બિમાર ભારત, આયુષ્યમાન ભારત અને પડકારો


વિશ્વભરમાં કેન્સર, ડાયાબીટિસ, હૃદયરોગ જેવાં બિનચેપી રોગોને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા વધી રહી છે અને તેમાં ભારતની સ્થિતિ ખૂબ નાજુક છે. સારી બાબત એ છે કે આયુષ્યમાન ભારત જેવી યોજના શરૂ થઈ છે. પણ તેનો અમલ કરવો કોઈ પડકારથી કમ નથી.





આ લખાઈ રહ્યું છે ત્યારે ઉત્તરપ્રદેશનાં પાટનગર લખનઉમાં એક કિસ્સો સામે આવ્યો છે. અહીંની એક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવેલાં શાહજહાંપુરનાં રહેવાસી કમલેશકુમાર પાસે આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ હોવા છતાં ડોક્ટરોએ મફત સારવાર કરવાથી ઈનકાર કરી દીધો. વડાપ્રધાને 27 સપ્ટેમ્બર 2018નાં રોજ આ યોજના લોન્ચ કરી હતી જેમાં ગરીબ પરિવારને રૂ. 5 લાખની મર્યાદામાં નક્કી કરેલાં દવાખાનાઓમાં મફત સારવાર મળે છે. કમલેશનાં પરિવારજનોનો આક્ષેપ હતો કે, ફરજ પરનાં ડોક્ટર અને સ્ટાફે હોસ્પિટલ આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવતી હોવા છતાં યોજનાનું કાર્ડ સ્વીકારવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં, સ્થાનિક ધારાસભ્ય આ મામલે દરમિયાનગીરી કરવા પહોંચ્યાં તો ડોક્ટર સહિતનો સ્ટાફ તેમની પણ સામે પડી ગયો. અંતે મામલો થાળે તો પડ્યો પણ કમલેશની સારવાર માટે જરૂરી રકમ પહેલાં જમા કરાવવી પડી અને દવાઓ પણ બહારથી લાવવાનું કહી દેવાયું.
આ આખી ઘટના આપણે ત્યાં સરકારી યોજનાઓનાં અમલમાં કેવી મનમાની ચાલે છે તેનો ઉત્તમ નમૂનો છે. બનાવ પાછો એવા સમયે બન્યો છે જ્યારે એક તરફ આયુષ્યમાન ભારત યોજનાને વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહી છે અને બીજી તરફ વૈશ્વિક સ્તરે ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓ પુરી પાડવા મામલે ભારતની સ્થિતિ દયનિય છે. આવું ઘરની ધોરાજી હાંકીને અમે નહીં પણ હાલમાં જ સામે આવેલાં સર્વે અને રિપોર્ટ્સ કહે છે. મેડિકલ સામયિક ધ લાન્સેટ દ્વારા 137 દેશોમાં કરવામાં આવેલા સર્વે મુજબ ભારતમાં નબળાં ઈલાજને કારણે દર વર્ષે અંદાજિત 24 લાખ લોકો મોતના મુખમાં ધકેલાઈ જાય છે. રિપોર્ટમાં આગળ જણાવાયું છે કે વર્ષ 2016માં મૃતકોનો આંકડો 16 લાખ હતો જે વધીને આજે 24 લાખે પહોંચી ગયો છે. જે સાબિત કરે છે કે તમામ પ્રયત્નો છતાં આપણે ત્યાં આરોગ્ય સુવિધાઓની સ્થિતિ કથળી છે અને કોઈ નોંધપાત્ર સુધારો નથી થયો. રિપોર્ટ તો ત્યાં સુધી કહે છે કે, સારી આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવા મામલે ભારત 137 દેશોની યાદીમાં તેનાં પડોશી દેશો ચીન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભૂતાનથી પણ પાછળ છે. સારી સારવારનાં અભાવે ભારતમાં દર એક લાખ લોકો પૈકી 122 મોતને ભેટે છે. પડોશી દેશ ચીનમાં આ આંકડો 46, શ્રીલંકામાં 51, બાંગ્લાદેશમાં 57, નેપાળમાં 93 અને પાકિસ્તાનમાં 119નો છે.
