં ફાડીને બેસી રહ્યાં સિવાય કોઈ વિકલ્પ નથી. નર્મદાનાં અધિકારીઓને પાણીચોરો હપ્તા પહોંચાડે છે. જેથી તેઓ આંખ આડા કાન કરી લે છે. અહીં કેનાલોમાં કામોમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર થયેલો છે. અનેક ઠેકાણે નબળાં બાંધકામને કારણે કેનાલો તૂટી પડે છે. હાલ મારા જ ખેતર પાસે કેનાલ તૂટે એવી છે, જે હું સ્વખર્ચે રિપેર કરાવું છું જેથી પાણી આવે ત્યારે કશું નુકસાન ન થાય.”
તંત્રની લાલીયાવાડીની પોલ ખોલતાં સવલાણાનાં ખેડૂત આગેવાન મનસુખભાઈ પટેલ કહે છે, “એક ખેડૂતની જમીન સંપાદનનો વિવાદ હતો જેમાં સરકારે વળતર ચૂકવવામાં હાથ અદ્ધર કરી દીધાં હતાં. જ્યાં સુધી વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી કેનાલનું કામ આગળ વધે નહીં અને અમારા ગામ સુધી પાણી પહોંચે નહીં. સરકારે વળતર ન ચૂકવ્યું એટલે અમે ખેડૂતોએ મળીને જમીન માલિકને રૂ. ૮૫ હજાર ચૂકવી દીધાં હતાં જેથી કામ અટકી ન પડે. પણ તે રૂપિયા આજદિન સુધી સરકારે અમને પરત કર્યાં નથી. નવાઈની વાત એ છે કે આવી ઘણી કેનાલોનાં કામો અધૂરાં મૂકી દેવાયા છે, જે પુરાં કરવાને બદલે જેમનાં તેમ રાખીને જ આગળનું કામ ચાલું કરી દેવાય છે. અમારું કહેવાનું છે કે ભલે થોડાં વિસ્તારમાં કેનાલ નાખો, પણ કામ પુરું કરો. અત્યારે ચારેબાજુ કેનાલોનાં કામો અધુરાં પડ્યાં છે. અગાઉ આ મામલે અમે ખેડૂતોએ મળીને મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. અમારે માત્ર પાણીની સગવડ જાઈએ છે, એ સિવાયનું બધું તો અમે ફોડી લઈશું. આ વખતે ચોમાસું સાવ નબળું રહ્યું છે એટલે અમારો આધાર માત્ર રવિપાક પર છે. જા એ પણ નિષ્ફળ જાય તો પરિસ્થિતિ કફોડી બની જાય. સરકારે વાવણીની સિઝન પહેલાં સીમ તલાવડીઓ, ગામનાં તળાવો વગેરે ભરી દેવાની જરૂર હતી. જા એમ થયું હોત તો પાણીચોરો પેદા જ ન થાત. હાલ અડધી રાત્રે આગળનાં ગામોનાં ખેતરો પાણી પીને ધરાઈ રહે પછી વધ્યું ઘટ્યું પાણી અમારી કેનાલો તરફ વહે તેમાંથી અમારે પુરું કરવાનું હોય છે. એમાં પણ છેલ્લાં કેટલાક વર્ષોથી પાણીચોરોએ ઉપાડો લીધો છે એટલે એ પણ બંધ થઈ ગયું. આમાં ખેડૂત જાય તો ક્યાં જાય? ”
![]() |
| દુકાળિયા વરસની ચાડી ખાતું સવલાણા ગામનું પાદર |
![]() |
| કેનાલોમાં પાણી છોડવામાં તો આવે છે પણ છેવાડાનાં ગામ સુધી તે પહોંચતું નથી. |
![]() |
| નર્મદાનાં અધિકારીઓ ભલે મસમોટી વાતો કરે, હકીકત તમારી નજર સામે છે. |
અહીં ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ખેડૂતોએ નામ ન છાપવાની શરતે ‘અભિયાન’ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, ધ્રાંગધ્રા નર્મદા કેનાલનાં ડેપ્યુટી એન્જિનિયર એ. એચ. જાની પાણીચોરો પાસેથી નિયમિત હપ્તા લે છે. હાલ દરેક ગામને સિંચાઈ માટે એક અઠવાડિયું પાણી આપવાનો નિયમ છે, પણ આ અધિકારી જે ગામમાંથી પાણીચોરો હપ્તો પહોંચાડે તેમની કેનાલોમાં સમયમર્યાદાની ઉપરવટ જઈને પણ પાણી આપતા રહે છે. જેથી તેઓ પોતાનાં ખાનગી તળાવો ભરીને ધંધો કરી શકે અને તેમને પણ તેમાંથી ભાગ મળે. ખેડૂતોએ કરેલાં આ આક્ષેપોની ખરાઈ કરવા માટે ‘અભિયાન’નાં પત્રકારે નર્મદા નિગમનાં ઈન્ચાર્જ સુપરિટેન્ડેન્ટ એલ.