રિપોર્ટ આગળ કહે છે કે, ખરાબ ઈલાજનાં કારણે મોતને ભેટતાં લોકોનાં મામલે ભારત બ્રિક્સ દેશોમાં મોખરે છે. ખાસ કરીને હૃદયરોગ, ટીબી, પક્ષઘાત, કેન્સર અને કીડનીની બિમારીઓ ધરાવતાં લોકોનાં સર્વાધિક મોત આપણે ત્યાં થાય છે. દેશમાં વર્ષ દરમિયાન થતાં મોતમાં 6 ટકા લોકો કેન્સરનાં કારણે મરે છે. એ જ રીતે ડાયાબીટિસ પણ આપણે ત્યાં જીવલેણ સાબિત થઈ રહ્યો છે કેમ કે 6 કરોડથી વધુ લોકો તેનાથી ગ્રસ્ત છે. આ સિવાય શ્વાસ અને ફેફસાં સંબંધિત બિમારીઓનો આંકડો પણ મોટો છે. ટુંકમાં દેશભરમાં દરરોજ 3.5 કરોડ લોકો કોઈને કોઈ બિમારીની સારવાર માટે ડોક્ટર પાસે જાય છે અને એ રીતે ભારત વિશ્વનાં સર્વાધિક બિમારીઓનો બોજ ઉઠાવી રહેલાં દેશોમાં સામેલ થઈ ચૂક્યો છે.
અહીં ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે મૃતકોમાં ચેપી કરતાં બિનચેપી રોગોથી મરનારાં લોકોની સંખ્યા વધુ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો જાન્યુઆરી 2015નો રિપોર્ટ કહે છે કે, વિશ્વમાં બિનચેપી રોગોથી મરનારાંઓની સંખ્યા સતત વધી રહી છે અને તેમાં ભારતની સ્થિતિ અત્યંત નાજુક છે. કેમ કે બિનચેપી રોગોનાં કારણે મૃત્યુ પામતાં 30 થી 70 વર્ષનાં લોકોનો દર 26.2 ટકા જેટલો ઉંચો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન માને છે કે બિનચેપી રોગોમાં કેન્સર, ડાયાબીટિસ, હૃદયરોગ અને શ્વાસ સંબંધિત બિમારીઓ મુખ્ય છે અને તેનાથી દુનિયાની એક તૃતિયાંશ વસ્તી મુશ્કેલી અનુભવી રહી છે. આપણે ત્યાં સરકાર આ રોગો સામે લડવા માટે ધોમ રૂપિયા ખર્ચી રહી છે પણ હજુ સુધી તેનાં અપેક્ષિત પરિણામો જોવા મળતાં નથી. ગત વર્ષે સરકારે 30 વર્ષથી ઉપરનાં 7 કરોડ લોકોની તપાસનો કાર્યક્રમ ઘડ્યો હતો. પણ હજુ સુધી તેમાં કોઈ પ્રગતિ નથી. અહીં તમને એક વાત જાણીને આશ્ચર્ય થશે કે બિનચેપી રોગોનાં કારણે મરતાં લોકોમાં મોટી સંખ્યા શહેરી નહીં પણ ગ્રામીણ ભારતમાં છે. તેનાં કારણો જો કે સ્વયં સ્પષ્ટ છે. કેમ કે ગામડાંઓમાં સ્વાસ્થ્ય સેવાઓની સ્થિતિ ખાડે ગયેલી છે. અંતરિયાળ ગામડાંઓમાં સ્થપાયેલી હોસ્પિટલો જર્જરિત હાલતમાં છે. ન ત્યાં ડોક્ટરોનું કોઈ ઠેકાણું છે ન દવાઓનું. પરિણામે સારી સારવાર માટે ગ્રામ્ય વસ્તી શહેરો તરફ જવા મજબૂર બને છે. આ પ્રવાહ છેવટે તો અમદાવાદ જેવાં મોટાં શહેરોની સિવિલ હોસ્પિટલોમાં બોજ બનતો હોય છે. આ પ્રકારનું સ્વાસ્થ્ય સ્થળાંતર અટકાવવા ગામડાંઓમાં સારી અને સસ્તી સારવાર મળી રહે તે સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ જેથી લોકોને અકાળે મોતનાં મુખમાં જતાં બચાવી શકાય. છેલ્લા કેટલાક સમયમાં કેન્સર જેવી ઘાતક બિમારીઓની સારવારમાં નવી ટેકનોલોજી અને દવાઓ ઉપલબ્ધ બન્યાં છે ખરાં, પણ તે એટલાં મોંઘા છે કે સામાન્ય માણસનો પનો ટુંકો પડે છે. સારી વાત એ છે કે સરકાર આવી મોંઘી દવાઓની કિંમતો ઘટાડવા પ્રયત્નો કરી રહી છે જેથી ગંભીર બિમારીઓથી ત્રસ્ત આમ આદમી પણ તેનો લાભ લઈ શકે. ટેકનોલોજી અને વૈશ્વીકરણનાં વધતાં વ્યાપને કારણે લોકોમાં દેખાદેખીમાં તમાકુ, દારૂ સહિતનાં વ્યસનનું ચલણ વધી રહ્યું છે. એ સ્થિતિમાં જરૂરી છે કે ભારત સરકાર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન જેવી સંસ્થાઓ મળીને આ ગંભીર બિમારીઓ વિરૂદ્ધ લડવા માટે એક ચોક્કસ રૂપરેખા તૈયાર કરે. કેમ કે તેનો વધતો વ્યાપ ન માત્ર અનેક જિંદગીઓને મોત તરફ ધકેલી રહ્યો છે, પરંતુ દેશનાં સામાજિક અને આર્થિક વિકાસમાં પણ રોડાં નાખી રહ્યો છે. સારી બાબત એ છે કે આયુષ્યમાન ભારત જેવી યોજના શરૂ થઈ છે. પણ તેનો અમલ કરવો કોઈ પડકારથી કમ નથી.

Comments