એ. પરમારનો સંપર્ક કરતાં તેઓ એક અઠવાડિયાથી રજા પર હોવાનું જણાવ્યું હતું. તેમની પાસેથી ડેપ્યુટી એન્જિનિયર એ.એચ. જાનીનો મોબાઈલ નંબર લઈને સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતા પણ એટલીવારમાં બંને અધિકારીઓને વાતચીત કરવાનો મોકો મળી ગયો હશે. એટલે તેમણે ‘અભિયાન’નાં પત્રકારનો નંબર બીઝી મોડ નાખી દીધો હતો. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી સળંગ દસેક દિવસ નિયમિત તેમનો સંપર્ક સાધવાનાં પ્રયત્નો કર્યાં છતાં અધિકારીએ અમારો નંબર ‘વ્યસ્ત મોડ’માંથી દૂર નહોતો કર્યો. તેમને કદાચ ખ્યાલ નહીં હોય કે આ ભાગેડુવૃત્તિનો સીધો અર્થ એ થાય કે ખેડૂતોનાં આક્ષેપોમાં દમ છે. જો ડેપ્યુટી એન્જિનિયર નિર્દોષ હોય તો શા માટે તેમણે પત્રકાર સાથે વાતચીત કરવાથી ભાગવું પડે? શા માટે તેઓ સામે ચાલીને ખુલાસા નથી કરતાં? શું પાણીચોરો સાથેની તેમની મીલીભગત ખુલ્લી પડી ગઈ એટલે તેમણે આવું પગલું ભરવું પડ્યું? આવા અનેક સવાલોનાં જવાબ વગર કહ્યે પણ મળી રહ્યાં. નવાઈની વાત એ રહી કે ઈન્ચાર્જ સુપરિટેન્ડેન્ટ પાસેથી નંબર લઈને દસ જ મિનિટમાં ડેપ્યુટી એન્જિનિયરને અમે ફોન કર્યો હતો. પણ એટલીવારમાં બંને અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ ગઈ હશે. જેથી તેમને ‘અભિયાન’નાં પત્રકારનો મોબાઈલ નંબર વ્યસ્ત મોડ પર મૂકી દેવાનો સમય મળી ગયો.
પાણીચોરો સાથે આ અધિકારીની મીલીભગતથી કંટાળીને થોડાં દિવસ પહેલા જ સવલાણા ગામનાં ખેડૂતોએ મામલતદાર સહિતનાં અધિકારીઓ સમક્ષ ઢોલ વગાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું હતું કે અધિકારીઓ હપ્તા લઈને પાણીચોરોને પ્રોત્સાહન આપે છે. દરેક ગામમાં કેનાલ દીઠ માથાભારે તત્વો અડીંગો જમાવીને બેસી ગયા છે જે આ ધંધો કરે છે. કહેવા માટે તો સવલાણાને ડી-૫ અને ડી-૬ ડીસ્ટ્રીબ્યૂટરી કેનાલો મારફત સિંચાઈનું પાણી આપવામાં આવે છે, પણ ગામલોકોએ કદી તે જાયું નથી. આગળનાં ગામમાં માથાભારે તત્વો તેમનાં ભાગનું પાણી ચોરીને પોતાની તલાવડીઓમાંથી વેચી દે છે. એક તબક્કે આ દૂષણ અટકાવવા માટે ખેડૂતોએ કેનાલોમાં પાણી છોડાય તે દરમિયાન પોલીસ પહેરો મૂકવાની પણ માગ કરી હતી. પણ તે ફગાવી દેવાઈ હતી. થોડાં દિવસ પહેલાં જ અહીંની નાના ગોરૈયા માઈનરો કમાલપુર સબ ડીસ્ટ્રીક્ટ કેનાલમાં ઠેરઠેર ગાબડાં પડ્યાં હોવાથી પાણીચોરોને મોકળું મેદાન મળી ગયાની વ્યાપક ફરિયાદો ઉઠતાં ખુદ સ્થાનિક ધારાસભ્ય નૌશાદ સોલંકી જાતતપાસ માટે કેનાલોમાં ઉતર્યા હતાં. જ્યાં તેમને અનેક ઠેકાણે કેનાલનાં બાંધકામમાં જ ગોઠવી દેવાયેલી પાઈપો, બકનળીઓ વગેરે મળી આવતાં હોબાળો મચી ગયો હતો. આસપાસનાં ગામોનાં ખેડૂતો આ દ્રશ્યો જાવાં ઉમટી પડ્યાં હતાં. પછી તો ખેડૂતો અને ધારાસભ્યે મળીને બીજી પણ અનેક પાઈપો કેનાલોમાંથી પકડી પાડી હતી જેનાથી બારોબાર નર્મદાનું પાણી ખાનગી તળાવોમાં વાળી લેવામાં આવતું હતું.
![]() |
| પાણીચોરીની વ્યાપક ફરિયાદો ઉઠતાં પાટડી-દસાડાનાં ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી જાતપાસ માટે કેનાલોમાં ઉતર્યા હતાં. |
‘અભિયાન’એ આ મામલે નૌશાદ સોલંકીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, “નર્મદા નિગમનાં અધિકારીઓ છેવાડાનાં ગામ સુધી પાણી પહોંચાડ્યાંનું કહે છે પણ અહીં વાસ્તવિકતા સાવ જુદી છે. આ વિસ્તારમાંથી માળિયા, ધ્રાંગધ્રા, ખારાગોઢા, ઝીંઝુવાડા, બોટાદ, વલભીપુર, લીંબડી અને સૌથી મોટી સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ પસાર થાય છે. પણ મોટાભાગની કેનાલોની માઈનોર કેનાલોનું કોંક્રીટ એટલું નબળું છે કે સામાન્ય પગ મૂકીએ તો પણ તૂટી જાય. નબળી ગુણવત્તાની આ કેનાલોમાં પાણી છોડવામાં આવે તો તે તિરાડો વાટે નાળાં, વોંકળાઓમાં વહીને વેડફાઈ જાય છે. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, માઈનોર, સબ-માઈનોર કેનાલોની દિવાલોમાં જ ખાનગી લોકોએ ફીટ કરેલી પાઈપો પકડાઈ છે. આવું તો જ બની શકે જા અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોય. તેનો સીધો અર્થ એવો પણ થાય કે નર્મદાનાં અધિકારીઓ બધું જાણે જ છે છતાં આંખ આડા કાન કરી રહ્યાં છે. સ્થાનિકો પાસેથી મારા સુધી વાત પહોંચી છે કે, કેટલાક અધિકારીઓ જ પાણીચોરીનાં કાળા કારોબારને પ્રોત્સાહન આપીને કમાણી કરે છે. આ બાબતે મેં નિગમનું પણ ધ્યાન દોર્યું છે. છતાં તેમણે ખુદને સવાલ કરવો જાઈએ કે, દરેક વિસ્તારોમાં જા પુરતું પાણી છોડવાનાં તેઓ દાવા કરતાં હોય તો કેમ છેવાડાનાં ગામનો ખેડૂત પાણીનો પોકાર કરી રહ્યો છે? હવે ‘અભિયાન’ જ્યારે આ સમસ્યાનાં જડ સુધી પહોંચ્યું છે ત્યારે આપનાં માધ્યમથી અમે ઈચ્છીએ છીએ કે નર્મદા નિગમની કામગીરીમાં કેવી પોલંપોલ ચાલે છે તે સમગ્ર ગુજરાત સુધી પહોંચે. હાલ આ વિસ્તારમાં પાણીની તંગીનાં કારણે ખેતરોમાં જીરૂનો પાક સૂકાઈ રહ્યો છે. ઘાસચારાની ભારે અછત છે. અગાઉ કપાસ, રાયડાનો ખરીફ પાક નિષ્ફળ રહ્યો છે, ત્યારે હવે જીરૂનો પાક પણ નિષ્ફળ જશે તો ખેડૂતોની દશા કફોડી થઈ જશે. એટલે માનવતાથી દ્રષ્ટિએ પણ નર્મદા નિગમ તંત્રે વહેલીતકે પાણીમાફિયાઓ સામે કડક હાથે કામ લેવું જાઈએ. જેની શરૂઆત પોતાનાં જ વિભાગમાં રહેલાં ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લઈને કરવી રહી. ”
![]() |
| સરકારી જમીનો પર આ રીતે ગેરકાયદે તળાવો ઉભા કરીને જાહેરમાં નર્મદાનાં પાણીનો વેપાર થાય છે. |
![]() |
| અહીં તળાવની અંદર અને બહાર ફેલાયેલી ગેરકાયદે પાઈપો ઘણું બધું કહી જાય છે. |
![]() |
| જનતા રેડમાં અનેક ઠેકાણે કેનાલોનાં બાંધકામમાં જ ગેરકાયદે ફીટ કરાયેલી પાઈપો પકડાઈ હતી. |
ખેડૂત સમજાવે, અધિકારીઓ સાંભળે
આમ તો અહીં દરેક ગામનાં ખેડૂતોની આગવી સમસ્યાઓ છે. છતાં અમે કેટલીક કોમન સમસ્યાઓનો ઉકેલ શું હોઈ શકે તે તેમની પાસેથી જાણવા પ્રયાસ કર્યો. જેમાં ખેડૂતોએ અમારી ધારણાંઓ કરતાં પણ ચડિયાતી કોઠાસૂઝ બતાવી. ગામડાનો અભણ માણસ ભલે ઈન્ટરનેટ નથી વાપરતો, પણ તેને પોતાને પડતી સમસ્યાઓનાં ઉકેલ શું હોઈ શકે તેની પાકી જાણકારી છે જ. જેમ કે, (૧) કેનાલો ભલે ઓછી બનાવો પણ મજબૂત અને ટકાઉ હોવી જાઈએ. જેથી પાણી છોડવામાં આવે ત્યારે તેમાં ભંગાણ ન સર્જાય. અત્યારે કેનાલો સાવ બોદી છે. વર્ષોથી તેમાં પાણી ન આવતું હોવાથી ઠેરઠેર ગાબડાં પડી ગયાં છે. નર્મદા નિગમનાં અધિકારીઓ આ બાબતે અત્યંત બેદરકારી સેવે છે જે ચલાવી લેવાય નહીં. (૨) જે પણ સીમમાં પાણી આપો ત્યાં પુરતું આપો, ભલે બાકીની સીમ કોરી પડી રહે. અત્યારે નર્મદા નિગમનાં અધિકારીઓ કેલેન્ડર બનાવ્યાં વિના આડેધડ પાણી આપે છે. તેમની પાસે પાણીનાં મોનીટરીંગની કોઈ સિસ્ટમ પણ નથી. અમુક સમય બાદ પાણી છેવાડાનાં ગામમાં પહોંચી ગયું હશે એમ ધારી લેવાય છે. જ્યારે હકીકત સાવ જુદી છે. ઘઉં, જીરૂ જેવા પાકો ઉગે ત્યાં સુધી સળંગ ૨૦ દિવસ પાણી મળવું જાઈએ. એ પછી અઠવાડિયું પંદર દિવસ ખેંચાય તો વાંધો ન આવે. પણ અધિકારીઓ આ વાત સમજી શકતાં નથી જેથી ખેતી બગડે છે. હાલ નર્મદા નિગમે ચારેય બાજુ કેનાલો ફેલાવી દીધી છે પણ પાણી એકેય ફાંટામાં પહોંચતું નથી. (૩) સિંચાઈ આધારિત ખેતીમાં વારા સિસ્ટમ ન ચાલે. એમાં તો એક વખત વાવી દીધું એટલે પછી તેને સમય આવ્યે પાણી આપવું જ પડે, નહીંતર પાક ખતમ થઈ જાય. અત્યારે જે ગામનો પાણીચોર નર્મદાનાં અધિકારીઓને હપ્તો પહોંચાડી દે, તે તરફની કેનાલમાં સતત પાણી ચાલું રહે છે. બીજા ગામનાં ખેડૂતોનું પાણી પણ એ કેનાલમાં વાળી દેવામાં આવે છે અને તેમને ટેકનિકલ ખામીનું બહાનું કાઢીને સમજાવી દેવાય છે. આવું ન થાય તે માટે વારા સિસ્ટમ બંધ કરવી પડે. જે કેનાલમાં પાણી છોડાય ત્યાં છેવાડાં સુધી ન પહોંચે ત્યાં સુધી ચાલું રાખવું. એ પછી એ જ રીતે બીજી દિશામાં પણ પાણી આપવું જાઈએ. (૪) હપ્તાખાઉ અધિકારીઓ અને પાણીચોરોની ગેંગને આકરી સજા થવી જાઈએ. ખેડૂતોની માને છે કે આવા અધિકારીઓ અને પાણીમાફિયાઓને કાયદેસરની કાર્યવાહી કરી, જેલમાં ધકેલી દેવા જાઈએ. કેનાલોમાં પાણી ચાલું હોય ત્યારે તેમાં તોડફોડ કરવાને ગંભીર ગુનો ગણવીને ગુનેગારોને આકરી સજા કરવી જાઈએ. (૫) સરકારે સરપંચ પાસેથી માહીતિ મેળવી, તેમને સાથે રાખી વાવેતરનાં થોડાં દિવસ પહેલાં જ ગામ તથા સીમનાં તળાવો ભરી દેવા જાઈએ. જરૂર પડ્યે તળાવો પર પોલીસ પહેરો પણ ગોઠવી શકાય. આનો ફાયદો એ થાય કે વાવણી પછી તળાવ નજીકનાં ખેડૂતો તેમાંથી પાણી લેશે અને બાકીનાં કેનાલોમાંથી. (૬) પાણી આપવા માટેનું કેલેન્ડર તૈયાર થવું જાઈએ. અત્યારે પરિસ્થિતિ એ છે કે, નર્મદા નિગમનાં કોઠાસૂઝ વગરનાં અધિકારીઓ આગોતરી જાણ કર્યાં વિના આડેધડ પાણી છોડી દે છે. તેમની પાસે જે તે પાકને ક્યાં સમયે પાણીની જરૂર પડે તેની પણ પુરતી માહીતિ હોતી નથી. જો પાકની તાસીર પ્રમાણે દરેક ગામને પાણી આપવાનું એક કેલેન્ડર તૈયાર કરી તેનો અમલ કરવામાં આવે તો ખેડૂત નિશ્ચિંત થઈ જાય. આયોજનનાં અભાવે અત્યારે અડધી રાત્રે પાણી કેનાલોમાં છોડી દેવાય છે. હવે વિચારો, આવી હાડ થીજવી નાખતી ઠંડીમાં ખેતમજૂર કેવી રીતે કામ કરતો હશે? (૭) અત્યારે ક્યાં ખેડૂતે કેટલું પાણી વાપર્યું તેની કોઈ માહિતી નિગમ પાસે નથી. જા તે રાખવામાં આવે તો ઘણાં બધાં ખુલાસા થઈ શકે. સરકારે દરેક ખેડૂતને તેણે વાપરેલાં પાણીની પહોંચ આપવી જાઈએ જેથી પાણીચોરો ખુલ્લાં પડે. (૮) હાલ નર્મદા નિગમમાં સ્ટાફની ભારે અછત છે તેની પૂર્તિ કરવી જાઈએ. જેથી વહીવટનું વિકેન્દ્રીકરણ થાય અને અધિકારીઓ લાંચ લેતાં ડરે. (૯) સરકાર ગામેગામ નર્મદાનાં પાણીનાં સંચાલન માટે પાણીમંડળીઓ રચવાનું કહે છે, પણ તેનાથી ગામલોકોને અંદરોઅંદર વિવાદ થવાની ભીતિ છે. ખેડૂતોની કોઠાસૂઝ કહે છે કે, પાણીનો વહીવટ જેની પાસે આવે તે આગેવાનો મળતિયાઓને લાભ થાય તે રીતે પાણીની વહેંચણી કરે તેવી પુરી શક્યતા છે. એટલે જા ખરેખર સરકાર છેવાડાનાં ખેડૂતનાં ખેતર સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માંગતી હોય તો તેણે વહીવટ ક્યારેય પણ ખાનગી લોકોનાં હાથમાં આપવો જાઈએ નહીં.


























નરેશભાઈ તમારી મહેનત ને લાખ લાખ સલામ!
ReplyDeleteઆભાર હીરેન
Delete